આઓ ફિર સે અપના અપનાયે

Published: Apr 05, 2020, 13:06 IST | Bhavya Gandhi | Mumbai

આરંભ હૈ પ્રચંડ: વેસ્ટર્ન કન્ટ્રીએ હંમેશાં આપણને અટ્રૅક્ટ કર્યા છે કે આપણે લાંબું વિચાર્યા વિના સીધી એ લોકોની દેખાદેખી કરીએ છીએ

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

લૉકડાઉન.

આજે અગિયારમો દિવસ છે અને હજી આપણે ૧૩ દિવસ પસાર કરવાના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ મુજબ ૨૧ દિવસનો લૉકડાઉન છે, પણ સમય અને સંજોગોને જોતાં એ વધારવામાં આવે એવું પણ બની શકે છે અને વધે તો એ આપણા બેનિફિટ માટે જ હોવાનો, પણ મારું કહેવું એટલું છે કે આ સમય દરમ્યાન તમે સેફ રહો અને ફૅમિલી આખું હૅપિનેસ સાથે રહે એ ખૂબ જરૂરી છે. લૉકડાઉનના આ સમયમાં પણ આપણે ઘણી વખત બહાર નીકળવું પડે છે. અસેન્શિયલ વસ્તુઓની ખરીદી કરવા કે પછી બીજા કોઈ કારણસર પણ જ્યારે બહાર નીકળો ત્યારે ખાસ કાળજી રાખજો. તમારા માટે તો એ જરૂરી છે જ, પણ તમારી ફૅમિલી માટે પણ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કોરોના એક એવી લડાઈ છે જેમાં તમે હાર્યા તો તમારી આસપાસના સૌકોઈ હારવાના છે.

મારે આજે વાત કરવી છે, ઘણી એવી વાત અને વસ્તુઓની કે પછી કહો કે આઇડિયાની જે આપણે અડૉપ્ટ તો સહજ રીતે કરી લીધા પણ સાચેમાં આપણને કદાચ એની જરૂર નહોતી. જરૂરિયાત વિના પણ સ્વીકારી લીધેલી એ ચીજવસ્તુઓ માટે હું માત્ર એટલું જ કહીશ કે એ બધી સ્વીકારી લેવા પાછળ ક્યાંક ને ક્યાંક દેખાદેખી જ કારણભૂત રહી છે. મૉડર્નાઇઝેશનના નામે જેકોઈ શો-ઑફ થતા રહ્યા છે એ આપણે સ્વીકાર્યા એ બહુ ખરાબ કહેવાય. એક્ઝામ્પલ સાથે આપણે વાત કરીએ.

નજીકમાં નજીક જો કોઈ ઍન્ટિબાયોટિક આપણી પાસે હોય તો એ હળદર છે અને એની બધાને ખબર જ છે. હળદરનો ઉપયોગ આપણે ત્યાં સદીઓથી કરવામાં આવે છે, કંઈ લાગે કે પછી લોહી નીકળે ત્યારે હળદર લગાડો. આ આપણે જોયું પણ છે. નાના હતા ત્યારે જરાઅમસ્તું લગાડીને આવીએ કે તરત જ આપણને હળદર લગાડી દેવામાં આવતી. મારા સમયમાં તો આ ઓછું થયું હશે પણ એ પહેલાંની જનરેશનમાં તમે જુઓ. આપણાં પપ્પા-મમ્મીને પૂછશો તો તેઓ તરત જ કહે કે હળદર કેટલી વખત તેમણે લગાડી છે અને હળદર લગાડીને કેવી રીતે તેમનું બ્લીડિંગ બંધ કર્યું છે. લોહી નીકળવાનું બંધ થાય એ તો ખરું જ, પણ સાથોસાથ ઘા રુઝાવાનું પણ ચાલુ થઈ જાય. ગળું ખરાબ હોય, થ્રોટ-ઇન્ફેક્શન હોય કે શરદી થાય ત્યારે પણ હળદર પીવી જોઈએ. અગાઉ આપણા ગ્રૅન્ડ પેરન્ટ્સ અને પેરન્ટ્સના સમયમાં એ થતું જ હતું. નરેન્દ્ર મોદીએ હળદરવાળા દૂધને સરસ નામ આપ્યું છે, ગોલ્ડન મિલ્ક. ગોલ્ડ જેટલું કીમતી હોય છે હળદરવાળું દૂધ. હળદરના પાણીના કોગળા કરો તો શરદીમાં રાહત થાય અને થ્રોટ-ઇન્ફેક્શન પણ દૂર થાય. હું આયુર્વેદનો હિમાયતી છું સાવ એવું નથી, પણ આપણા આયુર્વેદને સાવ અવગણી દઉં એવો પણ નથી અને હું કહીશ કે સૌએ આ વાત સમજવી જોઈએ. આપણી પાસે બધા રસ્તા હતા, છે, પણ આપણે એને સ્વીકારવા રાજી નહોતા. અત્યારે કોરોના સામેની લડાઈમાં ધારો કે હૅન્ડ-સૅનિટાઇઝર ખતમ થઈ ગયું તો અપસેટ થવાની કે તાત્કાલિક બહાર જવાની જરૂર નથી. ઘરમાં લીંબુ છે, એનો ઉપયોગ કરો. લીંબુથી હાથ સાફ કરવાનું ચલણ સદીઓથી આપણે ત્યાં હતું. ડેટૉલનો જન્મ નહોતો થયો ત્યારે પણ લીંબુથી હાથ સાફ કરવામાં આવતા અને રેસ્ટોરાંમાં આપણને પણ ગરમ પાણીમાં લીંબુની સ્લાઇસ નાખીને આપવામાં આવે છે એનું કારણ પણ આ જ છે. આ એક પ્રકારનું નૅચરલ સૅનિટાઇઝર છે. આવું ઘણું છે જે વર્ષોથી આપણી સંસ્કૃતિમાં, આપણા સંસ્કારમાં જોડાઈ ગયું છે પણ મૉડર્નાઇઝેશનના દેખાડામાં અને દેખાદેખીમાં એ બધું છૂટી ગયું.

મૉડર્ન થવાની લાયમાં જેકંઈ આપણે ગુમાવ્યું છે એ પાછું મેળવી શકાય એમ છે અને આપણે આ દિવસોમાં એ જ વાત પર ધ્યાન આપવાનું છે. એક સમય હતો કે આપણે જમીન પર પલાંઠી મારીને જમવા બેસતા. આજે બધાના ઘરમાં ડાઇનિંગ ટેબલ આવી ગયાં છે, પલાંઠી વાળીને જમવાની પ્રથા લગભગ નાબૂદ થઈ ગઈ. ટેબલ પર બેસીને જમવાથી તમને એવું લાગે છે કે તમે રિલૅક્સ બેઠા છો, પણ ના, એવું નથી. ડાઇજેશન માટે જો બેસ્ટ કોઈ રીત હોય તો એ આ જ છે, જમીન પર બેસવું અને એ પણ પલાંઠી વાળીને. પલાંઠી વાળીને જમશો તો ક્યારેય કોઈ જાતનો ડાયજેસ્ટિવ પ્રૉબ્લેમ નહીં થાય અને ઓવર-ઈટિંગનો પ્રશ્ન પણ નહીં આવે. હૂંફાળું પાણી પીવાનું હમણાં બે દિવસ પહેલાં આપણા વડા પ્રધાને કહ્યું એટલે હવે બધાને ધ્યાનમાં એ વાત આવી ગઈ છે, પણ જૈન ધર્મમાં તો પહેલેથી જ ગરમ પાણી પીવાનું કહેવામાં આવ્યું છે. ગરમ પાણી સ્વાસ્થ્ય માટે સારું જ છે. ડાઇજેશનથી માંડીને ઇમ્યુનિટી-પાવર વધારવામાં ગરમ પાણી બહુ લાભદાયી છે. તમને એક વાત કહું, તમારે માટે એ નવી છે એની મને ખાતરી છે.

જગ્ગીજી પાસેથી મને જાણવા મળ્યું કે કોલ્ડ વૉટર એટલે કે ઠંડું પાણી પણ ડાયજેસ્ટ કરવું પડે છે. ઠંડું પાણી કે પછી કોલ્ડ ડ્રિન્ક્સ ક્યારેય પીવાં ન જોઈએ. જો નૉર્મલ વૉટર પીવું હોય તો પણ બૉડી ટેમ્પરેચર મુજબનું પાણી પીવું જોઈએ. આપણે ફ્રિજનું પાણી પીએ કે પછી એકદમ ચિલ્ડ કરવા માટે પાણીમાં આઇસ નાખીને પીએ, પણ એ શરીર માટે ખૂબ નુકસાનકારક છે. ખાનપાનની જ વાત કરીએ તો ફૉર્ક, સ્પૂન, નાઇફ કે પછી ચૉપ-સ્ટિકનો ઉપયોગ આવડતો નથી તો પણ આપણે કરીએ છીએ અને એ પણ કારણ વિનાનો. આપણું ફૂડ રોટલી, શાક અને દાળ-ભાત. આ ફૂડ માટે પણ આપણે આ બધાં સાધનો વાપરીએ. તમે જુઓ, નાના બાળકને રોટલી ખવડાવવા એની મમ્મી ચમચીનો ઉપયોગ કરે, ફૉર્ક વાપરે. આ તે કેવી દેખાદેખી અને શું કામની એ દેખાદેખી. હાથ બગડે નહીં એટલેને, તો યાદ રાખજો કે યુરોપિયનને આજ સુધી હાથ ધોવાની આદત નહોતી. વૉશરૂમથી માંડીને ડાઇનિંગ ટેબલ પર પણ તેમને હાથ ધોવાની આદત નહોતી અને આજે તમે જુઓ છો કે દિવસમાં પચ્ચીસ-પચાસ વાર હાથ ધોવા પડે એવી પરિસ્થિતિ આવી ગઈ છે. હાથ ધોવા એ સારી આદત હતી, છે અને રહેશે. આટલા બધા ચોખલાઈ થવામાં માલ નથી અને આપણે અત્યારે એ જોઈએ છીએ કે એવું થવામાં કેવી હેરાનગતિ સહન કરવી પડે છે. આપણે માત્ર ચોખલિયા જ નહીં, પરંતુ દેખાદેખી પણ પુષ્કળ કરીએ છીએ. સાઉથ ઇન્ડિયન પણ ફૉર્કથી ખાનારાઓ જોવા મળે છે. એવું કરનારા એક વખત સાઉથ જઈને જોઈ આવે, રિયલ સાઉથ ઇન્ડિયન ફૂડ ખાનારાઓ પણ ક્યારેય આવી રીતે છરી-કાંટા નથી વાપરતા. અરે, એનું ફૂડ અને આપણું ફૂડ પણ અલગ છે અને એ પછી પણ આપણે આપણી ખોટી બુદ્ધિ વાપરીએ છીએ. ખોટું છે, બહુ ખોટું છે. દેખાદેખી, કારણ વિનાની અને સમજણશક્તિ વાપર્યા વિનાની. આપણે કાચનાં મોટાં-મોટાં બિલ્ડિંગ બનાવવા માંડ્યા છીએ. કાચની વૉલ કરીએ અને કાચનું જ ઇન્ટીરિયર કરીએ. આઉટડોર પણ કાચનું બનાવીએ છીએ. શું કામ, જવાબ છે વેસ્ટર્નમાં એ સ્ટાઇલ છે એટલે, પણ ખોટું છે આ. સાયન્સને જુઓ પહેલાં અને પછી દેખાદેખી કરો. હકીકત એ છે કે પશ્ચિમના દેશો ઠંડા છે, ત્યાં ઠંડી બહુ વધારે હોય છે, કાચ ગરમીનું શોષણ કરે છે, જેને લીધે ગરમાટો અકબંધ રહે છે, પણ આપણું વેધર જુદું છે. આપણે ત્યાં ઑલરેડી ગરમી છે. ૩પ અને ૩૬ ડિગ્રી ટેમ્પરેચર આપણે ત્યાં નૉર્મલ હોય છે, પણ એની સામે આટલું ટેમ્પરેચર તો પશ્ચિમના દેશોમાં બહુ થઈ જાય. જો આવા સમયે આપણે પણ કાચનો મૅક્સિમમ ઉપયોગ કરીએ તો બિલ્ડિંગમાં વધારે ગરમી ઉત્પન્ન થાય અને એવાં બિલ્ડિંગ વધારે ગરમ થાય. આ ગરમી શરીર પર ખોટી અસર કરે અને એને લીધે આપણે ઍરકન્ડિશન પણ વધારે વાપરવું પડે છે. હજી એક વાત મને કહેવી છે, એટેસ્ટેડ કૉપીની.

આપણે ત્યાં એટેસ્ટેડ કૉપીની પ્રથા આજે પણ અકબંધ છે. હકીકત એ છે કે આઝાદી પહેલાં બ્રિટિશરો આપણા કોઈ ડૉક્યુમેન્ટ્સને માન્ય નહોતા ગણતા એટલે જ્યારે પણ ડૉક્યુમેન્ટ્સ દેખાડવાના આવતા ત્યારે એટેસ્ટેડમેન્ટની પ્રથા શરૂ કરવામાં આવી. ઇન્ડિયન બ્રિટિશરને પોતાનાં કાગળ બતાવે અને પેલો બ્રિટિશર એ ચેક કરીને એટેસ્ટેડ કરી આપે જેથી એ ડૉક્યુમેન્ટ બાકીના બધા ડિપાર્ટમેન્ટમાં માન્ય રહે, પણ આજે પણ આ પ્રથા એમ જ ચાલી રહી છે. શું કામ એ જોવાની પણ કોઈએ તસ્દી લીધી નથી. મારું કહેવું એટલું જ છે કે હવે આપણે આપણી દુનિયામાં પાછા ફરીએ અને આપણું જે છે એનો ઉપયોગ કરીએ. સંસ્કાર પણ અને બૌદ્ધિકતા પણ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK