Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જાગતે રહો

જાગતે રહો

30 June, 2019 01:24 PM IST | મુંબઈ
ભવ્ય ગાંધી - આરંભ હૈ પ્રચંડ

જાગતે રહો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આરંભ હૈ પ્રચંડ

આપણે ત્યાં અનેક સંતો, મહંતો, ભગવંતો એવા છે જેમને તમે ધ્યાનથી સાંભળો તો તમને લાગે કે આપણો દેશ આજે પણ મહાન આત્માઓથી ભરેલો છે. આજે મને વાત કરવી છે સદ્ગુરુ જગ્ગી વાસુદેવની છે. આમ તો મને આમની વાત છેક મહાશિવરાત્રિના સમયથી કરવી હતી, પણ દરેક વખતે આ વિષય રહી જતો હતો એટલે નક્કી કર્યું કે આ વખતે સારું મુરત જોયા વિના જ આમની વાત માંડી દઉં અને આમ પણ કહેવાય છેને કે સારા કામમાં મુરત જોવા કે લક્ષ્મીા આંગણે આવે ત્યારે મોઢું ધોવા ન જવાય.



જગ્ગીજીને હું ગુરુદેવ નહીં કહું. મને તેમને માટે આદર એ સ્તરે છે કે તમે એની કલ્પના પણ ન કરી શકો અને છતાં હું તેમને ગુરુદેવ કહેવાનું ટાળવા માગું છું. હકીકતમાં તો જગ્ગીજી માટે ગુરુદેવ શબ્દ પણ નાનો પડે એવી તેમની દિવ્યદૃષ્ટિં છે. તેમની દીર્ઘદૃષ્ટિનની વાત કરવા માટે હું યોગ્ય પણ ન કહેવાઉં, પરંતુ જો તમને તેમના વિશે ખબર ન હોય અને તમારે એ વિશે જાણવું હોય તો તમે ચોક્કસ ગૂગલ કરી શકો છો. તમને તેમના પ્રોજેક્ટ વિશે જેકોઈ ઇન્ફર્મેશન મળશે એ આંખો ચાર કરી દેનારી હશે.


જગ્ગીજીએ હાથ પર લીધેલા પ્રોજેક્ટ્સ વિશે વાત કરતાં પહેલાં મને બીજી થોડી વાતો કરવી છે. ગઈ મહાશિવરાત્રિએ મેં તેમનો આખો કાર્યક્રમ જોયો. તેમણે ખૂબ સરસ, નૉલેજેબલ અને ઊંડાણવાળી વાતો કરી. તેમને સાંભળવાની ખૂબ મજા આવે છે, કારણ કે તેમની વાતો દરેક વ્યક્તિને કનેક્ટ કરે છે. કોઈ પણ ઉંમરની કે ધર્મની વ્યક્તિ તેમની વાતો સાથે જોડાઈ શકે છે, તેમની વાતને પોતાની સાથે રિલેટ કરી શકે છે. તેમની વાતોમાં નર્યો ઉપદેશ નથી, પણ તેમની વાતોમાં વાજબી અને પ્રૅક્ટિકલ કહેવાય એવો ઉપદેશ હોય છે. તેમની યોગની પદ્ધતિને જો તમે જુઓ તો તમને સમજાય કે આજના યોગમાં, દુનિયા ભાગી રહી છે એ યોગમાં અને તેમણે સૂચવ્યો છે એ યોગમાં કેટલો ફરક છે. આજે અનપ્રૅક્ટિકલ કહેવાય એવા ઉપદેશોનો કોઈ અર્થ સરતો નથી. જો તમે એવા ઉપદેશોને જીવનમાં ઉતારવાની કોશિશ કરો તો તમારે દુખી થવાનો વારો આવે. કાં તો તમે દુખી થાઓ અને કાં તો તમારી આજુબાજુના લોકો દુખી થાય, પણ જગ્ગીજીની વાતોમાં પ્રૅક્ટિકલિટી છે. જગ્ગીજી કહે છે કે એ જ કહેવું જોઈએ જે સમજવું અને જીવવું આસાન હોય. યુટ્યુબ પર તેમની અનેક સ્પીચ છે. એ અઢળક સ્પીચ પૈકીની એક સ્પીચમાં તેમણે કહ્યું હતું કે ‘જો હસબન્ડ-વાઇફ વચ્ચે ઝઘડા બહુ થતા હોય એટલે કોઈ વાઇફ એક રૂમમાં અને હસબન્ડ બીજા રૂમમાં રહે તો એ ઝઘડાનું નિરાકરણ આવ્યું ન કહેવાય. નિરાકરણ ત્યારે આવ્યું કહેવાય જ્યારે બન્ને એક જ રૂમમાં હોય અને એકબીજા સાથે સંવાદ કરતાં હોય.’

કેટલી સાચી વાત, કેટલી વાજબી વાત.


મહાશિવરાત્રિની સ્પીચમાં તેમને સાંભળતાં-સાંભળતાં મેં એક ખૂબ જ સરસ કહેવાય એવી વાત નોંધી.

If you can not stay awake, you can not stay awake.

જીવનમાં આ વાત સૌકોઈએ સમજવાની અને એનું પાલન કરવાની જરૂર છે. આ વિષય પર આગળ વાત કરીએ એ પહેલાં હું એનો ભાવાર્થ સમજાવી દઉં. જગ્ગીજીએ કહ્યું હતું કે જો જાગતા રહેશો તો જ સજાગ રહી શકશો. ખૂબ ઉમદા ભાવ છે આ વાતમાં. તેમને સાંભળતાં-સાંભળતાં જ મને મારાં મમ્મી-પપ્પા પાસેથી સાંભળેલી એક કહેવત પણ યાદ આવી ગઈ. ‘બચપન ગંવાયા ખેલ મેં, જવાની ગંવાઈ નિંદ મેં ઔર જબ પાસ આયા બુઢાપા, ઢેર સારા રોયા બિસ્તર મેં ગીર કે.’

આ બન્ને વાત તદ્દન સાચી છે. યોગ્ય સમયે યોગ્ય કામ કરવું એ આપણા સૌની ફરજ છે તો સતત જાગતા રહેવું એ પણ આપણી ફરજ છે. જાગતા રહેવાનો અર્થ એ નથી કે આંખો ખુલ્લી રાખવી. જાગતા રહેવાનો અર્થ એ છે કે જાગ્રત રહેવું. તમે તમારા મનને જગાડો અને મનને જગાડવા માટે તમારે તનને પણ જગાડવું પડશે. આપણે ત્યાં હંમેશાં વહેલા જાગવાની આદત વિશે કહેવામાં આવે છે. આજકાલના અમારા યુથમાં આ આદતનું પ્રમાણ ખૂબ ઓછું છે. કૉલેજ હોય એટલે જાગવું પડે, પણ એને જાગ્યા ન કહેવાય. એ રીતે જાગ્યા વિના ચાલવાનું નથી એટલે તમે જખ મારીને જાગો છો પણ જાગવું, વહેલું જાગવું એ એક આદત હોવી જોઈએ. પરોઢ થાય અને આંખો આપોઆપ ખૂલી જાય એને જાગ્યા કહેવાય. એ સ્પીચમાં જગ્ગીજીએ આ વાતને ખૂબ સરસ રીતે અને સરળતા સાથે સમજાવી હતી. સવારે વહેલા જાગશો તો બધાં કામ સમયસર કરી શકશો અને બધાં કામ સમયસર થશે તો કોઈ પણ જાતનું ખોટું સ્ટ્રેસ નહીં આવે અને પેન્ડિંગ કામનો લોડ માથા પર નહીં હોય ત્યારે નવા કામ માટે મગજ આપોઆપ સતેજ થઈ જશે. મતલબ કે જાગતા રહો તો સજાગતા આવશે. ઘણી વાર આ જ રીતે આપણી પાસે આવતી કે રહેલી ઑપોર્ચ્યુનિટી આપણે ગુમાવી દેતા હોઈએ છીએ. કારણ એ જ, આપણે સજાગ નથી અને એને લીધે પાસે આવેલી એ તકને ગુમાવી દઈએ છીએ. વહેલા જાગવાની આદત આપણે કેળવવી જ જોઈએ. જો એ કેળવી શકીએ તો એનાથી ઉત્તમ બીજું કશું નથી.

બધાં કામ માટે આપણી પાસે પૂરતો સમય પણ રહે છે અને નવાં કામ માટે પણ આપણી પાસે પૂરતો સમય રહેશે. નાના બાળકને ઊંઘવા માટે ૮થી ૧૨ કલાક જોઈએ, મારા-તમારા જેવાઓને તો ૬ કલાકની ઊંઘ બહુ થઈ ગઈ. આજે પણ આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે પાંચ કલાકની ઊંઘ લઈને દેશનું કામ શ્રેષ્ઠન રીતે કરે છે તો આપણે તો હજી આ દુનિયામાં એ સ્થાને પહોંચ્યા પણ નથી. પહોંચવું હોય તો વહેલા જાગવાની પ્રક્રિયાને આદત બનાવી લેવી જોઈએ.

મેં એક વાત નોટિસ કરી છે કે આપણે વહેલા નથી જાગતા એની પાછળનું કારણ માત્ર અને માત્ર ઉજાગરા છે અને આ ઉજાગરો પણ વાહિયાત અને ફાલતુ છે. મોડે સુધી ફ્રેન્ડ્સ સાથે બહાર રહેવું, લેટનાઇટ જાગીને મોબાઇલ પર વેબ-સિરીઝ જોવી કે પછી ચૅટ કરતા રહેવી, મૂવી જોવી. આ અને આવી બીજી બધી જે આદતો છે એ આદતોને લીધે જ વહેલા જાગવાનું શક્ય નથી બનતું. આ બધું બંધ કરી દેવામાં આવે તો એનો સીધો ફાયદો સવારના ઊઠવાની બાબતમાં થાય. જાગવાના અઢળક ફાયદા આપણા પેરન્ટ્સ પણ આપણી પાસે બોલી ચૂક્યા છે એની ના નહીં, પણ જગ્ગીજીએ જે રીતે એ ફાયદાઓની વાત કરી એ અદ્ભુત હતી. તેમની એ વાત સાંભળી લીધા પછી મેં તો નક્કી કરી લીધું કે હું કોઈ પણ ભોગે વહેલો જાગવાનો છું. આપણે ત્યાં અક્ષયકુમાર એવો છે ખરો જે આવી લેટનાઇટ પાર્ટીઓની દુનિયાવાળી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં હોવા છતાં સવારે પાંચ વાગ્યે જાગે છે અને સાંજે ૬ વાગ્યે ઘરે આવવા માટે નીકળી જાય છે. અક્ષયકુમારની એક વાત કહું તમને. તે કોઈ પણ ફિલ્મ સાઇન કરે ત્યારે જ કહી દે છે કે તે નાઇટ શિફ્ટની બે જ ડેટ્સ આપશે. જો વધારે સીન રાતના હોય તો તમારે એ સીનમાં ચીટ કરી લેવાનું. બધા અક્ષયની આ શરત માને પણ છે અને અક્ષય પોતાનું વહેલા જાગવાનું શેડ્યુલ પણ સરસ રીતે સાચવી રાખે છે. કરણ જોહરના ચૅટ-શોમાં અક્ષયકુમારને બોલાવવામાં આવ્યો ત્યારે તેણે સવારે ૭ વાગ્યાની અપૉઇન્ટમેન્ટ આપી હતી અને કરણ પાંચ વાગ્યે પાર્ટી પૂરી કરીને ઘરે જવાને બદલે સીધો શૂટિંગ પર આવ્યો હતો. આ વાત ‘કૉફી વિથ કરન’ શો દરમ્યાનની છે અને એ શોમાં પણ બન્નેએ આ વાત કબૂલી હતી.

જાગો. બસ, બીજી કોઈ વાત નહીં. જાગો. સવારે જાગી જશો તો બીજી ખોટી જગ્યાએ સમય વેડફવાની આદત પણ નીકળી જશે. મોડી રાતે જેને તમારી સાથે વાતો કરવી છે એ જો તમારી સાથે વાતો કર્યા વિના રહી નહીં શકતા હોય તો તે પણ સવારના પહોરમાં જાગી જશે અને તેનામાં પણ આ આદત પડશે. સવારે જાગીને દિવસ વહેલો શરૂ કરનારાઓના ચહેરા પર બ્રાઇટનેસ પણ સાવ નવા જ પ્રકારની આવી જતી હોય છે. આવી વ્યક્તિની પૉઝિટિવિટી પણ અદ્ભુત હોય છે.

મેં તો નક્કી કર્યું છે કે હું વહેલો જાગવાની આદત પાડવાનો છું. બીજી પણ એક વાત તેમણે કરી કે તમારે જગતમાં કંઈ પણ પામવું હોય તો નમઃશિવાયને પામી લો.

ન – પૃથ્વી

મહ – પાણી

શી – અગ્નિ

વા - હવા

ય – આકાશ.

આ પણ વાંચો : યાદ છે તમને અવધેશ દુબે?

આ પંચ મહાભૂતથી જ આપણી દુનિયા, આપણી સાંસારિક સૃષ્ટિ બની છે અને જો તમારે કંઈ પામવું હોય તો બસ નમઃશિવાયને પામી લો એટલે કે પંચમહાભૂતને પામી લો એટલે બધું પામી લેશો. વાત થોડી ઊંડાણવાળી છે, પણ જો સમજવાનો પ્રયત્ન કરીએ અને થોડું પણ સમજી શકાય તો ખરેખર ઘણું પામી લીધાની ફીલિંગ થશે. જો આ વાત સમજી શકાય તો આપણે છીએ ત્યાંથી ઘણા આગળ નીકળી શકીએ છીએ, એક અલગ દુનિયા પામી શકીએ.

Whatsapp-channel Whatsapp-channel

30 June, 2019 01:24 PM IST | મુંબઈ | ભવ્ય ગાંધી - આરંભ હૈ પ્રચંડ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK