શરીરને પંપાળવાને બદલે એને સાચી રીતે વાળશો તો એ એ રીત પર ઢળી પણ જશે

Published: Aug 18, 2019, 10:20 IST | ભવ્ય ગાંધી - આરંભ હૈ પ્રચંડ | મુંબઈ ડેસ્ક

અક્ષયકુમારની ક્વૉલિટીમાંથી આ વાત તો શીખવા જેવી છે જ, પણ સાથોસાથ એ પણ જાણવા જેવું છે કે એ વર્ક મૅનેજમેન્ટ અને ક્વૉલિટી મૅનેજમેન્ટ માટે શું કરે છે?

અક્ષય કુમાર (ફાઇલ ફોટો)
અક્ષય કુમાર (ફાઇલ ફોટો)

આરંભ હૈ પ્રચંડ

ગયા વીકથી આપણે વાત કરીએ છીએ અક્ષયકુમારની અને તેનામાંથી શીખવા જેવી, અપનાવવા જેવી ક્વૉલિટીની. અક્ષય જેમ પોતાના કામની બાબતમાં અને કામના ટાઇમિંગની બાબતમાં પન્ક્ચ્યુઅલ છે એવી જ રીતે તે પોતાના ખાવાપીવાની બાબતમાં પણ એકદમ પન્ક્ચ્યુઅલ છે. કહો કેતે પોતાની જાત સાથે એકદમ સ્ટ્રિક્ટ રહી શકે છે અને રહે પણ છે. મેં એક વાત નોટિસ કરી છે કે જે ફિટનેસની બાબતમાં જાગ્રત થાય છે તે આપોઆપ પોતાના ડાયટની બાબતમાં પણ સજાગ થઈ જાય છે. હવે પ્રશ્ન એ છે કે તમારે પહેલ ક્યાંથી કરવાની, શરૂઆત ક્યાંથી કરવાની? ડાયટ પર ધ્યાન આપીને કે પછી ફિટનેસની બાબતમાં જાગ્રત થઈને? હું એક સરળ રસ્તો કાઢી આપું.

ધારો કે ફિટનેસની બાબતમાં જાગૃતિ લાવવા માગતા પણ હો તમે અને તમને એને માટે સમય ન મળતો હોય તો વાંધો નહીં, એની શરૂઆત જુદી રીતે કરી દો અને અક્ષયની જેમ ડાયટની બાબતમાં એકદમ પર્ફેક્ટ થઈ જાઓ. શું ખાવું છે એની સાથોસાથ એની પણ સભાનતા લઈ આવો કે શું નથી ખાવું અને શું કામ નથી ખાવું. સાંજે સાત વાગ્યા પછી અક્ષય જમતો નથી. હા, તે જૈન નથી અને એ પછી પણ જૈન ધર્મે અપનાવેલી આ સાયન્ટિફિકલી પુરવાર થયેલી રીતને તેણે અપનાવી છે. અક્ષયકુમાર સાથે એક વખત વાત થઈ ત્યારે તેણે સરસ રીતે સમજાવીને આ આખી વાતને સરળ કરી દીધી હતી. અક્ષયે કહ્યું કે ‘રાતે શરીર સૂતું હોય એ સમયે શરીરનાં બધાં અંગ પણ સૂતાં હોય છે. સૂર્યાસ્ત સાથે બધાં અંગ થાકીને એની કાર્યપદ્ધતિ મંદ કરી દે એવા સમયે આપણે પેટમાં અનાજ ભરીને એ બધાને મંદ હાલતમાં પણ કામે લગાડીએ છીએ, એવું શું કામ કરવાનું?’

ભૂખ લાગે તો એવું ખાવાનું પસંદ કરો જે તમારા શરીરનાં અંગોને માફક આવે. થોડા સમય પહેલાં આપણા ‘મિડ-ડે’ના કૉલમનિસ્ટ અને જાણીતા ઍક્ટર મનોજ જોષીએ પણ આપણી ખાનપાનની રીત માટે બહુ સરસ લખ્યું હતું. એ સમયે જ મને વિચાર આવ્યો કે હું આ ટૉપિક પર વાત કરીશ. હવે એ જ મોકો જરા જુદી રીતે આવ્યો છે. સાંજે ૭ વાગ્યા પછી નથી જમવું એટલે નથી જ જમવું. આ નક્કી કરી લો. તમને થાય કે રાતે ફરી ભૂખ લાગે તો શું કરવાનું? ફ્રૂટ ખાઓ. દૂધ પીઓ. આ બધી એવી આઇટમ છે જેને મંદ પડેલાં અંગો પણ ડાયજેસ્ટ કરી આપે છે. ભલે િફટનેસ પર અત્યારે ધ્યાન આપી ન શકાય, પણ ડાયટ પર ધ્યાન આપવાનું શરૂ કરી દેશો તો આપોઆપ તમારું બૉડી ડિટૉક્સિન થવાનું શરૂ થશે. શરીરમાં ઘર કરીને ઝેરી બની રહેલાં તત્ત્વો નીકળવાનું શરૂ થશે એટલે નવી તાજગી આવવાની શરૂ થશે અને નવી તાજગી આવશે તો તમને પોતાને પણ સમજાશે કે ફિટનેસ માટે એક્સરસાઇઝ કરવી કેટલી જરૂરી છે.

હમણાં ઇમરાન હાશ્મીએ લમ્બોર્ગિની કાર લીધી એટલે બધી જગ્યાએ એના ન્યુઝ આવ્યા, પણ તમને ખબર છે કે અક્ષયકુમાર ફૉરેન શૂટ પર જાય તો ત્યાં મૅક્સિમમ તે સાઇકલ વાપરે છે? હા, આ સાચું છે. અક્ષય સાઇકલ વાપરવાનું વધારે પસંદ કરે છે. મુંબઈમાં પણ તેને સાઇકલ વાપરવી છે, પણ આપણે ત્યાં તે સાયકલ ચલાવે તો ટ્રાફિક જૅમ થઈ જાય અને બધા પોતાનાં વાહન પડતાં મૂકીને અક્ષય પાસે એકઠા થઈ જાય અને બધું અસ્તવ્યસ્ત થઈ જાય, પણ અક્ષય તેની આ ઇચ્છા ફૉરેનમાં પૂરી કરે છે. ફૉરેનમાં પણ તે અમુક કન્ટ્રીમાં સાઇકલ નથી વાપરી શકતો એટલે જ્યારે અજાણ્યા દેશમાં શૂટ પર ગયો હોય ત્યારે તે સાઇકલ વાપરે છે. અક્ષયને સાઇકલ વાપરવાની શું જરૂર છે?

કોઈ જરૂર નથી અને એ પછી પણ તે સાઇકલ વાપરે એ જ દેખાડે છે કે અક્ષય માત્ર ટાઇમ મૅનેજમેન્ટને જ નહીં, હેલ્થ મૅનેજમેન્ટને પણ એટલું જ પ્રાધાન્ય આપે છે. આ શરીર આપણું છે. આપણે એને જેમ રાખીશું એમ એ રહેશે અને એવી એને ટેવ પડશે એટલે તમારી બૉડીને પપલાવવાને બદલે અને પંપાળવાને બદલે એને સાચી રીતે ઢાળી દેશો તો એનો લાભ વધારે મળશે. વધુ શરીર ચાલશે તો તમે વધુ સારી રીતે કામ કરી શકશો. માત્ર કામ કરવા માટે જ નહીં, પણ જો હેલ્થ સારી હશે તો એની સીધી અસર મન પર થશે, મન પૉઝિટિવ રહેશે અને પૉઝિટિવિટી રહેશે તો લોકો સાથે સારો વ્યવહાર કરવાની માનસિકતા પણ મનમાં અકબંધ રહેશે. મોટા ભાગના ઝઘડા, મનદુખ અને કજિયાઓ માત્ર ને માત્ર નેગેટિવ મેન્ટાલિટીને કારણે થતા હોય છે એ સહેજ તમારી જાણ ખાતર.
હેલ્થ મૅનેજમેન્ટ, ટાઇમ મૅનેજમેન્ટ પછી હવે છેલ્લી પણ સૌથી અગત્યની વાત.

વર્ક મૅનેજમેન્ટ અને ક્વૉલિટી મૅનેજમેન્ટ.
તમે એક વખત અક્ષયકુમારના કામનો ગ્રાફ જુઓ. તમને ખબર પડશે કે જે ફિલ્મો કોઈ મોટો સુપરસ્ટાર કરવા રાજી નથી થતો એવી ફિલ્મો અક્ષયકુમાર એકઝાટકે કરવા તૈયાર થઈ જાય છે અને તે પૂરી શ્રદ્ધા સાથે એ ફિલ્મો કરે છે. રિઝલ્ટ પણ કેવું આવે છે પછી, ધાર્યું ન હોય, કલ્પના પણ ન કરી હોય એવું અદ્ભુત. એનું કારણ છે પોતાનું કન્વિક્શન અને ફિલ્મ માટેનું તેમનું ડેડિકેશન. પર્ફેક્શન અને ડેડિકેશન સાથે કામ કરવામાં આવે તો એ તમને સફળતા આપે જ આપે. અક્ષયની ખાસ વાત એ છે કે તે બધા માટે ઉપલબ્ધ રહે છે. આપણે તો કામ શરૂ કરતાં પહેલાં જ એટલાંબધાં બૅરિકેડ્સ ઊભાં કરી દઈએ છીએ કે કામ તો થતાં થાય, આપણને આપણે જ ગોઠવેલાં બૅરિકેડ્સ નડવાનાં પહેલાં શરૂ થઈ જાય. એ હા પાડે છે તો મનમાં શંકા નથી રાખતો અને મનમાં શંકા રાખે છે તો એના મોઢામાંથી હા નથી નીકળતી. બહુ સિમ્પલ છે આ રીત. હા પાડો તો મનમાં શંકા રાખ્યા વિના કામ ચાલુ કરી દો અને પૂરી નિષ્ઠાથી કામ કરો અને જો મનમાં શંકા છે તો હા પાડીને બન્ને બાજુએ પગ રાખવાની નીતિ છોડી દો. કામ કરવાની ઇચ્છા નથી તો અત્યારથી જ ના કહી દો. તમે પાડેલી ના થોડો સમય નહીં ગમે, પણ આગળ જતાં તકલીફ ઓછી આપશે. આપણે પણ ઘણાં ન કરવાનાં કામ હાથમાં લઈને પછી વેઠ ઉતારીએ છીએ એને બદલે બહેતર છે કે પહેલેથી જ સ્પષ્ટતા હોય અને ના પાડી દીધી હોય. બગાડેલું કામ એ સામેવાળાને જેટલું નુકસાન પહોંચાડે છે એના કરતાં વધારે એ આપણી ઇમેજને ડૅમેજ કરે છે. જો જાતને ડૅમેજ થવાનું હોય તો એવું કોઈ કામ કરવું જ નથી અને કરવું છે તો કોઈ જાતની આડાઈ મનમાં અકબંધ રાખવી નથી. નવા માણસને હા પાડી હોય તો પણ અક્ષય એટલી જ સિદ્દતથી કામ કરશે જાણે સામેની વ્યક્તિ કરણ જોહર અને આદિત્ય ચોપડા છે. આગળ કહ્યું એમ, બધા માટે હાજર હોવાનો આજે જો કોઈને સૌથી વધુ બેનિફિટ હોય તો એ અક્ષયકુમારને છે. તે બધા માટે હાજર છે, પણ તે બધાને પોતાના માનીને ચાલવાની ભૂલ પણ નથી કરતો. આ નિયમ તેણે પ્રોફેશનલ ડીલ્ડમાં જ રાખ્યો છે. તમને નવાઈ લાગશે કે અક્ષયકુમાર ક્યારેય ટોળામાં હોતો જ નથી, ક્યારેય નહીં.

અક્ષયકુમાર એકદમ ખુશી-ખુશી કામ કરતો હોય, પણ જેવું કામ પૂરુ થયું કે તરત પોતાની રૂમમાં કે વૅનિટી વૅનમાં પહોંચી જાય છે. અક્ષયને એવું હોતું જ નથી કે ફલાણો મળ્યો તો તેની પાસેથી ગૉસિપ કઢાવું અને ઢીકણો મળ્યો તો તેની પાસેથી જાણું કે ઇન્ડસ્ટ્રીમાં શું ચાલે છે. બીજા શું કરે છે એનાથી તેને નિસબત જ નથી. એક સામાન્ય દાખલો આપું તમને. ‘કેસરી’ ફિલ્મના સબ્જેક્ટ પર એકસાથે ત્રણ જગ્યાએ કામ ચાલતું હતું. અક્ષયને ખબર હતી. સ્ક્રિપ્ટ તેની પાસે આવી ત્યારે આ વાતની ચોખવટ પણ થઈ. અક્ષયે સ્ક્રિપ્ટ સાંભળતાં પહેલાં જ કહી દીધું કે જો મને સબ્જેક્ટ ગમશે તો હું કરીશ, પછી ભલે બીજા ત્રણને બદલે ૬ બનાવતા. મને એનાથી કોઈ ફરક નથી પડતો.

આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

આ સ્પષ્ટતાનું પરિણામ હવે આપણા બધાની સામે છે. આજે ‘કેસરી’ સુપરહિટ ફિલ્મ સાબિત થઈ છે અને અક્ષયકુમારના નામે વધુ એક ફિલ્મ હન્ડ્રેડ કરોડ ક્લબમાં આવી ગઈ છે. કહેવાનો ભાવાર્થ એવો કે જો તમને શ્રદ્ધા હોય તો ક્યારેય કોઈ અડચણ આવતી નથી. જો તમને વિશ્વાસ હોય તો ક્યારેય કોઈ વચ્ચે હેરાન કરવા પણ આવતું નથી. જરૂર છે તો વિશ્વાસની, શ્રદ્ધાની.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK