Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શુભારંભ : એક ગ્રેટા જગાડો તમારી અંદર

શુભારંભ : એક ગ્રેટા જગાડો તમારી અંદર

06 October, 2019 01:42 PM IST | મુંબઈ
આરંભ હૈ પ્રચંડ - ભવ્ય ગાંધી

શુભારંભ : એક ગ્રેટા જગાડો તમારી અંદર

ગ્રેટા ધી ગ્રેટ : ગ્રેટ થનબર્ગે ક્લાયમેટ વિરુદ્ધ પોતાના જ દેશ સામે લડત શરૂ કર્યા પછી ગ્રેટા દુનિયાઆખી સામે સ્ટાર બની ગઈ.

ગ્રેટા ધી ગ્રેટ : ગ્રેટ થનબર્ગે ક્લાયમેટ વિરુદ્ધ પોતાના જ દેશ સામે લડત શરૂ કર્યા પછી ગ્રેટા દુનિયાઆખી સામે સ્ટાર બની ગઈ.


આજના યંગસ્ટર્સ શું શોધે છે? તેમને શું જોઈએ છે? દુનિયાને બદલવાની ભાવના તેમનામાં છે કે પછી માત્ર વાતો જ કરે છે? નાની ઉંમરે પણ તેઓ શું કરી શકવાના? એકલો યુવાન શું કરી લેવાનો? તેની સાથે કોણ જોડાશે? કોઈ તેની વાતનો સ્વીકાર કરશે કે પછી રાબેતા મુજબ જ તેમનો વિરોધ કરવામાં આવશે? નવું કરવા માટે કોઈ સહમતી આપશે? નવું કરતો હશે તો કોઈ શું વિચારશે? અરે, બીજા સૌને છોડો, બહારનાને ભૂલો, ઘરમાં પેરન્ટ્સ સપોર્ટ કરશે કે નહીં?

ન્યુઝપેપરની એક નાનકડી હેડલાઇને આ બધાના જવાબ આપી દીધા. ૧૬ વર્ષની સ્વીડનની એક કિશોરીને જ્યારે ખ્યાલ આવ્યો કે તેની સ્વીડન ગવર્નમેન્ટ દુનિયાભરના દેશોએ સ્વીકાર્યો હતો એ પૅરિસ ક્લાયમેટ ઍગ્રીમેન્ટને ફૉલો નથી કરતી ત્યારે તેણે રીતસરનો વિરોધ શરૂ કર્યો અને ક્લાયમેટને બચાવવા આગળ આવી. તે આગળ આવ્યા બાદ આખા વિશ્વને ખબર પડી કે જો ધારે તો ૧૬ વર્ષની એક છોકરી શું કરી શકે.



પ્રશ્ન એ થાય કે શા માટે ૧૬ વર્ષની ઉંમરે તેણે આટલીબધી ચિંતા કરવાની? આ બધી ચિંતા કરવા માટે તો ગવર્નમેન્ટ છે. તો પછી શું કામ આવી ઉપાધિ લેવાની. ના લેવાની, જ્યારે ખ્યાલ આવે કે ગવર્નમેન્ટ પણ ભૂલ કરી શકે છે તો દેશના નાગરિક તરીકે તમારી ફરજ છે. આ જગતના જે વાતાવરણમાં આપણે જીવીએ છીએ એ કુદરતે આપેલું વરદાન છે. જો એનું ધ્યાન રાખવામાં નહીં આવે તો આવનારો સમય કેવો હશે એ તમારે જ વિચારવું પડશે, તમારે જ એને માટે જાગૃતિ લાવવી પડશે.


હેટ્સ ઑફ ટુ હર. આપણે જેના વિશે વિચારવા પણ તૈયાર નથી એ વિચારને અમલમાં મૂકવાનું કામ આ છોકરીએ કર્યું.

૧૬ વર્ષની છોકરીનું નામ છે ગ્રેટા થનબર્ગ. સ્વીડનની તે રહેવાસી છે. ગ્રેટાએ મૂવમેન્ટ ચાલુ કરી છે અને એનું નામ છે ‘ફ્રાયડે ફૉર ફ્યુચર.’


આ મૂવમેન્ટ શરૂ થયાને લગભગ ૧૪ મહિના થયા. ૨૦૧૮ના ઑગસ્ટ મહિનામાં તેણે એની શરૂઆત કરી. સ્કૂલ પાસે તેણે રજા માગી, જેને માટે તેણે કારણ આપ્યું કે તે સ્વીડન પાર્લમેન્ટ સામે વિરોધ પ્રગટ કરવા માગે છે. તેનો મુદ્દો હતો પર્યાવરણ બચાવો. ગ્રેટાને ખબર પડી કે સ્વીડન ગવર્નમેન્ટ પર્યાવરણને બચાવવા માટે સિરિયસ નથી, જે વાતને મુદ્દો બનાવીને તેણે ચળવળ શરૂ કરી અને થોડા જ સમયમાં ગ્રેટા વિશ્વભરમાં પૉપ્યુલર થઈ ગઈ. જો ૧૬ વર્ષની એક છોકરીને પર્યાવરણની આટલી ચિંતા હોય તો સ્વીડન ગવર્નમેન્ટને કેમ નથી?

બધા ભેગા થયા અને પ્રોટેસ્ટની શરૂઆત થઈ.

શરૂઆતમાં બધા સ્ટુડન્ટ્સ ભેગા થયા અને તેઓ જ પ્રોટેસ્ટ કરે, પણ પછી તો એવું થયું કે સ્ટુડન્ટ્સ પ્રોટેસ્ટનો દિવસ નક્કી કરે અને એમાં હજારો લોકલ લોકો પણ જોડાઈ જાય. પોતાના વિચારોની છાપ ગ્રેટાએ એટલી જોરદાર છોડી કે ‘ટાઇમ’ મૅગેઝિને એને કવર-પેજ પર લીધી. ગ્રેટાના એ પ્રોફાઇલનું ટાઇટલ હતું, ‘ધ નેક્સ્ટ જનરેશન લીડર.’ VICEએ ૩૦ મિનિટની એક ડૉક્યુમેન્ટરી બનાવી જેનું ટાઇટલ હતું ‘મેક ધ વર્લ્ડ ગ્રેટા અગેઇન.’ જગતભરનાં મીડિયા-હાઉસે આ આખી મૂવમેન્ટને ‘ગ્રેટા થનબર્ગ ઇફેક્ટ’ કહીને વધાવી લીધી. ૧૬ વર્ષની આ એક છોકરીની તાકાત છે. હૉલીવુડ-બૉલીવુડ સહિતની દુનિયાની ઘણી હસ્તીઓનો, સેલિબ્રિટીઓનો ગ્રેટાને સપોર્ટ છે અને ગ્રેટા અત્યારે દુનિયાભરમાં ફરીને પર્યાવરણ બચાવવા મહેનત કરી રહી છે. 

ગ્રેટાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે પહેલી વાર જ્યારે તેણે પોતાના ફ્રેન્ડને કહ્યું કે તે ક્લાયમેટ મુદ્દે સરકાર સામે લડવા માગે છે ત્યારે તેની સાથે કોઈ આવ્યું નહોતું. ગ્રેટાનો પહેલો પ્રોટેસ્ટ સાવ એકલો હતો અને એ સમયે તે પાર્લમેન્ટ-હાઉસ સામે એકલી ઊભી રહી હતી, પણ ધીરે-ધીરે લોકોએ એની નોંધ લીધી, નોંધ લેવી પડી અને પછી બધા તેની સાથે જોડાયા. એક વિચારની કેટલી તાકાત હોય છે એનું આ એક્ઝામ્પલ છે. ૭ મહિના પહેલાં એક સમય એવો આવ્યો હતો કે એકસાથે ૯૦ દેશનાં વિવિધ શહેરોમાં એક જ દિવસે લાખો સ્ટુડન્ટ્સ પ્રોટેસ્ટ કરતાં ગ્રેટાના સપોર્ટમાં ઊભા હતા.

આ બધું જે ચાલે છે એ જોઈને બધા ગ્રેટાને મહાન જ માને છે એવું નથી. ગ્રેટાને ગાંડી કહેનારાઓ પણ છે અને અમુક લોકોએ એમ કહીને પણ તેને ઉતારી પાડી છે કે તેને માનસિક ‌બીમારી છે. માનસિક અસ્વસ્થતાને લીધે જ તે આવું ગાંડપણ દેખાડે છે. ગ્રેટા પર આવો આરોપ લગાડનારાને જવાબ આપતાં ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે હા, એ લોકો સાચા છે. તેમને પર્સનાલિટી સિન્ડ્રૉમ છે, જે અમુક કિસ્સાઓમાં બીજા બધા કરતાં વ્યક્તને નૉર્મલ નથી રહેવા દેતું. મારા કેસમાં આ સિન્ડ્રૉમ મને કદાચ એટલે જ બીજા કરતાં નૉર્મલ રહેવાને બદલે અલગ રહેવામાં મદદ કરતું હશે.

ગ્રેટાને કોઈ માનસિક બીમારી છે કે નહીં એની તો ખબર નથી અને એ આપણો વાતનો વિષય પણ નથી, પરંતુ એક વાત તો નક્કી છે કે જો આજે તમે કોઈ વિચારને મજબૂત રીતે વળગી રહો, કોઈના ભલા માટે તમે નિઃસ્વાર્થ મચી પડો તો જગતે તમારી નોંધ લેવી પડે છે. વિચારોમાં એ તાકાત હોવી જોઈએ અને એ ફાઇટિંગ-સ્પિરિટ હોવી જોઈએ કે જો મારી સાથે કોઈ નહીં હોય તો મને વાંધો નથી, હું સાચો છું તો હું એકલો લડીશ. સામે કોઈ પણ હોય, કંઈ પણ હોય.

આપણે પણ આ જ ફાઇટિંગ-સ્પિરિટ સાથે આગળ વધવાની જરૂર છે. નાના-મોટા પ્રૉબ્લેમને લઈને આપણે રડતા બેસી રહીશું એનો કોઈ અર્થ નથી. આપણી પાસે આજે જે તાકાત છે, સમય છે, જે એકતા છે એ કદાચ આગળ નહીં હોય, પણ એ સમયે હારીને બેસવાને બદલે આજે આ આગ લઈને આગળ વધવાની જરૂર છે. હું એમ નથી કહેતો કે માત્ર પર્યાવરણને બચાવવા માટે ગ્રેટા સાથે જોડાઈ જાઓ. જોડાઓ તો સારું જ છે, પણ તમારી પાસે પણ ખરેખર કોઈ એવો પ્રશ્ન હોય તો એને માટે લડી લેવાની તાકાત રાખો અને કૂદી પડો. આપણા દેશને પણ આજે જો આગળ લાવવું હશે તો એના પોતાના ઘણા પ્રશ્નો છે, એને પૂરા કરવા પડશે અને એ માટે યંગસ્ટર્સ જ આગળ આવે એ જરૂરી છે. જો આપણે જ આગળ નહીં આવીએ તો આવનારા સમયમાં આ દેશ માટે આપણે જ ફરિયાદ કરતા હોઈશું અને એ સમયે ફરિયાદ કરવાનો કોઈ અધિકાર પણ કદાચ આપણી પાસે નહીં હોય. તમારી આસપાસની દુનિયાને આજે સારી બનાવવી હોય, આવનારા સમયમાં સારી દુનિયામાં જીવવું હોય તો એને માટે આપણે બધાએ આજે જ આગળ આવવું પડશે અને એ માટે લડવું પડશે.

આ પણ વાંચો : ભાષાપુરાણ : અસ્તિત્વની આ લડત તો જ જીતશો જો એનો વ્યાપ વધશે

સ્વચ્છતા અભિયાન જેવાં અનેક એવાં અભિયાન આપણી સરકાર ચલાવે છે જે સાચા અર્થમાં આ દેશને વધુ સારો અને જીવવાલાયક બનાવવાનું કામ કરે છે, પણ આપણે જ એમાં પૂરા મનથી જોડાતા નથી. કચરો તો થાય અને કચરો થશે તો જ સફાઈ થશે જેવી માનસિકતા સાથે આપણે આગળ વધીને આપણી આસપાસની દુનિયાને વધારે બગાડી રહ્યા છીએ. માત્ર સફાઈ માટે જ નહીં, દરિયાની સંભાળ માટે કે પછી ક્લીન એનર્જી માટે, પાણી બચાવવા બાબતે કે પછી રોડ-સેફ્ટી માટે, એજ્યુકેશનલ રાઇ્ટસ માટે કે પછી અન્ય કોઈ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી માટે આપણે આગળ આવવું પડશે અને એ બધા માટે દર વખતે બીજા પર અપેક્ષા રાખીને બેસવાનું બંધ કરવું પડશે. જરૂરી નથી કે ગ્રેટા આવે, જરૂરી એ છે કે આપણી અંદરની ગ્રેટા જાગે અને આપણે જ શરૂઆત કરીએ. આ શરૂઆત પણ આપણા માટે જ છે, જીવનને વધુ બહેતર બનાવવાની દિશામાં છે.

Whatsapp-channel Whatsapp-channel

06 October, 2019 01:42 PM IST | મુંબઈ | આરંભ હૈ પ્રચંડ - ભવ્ય ગાંધી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK