Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > 5-G નહીં મળે તો ચાલશે પણ મસૂદ અઝહર વિના નહીં ચાલે

5-G નહીં મળે તો ચાલશે પણ મસૂદ અઝહર વિના નહીં ચાલે

03 March, 2019 11:03 AM IST |
ભવ્ય ગાંધી

5-G નહીં મળે તો ચાલશે પણ મસૂદ અઝહર વિના નહીં ચાલે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આરંભ હૈ પ્રચંડ

પુલવામામાં જે કંઈ બન્યું અને એના પછી જે આખો ઘટનાક્રમ ચાલ્યો છે એ અદ્ભુત છે. આ બધાનો જશ ખરેખર અત્યારની ગવર્નમેન્ટને આપવાનું મન થાય અને એનું કારણ પણ છે. આવી ઘટનાઓ પહેલાં પણ બની હતી, પણ રિઝલ્ટ આ પ્રકારનાં નહોતાં આવતાં. આતંકવાદી હુમલાઓ પહેલાં પણ થતા હતા, પણ આ પ્રકારને એની પ્રતિક્રિયા આપવામાં આવતી નહોતી, ઍક્શન તો એ લોકો પહેલાં પણ લેતા, પણ રીઍક્શન આપવામાં આપણે જ ઢીલા પડતા. આપણા જવાનો, સૈનિકો અને આપણા લોકોને ઉપાડી જવાનું કામ તે લોકો પહેલાં પણ કરતા, પણ તેમને પાછા આપવાની દરકાર તેમનામાંથી કોઈ નહોતું કરતું. સરબજીતને ઉપાડી લીધા પછી છેક આપણને તેમની ડેડ-બૉડી મળી. અભિનંદન વર્ધમાન જે રીતે પાકિસ્તાનમાં પકડાયા એ જોઈને મને એવું જ હતું કે હવે એ પાછા નહીં આવે અને આવશે તો વર્ષો નીકળી જશે પણ ના, એવું થયું નહીં અને બે દિવસમાં, માત્ર બે દિવસમાં દુશ્મન દેશના હાથમાંથી તે પાછા આવી ગયા.



હેટ્સ ઑફ. નરેન્દ્ર મોદી સરકારે પુરવાર કર્યું કે અગાઉની સરકાર અને અત્યારની સરકાર વચ્ચે આ જ મોટો ફરક છે. અગાઉની સરકારથી જે નહોતું થતું એ આ સરકારથી થાય છે અને દુનિયા જોતી રહી જાય એ રીતે આ સરકારથી કામ થાય છે. ફ્રેન્ક્લી સ્પીકિંગ, અમને યુથને રિઝલ્ટમાં રસ છે. કૂટનીતિ, રાજનીતિ, ચાલબાઝી જેવી વાતો સાથે અમને કંઈ લેવાદેવા નથી. અમને, ખાસ કરીને મારી એજના જે યંગસ્ટર્સ છે એ બધા એક જ વાત માને છે કે બાય હૂક ઓર ક્રુક, રિઝલ્ટ આવવું જોઈએ અને એ આપણી ફેવરમાં આવવું જોઈએ.


અભિનંદન વર્ધમાન શુક્રવારે રાતે ઇન્ડિયામાં એન્ટર થઈ ગયા અને પછી તરત જ બધી જાતની ફૉર્માલિટીમાં લાગી ગયા, પણ વાત અહીંયા અટકી નથી જતી. વાત અહીંથી નવેસરથી શરૂ થશે. હવે શું? હવે શું ફરીથી આપણે ક્રિકેટ રમવા માંડવાનું તેમની સાથે? હવે ફરીથી તેમના આર્ટિસ્ટને કામ આપવાનું ચાલુ કરી દેવાનું કે એ બધું હજી બંધ રાખવાનું છે? મને લાગે છે કે આપણે આપણી આ જે કરડાકી દેખાડી છે એને કન્ટિન્યુ કરવાની જરૂર છે. આપણી આ જે લાલ આંખ છે એને આપણે હજી પણ લાલ જ રહેવા દેવાની છે. દર વખતે પાકિસ્તાન આવી જ રીતે આપણને છેતરીને સંબંધોમાં શાંતિ કરી નાખે છે અને પછી ફરીથી જેવી તક મળે કે તરત જ પીઠ પાછળ ઘા કરે છે. પાકિસ્તાનની આ આદત હવે ભુલાવવાની છે. એણે જેની પણ પીઠ પાછળ ઘા કરવો હોય એની પાછળ કરે, પણ એ ઘા ઇન્ડિયા પોતાની પીઠ પર નહીં લે.

પાકિસ્તાનની ઇકૉનૉમી આજે સાવ કંગાળ હાલતમાં છે. કરન્સી વૅલ્યુની વાત કરીએ તો આપણો એક રૂપિયો એટલે ત્યાંના બે રૂપિયા. હું ઇકૉનૉમી એક્સપર્ટ નથી, પણ આ આંકડા પરથી એટલું તો કહી શકું કે આપણી કરન્સી કરતાં પાકિસ્તાનની કરન્સી ઑલમોસ્ટ ડબલ વીક છે. આ જે વીકનેસ છે એના પર ધ્યાન આપવાને બદલે આજે પણ પાકિસ્તાનને હિન્દુ-મુસ્લિમ વિખવાદ જગાડવામાં રસ છે અને કાશ્મીર માટે સમય વેડફવામાં રસ છે. જો પાકિસ્તાનની ઔકાત હોત તો એણે પહેલાં જ કાશ્મીર લઈ લીધું હોત પણ ના, એવી કોઈ એની ત્રેવડ નથી અને એવી કોઈ ક્ષમતા પણ એનામાં નથી. સપનાં જોવાં જોઈએ, સપનાં જોવામાં કશું ખોટું નથી પણ સપનાં જોયાં પછી એને પૂરાં કરવા માટે જરૂરી મહેનત પણ કરવાની હોય. આ મહેનત કરવાની તૈયારી પાકિસ્તાનમાં નથી.


હમણાં થોડા સમય પહેલાં હું થોડો ફ્રી હતો. ઇરાદાપૂર્વક મેં થોડો સમય મારી જાતને સ્ક્રીનથી દૂર કરી લીધી હતી. શું કામ એવું કર્યું એ પણ તમને સમજાવી દઉં. નાની એજમાં જેનો ફેસ સ્ક્રીન પર આવી ગયો હોય તેણે પોતાનામાં આવી રહેલાં વૉઇસ-લૂક જેવા બધાં ચેન્જિસને ધ્યાનમાં રાખીને જાતને ઑફ-સ્ક્રીન કરી દેવી જોઈએ જેથી તે જ્યારે કમબૅક કરે ત્યારે તેની એ નવી પર્સનાલિટી લોકોને દેખાય પણ ખરી અને લોકોને એ ચેન્જ પચાવવો ગમે પણ ખરો.

ઑફ-સ્ક્રીન દરમ્યાન મેં અમુક પ્લાન બનાવ્યા હતા જેમાંથી એક પ્લાન હતો પાકિસ્તાન જવાનો. હા, મને બહુ ઇચ્છા હતી કે હું પાકિસ્તાન જાઉં અને ત્યાં ફરું. મંે બધી તપાસ પણ કરી લીધી હતી. પાકિસ્તાનમાં મને રાઇટર સહાદત હસન મન્ટોથી માંડીને બીજા આપણા જાણીતા સાહિત્યકારો અને કલાકારોનાં ઘર પણ જોવા હતાં જે પાર્ટિશન પછી પાકિસ્તાનમાં થઈ ગયાં. મને ખબર હતી કે પાકિસ્તાન ફરવા જવા માટે વિઝા નથી જ મળતા એટલે મેં કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ જવાનું નક્કી કર્યું હતું અને આ પ્રકારના ત્રણ ટ્રુપ સાથે વાત પણ કરી લીધી હતી. પાકિસ્તાનમાં સિંધીઓ પણ પુષ્કળ છે જેને લીધે સિંધી નાટકોની પણ નાનકડી ટૂર થતી હોય છે. ચાર-પાંચ સિટીમાં એ નાટકનો એકેક શો હોય. એક સિંધી ફ્રેન્ડ સાથે એક નાટકની વાત પણ કરી રાખી, જેથી જો બીજી કોઈ રીતે મને ત્યાં જવા ન મળે તો હું સિંધી નાટક કરું અને એ નાટકના શો કરવા માટે અમે પાકિસ્તાન જઈને એ જોઈએ.

મને ક્યારેય અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ કે યુરોપ ફરવાનું મન નથી થયું, ક્યારેય નહીં. ગયો છું હું ત્યાં એ સાચું, પણ મને એવી કોઈ ઇચ્છાઓ થઈ નથી. આફિક્રાનું નેચર અને પાકિસ્તાનનું કલ્ચર મને હંમેશાં ઍટ્રેક્ટ કરે છે. આફ્રિકા મેં જોયું છે અને હજી પણ જવા મળે તો હું જવા તૈયાર છું, પણ પાકિસ્તાન, મારો આખો પાકિસ્તાનનો પ્લાન હવે બગડી ગયો છે. ઓબ્વિયશ્લી, હવે મને પાકિસ્તાન જવાની ઇચ્છા પણ થતી નથી. પુલવામા અટૅક પછી પાકિસ્તાન માટે એ સ્તર પર નફરત થવા માંડી છે કે થાય છે કે એ દેશ સાથે દુનિયા આખીએ સંબંધો તોડી નાખવા જોઈએ. અત્યારે નોબત પણ એ જ આવી ગઈ છે. કોઈને પાકિસ્તાન સાથે વ્યવહાર રાખવો નથી અને કોઈ એ દેશ સાથે રાજદ્વારી સંબંધો રાખવા પણ રાજી નથી. પાકિસ્તાનને હવે એની પોતાની ભૂલ સમજાતી હશે, પણ કરેલાં પાપો વચ્ચે એ કબૂલી પણ શકે એમ નથી કે આતંકવાદ નામના રાક્ષસને દૂધ પીવડાવીને તગડો કરવાનું કામ એનાથી થયું છે.

આતંકવાદ હવે બૉટલમાંથી બહાર આવી ગયેલો જીન છે. એને બોટલમાં ફરી પૂરવો હશે તો માત્ર કડક હાથે જ નહીં, પણ પ્લાનિંગ સાથે કામ લેવું પડશે. તમે જુઓ, ઓસામા બિન લાદેનના દીકરા પર અમેરિકાએ વૉન્ટેડનું ઇનામ જાહેર કર્યું. ઓસામા મરાયો ત્યારે બધાને એવું લાગતું હતું કે હવે જગતમાં શાંતિ થઈ જઈશ અને અલ-કાયદા ક્યારેય ઊભું નહીં થાય, પણ ઓસામાના દીકરાએ બાપાના અલ-કાયદાને નવેસરથી શરૂ કરી દીધું અને અલ-કાયદાનો પ્રચાર પણ તેણે કરવા માંડ્યો.

આ પણ વાંચો : પાકિસ્તાને પીઠ પાછળ ખંજર માર્યું, હવે એના કપાળ પર ગોળી મારવાની છે

જૈશ-એ-મોહમ્મદના સંચાલક એવા મસૂદ અઝહરના સાળા અને તેના ભાઈને ભલે આપણે મારી નાખ્યા, પણ હજી અઝહર નામનો અજગર જીવે છે, એનાં બીજાં સગાંઓ પણ જીવે છે. આપણે તે લોકોને પણ ખતમ કરવાના છે અને તેને ખતમ કર્યા વિના આપણે હવે વાત મૂકવાની નથી. આતંકવાદીઓને ખતમ કરવા એ યુદ્ધ નથી જ નથી. એ તો સમાજની જરૂરિયાત છે અને શાંતિમાં પેસી ગયેલા કચરાની સફાઈ છે. આ સફાઈ આપણે કરવાની છે અને આ સફાઈ અભિયાન પણ આપણે ચાલુ જ રાખવાનું છે. આ સરકારને વિનંતી છે અને આવનારી સરકાર પાસેની ડિમાન્ડ પણ છે. મોબાઇલમાં 5-G નેટવર્ક મોડું મળશે તો અમને ચાલશે, પણ આતંકવાદીઓનો સફાયો અમને જોશે જ જોશે એ નક્કી છે.

Whatsapp-channel Whatsapp-channel

03 March, 2019 11:03 AM IST | | ભવ્ય ગાંધી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK