Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જરા યાદ કરો કુરબાની : ભવ્ય ગાંધી

જરા યાદ કરો કુરબાની : ભવ્ય ગાંધી

17 February, 2019 10:58 AM IST |
ભવ્ય ગાંધી

જરા યાદ કરો કુરબાની : ભવ્ય ગાંધી

શહિદોના પાર્થિવ દેહ ઘરે પહોંચ્યા.

શહિદોના પાર્થિવ દેહ ઘરે પહોંચ્યા.


પુલવામામાં જે કંઈ બન્યું એ ટીવી-ચૅનલ પર હું સતત જોઈ રહ્યો છું. બહુ ખરાબ હાલત કરી દીધી છે આતંકવાદીઓએ. હું જૈન છું અને પર્સનલી અહિંસામાં માનું છું, પણ મને એ પણ કહેવું છે કે જો તમારી અહિંસાને કાયરતા ગણી લેવામાં આવે તો જરા પણ વિચાર કર્યા વિના, કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના અને ધર્મ કે સમાજની રક્ષા માટે આગળ વધવાનું હોય તો કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વિના તમારે એ જ રીતે આગળ વધવું જોઈએ જે આવશ્યક હોય. જો હિંસાની ભાષા કોઈને સમજાતી હોય તો હિંસાત્મક પગલું લેવું જોઈએ અને જો વાત સમજાવટથી પૂરી થતી હોય તો એ વાતને એ રીતે લેવી જોઈએ, પણ વાત પાકિસ્તાનની છે અને પાકિસ્તાનને ક્યારેય સીધી અને સરળ વાત સાદી ભાષામાં સમજાઈ નથી.

છેલ્લા બે દિવસથી પુલવામાની ઘટના હું ટીવી પર તો જોઉં જ છું, પણ સાથોસાથ હું પાકિસ્તાની સોશ્યલ મીડિયા અને યુટ્યુબની પાકિસ્તાની ચૅનલ પર પણ જોઉં છું. મને એવું લાગે છે કે પાકિસ્તાન દરેક વખતે આવીને ચૂપચાપ કાંડ કરી લે છે અને કાંડ કર્યા પછી ફરીથી નિર્દોષ અને બિચારું બનીને ખૂણામાં બેસી જાય છે. આ વખતે પણ એણે એ જ કર્યુ છે. શુક્રવારે રાતે પાકિસ્તાનની તમામ ચૅનલ પર પુલવામાની ઘટનાની જ ચર્ચા હતી અને એ ચર્ચા પછી બધાનો એક જ સૂર હતો કે ભારતમાં જ્યારે પણ આવું બને છે ત્યારે આતંકવાદી ઘટનાનો બધો દોષ પાકિસ્તાન પર ઢોળી દે છે. મારે પુછવું છે કે ભારતનું દુશ્મન કોણ અને ભારતમાં અશાંતિ ફેલાય એમાં ઇન્ટરેસ્ટ કોને સૌથી વધારે છે?



આ બન્ને સવાલનો એક જ જવાબ છે.


પાકિસ્તાન. આતંકવાદ અને પાકિસ્તાન આપણા માટે એક સિક્કાની બે બાજુઓ બની ગઈ છે. બહુ સેક્યુલર બની લીધું આપણે અને બહુ વાર સુધી આપણે મોટું મન પણ રાખી લીધું. તમે જતું કરવાની ભાવના રાખો એ સારી વાત છે; પણ હું કહીશ કે જતું એવા લોકો માટે કરવાનું હોય, લેટ-ગો તેમના માટે હોય જે ખરેખર એને લાયક હોય. નેપાલથી કોઈ ભૂલ થાય અને તમે જતું કરી દો તો ઠીક છે, પણ પાકિસ્તાન જેવા રાક્ષસોના દેશથી જો કોઈ ભૂલ થાય અને તમે જતું કરો તો એ તમારી મૂર્ખામી કહેવાય. આપણે વર્ષો સુધી આ મૂર્ખામી કરી લીધી, પણ હવે એ કરવાની જરૂર નથી, કારણ કે હવે આપણે આ જ પ્રકારની માનસિકતા રાખીશું તો માત્ર દુનિયા જ નહીં પણ દેશનું યુથ પણ તમારા પર હસશે. જો તમે વોટની અપેક્ષા રાખતા હો તો તમારે એ પણ યાદ રાખવું પડશે કે આ દેશનું યુથ શું ઈચ્છે છે અને તેની ઇચ્છા કોના દ્વારા પૂરી કરવામાં આવી રહી છે.

વૉર ખરાબ છે. વૉરથી બધાનું નુક્સાન થશે. વૉર પછી હાલત બહુ કફોડી થશે, પણ હું કહું છું કે આ જ આર્ગ્યુમેન્ટ પર આપણે આટલાં વર્ષો ખેંચી કાઢ્યાં, પણ હવે નહીં. હવે અમને કોઈ બુદ્ધ કે મહાવીરના સંદેશાઓ સાથે તમે નવેસરથી સહિષ્ણુતાના પાઠ ભણાવશો એ નહીં ચાલે. અમારા ભાઈઓને તેમણે માર્યા છે, અમારા ભાઈઓનો જીવ લીધો છે તેમણે. જરા કલ્પના તો કરો, જે સમયે આ કૉન્વે પસાર થતો હશે ત્યારે એ બસની અંદરનો માહોલ શું હશે, શું કરતા હશે એ સમયે આપણા જવાનો. નૅચરલી એ લોકો ડ્યુટી પર હતા, પિકનિક પર નહીં એટલે તેમના ફોન-કૉલ્સ નહીં ચાલુ હોય, પણ બધા એકબીજા સાથે વાતો તો કરતા જ હશે. કોઈ બંધ આંખે પોતાની ફૅમિલીને યાદ કરતું હશે તો કોઈને પોતાના પેરન્ટસ યાદ આવતા હશે. કોઈની રજાઓ શરૂ થવાની હશે તો એનો વિચાર મનમાં ચાલતો હશે તો કોઈનાં મૅરેજ થવાના હશે તો એ વિચારો મનમાં ચાલતા હશે. કોઈને ભાઈનું ટેન્શન હશે તો કોઈને બહેનનાં મૅરેજની ચિંતા હશે. કોઈનું રિટાયરમેન્ટ નજીક આવ્યું હશે તો ભવિષ્યમાં શું કરવું એની વિચારણા ચાલતી હશે. કોઈ પોતાની લાઇફની બેસ્ટ મોમેન્ટને યાદ કરતું હશે અને કોઈ પોતાના પર ચડી ગયેલા બૅન્કના EMI વિશે વિચારતું હશે. જરા વિચાર તો કરો તમે, એ સમય કેવો હશે અને બસમાં બેઠેલા આપણા જવાનો એ સમયે શું કરતા હશો? હવે જરા તમે જ વિચારો કે તેમની આંખો બંધ છે. ઘટના ઘટી ત્યારે એ બપોરનો સમય હતો અને સામાન્ય રીતે જવાનોને પૂરતી ઊંઘ મળતી નથી હોતી એટલે અયોગ્ય સમયે પણ જો માહોલ કાબૂમાં હોય તો તેઓ આરામ કરી લેતા હોય છે. બંધ આંખો સામે કંઈકેટલાંય સપનાંઓ હશે અને એ બંધ આંખો વચ્ચે જ અચાનક જ એક ધડાકો થયો હશે અને એ ધડાકામાં એ જ અવસ્થામાં સૌ કોઈએ જીવ ગુમાવ્યો હશે. કોઈને પીડા થઈ હશે. કોઈના હાથ પણ ઉડી ગયા હશે અને ધમાકામાં કોઈના પગનો પણ પતો નહીં હોય.


દેશની સેવામાં અડધાં અંગો સાથે જીવ ગુમાવનારા આપણા ભાઈઓની શહીદીને મહેરબાની કરીને કૅન્ડલ માર્ચ પૂરતી સીમિત ન રાખતા. વૉટ્સઍપના ડીપી સુધી પણ એને સીમિત ન રાખતા. જે રીતે પાકિસ્તાને એના બચાવ માટે બધા જૂના રસ્તાઓ અપનાવ્યા છે એ જ રીતે આપણે પણ આપણો વિરોધ નોંધાવવા માટે આ બધા રસ્તાઓ ઑલરેડી અપનાવી લીધા છે અને જેમ પાકિસ્તાનની વાતોથી હવે ઊબકા આવે છે એવી જ રીતે તમારાં પણ આ બધાં નખરાંઓથી ઊબકા આવે છે. આ સમય છે કંઈક નક્કર કરવાનો અને નક્કર રીતે આગળ વધવાનો.

માન્યું કે આપણી પાસે કોઈ સત્તા નથી કે આપણે આવા સમયે કોઈ સ્ટેપ લઈ શકીએ, પણ ઍટલીસ્ટ આપણે આપણી સરકારને, આપણા નેતાઓને મજબૂર તો કરી શકીએ છીએ કે તે આ ઘટનાના વિરોધમાં પગલાં લે અને આપણા શહીદોને ન્યાય અપાવે. હમણા ફન્ડનો મારો પણ ચાલુ થશે અને આપણે એ ફન્ડના આંકડાઓ સાંભળીને ખુશ પણ થઈશું, પણ ના, એવું કરવાની જરૂર નથી. જો તમે ઇચ્છતા હો કે તમારી ઇકૉનૉમિકલ હેલ્પથી એ લોકોનું દુખ દૂર થશે તો એ તમારી ભૂલ છે. કોઈનો ભાઈ, કોઈનો દીકરો તમારા પૈસાથી પાછો નથી આવવાનો. જો તમને એમ લાગતું હોય કે તમને આપણા આ શહીદ જવાનોને બીજી કોઈ રીતે હેલ્પ કરવી છે તો તેમના ઘરે જાઓ. અત્યારે નહીં, હમણાં નહીં. ચાર-છ મહિના પછી. સારા દિવસે કે ફેસ્ટિવલ પીરિયડમાં. તેમના ઘરે જઈને તેમની સાથે તહેવાર સેલિબ્રેટ કરો અને તેમને પણ તમારાથી જે કોઈ ખુશી આપી શકાય એ આપવાની ટ્રાય કરો.

તમે એ પરિવારના દીકરા કે ભાઈ નથી જ બની શકવાના; પણ તમે એ પરિવારના ભાઈબંધ તો બની જ શકો છો, તેમની ખુશીમાં ઉમેરો તો કરી જ શકો છો, તેમની લાગણીઓને બમણી તો કરી જ શકો છો અને એવું કરીને તમે તમારી ભારતીય હોવાની ફરજ પણ નિભાવી શકશો. ભારતીય હોવાનો એક અર્થ એ પણ છે કે ભારતની રક્ષા કરનારા સૌ કોઈની બાજુમાં તમે ઊભા રહેશો. નૅચરલી, તમારાથી જે રીતે શક્ય હોય એ રીતે. બધા આર્થિક મદદ ન જ કરી શકે અને બધા પાસેથી એવી અપેક્ષા પણ નથી રાખવી, પણ જે આવી મદદ નથી કરી શકતા એ લોકો મેં કહ્યું એમ તેમની સાથે રહીને તો પોતાનો સમય પસાર કરીને બન્નેના સમયને ગોલ્ડન ટાઇમ બનાવી શકે છે.

કરવું આપણે પડશે અને કરાવવું પણ આપણે પડશે. આપણે આ વખતે શાંત નથી રહેવાનું. સરકાર પણ જો એવું ધારતી હોય કે આપણે આ ઘટનાને થોડા દિવસો પછી ભૂલી જઈશું તો આ વખતે તેમને પણ ખોટી પાડવાની છે. અમારો વોટ એને જ, જે પુલવામા હત્યાકાંડના દોષીઓને જ નહીં, એની સાથે સંકળાઈને મદદ કરનારાઓને પણ સજા આપે. સીધી વાત, પાકિસ્તાનને સજા આપે. પાકિસ્તાન વિરુદ્ધ નારાબાજી કરવાથી આ થવાનું નથી અને એવું કરીને ઉત્સાહ દેખાડવો પણ નથી. બસ, આ વખતે તૂટી પડવાનું છે અને જો આ કામ કરવામાં સરકાર નિષ્ફળ જાય તો છેક તેમના નિવાસસ્થાન સુધી જવું છે અને તેમને જગાડવા છે. જગાડીને કહેવું છે કે તમારી આ જે નિરાંતની ઊંઘ છે એ અમારી સેનાને આભારી છે, અમારા શહીદોને આભારી છે. જરા યાદ કરો (ઉનકી) કુરબાની...

આ પણ વાંચો : કોઈના મનમાં નહીં, દિલમાં રહેવાનું છે

દેશની સેવામાં અડધાં અંગો સાથે જીવ ગુમાવનારા આપણા ભાઈઓની શહીદીને મહેરબાની કરીને કૅન્ડલ માર્ચ પૂરતી સીમિત ન રાખતા. વૉટ્સઍપના ડીપી સુધી પણ એને સીમિત ન રાખતા. જે રીતે પાકિસ્તાને એના બચાવ માટે બધા જૂના રસ્તાઓ અપનાવ્યા છે એ જ રીતે આપણે પણ આપણો વિરોધ નોંધાવવા માટે આ બધા રસ્તાઓ ઑલરેડી અપનાવી લીધા છે અને જેમ પાકિસ્તાનની વાતોથી હવે ઊબકા આવે છે એવી જ રીતે તમારાં પણ આ બધાં નખરાંઓથી ઊબકા આવે છે. આ સમય છે કંઈક નક્કર કરવાનો અને નક્કર રીતે આગળ વધવાનો.

Whatsapp-channel Whatsapp-channel

17 February, 2019 10:58 AM IST | | ભવ્ય ગાંધી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK