ગુસ્સો સંબંધ પર શું કામ, ઘટના પર આવવો જોઈએ

Published: Sep 15, 2019, 14:13 IST | આરંભ હૈ પ્રચંડ - ભવ્ય ગાંધી | મુંબઈ

આપણે મૂળ સુધી જવાનું ભૂલી ગયા છીએ, જેને લીધે ભૂતકાળને વાગોળતા રહેવાની માનસિકતા ઊભી થઈ છે અને આ માનસિકતા વર્તમાનને બગાડવાનું કામ કરે છે

ગુસ્સો સંબંધ પર શું કામ
ગુસ્સો સંબંધ પર શું કામ

હમણાં થોડા દિવસ પહેલાં મારે મારી એક સિરિયલના શૂટ પર એક સીન કરવાનો હતો, જેમાં મારે પંજાબી બનવાનું હતું. સિચુએશન એવી હતી કે એક પંજાબી ફૅમિલી અને બંગાળી ફૅમિલી વચ્ચે મૅરેજ છે. જે છોકરી છે તે પંજાબી છે, પણ પોતાની સાસુને ખુશ કરવા માટે બંગાળી શીખે છે અને પોતે કહેતી નથી કે તે ઓરિજિનલી પંજાબી છે અને પછી આખો ડ્રામા ક્રીએટ થાય છે. આ મારી જ ઍડ્વાઇઝ છે કે તે પંજાબી બનીને બનનારી સાસુ સામે જાય એના કરતાં બંગાળી બનવાનું નાટક કરે. જો આ નાટક કરશે તો જ તેનાં મૅરેજ થશે. આવી સિચુએશન તમે ઘણી ફિલ્મો, સિરિયલ કે બુક્સમાં જોઈ-વાંચી હશે અને તમને એ પણ ખબર હશે કે એ બધું થયા પછી છેલ્લે તો સાચી વાત ખબર પડે જ અને બધા એ સાચી વાતને સાચી રીતે સ્વીકારી પણ લે, પરંતુ અત્યારે વાત એ નથી. વાત એ છે કે મારે એમાં પંજાબી એટલે કે સરદારજી બનીને રહેવાનું હતું.

મેં એ લુકનો એક ફોટોગ્રાફ સોશ્યલ મીડિયાનાં મારાં બધાં અકાઉન્ટ્સમાં અપલોડ કર્યો. મારા એ લુકથી હું તો બ‌િલકુલ હેબતાયેલો હતો, પણ મારા એ લુકથી મારામાં આવેલા ચેન્જને જોઈને અમારા મેકઅપ-આર્ટિસ્ટ જેને મોટા ભાગે બધા દાદા કહેતા હોય છે તે પણ ખૂબ હેબતાયેલા હતા.

ફોટો અપલોડ થયો અને થોડી વારમાં એની રિચ વધવા લાગી. રિચ પણ અને ફોટોની લાઇક્સ પણ અને પછી કમેન્ટ્સ આવવાની શરૂ થઈ ગઈ. નૉર્મલી મારાં અકાઉન્ટ્સમાં જેકોઈ કમેન્ટ્સ આવે એમાં કાં તો મારા નવા પ્રોજેક્ટ્સની વાત હોય, કાં તો હજી પણ લોકો મારી સાથે ટપુ ગણીને વાતો કરે અને કાં તો નવી ફિલ્મ વિશે સવાલ કરે. જો કોઈ આન્ટી હોય તો તે મૅરેજ માટે પણ પૂછી લે, પણ એ દિવસે, પેલા સરદારજીવાળા લુકમાં જે કમેન્ટ્સ આવી એ વાંચીને તો હું દંગ જ રહી ગયો.

એક કમેન્ટમાં લખ્યું હતું: ટેરરિસ્ટ, ટેરરિસ્ટ લગ રહા હૈ.

એક ફોટોમાં મેં દાઢી રાખી હતી અને મૂછ કાઢી નાખી હતી. એ ફોટો નીચે આ કમેન્ટ્સ હતી. પંજાબી લુકના ફોટોગ્રાફ્સ નીચે લખવામાં આવ્યું હતુંઃ ઓયે પાપે, કિ ગલ હૈ...

દાઢી રાખી અને પાઘડી પહેરી તો પંજાબી, દાઢી રાખી અને મૂછ કાઢી તો મુસ્લિમ? કબૂલ પણ માણસનું શું, શું દરેક વખતે દાઢી અને મૂછ કે પછી પાઘડી જ માણસની ઓળખાણ છે? આપણે પણ પ્રાણી જ છીએ, સામાજિક પ્રાણી. માણસની ઓળખાણ શું આ બધી આઉટલૂક સ્ટાઇલથી જ થવાની છે? તમે અંદરથી કેવા છો કે તમારા વિચારો કેવા છે કે તમે કોણ છો, તમારો ભૂતકાળ શું છે એ જાણવાની પરવા કોઈને નથી. બસ, તમારો લુક કેવો છે એના પરથી લોકો તમને જજ કરી લેશે અને એ જોઈને જ લોકો નક્કી કરી લેશે કે તમને માણસ તરીકે કેટલા માર્ક આપવા જોઈએ?

પહેલી વાત તો એ છે કે શું ફરક પડે કોઈનાં કપડાંથી કે પછી દાઢી રાખવાની રીતથી કે પછી મૂછ નહીં રાખવાથી. કોઈ જ ફરક પડતો નથી આ બધી વાતોથી. આપણે જ્યારે જન્મ લઈને આ દુનિયામાં આવીએ છીએ ત્યારે કોઈ જાતના ટૅગ આપણા પર હોતા નથી. આ ટૅગ તો પછી આપણા પર લાગે છે. ધર્મ પ્રમાણે, જાત પ્રમાણે અને અમુક કિસ્સામાં કર્મ પ્રમાણે તમારા પર અઢળક ટૅગ લગાડી દેવામાં આવે અને દુનિયા એ ટૅગ સાથે તમને જોયા કરે.

ભૂતકાળમાં રહેવું મને ગમતું નથી અને મને એ પણ ગમતું નથી કે લોકો સતત ભૂતકાળમાં જ રચ્યા રહે. મોગલોએ દેશમાં આવીને આમ કર્યું અને અંગ્રેજોએ આવીને આપણે આ રીતે લૂંટી લીધા, અફઘાની આવ્યા અને તેમણે દેશનાં મંદિરો તોડી નાખ્યાં અને બાબરી મસ્જિદની જગ્યાએ પહેલાં જે મંદિર હતું એ પણ તોડી નાખ્યું. એક સમય હતો કે આપણી પાસે બધું હતું, પણ બધા બધું લૂંટી ગયા છે. જૂની વાતોને લઈને જ આજે પણ આપણને પાકિસ્તાનથી નફરત છે.

માન્યું, એણે કોઈ ખોટાં કામ પોતાનાં મૂક્યાં નથી એટલે આપણને એને માટે નફરત હોય અને એ સાચી હોય, પણ હું કહીશ કે પાકિસ્તાનને જ જો તમે નફરત કરતા હો તો સાથોસાથ તમે બ્રિટિશરોની પણ કરો, આપણી વચ્ચે વેર વાવવાનું કામ તો એ લોકો કરી ગયા છે જે આજ સુધી અકબંધ રહ્યું છે અને દિવસે-દિવસે ખાઈ ઊંડી ઊતરતી જાય છે. નફરત કરવી હોય તો પોર્ટુગીઝોની કરો, જે આપણા દેશમાં તમાકુ લાવ્યા અને આખો દેશ સિગારેટ અને તમાકુના રસ્તે ચડી ગયો. નફરત કરો; વાંધો નહીં, ભૂતકાળમાં જીવો, જરા પણ વાંધો નહીં; પણ એની દિશા સાચી હોવી જોઈએ, એનો દ્વેષ સાચી બાબતમાં પ્રગટ થવો જોઈએ. માણસને નહીં, પણ એ વિચારોને ધિક્કારો જે આપણને આગળ નથી આવવા દેતી અને આજે પણ, આટલાં વર્ષો પછી પણ આતંકવાદીઓના નામે આપણું મગજ ફાટે છે, પણ આપણે એના મૂળ સુધી પહોંચવા રાજી નથી થતા.

નફરત કરવા માટેનાં કારણો છે આપણી પાસે, પણ નફરત ત્યાં કરવાની હોય જ્યાંથી આ નફરતની શરૂઆત થઈ હોય. વ્યક્તિ ખરાબ નથી હોતી, પણ સંજોગો ખરાબ હોય છે. ‌પરિણામ ખરાબ નથી હોતું, પણ પરિસ્થિતિ ખરાબ હોય છે. વાત માત્ર ભારતની કે પાકિસ્તાનની નથી, આપણા અંગત વ્યવહારોની પણ છે અને સંબંધોની પણ છે. ન ગમતી ઘટના ઘટે એટલે આપણે સંબંધ તોડી નાખીએ છીએ. સંબંધો તોડવાની જરૂર નથી, એવી ઘટના ફરી ન ઘટે એનું ધ્યાન રાખવાનું છે. નફરતને જાકારો આપીને પ્રેમને આવકારવાને બદલે આપણે સાવ ઊંધું જ કામ કરીએ છીએ. પ્રેમને કોઈ પૂછતું નથી અને નફરત માટે બધા દરવાજા ખુલ્લા કરી નાખ્યા છે.

ભૂતકાળને ભૂલીને આગળ વધો. વર્તમાનને આંખ સામે રાખો અને ભવિષ્યને કેન્દ્રમાં રાખશો તો ચોક્કસ બધી વાત સહજ અને સરળ રીતે સમજાશે, પણ એ સમજવાની તૈયારી રાખવી પડશે. આપણે આપણા વિચારભેદને બાળકોમાં અનાયાસ જ નાખી દઈએ છીએ. પપ્પાને કાકા સાથે બનતું નથી એટલે આપોઆપ હવે તમારે તમારા કઝિન સાથેના સંબંધોમાં અંતરાય જ રહેવાનો છે, જેની કોઈ જરૂર નથી, પણ આ આપણા તરફથી વારસો છે અને આ વારસો આપણે આગળ વધારતા રહીએ છીએ. વારસો પ્રેમનો આપો, વારસો લાગણીનો આપો અને વારસો સ્નેહનો આપો. જરા વિચાર તો કરો, સૃષ્ટ‌િ પર આવ્યાને સદીઓ થઈ ગઈ અને હવે આપણે જ ઊંધી દિશામાં પગ મૂકવાનું શરૂ કરી દીધું છે.

૧૩.૫ અબજ વર્ષ પહેલાં એનર્જી શરૂ થઈ અને એને લીધે સાડાચાર અબજ વર્ષ પહેલાં આ ધરતીનું નિર્માણ થયું. ૩.૮ અબજ વર્ષ પહેલાં જીવ આ ધરતી પર ધબકવાના શરૂ થયા. ૬ મિલ્યન વર્ષ પહેલાં ચિમ્પાન્ઝી આવ્યા અને એ ચિમ્પાન્ઝી અઢી મિલ્યન વર્ષ પહેલાં માણસમાં પરિવર્ત‌િત થવાનું શરૂ થયું. બે મિલ્યન વર્ષ પહેલાં માણસ આફ્રિકાથી દુનિયાભરમાં ફેલાવાનું શરૂ થયું અને એ પછી પૃથ્વી આગળ વધી. આગ શોધાયાને હજી માત્ર ત્રણ લાખ વર્ષ થયાં છે. પહેલાં આપણે બિલકુલ નૉન-વેજ હતા, પણ ૧૨૦૦૦ વર્ષ પહેલાં ખેતીની શોધ થઈ. ખેતી આવી એટલે પૈસો આવ્યો અને ૫૦૦૦ વર્ષ પહેલાં પૈસાનો જન્મ થયો. અહ‌િંસાનો સંદેશો આપનારું બુદ્ધિઝમ ૨૫૦૦ વર્ષ પહેલાં આવ્યું અને ૨૦૦૦ વર્ષ પહેલાં ક્રિશ્ચિયન શરૂ થયું. આજે આતંકવાદને કારણે જે ઇસ્લામ ધર્મ બદનામ થઈ રહ્યો છે એ ઇસ્લામ આવ્યાને માત્ર ૧૪૦૦ વર્ષ થયાં છે અને વિશ્વનું સૌથી મોટું સાયન્ટિફિક રેવૉલ્યુશન આવ્યાને ૫૦૦ વર્ષ થયાં છે.

આજે આપણે આ પ્લેનેટ પર બૉર્ડર બનાવી દીધી, ન્યુક્લિયર વેપન બનાવી લીધાં અને કેટલી બધી પ્રગતિ કરી લીધી. નવી જનરેશન બહુ ઍડ્વાન્સ છે અને આવનારી પ્રજાતિ એના કરતાં ઍડ્વાન્સ હશે, કારણ કે ચાર્લ્સ ડાર્વિનના કહેવા પ્રમાણે તમે ઉત્ક્રાન્તિને રોકી શકવાના નથી એટલે હવે ભવિષ્યમાં નૉર્મલ હ્યુમન નહીં, પણ સુપર હ્યુમન હશે, જે રોબોના પણ પિતાશ્રીના સ્તરના હશે.

આ પણ વાંચો : ક્ષમાપના સાઇકોલૉજિકલ થેરપી છે

કહેવાનો ભાવાર્થ એટલો જ કે નજર સામે હશે તો આ બધું પામી શકીશું અને કુદરત પણ ઇચ્છે છે કે નજર સામે રહે. તેની ઇચ્છાનું સૌથી મોટું ઉદાહરણ એ જ છે કે ભગવાને આંખો મસ્તકમાં પાછળ નથી આપી, આગળ આપી છે. પાછળ જોવું હોય તો તમારે આખું શરીર ફેરવવું પડે. બહેતર છે, એવી તસ્દી લેવાને બદલે આગળ જોઈને ભવિષ્ય તરફ દૃષ્ટિ કરીએ અને નફરતને કારણે સંબંધો નહીં, નફરત જન્મી હોય એના મૂળ સુધી જઈને એ પ્રશ્નને દૂર કરીએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK