ક્ષમાપના સાઇકોલૉજિકલ થેરપી છે

Published: Sep 08, 2019, 16:30 IST | આરંભ હૈ પ્રચંડ - ભવ્ય ગાંધી | મુંબઈ

અત્યારે તમારે એક કામ કરવાનું છે.

ક્ષમાપના
ક્ષમાપના

અત્યારે તમારે એક કામ કરવાનું છે.

તમારી આંખો બંધ કરીને એને યાદ કરો જેણે તમને બહુ હેરાન કર્યા છે. કોઈ એવી વ્યક્તિને યાદ કરો જેની સામે તમને વેર છે, તમને તેની સાથે વ્યવહાર નથી રાખવો કે પછી આજે તમારે તેની સાથે કોઈ સંબંધ નથી. બન્યું કંઈ પણ હોય, એ વ્યક્તિની ભૂલ નાની હશે, ઘણી વખત તો સાવ ક્ષુલ્લક ભૂલ હશે અને તો પણ તેને યાદ કરવાથી તમારા ચહેરા પર કડવાશ આવી જશે, તમારો મૂડ ખરાબ થઈ જશે અને તમારામાં રહેલી હકારાત્મકતા નીકળી જશે. વાત નાની હશે તો પણ એ વાત આજ સુધી તમારા મન પર કબજો કરીને બેઠી છે. આ વ્યક્તિ કદાચ તમારી નજીકની જ કોઈ હશે. કદાચ તમારાં માતાપિતાએ તમને અન્યાય કર્યો હશે અને બની શકે કે તમારા હસબન્ડ કે વાઇફે તમારી સાથે દગો કર્યો હોય અને કાં તમારાં ભાઈ-બહેન સાથે અબોલા હશે અને એ વાત તમને પજવતી હશે. અમુક કિસ્સામાં તો તમે તમારી જાત પર જ રોષે ભરાયા હો એવું પણ બની શકે. આ બધો ગુસ્સો જે તમારી અંદર પડ્યો છે એને એમ ને એમ દબાવી રાખવાને બદલે એને સપાટી પર લાવો. ધ્યાન રાખો કે જ્યારે અંદરની આ ઘૃણા જ્યારે સપાટી પર આવશે ત્યારે તમારા હૃદયના ધબકારા વધી જશે, તમારો ચહેરો લાલઘૂમ બની જશે અને એવું નહીં થાય તો એની ચમક ચોક્કસ ઓછી થઈ જશે. તમને મનમાં થશે કે અત્યારે પણ એ વ્યક્તિ જો સામે મળે તો ઝઘડી લેવું છે કે પછી છેલ્લી કક્ષાએ ઊતરીને ગુસ્સો કાઢી લેવો છે. હવે, જો કોઈ ચમત્કાર થાય અને આ અંદરનો ગુસ્સો પળમાત્રમાં ઓગળી જાય તો તમને કેવું લાગે? હવે તમે જ કહો કે એ વ્યક્તિ માટેનો કે પછી એ સંજોગો માટેનો જે ગુસ્સો તમારી અંદર છે એ પળવારમાં ઓગળી જાય તો તમે કેવા હળવાફૂલ બની જાઓ?

અમેરિકાના રાઇટર કૉલિન ટિપ્પિંગે એક બુક લખી છે હમણાં, જેનું ટાઇટલ છે ‘રેડિકલ ફરગિવનેસ.’ આ બુક મને અમેરિકાથી મળી ગઈ હતી, જે મેં હમણાં પૂરી કરી. આ બુકના આધારે અમેરિકામાં ‘રેડિકલ ફરગિવનેસ’નાં સેંકડો ક્લિનિક શરૂ થયાં છે. આ ક્લિનિકોમાં ૬ વીકનો એક કોર્સ ચાલે છે. આ કોર્સમાં ભાગ લેનારા પુષ્કળ લોકો છે અને બધાને આ ભારમાંથી મુક્ત થવું છે. બુક આધારિત આ કોર્સ ભૂતકાળના તમામ બોજાઓમાંથી મુક્ત થઈને વર્તમાનમાં જીવતાં શીખવે છે. રેડિકલ ફરગિવનેસની થિયરી જેમણે પણ ડેવલપ કરી છે એ કૉલિન ટિપ્પિંગ કહે છે કે તમારી સામે અપરાધ કરનારને ક્ષમા ન કરીને કે તેને માફ નહીં કરીને તમે તમારા જ ભુતકાળના કેદી બની જાઓ છો. ભૂતકાળમાં જે ઘટના બની છે, તમારી સાથે ઘટી છે એને આજે પણ તમે તમારા મન પાર તાજી રાખીને મનનો ભાર વધારો છો, જેને લીધે મનમાં જે હકારાત્મકતા વધારવાની છે, જે શક્તિ પૉઝિટિવ છે અને જેને મનમાં સંઘરવાની છે એ શક્ત‌િને રોકવાની જગ્યા નથી મળતી. તમારી જૂની ફરિયાદો તમારી જિંદગીને આગળ વધવામાં અંતરાયરૂપ બને છે. તમે કોઈને માફ નથી કરતા ત્યારે તમારી જાતનો કન્ટ્રોલ તે વ્યક્તિના હાથમાં આવી જાય છે, જેણે તમારો અપરાધ કર્યો છે, એ તમને અંકુશમાં રાખે છે. સાવ જ અજાણતાં આ પ્રક્રિયા થાય છે, પણ એને લીધે તમે પણ એ બાજુએ વધારે ને વધારે બિઝી રહો છો. તમને એમ છે કે તમે એ વ્યક્તિ સાથે ઝઘડીને કે પછી તેની સાથે નહીં બોલીને જાત પર કાબૂ રાખો છો. હકીકત છે એ છે કે તમે એ વ્યક્તિના ગુલામ બની જાઓ છો. જેવા સાથે તેવા થવાની, અપરાધીને સજા કરવાની અને તેને દેખાડી દેવાની ભાવના તમારા હૃદયમાં સતત વૃદ્ધિ પામ્યા કરે છે અને તમે આ ભાવનાના ગુલામ બની જાઓ છો. તમારો વર્તમાન કાયમ ભૂતકાળની આ કડવી યાદોથી ખરડાયેલો રહે છે. તમારો અપરાધ કરનાર વ્યક્તિ ક્ષમા માગે કે ન માગે, તેને ક્ષમા આપી દેવાથી તમે એ પીડાદાયક ભૂતકાળમાંથી કાયમ માટે મુક્ત થઈ જશો.

ફિલસૂફ અને રાઇટર નૉર્મન કઝિન્સે પણ કહ્યું છે કે કોઈને માફ કરવા માટે ભારે બહાદુરીની જરૂર પડે છે. આ વાત આપણને ભગવાન શ્રી મહાવીરના જીવનમાંથી સચોટ રીતે જાણવા મળે છે. ભગવાન મહાવીર જ્યારે સાધના કરી રહ્યા હતા ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે જંગલમાં ભયંકર ઝેરી સર્પ છે, જેની દ્રિક્ટમાં પણ વિષ છે. આગલા જન્મમાં આ સર્પ ચંડકૌશિક નામનો સંન્યાસી હતો, પણ પોતાના ક્રોધને કારણે તે આ જન્મમાં સર્પ બન્યો હતો. ભગવાન તેનો ઉદ્ધાર કરવા જંગલમાં ગયા ત્યારે ચંડકૌશિકના આ સર્પ સ્વરૂપના આત્માએ તેમને મારવાની કોશિશ કરી, પણ ભગવાન શ્રી મહાવીરને કશું થયું નહીં. આટલો જઘન્ય અપરાધ કરનારા સર્પ પર પણ ભગવાનને ગુસ્સો નહોતો આવ્યો. ઊલટું તેમણે એને ક્ષમા આપી હતી, જેને લીધે ચંડકૌશિક સર્પને પણ ભારે પસ્તાવો થયો હતો.

કોઈ આપણો જીવ લેવા આપણા પર હુમલો કરે તેને સજા કરવામાં જેટલી બહાદુરીની જરૂર પડે છે એના કરતાં વધુ બહાદુરી તેને માફ કરવા માટે જોઈતી હોય છે અને જો એ કામ આપણે કરી શકીએ તો અને તો જ આપણે આપણી જાતને સજામાંથી મુક્તિ આપી દઈએ. જ્યારે આપણે કોઈ વ્યક્તિ પર ગુસ્સો કરીએ છીએ અને એ ગુસ્સો આપણા મનમાં સંઘરી રાખીએ છીએ ત્યારે હકીકતમાં આપણે એ વ્યક્તિને નહીં, પણ આપણી જાતને જ સજા કરતા હોઈએ છીએ. તમે જે સજા કદાચ ગુસ્સો કરીને તેમને આપી રહ્યા છો એટલી જ સજા ગુસ્સો કરીને તમે તમારી જાતને અને તમારા મનને આપી બેસો છો. આપણા ગુસ્સાને કારણે તે વ્યક્તિને તો કોઈ નુકસાન નથી થતું, પણ આપણને દિવસ-રાત એનું નુકસાન થાય છે. આ ગુસ્સો આપણા મનને અને પછી મન આપણા શરીરને નુકસાન કરે છે.

આજે જેટલા પણ મેન્ટલ પેશન્ટ્સ જોવા મળે છે એ લોકોની આ બીમારીના મૂળમાં જો કંઈ હોય તો એ તેમણે સંઘરી રાખેલો રોષ જ છે. સતત મનમાં ભેગો થતો રોષ. નાની-નાની વાતમાં આવી જતો રોષ. કોઈ પણ કારણ વગર મનમાં સંઘરાયા કરતો રોષ. આ રોષ કૅન્સર જેવો છે. એ વાત એટલી જ સાચી કે જે ક્ષણે આપણે આ ગુસ્સાથી મુક્ત થઈએ છીએ ત્યારે આપણે આપણી જાતે જ સાજા થઈ જઈએ છીએ. જૈન ધર્મમાં કહેવાયેલી ક્ષમાપના પણ આ મુજબની સંજીવની છે, જેના સ્પર્શથી આપણે સાજા થઈએ છીએ.

કોઈ પણ વ્યક્તિ સાથેની શત્રુતા આપણા માટે જેલ જેવી છે. જ્યાં સુધી આપણા મનમાં તે વ્યક્તિ પ્રત્યે ધિક્કારભાવ હોય ત્યાં સુધી આપણે જેલમાં જ સબડ્યા કરીએ છીએ. જે ક્ષણે આપણે તે વ્યક્તિને માફ કરી દઈએ છીએ એ ક્ષણે આપણે આ જેલમાંથી મુક્ત થઈએ છીએ અને એટલે જ જૈન ધર્મમાં ક્ષમાપના સર્જનાત્મક શક્તિ છે.

આપણે જે વ્યક્તિનો અપરાધ કર્યો હોય છે તેના તરફથી આપણને સતત એવો ભય સતાવ્યા કરે છે કે તે આપણા પર બદલો વાળવા માટે વળતો હુમલો કરશે. આને કારણે આપણે સતત અજ્ઞાત ભયથી પીડાયા કરીએ છીએ. અત્યારે ડિપ્રેશન અને હતાશા જેવો જે મેન્ટલ ડિસઑર્ડર પેદા થાય છે એની પાછળ આવા વેરનો ઇતિહાસ હોય છે. આ રોષ અને ભયગ્રંથિમાંથી મુક્ત થવાનો એકમાત્ર ઇલાજ એ ક્ષમાપના છે. આપણે જેનો અપરાધ કર્યો છે તેની ક્ષમા માગી લેવાથી આપણે ભયમુક્ત થઈ જઈએ છીએ. જેણે આપણો અપરાધ કર્યો છે તેને માફ કરી દેવાથી આપણે રોષમુક્ત થઈ જઈએ છીએ. જૈન ધર્મમાં ક્ષમાપનાને અત્યંત સાહજિક બનાવી દેવામાં આવી છે. આને કારણે આબાલવૃદ્ધ કોઈને ક્ષમા માગવામાં અને ક્ષમા આપવામાં સંકોચ નડતો નથી. ક્ષમાપના માટે આત્મવિશ્વાસની જરૂર પડે છે. જેમને પોતાની જાતમાં શ્રદ્ધા હોય છે એ જ માફી માગી શકે અને માફી આપી શકે.

આ પણ વાંચો : મિશન ઇસરોઃ પોણાચાર લાખ કિલોમીટર હેમખેમ અને છેલ્લાં બે ‌કિલોમીટરમાં શ્વાસ છૂટ્યો

ક્ષમાપનાનો તહેવાર ઊજવાતો હોય એવો જગતભરમાં એકમાત્ર જૈન ધર્મ છે. જૈન ધર્મમાં ‘મિચ્છા મિ દુક્કડં’ મહામંત્ર માનવામાં આવ્યો છે. સાચા જૈનો જેટલી સાહજિકતાથી ક્ષમાપના કરી શકે છે એટલી સાહજિકતાથી ક્ષમાપના દુનિયાની કોઈ પ્રજા કરી શકતી નથી. ક્ષમાપનાથી મોક્ષની પ્રાપ્તિ તો થાય જ છે, પણ એને કારણે નિર્મળ અને સ્વચ્છ બુદ્ધિ પણ પ્રાપ્તિ થાય છે. આ લેખ પહેલાં હું પર્યુષણ પર લખવાનો હતો, પણ જે સમયે મેં રાઇટર કૉલિન ટિપ્પિંગની બુક વાંચી એટલે થયું કે આટલી સારી વાત કરવા માટે શું કામ યોગ્ય સમયની રાહ જોવાની. સારું કામ કરવા માટે બધા સમય યોગ્ય જ હોય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK