Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પડે ત્યારે સઘળું પડે

પડે ત્યારે સઘળું પડે

21 January, 2020 02:57 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

પડે ત્યારે સઘળું પડે

અરવિંદભાઈની એજન્સીઃ ઍક્ટર અરવિંદ વેકરિયાએ કરીઅરની શરૂઆતમાં દીપક સોમૈયા સાથે ઍડ્વર્ટાઇઝિંગ એજન્સી કરી હતી. ‘આભાસ’નું કામ તેમની એજન્સીમાં જ થયું હતું.

અરવિંદભાઈની એજન્સીઃ ઍક્ટર અરવિંદ વેકરિયાએ કરીઅરની શરૂઆતમાં દીપક સોમૈયા સાથે ઍડ્વર્ટાઇઝિંગ એજન્સી કરી હતી. ‘આભાસ’નું કામ તેમની એજન્સીમાં જ થયું હતું.


‘આભાસ’, મારા પ્રોડકશનમાં બનેલું પહેલું નાટક સુપર ફ્લૉપ થઈ ગયું. મિત્રો, મારી પાસે પૈસા નહોતા, આવકનું કોઈ સાધન નહોતું. ‘આભાસ’ ચાલે તો મને બે પૈસા મળવાના હતા. એ જ મારી આશા હતી. પણ હવે એ આશા મને અસ્ત થતી દેખાતી હતી. નાટક ચાલવાની વાતો તો બાજુએ રહી, પણ આ નાટકમાં પૈસા ડૂબી જશે એવું લાગતું હતું. નુકસાન આંખ સામે દેખાતું હતું.

‘આભાસ’ જોવા નાટક લાઇનના ઘણા લોકો આવતા, હું તેમને રિવ્યુ પૂછતો ત્યારે મને કહેતા કે નાટકનો સેટ બહુ સરસ હતો. એ સમયે મને આ કટાક્ષ સમજાયો નહોતો, પણ પછી ધીમે-ધીમે સમજાયું કે સેટ સારો હોવો જરૂરી છે. કલાકારો, મ્યુઝિક અને બીજું બધું સારું હોવું જરૂરી છે; પણ નાટકની વાર્તા, નાટકનું બંધારણ અને ડાયલૉગ તો સારા હોવા જ જોઈએ. જો એ સારા નહીં હોય તો બાકીનું બધું સારું હશે તો પણ તમારું નાટક નહીં ચાલે.



આ શીખ લઈને મેં જીવનમાં આગળ વધવાનું નક્કી કરી ‘આભાસ’ને પાછળ મૂકી દીધું. એક વાત યાદ રાખજો, નિષ્ફળતાને યાદ રાખવાની હોય; પણ સાથે ન રાખવાની હોય. જો આગળ વધવું હોય તો નિષ્ફળતાને પાછળ મૂકીને આગળ વધી જજો. આગળ વધ્યો, પણ એ દિવસો બહુ કપરા હતા એ મારે સ્વીકારવું જ રહ્યું.


એ સમયમાં અરવિંદ વેકરિયા અને દીપક સોમૈયાએ B.D. ઍડ્વર્ટાઇઝિંગ નામની કંપની શરૂ કરી હતી. અરવિંદ વેકરિયાની પત્નીનું નામ ભારતી એટલે એનો ‘બી’ અને દીપક સોમૈયાના નામમાંથી દીપકનો ‘ડી’ લઈને આ કંપનીનું નામ રાખવામાં આવ્યું હતું. મારા નાટકની જાહેરખબર એ લોકો કરતા હતા. ગુજરાતી રંગભૂમિના ક્ષેત્રમાં પબ્લિસિસ્ટનું મહત્ત્વ કેટલું છે એની વાત આપણે અગાઉ કરી ગયા છીએ એટલે એનું હું પુનરાવર્તન નથી કરતો.

‘આભાસ’ના પહેલા પ્રયોગ પછી પણ હું દરરોજ સવારે તેમની ઑફિસ પર પહોંચી જાઉં. જાહેરખબરની ડિઝાઇન તૈયાર કરાવું અને સારી કૅપ્શન વિચારું, એ ગોઠવું અને જાત-જાતના પ્રયત્ન કરું કે નાટકને નવું જોર મળી જાય. પણ નાટક ન ચાલ્યું એ ન જ ચાલ્યું. ડૉક્ટરસાહેબના પૈસા ડૂબી ગયા. મિત્રો, ખરાબ સમય ચાલતો હોય ત્યારે સમય સાથે બહુ ફાઇટિંગ કરવાની નહીં. સમયને સ્વીકારી લેવાનો, સમસ્યાને એમની એમ સ્વીકારી લેવાની અને શાંત ચિત્તે રસ્તો કાઢવાનો પ્રયત્ન કરવાનો. એ વખતે એવું હતું કે ભવન્સનું ભાડું ભરવાનું હતું એટલે એ લેવા હું રાત્રે અગિયાર વાગ્યે ડૉક્ટરસાહેબના ઘરે ગયો.


ડૉક્ટરસાહેબ અને તેમનાં પત્ની હીરાબહેન રાત્રે દસ-સાડાદસ પછી જ મળે. દિવસ દરમ્યાન તેમનું ક્લિનિક ચાલુ હોય એટલે રાતે જ તેમની પાસે થોડી શાંતિ હોય. હું ઘરે પહોંચ્યો. મારો ચહેરો જોઈને જ તેમને બધું સમજાઈ ગયું. નાટકનો નબળો રિસ્પૉન્સ મળ્યો એ તો મેં પહેલાં જ કહી દીધું હતું, પણ અમે રૂબરૂ પહેલી વાર મળતાં હતાં. બન્ને જણે મને બહુ સાંત્વના આપી. મેં બહુ માફી માગી કે હું નાટક સારું ન બનાવી શક્યો અને મારે લીધે તમારા પૈસા ડૂબ્યા, મને માફ કરો. બન્નેએ મને ખૂબ સમજાવ્યો કે તમે ચિંતા નહીં કરો. નાટક ફ્લૉપ થયું તો થયું, તમે તમારી રીતે બધી મહેનત કરી છે.

તેમની આ વાતનો, તેમના આ સ્વભાવનો હું આજીવન ઋણી રહીશ. એ દિવસે ડૉક્ટરસાહેબે ૩૨૦૦ રૂપિયા આપ્યા જે ભવન્સના ભાડા પેટેના હતા. એ પૈસા લઈને છેલ્લી લોકલ મેં પાર્લાથી પકડી. મારે ઘરે એટલે કે ખેતવાડી જવાનું હતું. સવારનો બહાર હતો, દોડધામ કરી હતી અને નિષ્ફળતાનો પ્રભાવ પણ ગણો, પણ હું ખૂબ થાક્યો હતો. ટ્રેનમાં બેઠો અને થોડી વારમાં હું ટ્રેનના બાંકડા પર સૂઈ ગયો. જ્યારે જાગ્યો ત્યારે ટ્રેન અને હું અમે બન્ને ચર્ચગેટના યાર્ડમાં હતાં.

જાગ્યો ત્યારે મને ખબર પડી કે હું લૂંટાઈ ગયો છું. એ લોકો મારી કાંડા-ઘડિયાળ લઈ ગયા હતા, મારા પૅન્ટના ખિસ્સામાં કાણું પાડીને એમાં જે પૈસા હતા એ પણ કાઢી લીધા હતા. હું ટ્રેનમાંથી કૂદકો મારીને નીચે ઊતર્યો અને ચર્નીરોડ તરફ ચાલવા લાગ્યો. મારાં ચંપલ પણ એ લોકો લઈ ગયા હતા. સ્ટેશન પાસે આવ્યો ત્યાં એક ખાંચો હતો, જે રેલિંગ તોડીને બનાવવામાં આવેલો હતો. ત્યાંથી બહાર નીકળીને હું રોડ પર આવ્યો. અહીંથી મારે ઘર તરફ જવાનું હતું. હું ચાલવા લાગ્યો, ટૅક્સી કરવાના પૈસા હતા નહીં અને ઘરે જઈને પૈસા ચૂકવી શકવા જેવી સધ્ધરતા નહોતી, કારણ કે ઘરે પૈસા હશે કે નહીં એ પણ એક પ્રશ્ન હતો. એ રાત્રે હું લગભગ ત્રણ વાગ્યે ચંપલ વગર ચાલીને ઘરે પહોંચ્યો હતો. મિત્રો, એક ઉક્તિ છે. પડે ત્યારે સઘળું પડે.

આ ઉક્તિને મેં હંમેશાં યાદ રાખી છે. એક તરફ નાટક ફ્લૉપ થયું તો બીજી બાજુએ ૩૨૦૦ રૂપિયા જેવી માતબર રકમ મારા ખિસ્સામાંથી ચોરાઈ ગઈ. હવે હું કેવી રીતે ડૉક્ટરસાહેબને જઈને કહું કે તમે આપેલા રૂપિયા મારા ખિસ્સામાંથી ચોરાઈ ગયા, હું પાછો કડકો થઈ ગયો.

ગાયનું દૂધ પીવાનું હોય, એનાં આંચળ ન જમવાનાં હોય. મેં નક્કી કર્યું કે હવે હું મારી રીતે એ ભવન્સનું ભાડું ભરીશ. મેં મિત્રો પાસેથી પૈસા ઉછીના લેવાના શરૂ કર્યા અને એ ઉછીના પૈસાથી મેં ભાડું ભરી દીધું. ઉછીના લીધેલા આ પૈસા હવે ચૂકવવાના પણ હતા, જેના માટે મેં એક રસ્તો વાપર્યો. એ રસ્તો કયો હતો અને મેં કેવી રીતે મારી કડકી દૂર કરી એની વાત કરીશું આવતા મંગળવારે.

 

જોકસમ્રાટ

શિક્ષકઃ એ કોણ છે જે હવામાં ઊડે પણ બચ્ચાં જમીન પર આપે છે?

થોડા સમય પછી વર્ગમાંથી જવાબ આવ્યો...

‘ઍર-હૉસ્ટેસ’

માસ્તર હજી આઇસીયુમાં છે.

gora 

બોલ્સ ઑફ હેલ્ધીનેસઃ અમદાવાદમાં આવેલી ‘બોલ્સ ઑફ બુદ્ધા’નો કન્સેપ્ટ આવતા સમયમાં રોજબરોજની લાઇફમાં ઉમેરાઈ જવાનો છે એ નક્કી છે.

ફૂડ ટિપ્સ

મિત્રો, ગયા અઠવાડિયે ભુજની વાત કરતી વખતે જ મેં તમને કહ્યું કે ઘણી વાર અનાયાસે જ ફૂડ ટિપ્સ મળી જતી હોય છે તો કોઈ વખતે એવું પણ બને કે તમે ફૂડ ટિપ્સ માટે ડબલ-ટ્રિપલ મહેનત કરો તો પણ કશું મળે નહીં. આજે મારે વાત કરવી છે કે તમને એવી ફૂડ ટિપ્સની જે મને સાવ અનાયાસે જ મળી ગઈ. અમદાવાદમાં અમારા નાટકના શો હતા. અમદાવાદમાં જય પંડ્યા નામનો મારો એક મિત્ર છે, જેણે મારાં નાટકોમાં કામ પણ કર્યું છે. હમણાં જયે રેસ્ટોરાં ચાલુ કરી છે. જયે અમને એ રેસ્ટોરાં પર આમત્રંણ આપીને બોલાવ્યા. મને તો એમ હતું કે તેને ત્યાં જઈને પછી હું ફૂડ ટિપ્સ માટે નીકળી પડીશ, પણ ના સાહેબ, અમને તેને ત્યાં જ મસ્ત મજાની ફૂડ ટિપ્સ મળી ગઈ. આ ફૂડ ટિપ્સ વિશે વાત કરું એની પહેલાં તમને હું આ કન્સેપ્ટ વિશે કહેવા માગું છું. મુંબઈ માટે આ કન્સેપ્ટ નવો નથી પણ અમદાવાદમાં આ કન્સેપ્ટ નવો છે. થલતેજ પાસે સિંધુ ભવન રોડ ખૂબ ડેવલપ થયો છે.

અહીં ઘણાબધા લોકોએ ફાર્મહાઉસ બનાવ્યાં છે. એકદમ શાંત એરિયા અને રાત પડ્યે મસ્ત ઠંડક પ્રસરી જાય એવું વાતાવરણ. આ ફાર્મહાઉસમાં કોઈએ મિની માણેકચોક શરૂ કર્યો છે. આ મિની માણેકચોક નથી પણ. પાંઉભાજી, ઢોસા, પંજાબી, ચાટ આઇટમ, રબડી અને એવી બીજી અનેક વરાઇટીઓ ત્યાં મળે અને એસ. જી. હાઇવે પર આવી બેત્રણ ફૂડ કોર્ટ ચાલુ થઈ છે, પણ આ બધા કરતાં પણ એક ખૂબ મોટી ફૂડ કોર્ટ અગાઉ તમને ઉપર કહ્યું એમ સિંધુ ભવન રોડ પર શરૂ થઈ છે, જેનું નામ છે SBR Social. ખૂબ જ સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. પાર્કિંગ સ્પેસ પણ પૂરતી છે. વિશાળ વૉક-વે છે અને બધું એકદમ સુનિયોજિત કહીએ એવી રીતે ગોઠવાયેલું. લગભગ દસ બાય દસના પંચાવન કાચા સ્ટૉલ બનાવ્યા છે. આ બધા સ્ટૉલની વચ્ચે મોટી જગ્યા જેમાં ખુરશી-ટેબલને આખી ફૂડ કોર્ટ બનાવવામાં આવી છે. અહીંની બીજી વિશેષતા કહું તમને, કોઈ એક આઇટમ એક જ સ્ટૉલ પર મળે; બીજે ક્યાંય મળે નહીં. એને લીધે તમે કહી શકો કે પંચાવન સ્ટૉલમાં કોઈ જગ્યાએ રિપીટેશન નથી.

જય પંડ્યાએ અહીં ‘બોલ્સ ઑફ બુદ્ધા’ નામનો સ્ટૉલ શરૂ કર્યો છે. આ નવો કન્સેપ્ટ છે. હેલ્ધી ફૂડ તરીકે લંચ-ટાઇમમાં ઑફિસમાં ખૂબ ખવાય છે. એક મોટો બોલ હોય, જેમાં બધી હેલ્ધી આઇટમ આવે. આ બોલમાં અલગ-અલગ પ્રકાર હોય. ધારો કે એક બોલમાં ગ્રીન વેજિટેબલ્સ હોય અને ફલાફલ, ચીકપીસ અને પછી ગાર્નિશ કરે હમસથી. એવી રીતે મેક્સિકન બુદ્ધા બોલમાં બ્લૅક બીન્સ, સ્પિનૅચ, બ્રાઉન રાઇસ હોય અને સાથે સાલ્સા સૉસ અને નાચોઝ હોય અને એના પર એક ખાસ જાતનું ચીઝ હોય. ઇન્ડિયન બુદ્ધા બોલમાં મગ, સોયા, પનીર, વેજિટેબલ્સ, દેશી ચટણી હોય. આ ઉપરાંત બે પ્રકારના સૅલડ બોલ પણ મળે છે. સફેદ બાફેલા ચણાની અંદર વિવિધ એક્ઝૉટિક સૉસિસ નાખીને સાથે વેજિટેબલ્સ હોય. બીન્સ બ્લાસ્ટ સૅલડમાં બધા બીન્સ હોય જેમાં મગ, મઠ, રાજમા આવી જાય અને સાથે વેજિટેબલ્સ અને અલગ-અલગ સૉસ અને સ્પ્રાઉટ્સ હોય. આ ઉપરાંત અહીં કીન્વાહ બોલ્સ પણ મળે છે. આ કિનવા આજકાલ બહુ ચલણમાં છે. આ એક ધાન છે અને હેલ્થ માટે બહુ સારું છે. જગત આખામાં આ ખૂબ ખવાય છે. કીન્વાહ બહુ મોંઘું આવે છે. અહીં મળતાં કીન્વાહ બોલ્સમાં કીન્વાહની સાથે વેજિટેબલ્સ, શિંગ, બેસિલ હોય છે. યાદ રાખજો, આવનારા સમયમાં કિનવાનો ટ્રેન્ડ આવવાનો છે. બોલ્સ ઉપરાંત અહીં જાતજાતના જૂસ પણ છે અને એમાં પણ યુનિકનેસ છે. મેં અહીં દાડમ અને સંતરાંનો મિક્સ જૂસ પીધો, અદ્ભુત હતો.

અગાઉ મેં તમને કહ્યું છે એમ, મારા માટે ફૂડ ટિપના ત્રણ ક્રાઇટેરિયા છે. ફૂડ સસ્તું હોવું જોઈએ, ટેસ્ટી હોવું જોઈએ અને યુનિક હોવું જોઈએ. આ ત્રણમાંથી કોઈ પણ બે ક્રાઇટેરિયા મૅચ થાય તો અને તો જ મારે ફૂડ ટિપ કરવી. ‘બોલ્સ ઑફ બુદ્ધા’માં ફૂડ થોડું મોંઘું છે પણ એમાં યુનિકનેસ છે અને ટેસ્ટી પણ છે. અમદાવાદમાં આવો તો અહીં ચોક્કસ આવજો. ‘બોલ્સ ઑફ બુદ્ધા’ તો અહીં છે જ અને એની વિઝિટ લેવા જેવી પણ છે પણ એ ઉપરાંત પણ તમને અનેક બીજી વરાઇટીઓના સ્ટૉલ પણ અહીં મળી જશે.

Whatsapp-channel Whatsapp-channel

21 January, 2020 02:57 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK