લાઇફ કા ફન્ડા - મનની શાંતિ

Published: Jul 23, 2020, 16:01 IST | Heta Bhushan | Mumbai

હંમેશાં પરમ શાંત ઝેન ગુરુને તેમના એક મિત્ર મળવા આવ્યા અને પૂછ્યું, ‘હું પણ ઝેન ગુરુ છું. મારા પણ ઘણા શિષ્યો છે. છતાં આપ જેટલા શાંત રહો છો તેટલો શાંત હું રહી શકતો નથી.

એક ઝેન ગુરુ, હંમેશાં એકદમ શાંત રહે, સદા તેમના મુખ પર એક અનન્ય શાંત ભાવ રહે અને આખા દિવસમાં કાંઈ પણ થાય, ન તેઓ ગુસ્સે થાય, ન તેમના મુખની રેખા બદલાય, ન તેઓ ઊંચા અવાજે વાત કરે.
હંમેશાં પરમ શાંત ઝેન ગુરુને તેમના એક મિત્ર મળવા આવ્યા અને પૂછ્યું, ‘હું પણ ઝેન ગુરુ છું. મારા પણ ઘણા શિષ્યો છે. છતાં આપ જેટલા શાંત રહો છો તેટલો શાંત હું રહી શકતો નથી. જાણું છું કે ગુસ્સે થવું ખોટું છે, પણ ક્યારેક ગુસ્સે થઈ જ જવાય છે. મારું મન આખો દિવસ શાંત રહી શકતું નથી. ઘણી વખત સાવ નજીવા કારણમાં પણ મન અશાંત થઈ જાય છે. આપ તો હંમેશાં શાંત રહો છો. આપના મુખ પરથી શાંતિના ભાવ ક્યારેય દૂર થતા જ નથી. કૃપા કરી આપ મને તેનું રહસ્ય સમજાવો. આપ એવું તે શું કરો છો કે સદા શાંત રહી શકો છો.’
શાંત ઝેન ગુરુ બોલ્યા, ‘હું રોજ સવારે વહેલો ઊઠું છું અને સતત બે કલાક ધ્યાન કરું છું.’ બીજા ઝેન ગુરુ તરત બોલ્યા, ‘ધ્યાન તો હું પણ કરું છું...’ શાંત ઝેન ગુરુએ કહ્યું, ‘ધ્યાન બધા કરે છે. તમે પણ કરો છો અને હું પણ કરું છું. આપણે આપણા વિદ્યાર્થીઓને પણ ધ્યાનનું મહત્ત્વ શીખવાડીએ છીએ, પણ અહીં વાત છે ધ્યાન કરવાથી તમને જે મનની શાંતિ મળે છે તે શાંતિને જાળવી રાખો મનના એક ખૂણે અને આખો દિવસ શાંત રહેવા તે શાંતિનો ઉપયોગ કરો. હું રોજ એમ જ કરું છું. મારા બે ક્લાકના ધ્યાનમાં મને જે શાંતિનો અનુભવ થાય છે તે શાંતિને હું મારા મનમાં જાળવી લઉં છું. અને ન ગમતા સંજોગો સર્જાય ત્યારે તે શાંતિ મને શાંત રાખે છે. અને મારાં બધાં કામ
હું જાતે જ કરું છું; કોઈની સેવા લેતો
નથી એટલે તે બાબતે કોઈ ન ગમતી
વાત થતી નથી. હું કોઈ સાથે મારી સરખામણી કે અભિમાન કરતો નથી એટલે પણ મારા મનની શાંતિ અકબંધ રહે છે. હું આજમાં જીવું છું અને આવતી કાલની ચિંતા કરતો નથી એટલે મારા મનની શાંતિ હણાતી નથી.’
પ્રશ્ન પૂછનાર ઝેન ગુરુને કારણ સમજાઈ ગયું કે તેમનામાં ‘મારા જેવું કોઈ નથી’ તેનું અભિમાન હતું; તેઓ પોતાના બધાં કામ શિષ્યો જ કરે તેવો આગ્રહ રાખતા, તેઓ પોતાની ખ્યાતિની ચિંતા કરતાં એટલે તેઓ ધ્યાન કરતાં હોવા છતાં તેમને પરમ શાંતિનો અનુભવ થતો નહોતો. અને ધ્યાનમાં મળતી શાંતિને જાળવી રાખવી જોઈએ તે બાબત તો તેમણે આજે જ જાણી હતી. તેમણે પોતાની ભૂલ શાંત ઝેન ગુરુ સમક્ષ કબૂલી લીધી અને તેમ કરતાં જ મનમાં રાહત થઈ. ધીમે ધીમે સુધાર કરતાં તેમને શાંતિનો અનુભવ થવા લાગ્યો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK