Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સર્વોચ્ચ અદાલતના સર્વેસર્વાની પડદા પાછળની સફર

સર્વોચ્ચ અદાલતના સર્વેસર્વાની પડદા પાછળની સફર

25 November, 2019 02:18 PM IST | Mumbai Desk
parakh bhatt

સર્વોચ્ચ અદાલતના સર્વેસર્વાની પડદા પાછળની સફર

સર્વોચ્ચ અદાલતના સર્વેસર્વાની પડદા પાછળની સફર


થોડા સમય પહેલાં જ દેશની સર્વોચ્ચ અદાલતે દાયકાઓથી પેન્ડિંગ એવા અયોધ્યા કેસ પર આખરી ચુકાદો આપ્યો. ૧૭ નવેમ્બરે સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ નિવૃત્ત થવા જઈ રહ્યા હતા. કાર્યકાળના છેલ્લા ૧૦ દિવસોમાં પણ તેઓ અન્ય પાંચ કેસની ફાઇલ્સના કાર્યભારમાં વ્યસ્ત રહ્યા. લોકશાહી માટે સર્વોચ્ચ અદાલત એટલા માટે મહત્ત્વની છે, કારણ કે પોતાની રાહ પરથી ભટકી ગયેલી સરકારને પણ એ સીધી દોર કરી શકવાની ક્ષમતા ધરાવે છે. કેન્દ્રમાં બેઠેલી સરકાર સુપ્રીમ કોર્ટ પર કોઈ દબાણ નથી લાદી શકતી, જેના કારણે દેશનું ન્યાયિક સંતુલન જળવાઈ રહે છે. પરંતુ ભૂતકાળમાં એવા ઘણા કિસ્સાઓ જોવા મળ્યા છે જેમાં સુપ્રીમ કોર્ટને પણ બાનમાં લેવાની કોશિશ કરવામાં આવી હોય. ક્યારેય પ્રશ્ન થયો છે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બનવા માટે શું લાયકાતો જોઈએ? કોઈ પણ મલ્ટિનૅશનલ કંપનીના ઉચ્ચ હોદ્દા પર બેસવું હોય તો જિંદગીભર મહેનતરૂપી લોઢાના ચણા ચાવવા પડે છે, જ્યારે આ તો દેશના સર્વોચ્ચ ન્યાયતંત્રના રાજસિંહાસન પર બિરાજવાની વાત! પરંતુ આશ્ચર્ય એ છે કે જે હોદ્દા વિશે ભારતના બંધારણમાં વિસ્તારપૂર્વકની માહિતી હોવી જોઈતી હતી એ નથી! 

સૌપ્રથમ તો એ જાણી લો કે દેશના સર્વોચ્ચ ન્યાયતંત્રના મામલામાં સરકારને માથું મારવાની પરવાનગી નથી. પાછલા દિવસોના ઘટનાક્રમ પર નજર હશે તો આ બાબતને સમજવામાં સરળતા રહેશે. ૨૦૧૮ની સાલમાં ૪૬મા ચીફ જસ્ટિસ બનેલા રંજન ગોગોઈ ગઈ ૧૭ નવેમ્બરે નિવૃત્ત થયા. નવા નિર્ણાયક નીમવા માટે રાષ્ટ્રપતિ અને પૂર્વ ચીફ જસ્ટિસની ભૂમિકા સૌથી અગત્યની છે. રિટાયર થઈ રહેલા ચીફ જસ્ટિસ સુપ્રીમ કોર્ટના અન્ય ચાર વરિષ્ઠ જસ્ટિસમાંથી સૌથી સિનિયર ગણાતા જજની નિમણૂક સર્વોચ્ચ અદાલતના વડા તરીકે કરે છે.



અચ્છા, એક મિનિટ. વરિષ્ઠ હોવાની વ્યાખ્યા અહીં થોડીક જુદી પડે છે. ઉંમરના આધારે સિનિયર ગણાતા જસ્ટિસનું અહીં કોઈ કામ નથી. એક ઉદાહરણ આપીને મારી વાત સમજાવું. સર્વોચ્ચ અદાલતના વડા તરીકે કામગીરી બજાવી શકવાની વયમર્યાદા ૬૫ વર્ષની છે. હવે ધારો કે નિવૃત્ત થઈ રહેલા ૬૫ વર્ષના ચીફ જસ્ટિસ સુપ્રીમ કોર્ટના ચાર અન્ય જસ્ટિસમાંથી એક વ્યક્તિનું નામ પસંદ કરવા જઈ રહ્યા છે, જેમાંના ત્રીજા નંબરના જજે બીજા નંબરના જજ કરતાં સુપ્રીમ કોર્ટમાં એક વર્ષ વધુ કામ કર્યું છે તો તેમની પસંદગી ચીફ જસ્ટિસ તરીકે થવાની સંભાવના સૌથી વધુ છે.


‘સંભાવના’ શબ્દ એટલે ઉપયોગમાં લીધો છે, કારણ કે ચીફ જસ્ટિસના હોદ્દા સુધી પહોંચવામાં કેટલાક અંતરાયો નડી શકે એમ છે. ભારતના લોકશાહી તંત્રમાં જેટલી છટકબારીઓ જોવા મળે છે એવી લગભગ અન્ય કોઈ મોટાં રાષ્ટ્રોના તંત્રમાં નથી જોવા મળતી.
આપણા દેશના બંધારણમાં ઝીણામાં ઝીણી બાબતોને ધ્યાનમાં રાખીને કલમો લખવામાં આવી છે, પરંતુ દેશની સર્વોચ્ચ અદાલતને આ મામલે કેમ પાછળ રાખી દેવામાં આવી છે એ બહુ મોટો પ્રશ્ન છે. કલમ ૧૨૪ (૧) એવું કહે છે કે ભારતમાં ચીફ જસ્ટિસ ધરાવતી સુપ્રીમ કોર્ટનું અસ્તિત્વ હોવું જરૂરી છે. પરંતુ ચીફ જસ્ટિસની નિમણૂક માટેની પ્રક્રિયા અને લાયકાત અંગે એમાં કોઈ ઉલ્લેખ નથી. જે કંઈ થોડીઘણી વિગતો બંધારણમાં જોવા મળે છે એ આર્ટિકલ ૧૨૬ની દેન છે, જેમાં ચીફ જસ્ટિસના હોદ્દા પર કોઈ વ્યક્તિને બેસાડવા માટેની પ્રક્રિયાનો ઉલ્લેખ છે.

પ્રોટોકોલ અને લાયકાત
સુપ્રીમ કોર્ટના સર્વોચ્ચ જજ બનવા માટે રિટાયર થઈ રહેલા ચીફ જસ્ટિસની દેશના રાષ્ટ્રપતિને સિફારિશ કરવામાં આવે એ જરૂરી છે. તેઓ એક પત્ર લખીને રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટના આગામી ચીફ જસ્ટિસ માટેનું નામ સૂચન કરે છે, જે માટેની લાયકાતો કંઈક આ મુજબની છે :
(૧) સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ ગણાતા અન્ય ચાર જજમાંથી કોઈ એકની પસંદગી થશે, જેની વયમર્યાદા ૬૫ વર્ષથી ઓછી હોવી જોઈએ. તેઓ ભારતીય હોવા જોઈએ.
(૨) સુપ્રીમ કોર્ટમાં તેમણે ગાળેલા સમયને આધારે સિનિયોરિટી લેવલ નક્કી કરવામાં આવે છે. ઉંમર કે વયને અહીં કોઈ લેવાદેવા નથી. ચાર ન્યાયાધીશમાંથી એકની ઉંમર ૬૪ અને બીજાની ૬૧ હોય, પરંતુ તેમણે સુપ્રીમ કોર્ટમાં આપેલી સેવા અનુક્રમે ચાર અને પાંચ વર્ષની હશે તો ૬૧ વર્ષના જજની નિમણૂક ચીફ જસ્ટિસ તરીકે થાય એ શક્ય છે.
(૩) ચીફ જસ્ટિસ બનવા માટે ન્યાયાધીશે કોઈ એક અથવા એનાથી વધુ રાજ્યોની હાઈ કોર્ટમાં ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી જજની કામગીરી બજાવી હોવી જોઈએ. (અથવા હાઈ કોર્ટ/સુપ્રીમ કોર્ટમાં ઍડ્વૉકેટ તરીકેનો ૧૦ વર્ષનો બહોળો અનુભવ હોવો જરૂરી છે.)
(૪) હવે ધારો કે ચીફ જસ્ટિસ માટેની રેસમાં દોડી રહેલા બે સિનિયર ન્યાયાધીશો એક જ દિવસે સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિમાયા હોય ત્યારે શું? કોને સિનિયર ગણવા? આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ઑગસ્ટ ૨૦૧૭માં! પૂર્વ ચીફ જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ ચેલામેશ્વરની ૧૦ ઑક્ટોબર, ૨૦૧૧ના સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આથી જ્યારે તેમની વચ્ચે સિનિયોરિટી લેવલ નક્કી કરવાનો વખત આવ્યો ત્યારે એ પ્રક્રિયા થોડી લાંબી બની ગઈ હતી.


આ સમસ્યાનું નિવારણ લાવવા માટે સૌપ્રથમ એ જોવામાં આવે છે કે કયા જજ દ્વારા શપથવિધિ વહેલી પૂરી કરવામાં આવી? દીપક મિશ્રા-ચેલામેશ્વર (૨૦૧૭) અને રુમા પાલ-વાય. કે. સભરવાલ (૨૦૦૦) વખતે આ પ્રક્રિયાનું અનુસરણ કરીને ચીફ જસ્ટિસની પસંદગી કરવામાં આવી હતી. બન્નેમાંથી કયા ન્યાયાધીશે હાઈ કોર્ટમાં વધારે વર્ષો સુધી સેવા આપી છે એ ફૅક્ટર પણ અહીં મહત્ત્વનું છે.
એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે ઇન્દિરા ગાંધીએ સર્વોચ્ચ અદાલત પર ધાક જમાવવાની કોશિશ કરી હતી. ૧૯૭૩ની ૨૫ એપ્રિલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ. એમ. સિકરી નિવૃત્ત થવાના હતા. એ વખતે સિનિયોરિટી ક્રમમાં જસ્ટિસ જે. એમ. સેલત, કે. એસ. હેગડે અને એ. એન. ગ્રોવર બાદ ચોથા નંબર પર હોવા છતાં જસ્ટિસ રેની નિમણૂક સર્વોચ્ચ અદાલતના વડા તરીકે કરી દેવામાં આવી હતી. કેશવાનંદ ભારતી કેસમાં સરકાર તરફી નિર્ણયો આવે એ માટેના ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યા, પરંતુ નાની પાલખીવાલા જેવા નામી વકીલે કોર્ટમાં રજૂ કરેલી દલીલોને કારણે સરકારની મેલી મુરાદ પર પાણી ફરી વળ્યું હતું.

સુપ્રીમ કોર્ટના વડાની પસંદગી માટેના રેફરન્સ પત્રમાં ન્યાયાલયના પહેલા ક્રમના સિનિયર જજનું ‘સ્વસ્થ’ હોવું જરૂરી છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અહીં નિર્ણાયક પરિબળ છે. માની લો કે પહેલા ક્રમના જજ આ તબક્કામાંથી પાર નથી ઊતરી શકતા તો એ વખતે અન્ય ત્રણ સિનિયર જજમાંથી એકની પસંદગી ચીફ જસ્ટિસના પદ માટે કરવામાં આવે છે. આટલી પ્રક્રિયા બાદ રિટાયર થઈ રહેલા ચીફ જસ્ટિસના ભલામણ પત્રને દેશના વડા પ્રધાન સુધી પહોંચાડવામાં આવે છે, જેઓ બાદમાં રાષ્ટ્રપતિને સર્વોચ્ચ અદાલતના વડાની શપથવિધિ માટેની પ્રક્રિયા આગળ ધપાવવા માટે સલાહ આપે છે.

૧૯૫૦ની સાલમાં સ્થપાયેલી સુપ્રીમ કોર્ટના ૪૭મા ચીફ જસ્ટિસ બોબડેના શપથગ્રહણ સમારોહમાં વડા પ્રધાન, રાષ્ટ્રપતિ ઉપરાંત જમૈકા અને ભૂતાનની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો પણ હાજર રહ્યા. વાજતેગાજતે સમગ્ર કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રશ્ન એ છે કે ૨૦૨૧ના એપ્રિલ મહિના સુધી સુપ્રીમ કોર્ટના સર્વેસર્વા બનેલા બોબડેના ભાગે કેટલા મહત્ત્વના નિર્ણયોની સુનાવણીઓ આવી શકે એમ છે?
શરદ બોબડેના નોંધનીય ચુકાદાઓ

૨૦૦૦ની સાલમાં બૉમ્બે હાઈ કોર્ટમાં અધિક ન્યાયાધીશ તરીકે શરદ અરવિંદ બોબડેએ પોતાની કરીઅરનો પહેલો મુકામ હાંસિલ કર્યો હતો એમ કહી શકાય. ૨૦૧૨ના ઑક્ટોબરમાં મધ્ય પ્રદેશ હાઈ કોર્ટના ૩૯મા ચીફ જસ્ટિસ અલ્તામાસ કબીર દ્વારા તેમની ૪૦મા ચીફ જસ્ટિસ તરીકે પસંદગી કરવામાં આવી. એના બીજા જ વર્ષે એટલે કે એપ્રિલ, ૨૦૧૩માં કબીરે તેમને સુપ્રીમ કોર્ટનાં પગથિયાં ચડવામાં મદદ કરી.

મહારાષ્ટ્રના નાગપુરમાં જન્મેલા ચીફ જસ્ટિસનો સમગ્ર પરિવાર વકીલાત ક્ષેત્રમાં નિપુણતા ધરાવે છે. તેમના પિતા અરવિંદ બોબડે પણ ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટ સાથે સંકળાયેલા હતા. ધ્યાનાકર્ષક વાત તો એ પણ છે કે ૪૬મા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર લગાડવામાં આવેલા જાતીય છેડખાનીના આરોપની સુનાવણી પણ બોબડેએ જ કરી હતી. ત્રણ જજની પૅનલ સાથે યોજાયેલા ઇન-હાઉસ હિયરિંગમાં રંજન ગોગોઈ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટની જ ભૂતપૂર્વ એમ્પ્લૉયી દ્વારા સેક્સ્યુઅલ હૅરેસમેન્ટનો કેસ થોપી દેવામાં આવ્યો હતો, જેને બાદમાં પૂરતા પુરાવાઓના અભાવને કારણે બરખાસ્ત કરવામાં આવ્યો હતો!

બાબરી મસ્જિદ અને અયોધ્યા રામમંદિર વિવાદ કેસ ઉપરાંત દેશના નાગરિકો આધારકાર્ડના અભાવે સરકારની મૂળભૂત સેવાઓ અને સબસિડીના લાભમાંથી વંચિત ન રહી જાય એ માટે તેમણે બહુ જ મક્કમપણે પોતાનો ફેંસલો સંભળાવ્યો હતો.

આ પણ વાંચો : PHOTOS: જુઓ દુલ્હનના અવતારમાં મોનાલિસા ઉડાવી રહી છે ચાહકોના હોશ

કયા કેસોની સુનાવણી રાહ જોઈ રહી છે?
સુપ્રીમ કોર્ટ માટે અઘરામાં અઘરા કેસની ગણનામાં ધર્મ વિરુદ્ધ બંધારણનો સમાવેશ થાય છે! અયોધ્યા કેસમાં એમને જે પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો એ ઘટનાનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય એ માટે ચીફ જસ્ટિસ બોબડે કશાક નક્કર નિર્ણયો લે એવી સંભાવના છે. તદુપરાંત સબરીમાલા મંદિરમાં સ્ત્રીઓના પ્રવેશ અંગેના વિવાદને પણ કેમ ભૂલી શકાય? ઇસ્લામ, પારસી ધર્મનાં ધાર્મિક સ્થળોએ પ્રાર્થના કરવા માટેની પરવાનગી તથા ઇસ્લામમાં લગ્ન માટેની સાચી ઉંમર, યુનિફૉર્મ કોડ ઑફ કન્ડક્ટ જેવા પુષ્કળ કેસો પર કાર્યવાહી શરૂ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. સિટિઝનશિપ બિલ, મની-બિલ અને અધ્યક્ષની સત્તા પર પણ આજકાલ જેટલા સવાલો ઊઠી રહ્યા છે એ સુપ્રીમ કોર્ટ માટે લાલબત્તી સમાન છે. ચૂંટણી સમયે થનારા કથિત પૉલિટિકલ ડોનેશન મુદ્દે પણ દેશમાં ગરમાગરમીનો માહોલ છે. ચીફ જસ્ટિસ બોબડે પોતાના કાર્યકાળ દરમિયાન કેટલા ખરા ઊતરી શકશે એ તો સમય જ જણાવશે, પરંતુ હાલપૂરતું તેમના પોતાના ભૂતકાળ અને કેટલાક કેસો પરના તેમના ચુકાદાઓ પર નજર ફેરવીને તેમની ન્યાયપ્રિયતાનો પરિચય મેળવી શકાય એમ છે.

Whatsapp-channel Whatsapp-channel

25 November, 2019 02:18 PM IST | Mumbai Desk | parakh bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK