અંતિમ યાત્રા - (લાઇફ કા ફન્ડા)

Published: May 28, 2020, 21:30 IST | Heta Bhushan | Mumbai

માણસનું જીવન ઘરથી કબર સુધીનું છે એ વાત સમજાવતાં વાત અંતિમ યાત્રા વિશે થતી હતી.

કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય એટલે તેના દેહને અંતિમ વાર સજાવીને, નવાં કપડાં અને ફૂલોના હાર પહેરાવીને અંતિમ યાત્રા કાઢવામાં આવે. હિન્દુ હોય, મુસલમાન હોય કે ખ્રિસ્તી. ઘરથી આ છેલ્લી યાત્રા તો બધાની જ નીકળે જે જીવનના આખરી પડાવ તરફ લઈ જાય. મૃત્યુ વિશે વાત કરતાં કથાકારે કહ્યું...
માણસનું જીવન ઘરથી કબર સુધીનું છે એ વાત સમજાવતાં વાત અંતિમ યાત્રા વિશે થતી હતી. કથાકારે આગળ જણાવ્યું, ‘આપણે ત્યાં નીકટના કે દૂરના સ્વજન, આડોશી-પાડોશીનું મૃત્યુ થાય ત્યારે સાંત્વના આપવા જવાનો, કાંધ આપવાનો અને અંતિમ યાત્રામાં સ્મશાન સુધી જવાનો રીવાજ છે અને કહેવાય છે કે સારા પ્રસંગે ન પહોંચી શકાય તો વાંધો નહીં, પણ માઠા પ્રસંગે અચૂક સાથે રહેવું. દરેક વખતે કોઈ અભિમાન કરી એમ વર્તન કરે કે મને કોઈની જરૂર નથી ત્યારે વડીલો સમજાવે છે કે સ્મશાને પહોંચવા તો ચાર જણની જરૂર પડશે જ માટે અભિમાન ન કર.’
આટલું બોલી કથાકાર અટક્યા. શ્રોતાજનોને લાગ્યું કે આ બધી વાતો તો બધાને ખબર હોય, આવી વાતો કરી કથાકાર શું સમજાવવા માંગે છે? કથાકાર બોલ્યા, ‘માણસના મૃત્યુ બાદ અંતિમ યાત્રામાં જોડાનાર દરેક સ્વજન, આપણે બધા એમ માનીએ છીએ કે આપણે સાથે મળી મૃત્યુ પામનાર સ્વજનને આખરી સફરમાં સાથ આપી, ખભે ઊંચકીને જીવનની છેલ્લી મંઝિલ સુધી લઈ જઈએ છીએ. બધા એમ વિચારે છે કે મરનારને આપણે તેના જીવનના છેલ્લા મુકામ સુધી પહોંચાડી દઈને; આપણી તેના પ્રત્યેની ફરજ પૂરી કરીએ છીએ, પણ હકીકત કંઈક અલગ છે.’ બધાને આ વાત સાંભળી નવાઈ લાગી.
કથાકાર બોલ્યા, ‘મારી વાત ધ્યાનથી સાંભળજો. અંતિમ યાત્રામાં આપણે મરનારનું મૃત શરીર ખભે ઉપાડીને સ્મશાન સુધી લઈ જઈએ છીએ ત્યારે આપણે મરનારને જીવનની છેલ્લી મંઝિલે નથી પહોંચાડતા, પરંતુ મારનાર જાતે મૃત્યુ પામીને આપણને બધાને ઉદાહરણ આપીને સમજાવે છે કે દરેકના જીવનો છેલ્લો મુકામ આ જ છે. સ્વજનો અને મિત્રોના ખભે ચડીને સ્મશાને પહોંચી ધુમાડો થઈ જવાનું છે અથવા માટીમાં ભળી જવાનું છે. આ જ દરેકના જીવનની હકીકત છે માટે ખોટી મોહ-માયા-મમતા રાખવી નહીં. રૂપ, ગુણ, પૈસા, આવડત, જ્ઞાન‍ વગેરેનું અભિમાન કરવું નહીં.’
કથાકારે જીવનની સત્ય હકીકત સુંદર રીતે સમજાવી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK