Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સરદાર પટેલને પુછાયેલો એક પ્રશ્ન, જે આજે પણ અનુત્તર છે

સરદાર પટેલને પુછાયેલો એક પ્રશ્ન, જે આજે પણ અનુત્તર છે

25 October, 2020 06:48 PM IST | Mumbai
Dr. Dinkar Joshi

સરદાર પટેલને પુછાયેલો એક પ્રશ્ન, જે આજે પણ અનુત્તર છે

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


મણિબહેને એક નિયમ બનાવી રાખ્યો હતો.

કોઈ પણ મુલાકાતીઓ સાથે નિયત થયેલા સમય કરતાં વધુ સમય થઈ જાય ત્યારે સૌપ્રથમ મણિબહેન પોતે પોતાની પાસે રહેલા ઘડિયાળમાં એવી રીતે સમય ચકાસતાં કે મુલાકાતીનું ધ્યાન તેમના તરફ દોરાય. મોટા ભાગે તો સરદાર મણિબહેનના આ સમયદર્શનને સમજી જતા છતાં કેટલીયે વાર એવું બનતું કે સરદાર ઘડિયાળ સામે આંખ આડા કાન કરતા.



આજેય આવું જ બન્યું. મણિબહેને ઘડિયાળ તો ધર્યું, પણ સરદારે જમણા હાથની ચાર આંગળીઓ સહેજ ઊંચી કરીને મણિબહેનને એનો જવાબ વાળી દીધો. પિતા-પુત્રી વચ્ચે થયેલો આ સંકેતવ્યવહાર શ્રીપ્રકાશ સમજી ગયા, પણ શ્રીપ્રકાશનું સરદાર સાથેના સંબંધોમાં એક આગવું સ્થાન હતું. તેઓ સરદારના અનુયાયી નહોતા, સાથી હતા. સ્વયંસેવક કે કાર્યકર નહોતા, સરદાર સાથે ખભેખભો મિલાવીને વાત કરી શકે એવી તેમની ક્ષમતા હતી. મર્મ પામી જઈને તેમણે હસતાં-હસતાં કહ્યું, ‘આપનો સૂવાનો સમય થઈ રહ્યો છે અને મણિબહેન અકળાઈ રહ્યાં છે એ હું જાણું છું, છતાં આજે મારે આપનો થોડો વધુ સમય લેવો પડશે. કરાચી અને કાશ્મીર જેટલી જ મહત્ત્વની એક વાત તરફ મારે તમારું ધ્યાન દોરવું છે.’


ઓશીકાને અઢેલીને શિથિલ દેહે પડેલા સરદાર સહેજ ટટ્ટાર થઈ ગયા.‍

‘એવી તે શી વાત છે, શ્રીપ્રકાશ?’


શ્રીપ્રકાશે પોતાની સામે રહેલી એક ફાઇલમાંથી એક નાનકડો કાગળ બહાર કાઢ્યો. સરદાર જોઈ રહ્યા. આ કાગળ કોઈક અખબારી કટિંગનો હતો. તેમને થયું કદાચ કરાચીના કોઈ અખબારમાં કશુંક એવું છપાયું હોવું જોઈએ જેને પોતાના ધ્યાનમાં મૂકવું શ્રીપ્રકાશ જરૂરી સમજતા હશે.

‘સરદાર’ શ્રીપ્રકાશ બોલ્યા, ‘આમ તો આ મામલો થોડો અંગત છે, પણ એમાં પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે આપણે સૌ સંકળાયેલા છીએ એટલે તમારા ધ્યાન પર મૂકું છું. કદાચ તમે માર્ગદર્શન આપી શકો.’

આટલું કહીને શ્રીપ્રકાશે પહેલું અખબારી કટિંગ સરદાર સામે ધર્યું. સરદારે એ કટિંગ લઈને એના પર આંખ ઠેરવી. પલંગના ઓશીકા પાસે મૂકેલાં ચશ્માં લઈને તેમણે આંખ પર ચડાવ્યાં. ભારતીય હવાઈ દળ તરફથી પાઇલટોની ભરતી કરવા માટે સંરક્ષણ ખાતા તરફથી પ્રગટ થયેલી આ એક અખબારી જાહેરાત હતી. રાબેતા મુજબની કોઈ પણ ભરતી માટે ખાતાવાર ધોરણે જેવી જાહેરખબરો અપાતી હોય છે એવી જ જાહેરખબર હતી. ઉમેદવારની ઉંમર, શૈક્ષણિક યોગ્યતા, શારીરિક સ્વાસ્થ્ય, તાલીમનો સમય, પગારનાં ધોરણ તથા નોકરીની અન્ય શરતો વિશે બધું ધારાધોરણ મુજબ છપાયું હતું. સરદારને શ્રીપ્રકાશનો હેતુ તત્કાળ સમજાયો નહીં. તેમણે ચશ્માંના બન્ને કાચ નાકની દાંડીએથી સહેજ નીચા કરીને શ્રીપ્રકાશ સામે જોયું. શ્રીપ્રકાશ આ પૃચ્છક નજરથી જાણે પ્રતીક્ષા કરી રહ્યા હતા. તેમણે કહ્યું,

‘૧૯૪૨માં અને અગાઉ ૧૯૩૦-’૩૧માં આપણે દેશના તમામ વિદ્યાર્થીઓને અંગ્રેજી શિક્ષણ છોડીને રાષ્ટ્રીય શાળાઓમાં ભરતી થવાની હાકલ કરી હતી. આખા દેશમાં આપણી પાસે કોઈ રાષ્ટ્રીય શિક્ષણ કે રાષ્ટ્રીય શાળાનું આયોજન નહોતું છતાં આપણા પર વિશ્વાસ રાખીને લાખો તરુણોએ પોતાનો અભ્યાસ અધૂરો મૂકીને સ્વાતંત્ર્ય સંઘર્ષમાં જેવો આવડ્યો એવો ટેકો આપવા માંડ્યો હતો.’

‘આ બધું હું જાણું છું, શ્રીપ્રકાશ!’ સરદારે અધવચ્ચેથી જ તેમને અટકાવ્યા અને કહ્યું, ‘આ બધું આજે સંભારીને તમે મને આ અખબારી જાહેરખબર શા માટે દેખાડો છો?’

‘એ વાત પર જ આવું છું સરદાર!’ શ્રીપ્રકાશ બોલ્યા, ‘આપણે બધા જેલમાં હતા ત્યારે મારા ૧૮ વર્ષના પુત્ર તપોવર્ધને આપણી હાકલને માન આપીને કૉલેજનો અભ્યાસ અધૂરો મૂકી દીધો અને પ્રભાતફેરી, પિકેટિંગ ઇત્યાદિ ચળવળોમાં જોડાઈ ગયો. આજે તે ૨૩ વર્ષનો થયો છે અને તેને ભારતીય હવાઈ દળમાં પાઇલટ બનવું છે. હવાઈ દળની આ જાહેરખબર અનુસાર કોઈ પણ ભારતીય યુવકને જો પાઇલટ બનવું હોય તો એની પૂર્વશરતમાં ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત ગ્રૅજ્યુએટની છે, તપો ગ્રૅજ્યુએટ નથી. આજે તેણે આ જાહેરખબર મારા હાથમાં મૂકીને મારી સમક્ષ સમસ્યા પેદા કરી છે. તપો પાસે પાઇલટ બની શકવાની બધી જ લાયકાતો પૂરેપૂરી છે, પણ તેની પાસે શૈક્ષણિક લાયકાત નથી – તે ગ્રૅજ્યુએટ નથી.’

સરદાર એક હાથમાં પેલી જાહેરખબર પકડીને શ્રીપ્રકાશની વાત એકધ્યાને સાંભળી રહ્યા હતા.

‘આ અખબારી કટિંગ મને આપતી વેળાએ તપોએ મને એક પ્રશ્ન પૂછ્યો છે, સરદાર!’ તમારા કહેવાથી અમે કૉલેજ છોડી દીધી હતી. આજે અમે ગ્રૅજ્યુએટ નથી તો એનું કારણ તમે છો. હવે આજે સરકાર તમારી છે ત્યારે તમે પણ જેમની પાસેથી ગ્રૅજ્યુએટ થવાની તક આંચકી લીધી હતી તેમને આ નોકરી માટે ગ્રૅજ્યુએટ થવાનું કહો છો આમાં ઔચિત્ય કેટલું?’

‘આટલું કહીને શ્રીપ્રકાશે એક ઊંડો શ્વાસ લીધો અને પછી હળવેકથી વાત પૂરી કરી, ‘તપોનો પ્રશ્ન મને સાચો લાગે છે, સરદાર! મને એનો જવાબ જડતો નથી. આ જવાબ શોધવા માટે તમે મને મદદ કરો એટલી મારી વિનંતી છે.’

ઢળેલાં પોપચાંને સહેજ ઉપર ઉઠાવીને સરદારે નાકની દાંડી પરથી ચશ્માં ઉતારી લીધાં. મનમાં કશીક ગણતરી મૂકતા હોય એમ એક ક્ષણ તેમણે હોઠ ભીડ્યા અને પછી બોલ્યા,

‘શ્રીપ્રકાશ! તપોને કહેજો કે બે દિવસ પછી મને મળે. હવે આ પ્રશ્ન હવે તમારો નથી, મારો પણ છે.’

શ્રીપ્રકાશના ચહેરા પર અહોભાવ અને પ્રસન્નતાના ભાવોનાં મોજાં જાણે ઊછળવા માંડ્યાં.

વળતા દિવસે સવારે સરદારે પોતાના રહસ્યમંત્રી શંકરને બોલાવીને શ્રીપ્રકાશે આગલી રાતે પોતાને આપેલું પેલું અખબારી કટિંગ તેની સામે ધર્યું. શંકરે આંખના પલકારામાં એ જોઈ લીધું અને પછી સરદાર સામે નજર ઠેરવી.

‘શંકર!’ સરદાર બોલ્યા, ‘હવાઈ દળના પાઇલટ માટેની ભરતીના આ નિયમો વિશે સંરક્ષણ ખાતાની કચેરીમાંથી થોડી માહિતી મેળવવાની છે.’

‘જી’ શંકર બોલ્યા.

‘આમાં ભરતી માટે જે શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી ગ્રૅજ્યુએટની દર્શાવી છે એ નિયમનો કોઈ ધોરણસરનો અપવાદ હોય તો એની માહિતી મેળવવી છે. આ નિયમ ક્યારથી અમલમાં આવ્યો અને અમલમાં મુકાયા પછી એમાં જો કોઈ અપવાદ મુકાયો હોય તો એની વિગતો તાકીદે મેળવવી છે.’

શંકર બધું સમજી ગયા. તેમણે આ અખબારી કટિંગ પોતાના પોર્ટફોલિયોમાં મૂકી દીધું.

એ જ રાતે જ્યારે આખા દિવસની કામગીરીનો અહેવાલ શંકરે સરદારને આપ્યો ત્યારે બધી વાત આટોપ્યા પછી તેમણે ઉમેર્યું, ‘ભારતીય હવાઈ દળની પાઇલટ માટેની ભરતીમાં ગ્રૅજ્યુએટ સિવાય કોઈનેય ન લઈ શકાય એવો નિયમ સખતાઈપૂર્વક વર્ષોથી અમલમાં છે’ આમ કહેતાં તેમણે પેલું અખબારી કટિંગ સરદાર સમક્ષ પાછું ધર્યું, ‘આ નિયમમાં કોઈ અપવાદ ક્યારેય કરવામાં આવ્યો નથી, પણ...’

‘પણ, શું શંકર?’

‘પણ ઇન્ડિયન ઍરલાઇન્સમાં પાઇલટની ભરતી માટે ગ્રૅજ્યુએટનો નિયમ હોવા છતાં આ નિયમમાં બીજી બધી લાયકાતો બરાબર હોય તો છૂટછાટ મૂકવામાં આવે છે.’

‍સરદારે પેલું અખબારી કટિંગ પોતાની પાસે લઈ લીધું.

‘શંકર! શ્રીપ્રકાશનો પુત્ર તપોવર્ધન પાઇલટ બનવા માગે છે. હવાઈ દળમાં તેને માટે આપણે અપવાદ કરાવી શકીએ નહીં. એ નિયમોનું ઉલ્લંઘન કહેવાય, પણ ઇન્ડિયન ઍરલાઇન્સમાં જો તેને માટે નિયમાનુસાર અપવાદ મૂકી શકાતો હોય તો આપણે એની ભલામણ કરવાની છે. એ છોકરાને હું તમારી પાસે મોકલીશ. તમે આ બાબતમાં ઘટતું કરજો.’

શંકરે મસ્તક હલાવીને સરદારની વાતનો સ્વીકાર કર્યો.

આ પછી શ્રીપ્રકાશનો આ પુત્ર તપોવર્ધન જ્યારે સરદારને મળ્યો ત્યારે તેમણે તેને શંકર પાસે મોકલ્યો અને શંકરે તેને માટે તમામ જરૂરી વ્યવસ્થા કરી દીધી. બીજા જ મહિને તપોવર્ધન ઇન્ડિયન ઍરલાઇન્સનો તાલીમી પાઇલટ બની ગયો.

તપોવર્ધન તાલીમી પાઇલટ બન્યા પછી થોડા દિવસે શ્રીપ્રકાશ ફરી વાર દિલ્હીની મુલાકાતે આવ્યા. આ મુલાકાત વખતે પણ તેમણે રાબેતા મુજબ સરદારની મુલાકાત લીધી. જરૂરી માહિતીઓ અને વિગતોની વિચારણા કર્યા પછી અચાનક સરદારે શ્રીપ્રકાશને પૂછ્યું,

‘શ્રીપ્રકાશ! તમારો પુત્ર તપો ઇન્ડિયન ઍરલાઇન્સમાં ગોઠવાઈ ગયો એથી ખુશ છોને?’

મુલાકાત પૂરી થઈ ગઈ છે એમ માનીને ઊઠવા જતા શ્રીપ્રકાશ પાછા બેસી ગયા અને સરદાર સામે એકીટશે જોઈને બોલ્યા, ‘સરદાર! આ જ પ્રશ્ન મેં તપોને પણ પૂછ્યો હતો અને જવાબમાં  તપોએ મને કહ્યું, ડૅડી, તમે મને ખુશ થવાનું પૂછો છો? હું તો શ્રીપ્રકાશનો પુત્ર છું એટલે મારા માટે આ બધું થઈ શક્યું, પણ લાખો જુવાનો જેમના પિતા શ્રીપ્રકાશ નથી અને જેમની પીડા સરદારસાહેબના કાને પહોંચતી નથી તેમનું શું? તેમણે પણ તમારા કહેવાથી અભ્યાસ અધૂરો મૂક્યો હતો...’

સરદાર અને શ્રીપ્રકાશ બન્ને એક ક્ષણ શાંત થઈ ગયા.

‘તપોની વાત સાચી છે, શ્રીપ્રકાશ’ સરદાર બોલ્યા, ‘સ્વતંત્રતા આવતાંવેંત આપણે પાયાના આવા પ્રશ્નોને હલ કરવાને બદલે જુદી દિશામાં ફંટાઈ ગયા છીએ. જો આમ જ ચાલશે તો ભવિષ્યમાં લોકો એવું પણ કહેશે કે આના કરતાં તો અંગ્રેજી રાજ સારું હતું!’

‘સરદાર! અંગ્રેજી શાસન સામેની લડતમાંથી હવે આપણે મુક્ત થયા છીએ.’

‘હા, પણ એથી વધુ કપરી લડાઈનાં હવે જ મંડાણ થયાં છે.’ સરદાર બોલ્યા, ‘અંગ્રેજી શિક્ષણ તથા કોમવાદ અને આ બેનો નાગપાશ આખા દેશને ભરખી લે એવાં એંધાણ છે. આપણે એની સામે લડવાનું બાકી છે.’ સરદારે એક ઊંડો શ્વાસ લઈને પોતાની વાત પૂરી કરી.

લગભગ છએક મહિના પછી શંકરે રોજની જેમ સરદાર સમક્ષ અગત્યની ટપાલો રજૂ કરી ત્યારે એમાં સૌથી ઉપર મદ્રાસથી આવેલો શ્રીપ્રકાશનો તાર હતો. એક વિમાની અકસ્માતમાં તપોવર્ધનનું મદ્રાસ હવાઈ મથકે જ મૃત્યુ થયું હોવાની દુખદ જાણકારી શ્રીપ્રકાશે સરદારને આપી હતી.

સરદાર આ તારના કાગળ સામે જોઈ રહ્યા. વર્ષો પૂર્વે યુવાન બૅરિસ્ટર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ આણંદની અદાલતમાં પોતાના અસીલ વતી દલીલો કરી રહ્યા હતા ત્યારે તેમને આવો જ એક તાર મળ્યો હતો. આ તારમાં મુંબઈથી વિઠ્ઠલભાઈએ તેમને જાણ કરી હતી કે તેમનાં પત્ની ઝવેરબાઈનું કામા હૉસ્પિટલમાં ઑપરેશન દરમ્યાન અવસાન થયું હતું ત્યારે બૅરિસ્ટર વલ્લભભાઈએ આ તાર ચૂપચાપ ખિસ્સામાં મૂકી દઈને પોતાની દલીલોનું કામ આગળ ધપાવ્યું હતું. સાંજે અદાલતનો સમય પૂરો થયો ત્યારે જ લોકોએ જાણ્યું કે સરદારનાં પત્ની મૃત્યુ પામ્યાં છે. આજે ૭૨ વર્ષના લોખંડી પુરુષ મનાયેલા કેન્દ્રીય સરકારના ઉપ-વડા પ્રધાન તપોના અવસાનના શબ્દો બે કે ત્રણ વાર વાંચ્યા પછી પણ કાગળ ઝટ નજર સામેથી ખસેડી શક્યા નહીં, કારણ કે તપોવર્ધને પૂછેલા પ્રશ્નોનો ઉત્તર હજી તેમને સાંપડ્યો નહોતો. તપોવર્ધનનો વિરાટ પ્રશ્ન સરદાર સમક્ષ જાણે કે જડબું ફાડીને ચારેય દિશાઓમાંથી આ તારના અક્ષરોમાં ઊભરી રહ્યો હતો.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં)

Whatsapp-channel Whatsapp-channel

25 October, 2020 06:48 PM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK