Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગુસ્સાને જુસ્સામાં ફેરવીને પૉઝિટિવ પરિણામ મેળવી શકાય

ગુસ્સાને જુસ્સામાં ફેરવીને પૉઝિટિવ પરિણામ મેળવી શકાય

28 January, 2021 03:49 PM IST | Mumbai
Mumbai correspondent

ગુસ્સાને જુસ્સામાં ફેરવીને પૉઝિટિવ પરિણામ મેળવી શકાય

ગુસ્સાને જુસ્સામાં ફેરવીને પૉઝિટિવ પરિણામ મેળવી શકાય


ગ ગ ગ ગુસ્સા ઇતના હસીન હૈ તો પ્યાર કૈસા હોગા... નવી પેઢીને આ ગીત વિશે કંઈ જ ખબર નહીં હોય, પરંતુ ગુસ્સો દરેકમાં જીવંત હોય છે અને રહેશે. ગુસ્સાને જુસ્સામાં પરવર્તિત કરાય અથવા ગુસ્સાને ટાળી દેવાનો ઉપાય અદાલતની જેમ એની મુદત પાડી દેવામાં કરાય તો પરિણામ બદલાઈ શકે, આ પ્રયોગ કરવા જેવો ખરો

ગુસ્સો કોને નથી આવતો એવો સવાલ પુછાય તો કેટલા માણસ હાથ ઊંચો કરે? કદાચ એકેય નહીં. આજે ગુસ્સાની વાતો શાંતિથી કરવી છે. ગુસ્સાનું બીજું નામ ક્રોધ છે. ગુસ્સા વિનાની વ્યક્તિ મળવી મુશ્કેલ જ નહીં, નામુમકિન પણ છે. એક વાર ડૉન મળી જાય, પણ ગુસ્સા વિનાની વ્યક્તિ મળવી અસંભવ છે. ક્રોધને અગ્નિ પણ કહેવામાં આવે છે, જે ક્રોધીને જ બાળે છે. ગુસ્સામાં વ્યક્તિ પોતાના પરનો કાબૂ ગુમાવી દે છે અને કંઈ પણ એવું કરી નાખે છે જેનું પરિણામ જોખમી થઈ શકે છે. ગુસ્સાથી માનવીઓના સંબંધો બગડે છે, મિત્રતા તૂટે છે. ગુસ્સો સારું પરિણામ તો નથી જ આપતો, પણ ઘણી વાર બહુ ખરાબ પરિણામ આપી દે છે. ક્રોધની શારીરિક અને માનસિક બન્ને અસર નકારાત્મક જ થાય છે. આમ ગુસ્સો કોઈ પણ રીતે સારી કૅટેગરીમાં આવતો નહીં હોવા છતાં ગુસ્સો બધાને જ આવે છે, બધા જ કરતા રહે છે. આપણને રોજેરોજ ગુસ્સાનાં કારણ મળતાં જ હોય છે. જોકે કારણ વિના પણ ગુસ્સો આવતો હોય એવું પણ ઘણી વાર બને છે. જે કારણ ક્યાંક અગાઉ દબાઈને બેસી ગયું હતું અને પછીથી બહાર આવ્યું એને બહાર આવવાનું નિમિત્ત પ્રાપ્ત થયું હોઈ શકે. માત્ર દરેકની ગુસ્સાની માત્રા જુદી-જુદી હોય છે. ક્રોધ એ માનવ સ્વભાવના એક અગત્યના ભાગરૂપ હોવાથી માનવીની ભીતર એ રહે જ છે. સવાલ માત્ર એના બહાર આવવા કે નહીં આવવાનો છે. બહાર આવવાનાં ખરાબ પરિણામ જાહેર છે, પરંતુ અંદર રાખી મૂકવાનાં પરિણામ પણ જોખમી છે. જો એ વ્યક્ત થયા વિના અંદર ભરાતો અથવા જમા થતો જતો હોય તો વધુ ડેન્જરસ બની શકે અર્થાત્ હિંસક પણ બની શકે. તેથી ગુસ્સાને અંકુશમાં રાખવા માણસે પોતાના વિવેકને સાથે રાખવો જરૂરી છે.
આમ ગુસ્સો આટલો ખરાબ છે તો એ હસીન કઈ રીતે કહી શકાય? અલબત્ત, આપણે ગીતની પંક્તિ પરથી આ વાત કરી, પરંતુ હકીકતમાં ગુસ્સાને હસીન બનાવી શકાય છે. ક્રોધ એક ઊર્જા છે, ઊર્જાને ખુલ્લી છોડી દઈએ તો વીજળીના ખુલ્લા તારની જેમ એ જોખમી બની શકે, પણ જો એનું યોગ્ય માર્ગે ચૅનલાઇઝેશન કરીને એને જુસ્સામાં ફેરવી દઈએ તો સર્જન થઈ શકે, ઊર્જાને પ્રકાશમાં પરિવર્તિત કરી શકાય. હા, માનો કે ન માનો, ગુસ્સાનો સદુપયોગ થઈ શકે છે, પૉઝિટિવ ઉપયોગ થઈ શકે છે.
ક્રોધ અને કર્મની સમાનતા
ક્રોધ ઘણી વાર કર્મ જેવું કામ કરે છે. ઘણાં કર્મ તરત થાય અને એનાં ફળ પણ તરત મળે. જ્યારે કેટલાંક કર્મ હાલ થાય, પરંતુ એનાં પરિણામને સમય લાગે. ક્યારે પરિણામ મળે એ પણ કહી શકાય નહીં. ક્રોધ ક્યારેક કોઈ ઘટના બની કે તરત જ બહાર આવી જાય અને ઘણી વાર ક્રોધ સંજોગોવશાત આપણી ભીતર જમા થાય અને પછી એ ક્યારે, ક્યાં પ્રગટ થાય, કોના પર આક્રમણ કરે, કઈ રીતે આક્રમણ કરે એ કહી શકાય નહીં. સંચિત કર્મની જેમ સંચિત ક્રોધ પણ હોય છે, જેની આડઅસર બહુ ગંભીર હોય છે. એની આગાહી થઈ શકતી નથી. આ ક્રોધ જમા થયા બાદ વેરનું સ્વરૂપ ધારણ કરે યા આક્રોશ પણ બની શકે. ક્રોધનું પરિણામ બીજા કરતાં ક્રોધ કરનારે વધુ ખરાબ રીતે ભોગવવાનું આવે છે. ક્રોધ વાસ્તવમાં એના કર્તાના જીવ અને લોહીને બાળે છે.
ક્રોધનો કાયમી ત્યાગ
ગયા સપ્તાહમાં જ એક સાચો કિસ્સો જાણવામાં આવ્યો. અમારા પરિચયમાં એક દાદીમાનું ૯૦ વરસની ઉંમરે અવસાન થયું ત્યારે ગુસ્સા સંબંધી એક રસપ્રદ અને પ્રેરણાત્મક વાત જાણવા મળી. આ મહિલાનાં લગ્નનાં પ્રથમ બે વર્ષમાં તેમને પોતાના પતિના અતિ ક્રોધિત સ્વભાવનો પરિચય થઈ ગયો. આ સ્વભાવને જોઈ-જોઈ મહિલાએ આ અનુભવ બાદ પ્રણ લઈ લીધું કે પોતે જીવનમાં ક્યારેય કોઈના પર પણ ક્રોધ નહીં કરે. જોકે પ્રણ લેવા કે સંકલ્પ લેવા એક વાત છે, માણસ ચોક્કસ સંજોગોમાં ઇમોશનલી લઈ લે. એનું કાયમી પાલન અસંભવ સમાન હોય છે, પરંતુ આ દાદીમાના અવસાન બાદ તેમના પરિવારજનો પાસેથી ખબર પડી કે તેમણે આજીવન ક્યારેય કોઈના પર પણ ક્રોધ કર્યો નહોતો. વાત નાની અને સામાન્ય લાગે, પરંતુ અર્થ અને સંદેશ મોટો છે. કોઈના દુર્ગુણને જોઈ આપણે તેના જેવા ન થઈએ એટલું જ નહીં, તેનાથી સાવ જ વિપરીત થઈ એને પોતાના સદ્ગુણમાં પરિવર્તિત કરી દઈએ એ ઘટના જ અસાધારણ ગણાય.
ગુસ્સાનું અંતિમ પરિણામ
આપણને કઈ-કઈ વાતે ગુસ્સો આવે છે એનો આપણે પોતે જ અભ્યાસ કરવો જોઈએ. આ કાર્ય રાતે સૂતાં પહેલાં થાય તો દિવસના એનું સુપરિણામ મળી શકે. તમે કરેલો ગુસ્સો કેટલો જરૂરી અને વાજબી હતો? શું તમે એ કાર્ય ગુસ્સાથી જ પતાવી શક્યા હોત? તમે ગુસ્સા વિના પણ એ બાબતને હાથ ધરી શક્યા હોત, તમે ક્રોધ કરીને આખરે પામ્યા શું? આપણે ગુસ્સાને એકઠો કરતા રહીએ છીએ, જે પછી એ ભળતી જગ્યાએ પણ ફૂટી શકે છે. ક્યારેક તો વાત જ્યાંથી શરૂ થઈ હતી ત્યાં જ પહોંચે છે.
એક કંપનીમાં બૉસ તેના કર્મચારી પર બહુ જ ગુસ્સો કરે છે, અપમાન પણ કરે છે, આ કર્મચારી ઘરે જઈ પત્ની પર બધો ગુસ્સો ઉતારે છે. પત્ની તેના બાળક પર ઠાલવે છે, બાળક બહાર આવી પથ્થર ઉપાડી એક કૂતરા પર પોતાનો ગુસ્સો ઠાલવે છે. એ કૂતરો ગભરાઈને દોડે છે અને સામેથી આવતા પેલા કર્મચારીના બૉસને કરડી બેસે છે, આમ ગુસ્સો ફરીને પાછો ત્યાં જ આવે છે અર્થાત્ ગુસ્સાનું અંતિમ પરિણામ છેવટે પેલા બૉસે જ ભોગવવું પડે છે. જોકે આમ થવાનું કારણ તેના આ તમામ પાત્રને ભાગ્યે જ ખ્યાલ આવે છે, કારણ કે ગુસ્સો માણસને બેહોશીમાં મૂકી દેતો હોય છે.
ક્રોધનું બીજું સ્વરૂપ અહંકાર
વાસ્તવમાં ક્રોધ ઊર્જાનું સ્વરૂપ છે. એને જો પૉઝિટિવ માર્ગે વાળવામાં આવે તો એ સર્જન કરી શકે અને નેગેટિવ માર્ગે વળી જાય તો પોતાનું જ વિસર્જન અને પતન પાક્કું. ક્રોધ અહંકારનું પણ પ્રતીક છે. મને કોઈ આમ કહી જાય? મારી સાથે આવું કર્યું? મને સંભળાવી દીધું? મારું અપમાન કર્યું? મારું કહ્યું ન માન્યું? આવાં તો અનેકવિધ કારણ ગુસ્સાને જન્મ આપતાં હોય છે અને આપણે જન્મ આપી દીધા બાદ એ મોટો થયા કરે છે, વિસ્તર્યા કરે છે, એ સ્વભાવનો ભાગ બની જાય છે. એને બદલે ગુસ્સાને જુસ્સામાં ફેરવતાં શીખી લેવું જોઈએ. ઘણી વાર આપણી નિષ્ફળતા આપણને ગુસ્સો અપાવે છે. જોકે એનું પરિણામ કંઈ મળતું નથી, એને બદલે એને જુસ્સામાં ફેરવી નાખીએ તો એ નવી ઊર્જા બની આપણને સફળતા તરફ લઈ જઈ શકે છે.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)



ગુસ્સો કરવાની બાબતે અદાલતની જેમ તારીખ પાડો


છેલ્લી વાત, લગભગ દરેક પારિવારિક યા કોઈ પણ વિષયના વિવાદમાં ક્રોધ અને અહંકાર મૂળમાં રહેતા હોય છે. જ્યારે પણ તમારી ભીતર ગુસ્સો જન્મે કે તમારે પોતાને માત્ર એટલું જ કહેવાનું છે, એ ભાઈ, થોડી વાર ઊભો રહી જા. હમણાં નહીં, પછી વાત. એ વખતના ગુસ્સાને વ્યક્ત કરવાની બાબતે અદાલતની જેમ તારીખ પાડી દેવી જોઈએ. જો કોઈ પણ બાબતે ગુસ્સો ઊપડે કે બહાર આવવા થનગને ત્યારે તરત પ્રતિભાવ કે પ્રત્યાઘાત આપવાને બદલે એ સમયે એને મોકૂફ રાખી દેવામાં આવે તો એ ગુસ્સો ભુલાઈ જવાની અથવા એની ઉગ્રતા ઘટી જવાની શક્યતા ઊંચી રહે છે અને વિવાદનું સ્થાન સંવાદ તેમ જ સમભાવ લઈ લે એવું બની શકે. વિચારી જો-જો દોસ્તો...


Whatsapp-channel Whatsapp-channel

28 January, 2021 03:49 PM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK