‘શાબ્બાશ, રેલવે પોલીસ’: ગુજરાતી મહિલાની ચોરાયેલી બેગ પાછી સોંપાઈ

Published: Dec 03, 2019, 08:58 IST | Mumbai

ટ્રેનમાં ભુલાઈ ગયેલી જ્વેલરી-બૅગમાંની રિસીટ પરથી જ્વેલરનો નંબર લઈ તેની પાસેથી મૂળ માલિક મીનલને શોધી કાઢીને રેલવે પોલીસે લાખોના દાગીના પાછા સોંપ્યા

 ટ્રેનમાં ભુલાઈ ગયેલી જ્વેલરી ભરેલી બૅગ રેલવે સ્ટાફે મહિલાને સુપરત કરી હતી.
ટ્રેનમાં ભુલાઈ ગયેલી જ્વેલરી ભરેલી બૅગ રેલવે સ્ટાફે મહિલાને સુપરત કરી હતી.

ખાર-વેસ્ટમાં બીએમસી ક્વૉર્ટર્સમાં રહેતી ગુજરાતી મ‌હિલાની ટ્રેનમાં જ્વેલરી-બૅગ ભૂલી ગયા બાદ રડી-રડીને હાલત ખરાબ થઈ ગઈ હતી. બૅગ પાછી મળશે એવી તેને જરાય આશા નહોતી, પરંતુ થોડા સમય બાદ મરીનલાઇન્સ રેલવે-સ્ટેશનથી ફોન આવ્યો અને બધી પૂછપરછ કર્યા બાદ‌ મહિલાને સ્ટેશન-માસ્ટરની ઑફિસે બોલાવીને બૅગ સુપરત કરતાં તેના જીવમાં જીવ આવ્યો હતો. મ‌હિલાની લાખો રૂ‌પિયાના દાગીના ભરેલી બૅગ પાછી મળતાં પહેલાં તો તેને ‌વિશ્વાસ જ બેઠો નહોતો. આવો અદ્ભુત અનુભવ થતાં મ‌હિલા ભાવુક બની ગઈ હતી.

આ ‌બનાવ ‌વિશે મા‌હિતી આપતાં મીનલ બારિયાએ ‌‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા સગા મામાના દીકરાનાં લગ્ન હોવાથી હું ખારથી મારા પપ્પાના ઘરે મહાલક્ષ્મી જઈ રહી હતી. મેં અને મારા ૧૪ વર્ષના દીકરાએ ખાર સ્ટેશનથી ચર્ચગેટ જતી સ્લો ટ્રેન પકડી હતી. અમે સેકન્ડ ક્લાસમાં પ્રવાસ કરી રહ્યાં હતાં અને મારી પાસે ૩ બૅગ હતી. એમાં એક હૅન્ડબૅગમાં મેં સોનાનાં ઘરેણાં રાખ્યાં હતાં. દીકરો ટ્રેનમાં મોબાઇલ માગી રહ્યો હતો અને અમારે સ્ટેશને ઊતરવાનું હતું એટલે ઉતાવળમાં મેં બે બૅગ લઈ લીધી, પણ જ્વેલરીવાળી હૅન્ડબૅગ સીટ પર જ ભૂલી ગઈ હતી. ઘરે પહોંચી ત્યારે બૅગ મૂકતી વખતે ત્રીજી બૅગનો અંદાજ આવ્યો અને મારા પગ નીચેની જમીન સરકી ગઈ. હું રડવા માંડી હતી. સોનાનાં ઘરેણાંવાળી બૅગ કોઈ ‌હિસાબે હવે પાછી નહીં જ મળે એવું અમે બધાએ ‌ધારી લીધું હતું. એવામાં થોડા સમય થયા બાદ મરીનલાઇન્સ સ્ટેશનથી સ્ટેશન-માસ્તરનો ફોન આવ્યો અને મને ત્યાં બોલાવી.’

ખરી માનવતાનાં દર્શન થયાં એમ કહેતાં ‌મીનલ બારિયાએ કહ્યું કે ‘મારી બૅગમાં આર્ટિફિશ્યલ જ્વેલરી સ‌હિત ૪ તોલાનું સોનાનું મંગળસૂત્ર, અઢી તોલાની સોનાની માળા, નાકની ચૂંક અને ૧૫૦૦ રૂ‌પિયા કૅશ હતાં. પોલીસે પૂછપરછ કરીને ખાતરી કર્યા બાદ મને બૅગ સોંપી હતી. જોકે બૅગ કઈ રીતે મળી એ જાણવા માટે ખૂબ ઉત્સુકતા હતી. દરમ્યાન પોલીસે જણાવ્યું કે એલ્ફિન્સ્ટન સ્ટેશનથી રેલવે પોલીસ ડબામાં ચડ્યો હશે અને તેણે સીટ પર આ બૅગ જોઈ અને ‌અન્ય મહિલાઓની પૂછપરછ કરતાં એ બૅગ નધણિયાતી હોવાનું જણાતાં તેણે એ બૅગ સ્ટેશન-માસ્તરની ઑ‌ફિસમાં જમા કરાવી દીધી હતી.

આ પણ વાંચો : મીઠીબાઈ કૉલેજને મળી યુનિવર્સિટીની વૉર્નિંગ

બૅગમાં કોઈ કૉન્ટૅક્ટ-નંબર નહોતો એટલે બૅગ ચેક કરતાં એમાંથી એક રિસીટ મળી હતી, જેમાં જ્વેલરની દુકાનનો કૉન્ટૅક્ટ-નંબર હતો. હપ્તાથી જ્વેલરી લેતાં હોવાથી જ્વેલર અમને સારી રીતે ઓળખતો હતો અને જ્વેલર પાસેથી અમારો મોબાઇલ-નંબર મેળવીને પોલીસે તાત્કા‌લિક અમારો સંપર્ક કર્યો હતો. પોલીસે આને માટે ખૂબ મહેનત કરી હતી. રેલવે પોલીસે આ રીતે ઇમાનદારી અને માનવતા દેખાડી હોવાથી અમને ખૂબ નવાઈ લાગી હતી.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK