Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઇટ્સ અ ન્યુ વર્લ્ડ ઍન્ડ અ ન્યુ બિગિનિંગ...

ઇટ્સ અ ન્યુ વર્લ્ડ ઍન્ડ અ ન્યુ બિગિનિંગ...

08 June, 2020 11:09 PM IST | Mumbai
Falguni Jadia Bhatt | feedbackgmd@mid-day.com

ઇટ્સ અ ન્યુ વર્લ્ડ ઍન્ડ અ ન્યુ બિગિનિંગ...

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દુનિયાના ઘણા દેશોની જેમ ભારતમાં પણ હવે ધીરે-ધીરે અનલૉકિંગની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. જીવન ધીમે-ધીમે પાટા પર આવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. હજી પણ કોરોનાનો પ્રભાવ કે પ્રભુત્વ તો બધાના માનસ પર છવાયેલા જ છે, પરંતુ હકીકત એ છે કે દુનિયાની ધીરજ ખૂટી રહી છે. બધાને ઘરની બહાર નીકળી જીવન યથાવત્ કરવાની તાલાવેલી તો છે, પરંતુ સાથે જ અંદરખાને ક્યાંક ને ક્યાંક લૉકડાઉન પછીનું જીવન કેવું હશે એનો ભય પણ સતાવી રહ્યો છે.
આપણે બધા જ ડરેલા છીએ. આ સત્યથી મોઢું ફેરવવાનો કોઈ અર્થ નથી. જે રીતે કોરોના હાલ દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યો છે અને એમાંય ખાસ કરીને મહારાષ્ટ્ર અને મુંબઈમાં એનો જે પ્રભાવ વર્તાઈ રહ્યો છે, આપણે બધા જ જાણીએ છીએ કે જ્યાં સુધી આ વાઇરસની વૅક્સિન શોધાઈ જતી નથી અને આપણે બધા એ વૅક્સિન લઈ લેતા નથી ત્યાં સુધી કોઈ જ સુરક્ષિત નથી. વળી એ વૅક્સિન ક્યારે શોધાશે એ પણ કોઈને ખબર નથી. તો સાથે જ જ્યાં સુધી એવું થતું નથી ત્યાં સુધી કંઈ કાયમી લૉકડાઉનમાં રહી શકાવાનું પણ નથી.
નાના હોય કે મોટા, ગરીબ હોય કે તવંગર સૌકોઈએ પોતપોતાની શક્તિ અને મતિ અનુસાર આ કપરા કાળનો સામનો કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. દિવસમાં પચીસ વખત હાથ ધોવાથી માંડી ઘરમાં આવતી દૂધની કોથળીથી માંડી શાકભાજી અને બ્રેડનાં પૅકેટ્સ સુધ્ધાંને સૅનિટાઇઝ કરવા સુધી સૌકોઈએ પોતાના તરફથી કશું જ કરવામાં બાકી રાખ્યું નથી. જેઓ ઘરે બેસી શકતા હતા તેઓ ઘરે બેસી ગયા, જેઓ ગામ જઈ શકતા હતા તેઓ પોતપોતાના ગામ ભેગા થઈ ગયા, વૈજ્ઞાનિકો, ડૉક્ટરો, નર્સો, પોલીસ-કર્મચારીઓએ પણ પોતપોતાના તરફથી લોકોની સેવા કરવામાં પાછળ ફરીને જોયું નહીં. જીવનજરૂરિયાતની સામગ્રીના વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ પણ પોતાના જીવનના જોખમે આમ આદમીનું જીવન સાચવી લીધું. શિક્ષકોએ પણ ઑનલાઇન ક્લાસિસ શરૂ કરી બાળકોના અભ્યાસમાં ગાબડું ન પડે એનું ધ્યાન રાખી લીધું. ટૂંકમાં સમગ્ર માનવ સમુદાયે સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરતાં ખરા અર્થમાં એકજુટ થઈને આ વાઇરસનો સામનો કર્યો છે.
તેથી જ હવે આ લૉકડાઉન પૂરું થાય અને આપણે ફરી પાછા પોતાના સામાન્ય જીવન તરફ પાછા ફરીએ એ પહેલાં આ સમયે આપણને શું શીખવ્યું એના પર થોડો વિચાર કરી લેવો આવશ્યક બની ગયો છે, કારણ કે કોવિડ-૧૯ પછીના સમયકાળમાં આપણી કોવિડ-૧૯ પહેલાંની માનસિકતાને લઈને પ્રવેશવા જેવી ભયાનક મૂર્ખામી બીજી કોઈ નહીં હોય. દુનિયા આખીને બદલી નાખનારા આ અનુભવ પછી આપણી અંદર પણ તો કશું બદલાવું જોઈએને યાર! તો જરા મગજ પર જોર આપો અને ખરું કહું તો મગજ પર પણ નહીં, થોડું મનની અંદર ઝાંકી જુઓ દોસ્તો અને વિચારો કે આ સમયગાળામાં તમારી અંદર એવું શું બદલાયું જેણે જાણતાં-અજાણતાં જીવન પ્રત્યેનો તમારો અભિગમ બદલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.
શું આપણે પહેલાંની સરખામણીમાં થોડા વધુ શાંત, ઠરેલ અને વધુ સહિષ્ણુ નથી બન્યા? સતત આમતેમ દોડ્યા કરતા, આપણી આવશ્યકતાઓ અને અપેક્ષાઓથી ઉપર ઊઠી જે છે, જે મળે છે એને સ્વીકારી લેવાનું નથી શીખ્યા? ગઈ કાલ સુધી પોતાને ભાવતું ન હોય કે બરાબર ન બન્યું હોય તો પીરસેલા ભાણેથી ઊઠી જનારા આપણે શું આજે રસ્તે રખડતા ભૂખ્યાઓનો વિચાર કરી જે મળે એ ચૂપચાપ ખાવાનું નથી શીખ્યા? સતત એક નહીં તો બીજી કામની અને નકામી પ્રવૃત્તિઓમાં પોતાની જાતને વ્યસ્ત રાખવાને સ્થાને પોતાની જાત સાથે બે ઘડી બેસવાનું નથી શીખ્યા? જો આ સવાલોનો જવાબ હા હોય તો સમજી લો કે આપણે કોરોનાકાળનો સૌથી મોટો પદાર્થપાઠ શીખી ગયા છીએ.
ઘરની ચાર દીવાલો વચ્ચે ગાળેલા આ બે-અઢી મહિનાએ આપણને સૌથી મોટી શીખ તો એ જ આપી છે કે વાસ્તવમાં જીવન જીવવા માટે વ્યક્તિને કેટલી ઓછી વસ્તુઓની જરૂર પડે છે. અત્યાર સુધી જાહેરાતો અને માર્કેટિંગના પ્રભાવને પગલે આપણે કેટલીયે એવી વસ્તુઓ ખરીદી લેતા હતા જેની આપણને કોઈ જ જરૂર રહેતી નહોતી. પરિણામે એમાંની કેટલીયે વસ્તુઓ તો વપરાયા વિના જ વેડફાઈ જતી. આપણા બચાવેલા એ પૈસામાંથી દુનિયામાં કેટલા બધાને કેટલું બધું મળી શકે છે એવો આછોપાતળો અહેસાસ પણ જો આ સમયગાળા દરમિયાન થયો હોય તો સમજવું જોઈએ કે આપણે કોરોનાકાળનો એક અત્યંત મહત્વનો પદાર્થપાઠ શીખી ગયા છીએ.
માનવીએ સ્વેચ્છાએ સ્વીકારેલા આ કારાવાસે કુદરતમાં કેટલું મોટું પરિવર્તન આણ્યું છે! આજે આપણામાંથી કોણ એવું છે જેને નદીઓનાં પાણી સાફ થઈ ગયાં હોવાનું, વૃક્ષો પર પાછાં આવી ગયેલાં પક્ષીઓ તથા માત્ર જંગલોમાં જ નહીં, ક્યારેક રસ્તા પર પણ નીકળી આવતાં જાનવરોને જોવાનું નથી ગમતું? જો આ સવાલનો જવાબ સર્વાનુમતે કોઈ જ નહીં હોય તો કોરોના પછીના કાળમાં પ્રકૃતિને સાચવવા આપણે શું-શું કરવાનું છે એનો પણ આપણને હવે ઠીકઠાક અનુભવ મળી ગયો છે.
ગઈ કાલ સુધી આમ નહીં કરીએ તો પેલાને ખરાબ લાગશે, આવું નહીં કરીએ તો આપણું સારું નહીં દેખાય વગેરે જેવી દુનિયાદારીમાં અટવાયેલા રહેતા વડીલો તથા પોતાના વિશાળ મિત્રવર્તુળને ખુશ રાખવા સતત પાર્ટીઓ અને મેળાવડાઓમાં વ્યસ્ત રહેતા તથા એનાથી વધુ વિશાળ ઑનલાઇન ફૉલોઅર્સને ખુશ રાખવા સતત મોબાઇલ કે લૅપટૉપમાં ખૂંપેલા રહેવાવાળાઓમાંથી કોણ એવું છે જે હાલ એમાંનું કશું જ મિસ કરે છે? જો આ સવાલનો જવાબ કોઈ જ નહીં હોય તો સમજી લો કે આપણે જીવનનો એક વધુ મહત્ત્વનો પદાર્થપાઠ એ પણ શીખ્યા છીએ કે દુનિયામાં કોઈનું કોઈના વગર કંઈ જ અટકતું નથી. આપણી જગ્યા આપણી પાછળ આંગળી જળમાંથી નીકળી અને જગ્યા પુરાઈ ગઈ જેટલી જ આસાનીથી પુરાઈ જાય છે.
છેલ્લે આ સમયગાળા દરમિયાન જો તમને બીજું બધું ભુલાવી માત્ર પોતાની જાત સાથે અને પોતાના પરિવાર સાથે રહેવામાં મજા આવી હોય, તેમના માટે સવારસાંજ રાંધવાથી માંડી રોજ ઘરની સાફસફાઈ કરવાનું કે અન્ય નાનાંમોટાં કામોમાં મદદ કરવાનું ગમ્યું હોય તો સમજી લો કે હવે આપણને ખ્યાલ આવી ગયો છે કે આખરે આપણે મન સૌથી વધારે મહત્ત્વના કોણ છે? સાથે જ એવા પણ લોકોની યાદી બનાવી લો, જેમને આ સમયગાળા દરમિયાન તમે અવારનવાર ફોન કર્યા હોય, બહાર ન નીકળવાની ધમકીઓ આપી હોય કે પછી ઘણા વખતે ફોન કરી તેમના ખબરઅંતર પૂછ્યા હોય; કારણ કે હવે આપણને સમજાઈ ગયું છે કે આખરે આપણું ખરું વિશ્વ કોણ છે, આપણું સર્વસ્વ કોણ છે અને કોરોના પછીના સમયમાં પણ આપણે સૌથી વધારે સમય કોની સાથે વિતાવવાનો પ્રયત્ન કરવાનો છે.
ટૂંકમાં હવે આપણને બધાને સમજાઈ ગયું છે કે કુદરતની એક ઝાપટ જ દુનિયા આખીની સાન ઠેકાણે લાવવા માટે પૂરતી છે. અહીં તો કુદરતે આપણને ફક્ત એક ઝાપટ જ નથી મારી, પરંતુ રીતસરની લાત મારી બે ડગલાં પાછળ ધકેલી દીધા છે. તેથી બહેતર તો એ જ છે કે આપણે એની આ ધમકીને ગંભીરતાથી લઈએ એક નવી દુનિયામાં એક નવી માનસિકતા સાથે પ્રવેશ કરીએ.


Whatsapp-channel Whatsapp-channel

08 June, 2020 11:09 PM IST | Mumbai | Falguni Jadia Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK