ગુજરાતનાં ગ્રંથાલયો ૭૦,૦૦૦થી વધુ પુસ્તકોની E-BOOKS બનાવશે

Published: 11th November, 2014 06:11 IST

૧.૯૫ કરોડથી વધુ પેજિસને E-BOOKSની ફૉર્મેટમાં પરિવર્તિત કરવામાં આવશે અને બેથી ત્રણ મહિનામાં સભ્યોને ઑનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવશેડિજિટલ ક્રાંતિને પગલે બદલાયેલી રીડિંગ હેબિટ્સ સાથે તાલ મિલાવતાં ગુજરાતના ડિરેક્ટર ઑફ લાઇબ્રેરીઝે ૭૦,૦૦૦થી વધુ પુસ્તકોને E-BOOKSમાં પરિવર્તિત કરવાનો અને આ બધી બુક્સને ઑનલાઇન ઉપલબ્ધ કરાવવાનો ફેંસલો કર્યો છે.

આ પુસ્તકો ઇલેક્ટ્રૉનિક લાઇબ્રેરી રીડર સૉફ્ટવેર મારફતે કમ્પ્યુટર્સ તેમ જ ઍન્ડ્રૉઇડ APP મારફતે મોબાઇલ ફોન્સ પર ઉપલબ્ધ થશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ૭૦,૦૦૦થી વધુ પુસ્તકોનાં ૧.૯૫ કરોડથી વધુ પેજિસને E-BOOKSની ફૉર્મેટમાં પરિવર્તિત કરવામાં આવશે અને બેથી ત્રણ મહિનામાં સભ્યોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પુસ્તકો સરકારી સેન્ટ્રલ લાઇબ્રેરીઝ અને એક સ્ટેટ રિપોઝિટરી સેન્ટરની માલિકીનાં છે. એમાં ગાંધીનગરસ્થિત સ્ટેટ સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરાની સેન્ટ્રલ લાઇબ્રેરી અને મહેસાણાના રિપોઝિટરી સેન્ટરનો સમાવેશ થાય છે.

ગુજરાતનાં ડિરેક્ટર ઑફ લાઇબ્રેરીઝ ડૉ. વર્ષા મહેતાએ કહ્યું હતું કે ‘આ પ્રોજેક્ટ માટે સર્વિસ પ્રોવાઇડર શોધવાનું અમે શરૂ કર્યું છે. એજન્સી આ પુસ્તકોના દરેક પાનાને સ્કૅન કરીને એને PDFમાં પરિવર્તિત કરશે. આમ કરવાથી પુસ્તકોની ઑનલાઇન ગેરકાયદે કૉપી નહીં થઈ શકે. આ કામગીરી પૂરી થતાં બેથી ત્રણ મહિના લાગશે.’

ડૉ. વર્ષા મહેતાએ ઉમેર્યું હતું કે ‘કેટલાંક પુસ્તકો તો દુર્લભ અને બહુ પુરાણાં છે. એનાં પેજિસના સ્કૅનિંગ પછી ડિજિટલ ટૂલ્સ મારફતે પૃષ્ઠો પરના કાળા ડાઘ સાફ કરવામાં આવશે. આ રીતે તૈયાર થયેલી E-BOOKSને સર્વરમાં અપલોડ કરવામાં આવશે. એને એક્સેસ કરવા માટે યુઝર્સને પાસવર્ડ તથા આઇડી આપવામાં આવશે.’

આ પ્રોજેક્ટ તો પાશેરામાં પહેલી પૂણી જેવો છે. રાજ્યની બધી લાઇબ્રેરીઝમાંનાં તમામ પુસ્તકોને ડેટાબેઝમાં ઉમેરવાનું આયોજન છે. વાચકોને દુર્લભ બુક્સ વાંચવા મળશે અને ગ્રંથાલયો દુર્લભ પુસ્તકોની જાળવણીની ચિંતામાંથી મુક્ત થશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK