સારા-સહારાની આગમાં વેપારીએ ગુમાવી ૧૫ કરોડ રૂપિયાની રોકડ?

Published: 2nd December, 2011 05:49 IST

આ વાત વાયુવેગે પ્રસરતાં કાટમાળ હટાવવાનો કૉન્ટ્રૅક્ટ લેવા માટે પડાપડીસારા-સહારા માર્કે‍ટની આગમાં એક વેપારીની ઑફિસમાં રાખવામાં આવેલા ૧૫ કરોડ રૂપિયા બળી ગયા હોવાની અફવાથી આ પરિસરનો કાટમાળ લેવા પડાપડી થઈ રહી હોવાનું જાણવા મળે છે. આ સમાચાર આગ કરતાં પણ વધુ ઝડપથી પ્રસરી જતાં આ વિસ્તારના કેટલાક ડીલરો, હવાલા ઑપરેટરો કાટમાળ હટાવવા તૈયાર થઈ ગયા છે.

શુક્રવારે કલેક્શનનો દિવસ હોય છે અને શનિવારે ચુકવણી થતી હોય છે. આગ શનિવારે વહેલી સવારે લાગતાં મોટી રકમ બળી ગઈ છે. આ વેપારીને હાર્ટઅટૅક આવતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સારા-સહારા માર્કે‍ટનો ૧.૫ કરોડ રૂપિયાનો વીમો હોવાનું જાણવા મળે છે.

ગુરુવારે વેપારીઓએ રીડેવલપમેન્ટના મુદ્દે બેઠક બોલાવી હતી જેની અધ્યક્ષતા હારૂન ડોસાએ કરી હતી. બેઠકમાં એવી દરખાસ્ત મૂકવામાં આવી હતી કે દરેક વેપારીએ  રીડેવલપમેન્ટ માટે સ્ક્વેરફૂટદીઠ ૧૦૦૦ રૂપિયા ચૂકવવા.

દુકાનોનાં ભાડાં આસમાને!

સારા-સહારા અને મનીષ માર્કે‍ટમાં આગની ઘટના બાદ આસપાસની અશોકા માર્કે‍ટ, મુસાફિરખાનાની એ. એસ. અને મિઝાન માર્કે‍ટમાં દુકાનોનાં ભાડાં આસમાને પહોંચી ગયાં છે. ૮૦૦૦ રૂપિયામાં મળતા નાના ગાળાનું ભાડું હવે ૧૮,૦૦૦ રૂપિયા થઈ જતાં સારા-સહારાની નજીકમાં જ દુકાન ખોલવાનાં વેપારીઓનાં સપનાં ધૂળમાં ભળી ગયાં છે. જેમની પાસે આવી દુકાનો છે એવા દુકાનના માલિકો હવે જૂના ભાડૂતોને દુકાન ખાલી કરવા જણાવી રહ્યા છે. જોકે સારા-સહારામાં દુકાન ધરાવતા ૪૦ જણ પાસે અશોકા માર્કે‍ટમાં દુકાન હોવાથી તેમણે ત્યાં વ્યવસાય શરૂ કરી દીધો છે.

શૉપર પ્લાઝા શૉપિંગ સેન્ટરમાં ૪૦થી વધુ વેપારીઓ ભાડાની દુકાન માટે પૂછપરછ કરી ગયા હોવાનું એના માલિક સલીમભાઈએ જણાવ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK