Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઉત્સવનો, ઉત્સાહનો અને થિયેટરને અધધધ પ્રેમ કરનારો માણસ એટલે શફી ઇનામદાર

ઉત્સવનો, ઉત્સાહનો અને થિયેટરને અધધધ પ્રેમ કરનારો માણસ એટલે શફી ઇનામદાર

19 March, 2020 07:52 PM IST | Mumbai Desk
Latesh Shah

ઉત્સવનો, ઉત્સાહનો અને થિયેટરને અધધધ પ્રેમ કરનારો માણસ એટલે શફી ઇનામદાર

શફી ઇનામદાર

શફી ઇનામદાર


ચિત્કાર નાટકનો પહેલો શો સુપરહિટ થયો, શફીએ બહુ વખાણ કર્યાં. જેટલા પણ જોવા આવ્યા હતા એ બધાએ પેટભરીને સુજાતા મહેતાની ઍક્ટિંગનાં વખાણ કર્યાં. હું ખુશ થયો કે સુજાતા મહેતા પરથી ફ્લૉપ નાટકો આપવાની કાળી ટીલડી હટી ગઈ. બીજો દિવસ ઊગે એ પહેલાં તો આખા નાટ્યજગતમાં ચિત્કાર સુપરહિટ છે એ વાત કોરોનાની જેમ પ્રસરી ગઈ. થિયેટરો બીજાં બધાં ચાલતાં, ન ચાલતાં નાટકોને નામે બુક થઈ ગયાં ફટાફટ. વસાણી કાકાના નિર્માતાઓના, બૅનરના નામે થિયેટરો નોંધાવી નખાયાં હતાં. આ વાતનો મને અને સંજયને અણસાર હતો જ.  દિનકર જાનીની સલાહ માની અમે શો જોવા આવેલા આઇએનટીના નિર્માતા બચુ સંપટ (અભિનેત્રી અને અદ્ભુત શિક્ષિકા સ્વરૂપ સંપટના પપ્પા)ને મળ્યા. બચુ સંપટે તેમની સ્ટાઇલમાં અટહાસ્ય કરીને કૉન્ગ્રેચ્યુલેશન કર્યું. મેં તેમને પૂછ્યું, ‘બચુભાઈ, તમને નાટક ગમ્યું?’ તેમણે અટહાસ્ય કરતાં કહ્યું, ‘યસ અફકોર્સ, બહુ સરસ છે’. એટલે બીજે દિવસે તેમની ઑફિસમાં સમય લઈને પહોંચી ગયા. એમને સરસ આવકાર આપ્યો. મેં પ્રેમથી વિનંતી કરતાં કહી દીધું, ‘તમે થિયેટરના માણસ છો, તમે મને ‘આપણું તો ભાઈ એવું’ નાટક વખતે અમુક થિયેટર્સની ડેટ્સ, યેન કેન પ્રકારેણ પણ ગોઠવી આપી હતી. આવતા રવિવારે ‘ચિત્કાર’ જયહિન્દમાં કરવું છે, સપોર્ટ કરો બચુભાઈ.’ શફીએ પણ આગલા દિવસે ભાર મૂકીને બચુભાઈને રિકવેસ્ટ કરી હતી. બચુભાઈએ  કહ્યું, ‘હું મંગળવારે કહી શકીશ.’ તેમના હાથમાં જયહિન્દ કૉલેજનું થિયેટર હતું. એ સમયમાં આઇએનટીનાં વધુમાં વધુ નાટકો મુંબઈમાં, જયહિન્દ કૉલેજમાં થતાં. એ થિયેટરમાં બચુભાઈના  સંબંધો ઘર જેવા હતા એટલે તે ધારે તો જયહિન્દ અપાવી શકે એમ હતા. આજે ૨૦૨૦માં તો જયહિન્દમાં નાટકો જ નથી થતાં. એ જમાનામાં કેસી કૉલેજ, જયહિન્દ, પાટકર, બિરલા માતુશ્રી સભાગૃહ, સોફિયા કૉલેજ, હિન્દુજા કૉલેજનાં થિયેટરો નાટકોથી ધમધમતા હતાં. આજે દક્ષિણ મુંબઈનાં બધાં થિયેટરો લગભગ નાટકો માટે બંધ થઈ ગયાં છે. સાઉથ મુંબઈમાં પ્રેક્ષકો ઘટી ગયા છે. હવે માત્ર તેજપાલ અને નેહરુ જ ચાલતાં થિયેટર ગણાય. ભવન્સ અને ચવાણ પણ ચાલે છે એમ તો. પહેલાંનો રંગભૂમિ અને રંગમંચનો ઝળહળાટ હવે ઝાંખો પડતો જાય છે. હમણાંની રંગભૂમિ ટૂચકા, ચૂટકા, બૂચકા, ધ્રુસકાથી ભરપૂર, ટિકટૉક શો થઈ ગઈ છે. જેવી પ્રેક્ષક માઈ-બાપની મરજી, એવી નાટકોની હારમાળા નિર્માતાઓએ સર્જી. પ્રેક્ષક જાગે તો ચીલાચાલુ નાટકો ભાગે, કલાસાધકો આવે આગે, વરના ચીલાચાલુ નાટકો ચાલ્યાં કરશે, આવ્યાં જ કરશે. વૉટ્સઍપ જૉક્સથી ભરેલા, જોકરવેડાથી જડેલા, દાંતમાં આંગળા ઘુસાડીને હસાવી મારશે જબરદસ્તીથી, કોરોનાથી પહેલાં. એક જમાનામાં એક એકથી ચડિયાતા દિગ્દર્શકો હતા. હવે તો એરા ખેરા નથુ ખેરા, કોઈ પણ ડિરેક્ટર બની જાય છે. માલ વેંચતા આવડવો જોઈએ. સંસ્થાના સંચાલકો સાથે હાથ મિલાવતા, ખોટું-ખોટું હસતા આવડવું જોઈએ. એમને ભાઈબાપા કરતા આવડી જાય પછી ફક્ત એટલું જ કહેવાનું રહે, અમારું નાટક કરોના, લોકોને હસાવશે, ડરોના. સંચાલકોને ચમચાગીરી ગમી એટલે તેઓ નિર્માતાને કહે, કમિટીને પટાવવા દો, તમારું નાટક લઈશું, રડોના.

પહેલાંના એક એકથી ચડિયાતા દિગ્દર્શકો અને ચડિયાતા વિષયો હતા. ચંદ્રવદન ભટ્ટ, અદી મર્ઝબાન, પ્રવીણ જોષી, કાંતિ મડિયા, અરવિંદ ઠક્કર, શૈલેષ દવે, મહેન્દ્ર જોષી, (મારું નામ લખીશ તો આત્મશ્લાઘા ગણાશે), દિનકર જાની, શફી ઇનામદાર, આતીશ કાપડિયા, પરેશ રાવલ જેવા દિગ્ગજ ડાયરેક્ટરો હતા. અદ્ભુત વિષયો અને અલૌકિક માવજત હોય એટલે પબ્લિક-શોમાં પણ પ્રેક્ષકો ટિકિટના પૂરા પૈસા આપતા અને પૈસા વસૂલ થયાનો સંતોષ માણતા. ત્રણ અંક અને ત્રણ કલાક સુધી લોકોને નાટક માણવાની મઝા આવતી અને હવે તો નાટક બે અંકથી વધુ ન હોવું જોઈએ, જેટલું જલદી પતે એટલું સારું. થોડું હસાવો, ત્યાં જ ખવડાવો, સમય બચાવો. ભાગમભાગનું જીવન થઈ ગયું છે. સ્ટ્રેસ અને તાણ સિવાય જાણે જીવતા નથી એવું લાગે. જીવવાની સ્પીડને કોરોના જેવા રોગો જ ધીમી પાડી શકે. જેવી પ્રજા એવો નટરાજા. દિવસે-દિવસે પ્રેક્ષકો ઘટતા ચાલ્યા. આજે ત્રીજા કે ચોથા શોમાં બ્લૉક બુકિંગ લેવું પડે છે. ટિકિટબારી પર કાગડા ઊડે છે. એક-બે કલાકારોને છોડી, કોઈનાં નાટકોને હાઉસ નથી મળતાં.



એક તો ગુજરાતી ભાષા લુપ્ત થતી જાય છે. બીજી બાજુ, રંગભૂમિને સમર્પિત કલાકારો અદૃશ્ય થઈ રહ્યા છે. ત્રીજી તરફ, ગુજરાતી નાટકો જોવાવાળા પ્રેક્ષકો તો ૪૫ની નીચેના ભાગ્યે જ દેખાય છે. નવી પેઢી, ન્યુ જનરેશન (ઇંગ્લિસ યુ સી)માં પરિવર્તિત થઈ રહ્યું છે. નવી પેઢીને નાટકો જોવા લઈ આવો, કમસે કમ માતૃભાષાને ટકાવવા માટે.


શફી ઇનામદાર કહેતાં કે જેમ આંતરકૉલેજ નાટ્યસ્પર્ધામાં નાટકો ન ગમતાં તો ત્યારના પ્રેક્ષકો સહન ન કરતા, હુરિયો બોલાવતા, પણ સ્પર્ધા જોવા આવતા. એમ ખરાબ નાટકોનો વિરોધ કરવા પણ કમસે કમ નવી પેઢીના પ્રેક્ષકોને બોલાવો. કાશ, શફી ઇનામદાર હજી થોડું વધુ જીવ્યો હોત  તો ગુજરાતી રંગભૂમિને સાચી દિશામાં દોરવામાં સુકાની થયો હોત. ‘બા રિટાયર થાય છે’,  ‘ઑલ ધ બેસ્ટ’ જેવાં ગુજરાતીમાં નાટકો આપનાર શફી ઇનામદાર મૂળ કોકણી, પણ જાણે પાક્કો  ગુજરાતી હતો. તેણે ગુજરાતી નાટકો હિન્દીમાં પણ કર્યાં. એ પણ લગભગ સુપરહિટ નાટકો પૂરવાર થયાં. કેસી કૉલેજનો સ્નાતક શફી, દિનકર જાનીને મળ્યો અને ગુજરાતી થઈ ગયો. દિનકર જાનીએ તેને પ્રવીણ જોષી સાથે મેળવ્યો અને શફી ગુજરાતી રંગભૂમિનો જ થઈ ગયો એમ કહીએ તો ચાલે. તે મારાં એકાંકી નાટકો ડિરેક્ટ કરતો, મારાં ફુલલેન્થ નાટક ‘આપણું તો ભાઈ એવું’માં મુખ્ય ભૂમિકા ભજવી, મહેન્દ્ર જોષીના ‘તોખાર’માં પરેશ રાવલ સાથે સમાન્તર ભૂમિકા ભજવી અને ગુજરાતી રંગભૂમિ પર પ્રસ્થાપિત થઈ ગયો. હસતો-રમતો માણસ, થિયેટરોમાં જઈ બધાં નાટકો જુએ, નાટકોના ડિરેક્ટરોને મળે, તેમની સાથે તેમનાં નાટકોની સમીક્ષા કરે, વખાણે, વખોડે, અને સાથે ખાઈપીને સજેશનો પણ આપે. એમાં તેણે મરાઠીની એ સમયની શ્રેષ્ઠ અભિનેત્રી ભક્તિ બર્વે જોડે લગ્ન કર્યાં એટલે મરાઠી નાટકો જોઈ એમાંથી સારાં નાટકો ગુજરાતી રંગભૂમિ પર લાવવા લાગ્યો. શશી કપૂરની ‘વિજેતા’થી ચલચિત્ર જગતમાં એન્ટ્રી કરી. પુષ્કળ ફિલ્મોમાં ઍક્ટિંગ કરી, એક હિન્દી  ફિલ્મ ‘હમ દોનો’ ડિરેક્ટ કરી. બીજી ફિલ્મ શરૂ કરવાનો હતો. મારો ખાસ મિત્ર, મારી એકાંકીઓનો ડિરેકટર, મારી જ કૉલેજનો સિનિયર સ્ટુડન્ટ. અમે બન્નેએ કેસી કૉલેજમાં સાથે સમય વિતાવ્યો. રિહર્સલમાં સમયસર મોડો જ આવે અને સ્પર્ધામાં જીતી જઈએ એટલી બધી મહેનત કરાવે. ક્યારે પણ ફોન કરે, ‘લતેશ, કહા હૈ તું? ઉધર હી રુક મૈં આયા.’ એ આવે અને ખાવા પીવા લઈ જાય, બિલ આપણે ભરવાનું. સવાર સુધી તે વાતો કરતા ન થાકે, વાતો પણ થિયેટરની જ હોય. કયું નાટક વાંચ્યું, કયું નાટક જોયું અને કેવું લાગ્યું? કયાં ઍક્ટર-ઍક્ટ્રેસિસ ગમ્યાં. આજ વાત હોય.  હું, હોમી વાડિયા, પરેશ રાવલ, દિનકર જાની, મહેન્દ્ર જોષી, યોગેશ સંઘવી, રફીક મુકાદમ, તીરથ વિદ્યાર્થી, સાઇરસ દસ્તુર બધાની સાથે બેસે, વાતો થિયેટરની જ કરે. તે દિલીપ કુમાર અને પ્રવીણ જોષીથી ખૂબ પ્રભાવિત હતો. એમને કૉપી પેસ્ટ પોતાના પર્ફોર્મન્સમાં સહજતા અને માલિકીભાવ સાથે કરે. મૂળમાં તેના શ્વાસેશ્વાસમાં થિયેટર વણાયેલું હતું. થિયેટરના જુનિયર-સિનિયર કલાકારો સાથે એનો પરિવાર જેવો ઘરોબો હતો.

એ ગયો, જન્નત નશીન થયો એની બે કલાક પહેલાં મને ભાઈદાસ પર મળ્યો, મને કહે, લતેશ, તું ‘ઑન ટોઝ’ (રેસ્ટોરાં) પર બેસ. હું ભક્તિને ઘરે છોડી, પ્રવીણભાઈની (પ્રવીણ સોલંકી)ની ફિલ્મ માટેની સ્ટોરી સાંભળીને બે કલાકમાં ત્યાં આવું છું, જતો નહીં, બેસજે. તે ઉત્સવનો માણસ,  ઉત્સાહનો માણસ અને થિયેટરને અધધધ પ્રેમ કરનારો માણસ, મિત્ર તરીકે સવાયો માણસ તેને ના કેમ પડાય. મેં કહ્યું, ‘શફી આવજે જરૂર’. તેણે કહ્યું, ‘આવીશ જ. મારે તારી સાથે મહત્ત્વની વાત કરવી છે.’ તે ઘરે ગયો અને હું, ‘ઑન ટોઝ’માં જઈ બેઠો. બેઠો રહ્યો, તે ન આવ્યો. ફાઇનલી તેના સમાચાર આવ્યા કે શફીને મૅસિવ હાર્ટ અટૅક આવ્યો અને તેને નાણાવટી હૉસ્પિટલમાં લઈ ગયા છે. નાણાવટી પર દોડ તો મૂકી, પણ નકામી નીવડી. ૧૩ માર્ચની ગોઝારી રાત હતી.


છે માંથી હતો થઈને છેહ આપી ગયો તે મનમોજીલો માણસ. તેની પ્રાર્થના સભા બાદ ત્યાં આવેલા બધાં થિયેટરના કલાકાર-કસબીઓને મેં શફીના માનમાં પાર્ટી આપી. શફી ઉત્સવનો માણસ હતો. મહેન્દ્ર જોષીના અવસાન બાદ, તેના માનમાં મેં, દિનકર જાની અને શફીએ શફીના ઘરે, મહેન્દ્રને વાગોળતાં પાર્ટી કરી હતી. મૃત્યુ ખરેખર એક ઉત્સવ જ છે. શફીની યાદ વાગોળવામાં થિયેટરની,  ડેટની વાત જ ભુલાઈ ગઈ. શું થયું? બીજો શો થયો કે નહીં? થયો તો ક્યાં થયો? વાંચો આવતા ગુરુવારે.

Whatsapp-channel Whatsapp-channel

19 March, 2020 07:52 PM IST | Mumbai Desk | Latesh Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK