Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હમ બા વફા થે ઇસલિએ નઝર સે ગિર ગએ શાયદ તુમ્હે તલાશ કિસી બેવફા કી થી

હમ બા વફા થે ઇસલિએ નઝર સે ગિર ગએ શાયદ તુમ્હે તલાશ કિસી બેવફા કી થી

23 December, 2019 03:56 PM IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

હમ બા વફા થે ઇસલિએ નઝર સે ગિર ગએ શાયદ તુમ્હે તલાશ કિસી બેવફા કી થી

હમ બા વફા થે ઇસલિએ નઝર સે ગિર ગએ શાયદ તુમ્હે તલાશ કિસી બેવફા કી થી


આ વ્યંગાત્મક પણ અર્થસભર શેર છે. બા વફા એટલે વફાદાર. પ્રેમીજન કહે છે કે હું વફાદાર હતો એટલે તારી નજરમાંથી ઊતરી ગયો છું. કદાચ તને બેવફા પ્રિયતમની જરૂર હતી. આ પંક્તિઓ સૂચવે છે કે આજકાલ લાંબા ગાળાના સંબંધો પ્રેમીઓને મંજૂર નથી. ‘યુઝ ઍન્ડ થ્રો’ વાપરો અને ફેંકી દોની થિયરી સંબંધોમાં પણ લાગુ થઈ ગઈ છે. લોકો પોતાને બદલવા માગતા નથી, પણ બદલાવવાનું અતિપ્રિય હોય છે. વારતહેવારે ઘડિયાળ બદલે છે, બૂટ-ચંપલ બદલે છે, મોબાઇલ બદલે છે, કપડાં બદલે છે, દાગીના બદલે છે, સંબંધો બદલે છે, મિત્રો બદલે છે, મૈત્રીના અર્થ બદલે છે. અરે કેટલાક રંગરસિયા તો લાઇફ-પાર્ટનર પણ બદલે છે.

ગયાં બે સપ્તાહમાં પિતાએ લખેલા પુત્રીના પત્રમાં દીકરીના ભવિષ્યની ચિંતા વ્યક્ત કરી હતી, જેમાં જીવનસાથીની શોધ મુખ્ય મુદ્દો હતો. પરંતુ તેમણે લગ્ન બાદ સંતતિ નિયમન કેટલું મહત્ત્વનું છે એની પણ ચર્ચા કરી હતી, જે વિષય સાથે સુસંગત ન લાગતાં મેં બાજુએ તારવ્યું હતું. આજે સંતતિ નિયમનને મુખ્ય વિષય બનાવી આગ‍ળ વધીએ.



‘વહાલી વત્સલા, લગ્ન પછી એક બીજો મુખ્ય મુદ્દો છે સંતતિ નિયમનનો. સંતતિ નિયમનની આવશ્યકતા આજે કેવળ વ્યક્તિ માટે જ નહીં પરંતુ આખા રાષ્ટ્ર માટે છે. ભારતની વસ્તીમાં દર વર્ષે લગભગ ૫૦-૬૦ લાખ જેટલી સંખ્યાનો વધારો થાય છે. એ બધાને ખવડાવવાનો અને સારા નાગરિક બનાવવાનો પ્રશ્ન તો આજે રાષ્ટ્રનો પ્રાણપ્રશ્ન છે. તો આ માટે આપણે એક મોટી જમાત પેદા કરવી જોઈએ. મને અને તારી મમ્મીને તો સંતતિ નિયમનનું જ્ઞાન લગ્ન બાદ ઘણું મોડું મળ્યું. છતાંય મોડાં-મોડાં જાગ્યાં તો ખરાં જ. અને એટલે જ આજે ત્રણ સંતાનોથી પત્યું છે. વિચાર કર, અમારાં આ ૨૦ વર્ષના લગ્નજીવનમાં જો છ-સાત બાળકો હોત તો તમે જે સુખસગવડ પામ્યાં છો એ પામી શકત ખરાં? દૂધ, શાકભાજી, કપડાં, સ્કૂલની ફી, સિનેમાની ટિકિટ, રહેવાની જગ્યા, બાથરૂમ, પેન્સિલો, નોટબુક્સ, પર્યટન એવી-એવી દરેક ચીજમાં ભયંકર તાણ પડી હોત. વળી મારી આવક તો મર્યાદિત જ હતી. એ ખ્યાલ જ કેવો કમકમા ઉપજાવે એવો છે. અને તારી મમ્મીની તબિયત કેવી થઈ ગઈ હોત? કલ્પના કર.


જેવી રીતે અન્ન-વસ્ત્ર-રહેઠાણ વગેરે ચીજો માનવીની સ્વાભાવિક જરૂરિયાતો છે એવી જ રીતે કામવાસનાની તૃપ્તિ પણ બિલકુલ કુદરતી તૃષ્ણા છે. એની તૃપ્તિને બદલે એનું દમન જ કરવા જતાં ઊલટી વાસના વિકૃત થઈ જવાનો સંભવ રહે છે. સંતતિ નિયમનનાં સાધનોની મદદથી કામવાસના સમતોલ રહે છે અને કુટુંબનું કદ પણ સમતોલ રહે છે. સંતતિ થઈ જવાની બીકના માર્યાં સ્ત્રી-પુરુષો પૂરા સંતોષપૂર્વકની કામતૃપ્તિ મેળવી શકતાં નથી અને પછી ગભરાયેલાં, રઘવાયેલાં રહે છે. તેમનું મગજ અતૃપ્તિના બોજથી ભયનું રહે છે અને કેટલીક વાર તો અવળે રસ્તે પણ દોરવાઈ જાય છે.

આવી પરિસ્થિતિમાં પોતાની પત્નીને સંતતિ થઈ જાય એના કરતાં કોઈ બજારુ નિરાધાર સ્ત્રી (વેશ્યા)ને ત્યાં જઈને ભભૂકતી અતૃપ્ત કામવાસનાઓનો ઊભરો ઠાલવી આવવા તરફ પણ કેટલાકનું મન દોડ છે તો પછી બીજા કેટલાક આડોશ-પાડોશમાં, ઑફિસ કે કામ કરવાના સ્થળે પ્રેમલીલા આદરવાના પંથે પડે છે. સંતતિનો ભય પતિ-પત્નીના પ્રેમની વચ્ચે અતિશયરૂપે આવીને ઊભો રહે છે. સંતતિની બીક લગ્નસુખ પણ પૂરતું માણવા નથી દેતી.


આનો અર્થ એવો નથી કે સ્ત્રી અને પુરુષને સદાકા‍ળ સંતાનો નથી જ જોઈતાં. લગ્નજીવનમાં અમુક સમયે સંતાનપ્રાપ્તિ, માતૃત્વની કે પિતૃત્વની ઝંખના પણ જરૂર જાગે છે, પરંતુ લગ્ન પછી તરત જ તો કોઈનેય સંતાન જોઈતું હોતું નથી. લગ્ન પછી થોડાક સમય માટે તો ‘સ્વાર્થી’ કામતૃપ્તિની ઇચ્છા રહે છે જ. પરંતુ આપણે જોઈએ છીએ કે સોમાંથી નવ્વાણું લગ્નો બાદ થોડા મહિનામાં જ આ મુક્ત તૃપ્તિની આડે ‘સીમંત’ આવીને ઊભું રહે છે. આવી પરિસ્થિતિ આવતી અટકાવવા માટે સંતતિ નિયમન આશીર્વાદ સમાન છે. એની મદદથી પતિ-પત્ની વચ્ચેનાં ઘર્ષણો, ફોગટના વિવાદો, વૈમનસ્યો, ગેરસમજણો તેમ જ હિસ્ટીરિયા, બ્લડ-પ્રેશર, ઉન્માદ વગેરે મોંકાણ નિવારી શકાય છે.

સંતતિ નિયમનનું જ્ઞાન સુખી, સંતોષી અને સમતોલ જીવન માટે એકદમ આવશ્યક છે, કારણ કે ઉપરાછાપરી બાળકોના આગમનથી સ્ત્રીઓની તબિયત પર અસર થાય છે. મન પર અસર થાય છે. તેમને ઘરમાં ગોંધાયેલાં રહેવું ફરજિયાત બની જાય છે, જેથી તેમની સ્વતંત્રતા પર પણ આપોઆપ જ તરાપ પડે છે. ઘણાં સંતાનો હોવાથી તે બધાંની દરકાર પણ રાખી શકતી નથી. બાળકોનો ઉછેર બગડે છે અને તેઓ નિર્માલ્ય થતાં જાય છે. આવક અને ખર્ચનો સુમેળ સાધવાની ચિંતા પણ પ્રતિ સંતાન વધતી જાય છે. ઘરમાં જગ્યા પણ સાંકડી ને સાંકડી થતી જાય છે અને શાંતપણે અભ્યાસી જીવન ગાળવાનું સ્વપ્ન તો સદાને માટે વિદાય લઈ લે છે.

આ બધાંનો ઉકેલ અને ઉપાય એક જ છે કે સંતતિ નિયમન કરવું. સંતતિ નિયમનનાં સાધનોનો ઉપયોગ ડૉક્ટરની સલાહ મુજબ સમજપૂર્વક કરવાથી જીવન ઘણું સરળ અને મંથનરહિત બની જાય છે. એટલું ધ્યાનમાં રાખવાનું છે કે સમાજને હાનિ પહોંચાડે અથવા પતિ-પત્ની વચ્ચે કલહ પેદા કરે એવા મુક્ત વિહાર માટે એનો દુરુપયોગ તો ન જ થવો જોઈએ.

અને છેલ્લે સંતતિ નિયમન સાથે જીવનસાથીની પસંદગી વિશે ફરીથી ટકોર કરું છું. તને જે સમયે લાગે કે અમુક યુવક પ્રત્યે તને ખૂબ ખેંચાણ થયેલું છે તો એ સમયે નિર્ભયતાથી તું અમને જણાવી દેજે. અમે પણ તારી પસંદગીમાં સહકાર ઉમેરી શકીએ. કંઈક અસાધારણ ભૂલ હશે કે જેનાથી તારું જીવન સુખીને બદલે દુ:ખી-દુ:ખી થઈ જવાની સંભવિતતા હોય તો જ અમે વિરુદ્ધ અભિપ્રાય આપીશું.

એક બીજી વાત. કુંવારી માતા બનવાના ઉન્માદની ભૂલ ક્યારેય ન થઈ જાય એની ખૂબ કાળજી લેવી. પ્રેમમાં પડ્યા પછી ઉન્માદની સાથોસાથ સંયમ પણ એટલો જ જરૂરી છે. આ સંયમ રાખવો ખૂબ અઘરો છે એ હું જાણું છું, પણ અશક્ય તો નથી જ. બીજી વાત, તારી ઇચ્છા ન હોય તો પણ યુવકને ભ્રમણામાં ન રાખતી. મૈત્રી ચાલુ રાખવા છતાં તેને એકાંતમાં મળવાની તક તો ન જ આપતી. પણ જેના પ્રેમનો સ્વીકાર કર્યો હોય તેવા પ્રિયજન વિશે પછી અવિશ્વાસ અને જાસૂસીનું વર્તન તો ન રાખવું, બુદ્ધિપૂર્વકની સામાન્ય  સાવચેતી રાખવી. પ્રિયજન સમક્ષ પરસ્પર ઈર્ષા જાગે એવી વાત તો કદાપિ ન છેડવી. વધારે પડતી પ્રામાણિકતા દેખાડવા ખાતર બાલ્યાવસ્થામાં કે કૉલેજના દિવસોમાં ફલાણા ‘ભાઈ’ઓ સાથે તારે ખૂબ દોસ્તી હતી એવી ગફલતની વાત કરવાથી ઓડનું ચોડ થઈ જવાનો સંભ‍વ રહે છે. એવી વાતો મનમાં જ રાખવી. આમાં પતિ કે પ્રિયજનને છેતરવાનો સવાલ નથી, પણ વિના કારણે લગ્નસુખ છિન્નભિન્ન ન થઈ જાય એની કાળજી રાખવાનો સવાલ છે.

આમાંથી તને પચે એટલી જ સલાહ પાળજે, પણ દરેક પગલું વિચારીને ભરજે એ પહેલાં પણ કહી ચૂક્યો છું. એ જ લિ. તારો સદૈવ શુભચિંતક પિતા.

સંતતિ નિયમન વિશે ૮૦ના દાયકામાં પણ એક પિતાની સજાગતા દાદ માગી લે એવી છે. વળી પત્ર દ્વારા પુત્રીને આવી શિખામણ આપવી એ પણ પ્રશંસનીય છે. અગાઉના જમાનામાં ‘પત્ર-સાહિત્ય’નો એક યુગ હતો. પત્રો દ્વારા અનેક વિષયો પર શિષ્ટ સાહિત્યનું સર્જન થયું છે. પત્રો દ્વારા નવલકથાઓ રચાઈ, નિબંધો લખાયા, પત્રો દ્વારા દીકરા કે દીકરીને સલાહસૂચનો થયાં. અબ્રાહમ લિંકને પુત્ર માટે શિક્ષકને લખેલો પત્ર તો જગમશહૂર છે તો પંડિત જવાહરલાલ નેહરુએ જેલમાંથી લખેલા ‘ઇંદુને પત્રો’એ ઇંદિરા ગાંધીના જીવનમાં કેવો ભાગ ભજવ્યો એ સર્વવિદિત છે.

અને છેલ્લે...

‘સંતતિ નિયમન’ શબ્દ છેલ્લાં ૭૦-૮૦ વર્ષોથી પ્રચલિત થયો છે. ભારત સહિત ઘણા દેશનો એ પ્રાણપ્રશ્ન છે. એ વિશે અઢળક લખાયું છે. ‘અમે બે અમારા બે’નું સૂત્ર છેલ્લાં ૫૦ વર્ષોથી ભારતમાં ગુંજતું થયું છે. ‘એક કે બાદ અભી નહીં ઔર દો કે બાદ કભી નહીં’નાં પોસ્ટરો ગામેગામ, શહેર-શહેરમાં દેખાતાં થયાં. વળી આ વર્ષો દરમ્યાન સંતતિ નિયમન વિશે વિજ્ઞાને પણ ઘણીબધી પ્રગતિ કરી. અનેક જાતની પિલ્સ, ગોળીઓ શોધાઈ, સાધનો ઉપલબ્ધ બન્યાં, નસબંધી સુલભ બની, સ્ત્રી અને પુરુષ બન્ને માટે અલગ-અલગ પ્રકારની સંતતિ નિયમન માટેનો સગવડો આવિષ્કાર પામી.

આજની પેઢી ઘણી વાર આપણને પ્રશ્ન કરે છે, ‘પહેલાંના જમાનામાં તમારા વડવાઓની વંશાવલી જોશો તો લગભગ દરેકને ત્યાં પાંચ-સાત-આઠ  સંતાનો જોવા મળશે. ત્યારે આ વિચાર કોઈને કેમ ન આવ્યો?’

દરેક સમાજશાસ્ત્રી પાસે આનો સુંદર જવાબ છે.

ભારત પહેલેથી જ ખેતીપ્રધાન  દેશ છે. અગાઉના જમાનામાં ખેતમજૂરો લગભગ નહોતા. ખેતીકામમાં ઘરના જ માણસો જોડાયેલા રહે એ કારણે ખેડૂતો વધારેમાં વધારે  સંતાન થાય એવું ઇચ્છતા. બીજું, ખેડૂત સિવાયના લોકો પણ સ્વાવલંબી હતા. ઘરકામવાળા નોકરો કે વ્યવસાયમાં પણ ઘરના જ માણસોનું ચલણ હતું એટલે એ લોકો પણ વધુ સંતાનો ઝંખતાં. ત્રીજું, એ જમાનામાં લોકો પાસે બીજી કોઈ વિશિષ્ટ પ્રવૃત્તિ નહોતી. ન રમત-ગમત, ન મનોરંજનનાં સાધનો, ન કોઈ સાહિત્યિક કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ભરમાર-વ્યાવસાયિક કામ અને કુદરતી ‘કામ’ બન્નેનું વર્ચસ્વ હતું. આ બધાં કારણે વસ્તી કૂદકે ને ભૂસકે વધતી ગઈ.

લગ્ન પછી તરત જ તો કોઈનેય સંતાન જોઈતું હોતું નથી. લગ્ન પછી થોડાક સમય માટે તો ‘સ્વાર્થી’ કામતૃપ્તિની ઇચ્છા રહે છે જ. પરંતુ આપણે જોઈએ છીએ કે સોમાંથી નવ્વાણું લગ્નો બાદ થોડા મહિનામાં જ આ મુક્ત તૃપ્તિની આડે ‘સીમંત’ આવીને ઊભું રહે છે. આવી પરિસ્થિતિ આવતી અટકાવવા માટે સંતતિ નિયમન આશીર્વાદ સમાન છે. એની મદદથી પતિ-પત્ની વચ્ચેનાં ઘર્ષણો, ફોગટના વિવાદો, વૈમનસ્યો, ગેરસમજણો તેમ જ હિસ્ટીરિયા, બ્લડ-પ્રેશર, ઉન્માદ વગેરે મોંકાણ નિવારી શકાય છે.

સમાપન

સંસ્કૃતનું એકા સુભાષિત :

વરમેકો ગુણી પુત્રો ન ચ મૂર્ખ શતાન્યપિ।

એકશ્વ ચંદ્ર સ્તમોહન્તિ ન ચ તારા ગણોપિચ।।

સો મૂર્ખ પુત્રો કરતાં એક ગુણવાન પુત્ર સારો, કારણ કે આકાશમાં લાખો તારાઓ છે પણ એ  અંધકારનો નાશ નથી કરી શકતા જ્યારે એકલો ચંદ્ર અંધકારને દૂર કરી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

23 December, 2019 03:56 PM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK