કચ્છમાં કાઠીરાજ દરમ્યાન પાંગરેલી એક પ્રેમકથા લાખણસિંહ ગોરાંદે

Published: Nov 12, 2019, 14:44 IST | Kishor Vyas | Kutch

લાખેણો કચ્છ: કચ્છમાં સદીઓ પહેલાં કાઠીઓનું પ્રાબલ્ય હતું. તેઓ બળવાન અને બહાદુર પણ હતા.

કચ્છમાં સદીઓ પહેલાં કાઠીઓનું પ્રાબલ્ય હતું. તેઓ બળવાન અને બહાદુર પણ હતા. તેઓ સિંધમાંથી કચ્છમાં આવ્યા હોવાનું નોંધાય છે. કેટલાક કાઠીઓ કચ્છમાં વસ્યા અને કેટલાક કાઠિયાવાડ તરફ સ્થાયી થયા તેથી જ આજે પણ એ કાઠિયાવાડ તરીકે પ્રસિદ્ધ છે. એ જેટલા શૂરવીર હતા તેટલા જ યુક્તિબાજ પણ હતા.

ઘણાએ ‘લાખણસિંહ ગોરાંદે’ નાટક કે પછી તેના પર બનેલી ગુજરાતી ફિલ્મ પણ જોઈ હશે. એ લાખણસિંહ પોતે કાઠી અને તેનો પરિવાર હાલના ભદ્રેશ્વર તીર્થ પાસે આવેલા ખીરસરા ગામમાં રહેતો હતો. એ છ ભાઈઓ હતા અને તેમાં લાખણ સૌથી નાનો હતો. એનું કામ હતું પશુધન ચારવા જવાનું. એ વાંસળી ખૂબ સરસ વગાડતો, એની વાંસળીના સૂર આજુબાજુના વાતાવરણમાં ભારે મીઠાશ રેડી દેતા. એનું પશુધન પણ એની વાંસળીની મધુરતા પર મુગ્ધ રહેતું.

એ જ્યાં ઢોર ચરાવા જતો તેની બાજુમાં જ કચ્છનો અખાત હતો. ઉનાળામાં ત્યાં પાણી ભરાઈ જતાં. સામા કાંઠે હાલારનો પ્રદેશ આવતો હતો જ્યારે પાણી ન હોય ત્યારે લોકો પગે ચાલીને સામા કિનારે પહોંચી શકતા. આવા વિસ્તારમાં એક દિવસ બપોરે લાખણ પોતાની વાંસળીમાંથી મીઠા સૂર છેડી રહ્યો હતો. ગાયો-ભેંસો એનું સુંદર સંગીત સાંભળતાં સાંભળતાં વાગોળી રહી હતી.

એવા સમયે દરિયાકિનારા તરફથી એક નવયૌવના એના તરફ ચાલીને આવી રહી હતી. બંસીના નાદ પર એ હરિણીની માફક ઝડપથી ચાલી રહી હતી. લાખણ તો પોતાના ધ્યાનમાં મગ્ન હતો. એ યુવતી એક ચારણ કન્યા હતી. એ પોતાનાં માતા-પિતા સાથે સામા કિનારે હાલારમાં આવેલા એક

નેસમાં રહેતી હતી. એ વખતે હાલારમાં ઘાસચારાની થોડી તાણ હોવાથી એ ચારણ પરિવાર કચ્છના કિનારે ચેરિયાં લેવા માટે આવતો-જતો.

એ કન્યાને ખૂબ તરસ લાગી હોવાથી તે વખતે પાણી પીવા માટે આ તરફ આવતી હતી, પરંતુ જેમ જેમ નજીક આવતી ગઈ તેમ તેમ તે પોતાની પ્યાસ ભૂલી ગઈ અને વાંસળીના તાનમાં ગૂંથાતી ગઈ ! તેને લાખણની વાંસળીના સૂરોએ ઘેલી બનાવી દીધી. એ મંત્રમુગ્ધ બનીને વાંસળીના નાદ સાંભળવા પથ્થરની પૂતળીની માફક ઊભી રહી ગઈ.

લાખણની જ્યારે તેના પર નજર પડી તો તેને આશ્ચર્ય થયું ! તેને લાગ્યું કે રૂપરૂપના અંબાર સમી કોઈ વનદેવી તેની વાંસળી સાંભળવા આવી છે કે શું ! તેની અને ચારણ કન્યાની આંખો શું મળી! તેમનાં હૈયાં જ પહેલી નજરે મળી ગયાં ! તેમનાં હૃદય એકબીજાને જાણે ભેટી પડ્યાં! લાખણની વાંસળી વાગતાં અટકી કે એ કન્યાને યાદ આવ્યું કે તેના મા-બાપ અને ભાઈઓ તેની રાહ જોતાં હશે અને તરત જ ત્યાંથી દોડતી પાછી ફરી. એ પાછી શું ફરી, લાખણનું હૃદય લૂંટીને સાથે લેતી ગઈ...લાખો તેને જતી જોઈ રહ્યો!

ચારણ કન્યાના અદ્દભુત સૌન્દર્યએ તો લાખણને તેનો દીવાનો બનાવી દીધો. એના અંતરમાં લાગણીઓ રણઝણવા લાગી. હૃદયમાં તોફાની સાગર ઊછળવા લાગ્યો. બાકીના દિવસ દરમ્યાન તેને એ સ્વરૂપવાન કન્યા જ દેખાવા લાગી હતી. રાત પણ તરફડાટમાં વીતી. બીજા દિવસે બપોરે એ જ સ્થળે એણે પોતાની વાંસળીમાંથી વિરહના સૂર રેલાવવા માંડ્યા. તેના આશ્ચર્ય વચ્ચે પેલી ચારણ કન્યા એ જ સમયે ત્યાં આવી પહોંચી. તેને ફરી ત્યાં જોઈને લાખણનું હૃદય થોડું શાંત થયું. બન્ને એકબીજાની નજીક આવ્યાં, અંતરના પડદા દૂર થયા અને પરસ્પર વાતચીત કરતાં થયાં. ત્યાર પછી આ રીતે મળવાનો તેમનો નિત્યક્રમ બની રહ્યો! એક દિવસ...

છૂટા પડતી વખતે એ કન્યા પોતાના નેસમાં રાત્રે આવવાનું આમંત્રણ આપતી ગઈ! એક જ ચમકારામાં આખા આકાશને પ્રકાશિત કરીને વીજળી ચાલી જાય તેમ લાખણના હૃદયકાશમાં વીજળીના લીસોટા પેદા કરીને એ કન્યા ચાલી ગઈ! હવે લાખણ ક્યારે રાત પડે તેની રાહ જોઈ રહ્યો હતો. આજે તેને દિવસ બહુ લાંબો લાગી રહ્યો હતો!

આખરે રાત પડી. લાખણ તેની પ્રિયતમાને મળવા તૈયાર થઈને કચ્છના અખાતને ખૂંદતો બરાબર મધ્ય રાત્રિએ સામે પાર પહોંચી ગયો અને એ કન્યાએ આપેલાં ઓઠાં પ્રમાણે તે તેના નેસમાં, જે મકાનમાં એ રહેતી હતી તેની પછીતના ભાગેથી ઉપર ચડી ગયો. છાપરાંની વળીઓ કાપીને તે નીચે ઊતર્યો. ચારણ કન્યા પણ તેની રાહ જોતી બહાવરી બનીને જાગતી હતી. બન્ને પ્રેમીઓ એકબીજાને મળ્યાં, ભેટ્યાં અને આખી રાત આનંદમાં વિતાવી. પરોઢ પહેલાં લાખણે ત્યાંથી વિદાય લીધી. બસ તે દિવસથી એ રીતે મળવાનો બન્ને પ્રેમીઓનો ક્રમ બની રહ્યો.

છ મહિના જેટલો સમય વીતી ગયો. લાખણ અને ચારણ કન્યા વચ્ચેના પાંગરેલા પ્રણયની ક્યાંક ક્યાંક લોકજીભે ચર્ચા પણ થવા લાગી. એ તો થવાનું જ હતું ! લાખણ પણ આ રીતે રોજ આવવા-જવાથી થોડો કંટાળ્યો હતો. કોઈ કાળે તેમનાં લગ્ન કરાવવા માટે બન્નેના પરિવારો તૈયાર નહીં જ થાય એ જાણતા હોવાથી આખરે બન્ને પ્રેમીઓએ નાસી જઈને ક્યાંક સામે પાર ઊતરી જવાનું નક્કી કરી લીધું. એ રાત પણ આવી પહોંચી...

નક્કી થયા મુજબ લાખણ તૈયારી કરીને એ કન્યાના નેસમાં પહોંચ્યો. હંમેશ મુજબની રીતે તે પાછળની બાજુએથી મકાન પર ચડી ગયો પરંતુ જેવો તે નીચે ઊતરવા લાગ્યો ત્યારે જ એક ભયંકર ઘટના ઘટી ! કુદરતની અકળ કળા કોઈ જાણી શકતું નથી ! આ વખતે એવું જ કંઈક બન્યું. નીચે ઊતરતી વખતે લાખણની કમરમાં ખોસેલી કટારી અચાનક મ્યાનમાંથી છૂટી ગઈ અને નીચે આળોટતી ચારણ કન્યાના પેટમાં ખૂંપી ગઈ અને કન્યાના મુખેથી ચીસ નીકળી ગઈ. લાખણ પણ બેબાકળો બનીને નીચે કૂદી પડયો. નીચે જઈને જુએ છે તો તેની પ્રિયતમાના પેટમાંથી આંતરડાં બહાર આવી ગયાં હતાં !

હવે શું? આ તો મૃત્યુનો દૂત સામે આવીને ઊભો હતો! લાખણથી એ દૃશ્ય જોવાતું નહોતું. તેના પસ્તાવાનો પાર નહોતો. એ ગોરાંદે કહેતો એ કન્યાને. ગોરાંદેએ બે હાથ ફેલાવીને તેને કહ્યું : લાખા લઈલે લ્હાવ આજની રહી અર્ધી ઘડી, અમે પરોઢ પહેલાં કરશું પરિયાણ...અને તે સાથે બન્ને એકબીજાને ભેટી પડ્યાં. બીજી તરફ કન્યાની ચીસ સાંભળીને નેસના લોકો એકઠા થઈ ગયા.

એ લોકો કન્યાને દરવાજો ખોલવા માટે બૂમાબૂમ કરવા લાગ્યા. આખરે કંઈ જ જવાબ ન મળતાં એ લોકો દરવાજો તોડવાની તજવીજ કરી રહ્યા હતા. સમય કટોકટીનો પેદા થયો હતો. બહાદુર ચારણ કન્યા લાખણને ત્યાંથી નાસી જવા સમજાવવા લાગી પરંતુ પોતાની ગોરાંદેને આ સ્થિતિમાં છોડીને કાયરની માફક નાસી જવાનું લાખણને યોગ્ય લાગતું નહોતું. ત્યાં દરવાજા પર પ્રહાર ચાલુ થઈ ગયા હતા.

ગોરાંદે પોતાનું દુ:ખ બાજુએ મૂકીને લાખણને ચાલ્યા જવા વિનવી રહી હતી. આખરે લાખણ તેના આગ્રહને વશ થયો અને છાપરાં પરથી બહાર કૂદી પડયો. બરાબર એ જ વખતે દરવાજો તૂટ્યો અને લોકો અંદર ધસી ગયા. કન્યા લોહીથી તરબોળ અને તેના શ્વાસ ડચકાં ભરી રહ્યા હતા. એટલામાં જાણવા મળ્યું કે લાખણ હમણાં જ અહીંથી નાસ્યો...કન્યાના પિતા અને ભાઈઓ લાખણને પકડવા તૈયાર થયા, ત્યારે એ કન્યા એમ બોલી હોવાનું દુલેરાય કારાણી નોંધે છે કે,

‘દાદા ! મ કર દાખડો, વીર મ ચડજો વાર,

 જે નર ન મુઆ ઘર આંગણે, તે નહિ મરે ઝાંપા બાર.’

પણ દીકરીની સલાહ ન પિતાએ સાંભળી ન ભાઈઓના ગળે ઊતરી! ઘણા દિવસથી જેને સપાટામાં લેવા ચારણો તડપી રહ્યા હતા તેને આમ છટકવા કેમ દેવાય? એમની ઈજ્જતનું આમ લિલામ કરનાર પર તૂટી પડવા બધા ચારણો સજ્જ થઈને લાખણની પાછળ દોડ્યા. આગળ લાખણ અને પાછળ ચારણોનો કાફલો! આખરે કચ્છનો અખાત ઓળંગી એ છેક ખીરસરા ગામના પાદરે સામસામે થઈ ગયા. 

પોતાના નેસડામાં કોલાહલ સંભળાતાં લાખણના ભાઈઓ અને અન્ય લોકો પણ ઘરની બહાર દોડી આવ્યા. જોયું તો લાખાને ઘેરીને હથિયારધારી લોકો તેના પર વાર કરવાની તૈયારી કરી રહ્યા છે. જે કંઈ હાથ લાગ્યું તે હથિયાર હાથમાં લઈ તેઓ પણ લાખાને મદદ કરવા લાગ્યા. ચારણો અને કાઠીઓ વચ્ચે ધીંગાણું શરૂ થયું. કાઠીઓ ખૂબ બહાદુરીથી લડ્યા પરંતુ ચારણોની સંખ્યા વધારે હોવાથી આખરે લાખણ અને તેના ભાઈઓ તલવારોથી કપાઈને મૃત્યુ પામ્યા. એમનાં બહેન અને બનેવી પણ એ ધીંગાણામાં ખપી ગયાં.

એ છ ભાઈઓના પાળિયા ખીરસરાના પાદરે ઊભા કરવામાં આવ્યા. એમની બાજુમાં જ એમની બહેનનો પાળિયો પણ ઊભો છે. થોડે દૂર એમના બનેવીનો એક પાળિયો છે જે એકલસરો કહેવાય છે. આ દુ:ખદ ઘટના પછી ખીરસરા ગામ ખાલી થઈ ગયું અને તેની પશ્ચિમે એક નવું ગામ વસાવવામાં આવ્યું. લાખણસિંહ સહિત એ છ ભાઈઓની વીરતાના સ્મરણને કાયમ રાખવા માટે એ નવા ગામનું નામ છ-સરના નામ ઉપરથી ‘છસરા’ રાખવામાં આવ્યું. આ વાતને પણ અંદાજે છ સદીઓ વીતી ગઈ છે, પણ છસરા ગામની પાદરે આજે પણ એ પાળિયા વીર લાખણસિંહની અમરગાથા ગાતા ઊભેલા જોવા મળે છે.

(કથાબીજ ઐતિહાસિક : સંશોધન: દુલેરાય કારાણી ) 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK