એક ઝિંદાદિલ કલાકાર ઝિંદગી કો અલવિદા કહ ગયે!’

Published: 8th February, 2021 12:22 IST | Pravin Solanki | Mumbai

‘હાં વો ભીડ મેં ભી મુખ્તલિફ નઝર આતે થે જનાબ એક ઝિંદાદિલ કલાકાર ઝિંદગી કો અલવિદા કહ ગયે!’

એક ઝિંદાદિલ કલાકાર ઝિંદગી કો અલવિદા કહ ગયે!’
એક ઝિંદાદિલ કલાકાર ઝિંદગી કો અલવિદા કહ ગયે!’

જે કલાકાર ભીડમાં પણ સહેલાઈથી ઓળખાઈ આવે એવો કલાકાર દુનિયાની ભીડમાંથી અણધાર્યો નહીં, પણ એકાએક ગુમ થઈ ગયો. ગતિમાંથી સ્મૃતિ થઈ ગયો. અરવિંદ જોષી માટે એક સપ્તાહમાં ઘણુંબધું લખાઈ ગયું, હજી લખાતું રહેશે અને લખાવું પણ જોઈએ. તેમની કલા, અનુભવ અને સંસ્મરણોની સરિતાનો વ્યાપ એટલો વિશાળ છે કે કોસે-કોસે ઉલેચીએ તો પણ ખાલી થાય નહીં.
નાટક, ફિલ્મ, ટીવી-સિરિયલ્સ જેવા અનેકવિધ ક્ષેત્રે તેમનું અમૂલ્ય પ્રદાન હતું, પરંતુ નાટક તેમના માથાનો મણિમુગટ હતો. રંગભૂમિ તેમનું હૃદય હતું. ‘ખેલંદો’ નાટકે તેમના અભિનયના કપાળમાં ‘કંકુ-ચોખા’ છાંટ્યા, તો ‘બાણશૈયા’ મસ્તક પરનું મોરપિચ્છ બની ગયું. અરવિંદ જોષીએ પોતે અસંખ્ય વાર જાહેરમાં કબૂલ કર્યું છે કે તેમની કારકિર્દીમાં ‘બાણશૈયા’નું અભિજિત મઝુમદારનું ભજવેલું પાત્ર પ્રિય અને અનન્ય છે. શું હતું એ પાત્ર?
દેશ અને દુનિયામાં જેનું નામ છે એવો મહાન શિલ્પકાર અભિજિત મઝુમદાર તેમના આજીવન સ્વપ્ન સમી મા આદિશક્તિની ભવ્ય અને બેનમૂન મૂર્તિ કંડારી રહ્યો છે. અચાનક અણધાર્યો અકસ્માત સર્જાય છે. અભિજિત ઊંચાઈએથી પડે છે અને કોડ્રા પ્રેજિયા નામના રોગનો ભોગ બને છે. શરીર લકવા જેવું જડ થઈ જાય છે. જીભ સિવાય કોઈ અંગ પર કાબૂ નથી રહ્યો. પોતાની જાતે પડખું તો ઠીક, આંગળીઓ પણ હલાવી નથી શકતો. નિર્જીવ, નિષ્ક્રિય જીવનથી તે કંટાળીને ડૉક્ટર પાસે ઇચ્છામૃત્યુની માગણી કરે છે. તે માને છે કે જીવનની પ્રત્યેક નિષ્ક્રિય ક્ષણ મરણ છે. ગતિ એ જીવન છે અને પ્રગતિ એ જીવનનું લક્ષ્ય છે. કોઈ ખાસ ઉદ્દેશ માટે જીવવામાં જ સાર્થકતા છે. કોયલનો કંઠ રૂંધાઈ જાય. કળા કરતા મોરલાનાં તમામ પીંછાં ખરી પડે કે દોડતા હરણાના પગ કપાઈ જાય પછી એ જીવે તોય શું ને મરે તોય શું? તાનસેનને ગળાનું કૅન્સર થયું હોત કે ડૉન બ્રૅડમૅનના હાથ કપાઈ ગયા હોત તો તેઓ જીવવાનું પસંદ કરત ખરા? આ પ્રશ્નાર્થ નાટકનો મહત્ત્વનો મુદ્દો હતો. પલંગ પર પડ્યા-પડ્યા માત્ર જીભ-શબ્દોના અને સંવાદના સહારે અરવિંદ જોષીએ અજોડ અભિનયનાં કામણ કર્યાં હતાં.
‘બાણશૈયા’ના અમુક પ્રસંગોનું સવિસ્તર આલેખન હું ભૂતકાળમાં ‘મિડ-ડે’માં કરી ચૂક્યો છું. આજે મારે બીજી વાત કરવી છે.
નાટક જેવો સંઘર્ષ અરવિંદ જોષીના જીવનમાં આવ્યો. છેલ્લાં કેટલાંય વર્ષો અરવિંદ જોષી નિ:સહાય અવસ્થામાં જીવ્યા હતા. લાકડી કે ઉષાભાભીના ટેકા સિવાય ડગલુંય ન ભરી શકતા. આ અવસ્થા દિવસો, અઠવાડિયાં કે મહિના સુધી નહીં વર્ષો સુધી રહી, પણ અરવિંદ જોષી જેનું નામ!! મજબૂરીમાં પણ મગરૂરી ન છોડી. સંજોગોને શરણે ન થયા, સંજોગો સામે સંઘર્ષ કર્યો. ન તો આ વાતનો તેમણે ક્યારેય અફસોસ જાહેર કર્યો કે ન કોઈ કકળાટ કર્યો! ન કોઈ ફરિયાદ કરી કે ન ક્યારેય છૂટી જવાની ભાવના વ્યક્ત કરી. અરવિંદ જોષી જીવ્યા, ખુમારીથી જીવ્યા, ખુદ્દારીથી જીવ્યા, જિંદગીનો રસ ખોબે-ખોબે ન પીવાય તો ઘૂંટડે-ઘૂંટડે, ટીપે-ટીપે પીને જીવ્યા. આપત્તિને અવસર બનાવીને જીવ્યા. પોતાના મનગમતા પ્રિય પાત્ર અભિજિત મઝુમદારના વિચારોને પડકારીને જીવ્યા.
અરવિંદ જોષી અને મારો સંબંધ ૫૦ વર્ષ જૂનો. ’૮૦ના દાયકામાં અમે લગભગ દરરોજ બપોરે આઇએનટીની ઑફિસમાં મળતા. બપોરે મેળો ભરાતો. પ્રવીણ જોષી, બચુભાઈ સંપત, અરવિંદ જોષી, ડી. એસ. મહેતા, જયંત વ્યાસ, હું પ્રવીણ સોલંકી, અરવિંદ ઠક્કર મોટા ભાગે નિયમિત આવતા. એ અરસામાં એક ખૂબ ચર્ચિત, ખૂબ અઘટિત બનાવ બન્યો અને એ બનાવમાં અરવિંદ જોષીનો શું ફાળો હતો એની વાત માંડું. શું હતો આ બનાવ?
રંગભૂમિ પર છેલ્લાં ૧૦૦ વર્ષમાં કદી ન બનેલી ઘટના બની હતી. રંગભૂમિમાં રીતસર બે પક્ષ પડી ગયા. એટલું જ નહીં, સામસામે બાંયો પણ ચડાવાઈ. કાન્તિ મડિયાએ નાટકના રિહર્સલમાં કલાકાર મધુ પટેલને કોઈક કારણસર તમાચો માર્યો એમાંથી આ બબાલ શરૂ થઈ. પ્રવીણ જોષીએ આ બનાવનો વિરોધ કર્યો, વખોડ્યો એમાં બળતામાં ઘી હોમાયું. મડિયા V/S પ્રવીણ જોષી વચ્ચે શીતયુદ્ધનાં મંડાણ થયાં. કેટલાક કલાકારો મડિયાની વહારે થયા તો કેટલાક પ્રવીણ જોષીની. બન્ને પક્ષની રોજ મીટિંગો ભરાવા લાગી, ભાષણો થવા લાગ્યાં. અખબારો અને લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ. પ્રવીણ જોષી કાન્તિ મડિયાનો બહિષ્કાર કરવાનું કહી રહ્યા હતા, મડિયા પ્રવીણ જોષીનો.
આવા તંગ વાતાવરણમાં એક દિવસ અરવિંદ જોષી, હું, ઇમ્તિયાઝ હુસેન ( ફિલ્મ-લેખક અરવિંદ જોષીના સાઢુભાઈ)ને બીજા ઘણા કલાકારો આઇએનટીની ઑફિસમાં બેઠા હતા ત્યાં અચાનક દામુભાઈની એન્ટ્રી થઈ (દામુભાઈ ઝવેરી આઇએનટીના સર્વેસર્વા). એકાએક અરવિંદ જોષીએ બૂમ પાડી, ‘દામુભાઈ.’ દામુભાઈ ઊભા રહી ગયા. અરવિંદ જોષી તેમની પાસે ગયા. ‘શું વાત છે, અરવિંદ? અરવિંદ જોષી રોષમાં બોલ્યા ‘વાત શું હોય? તમે તો એવી રીતે વર્તો છો જાણે કંઈ જાણતા જ નથી. તમે મધ્યસ્થી કેમ નથી કરતા? રંગભૂમિનાં બે જૂથ સામસામે આવી ગયાં છે એમાં નુકસાન તો રંગભૂમિનું જ છેને? અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે લોકો અને પ્રેક્ષકોમાં આપણી આબરૂના ધજાગરા ઊડી રહ્યા છે.’ દામુભાઈએ શાંતિથી કહ્યું, ‘તું તારા ભાઈને સમજાવને.’ અરવિંદ જોષી તરત તાડૂક્યા, ‘પાવલો (પ્રવીણ જોષી) અમારા કરતાં તમારું વધારે માને છે.’
મૂળ વાત એ છે કે રંગભૂમિનું હિત સદાકાળ તેમના મનમાં હતું. સમાધાન માટે સૌથી પહેલો અવાજ ઉઠાવનાર અરવિંદ જોષી હતા. પછી તો ઘીના ઠામમાં ઘી ઢોળાઈ ગયું. પ્રવીણ જોષી અને કાન્તિ મડિયા સાથે જમ્યા અને છેવટ સુધી ગાઢ મિત્રો રહ્યા.
અરવિંદભાઈના અવસાન બાદ ઘણા મિત્રોએ ‘બાણશૈયા’નો છેલ્લો સંવાદ મારી પાસે માગ્યો. ‘બાણશૈયા’ નાટકમાં અરવિંદ જોષી અને કાન્તિ મડિયા કઈ રીતે સાથે આવ્યા એની વાત મેં ઘણી જગ્યાએ કહી છે અને લખી પણ છે, તો કેટલાકે પોતપોતાની સમજ કે જાણ પ્રમાણે પણ લખ્યું છે. ખેર, મારે માટે રીત મહત્ત્વની નથી, દાખલાનો જવાબ મહત્ત્વનો છે. એ નાટકે લેખક તરીકે મારું સન્માન વધાર્યું હતું. ‘બાણશૈયા’નો છેલ્લો સંવાદ મેં પ્રયોગના શુભારંભને દિવસે જ લખી આપ્યો હતો. લગભગ દોઢ પાનાનો સંવાદ હતો. અરવિંદ જોષી એ આખેઆખો સંવાદ, એક પણ લીટી ભૂલ્યા વગર, શબ્દોના સાચા વજન સાથે ભાવપૂર્વક બોલ્યા અને પ્રેક્ષકોની અભૂતપૂર્વ દાદ મેળવી ગયા. સલામ અરવિંદ જોષી!
‘બાણશૈયા’ ઉપરાંત મારાં બીજાં બે નાટકો અરવિંદ જોષીને કારણે જ આજે પણ લોકોને યાદ છે. એમાંનું એક છે ‘અજબ ગજબના માણસો.’ આ નાટકની બીજી વિશિષ્ટતા એ હતી કે નાટકમાં અરવિંદ જોષીના દીકરાનું પાત્ર શર્મન જોષીએ ભજવ્યું હતું. પિતા-પુત્ર પહેલી વાર સામસામે આવ્યા હતા.
‘ભીતર સાત સમંદર’ નામના મારા નાટકમાં પણ અરવિંદ જોષી જે છેલ્લો સંવાદ બોલતા એ સંવાદ એટલો બધો લોકપ્રિય બની ગયો હતો કે અસંખ્ય પ્રેક્ષકોએ મારી પાસે એ સંવાદોની નકલ માગી હતી. ‘નવરંગ અને નવરસ’ નામના મારા કાર્યક્રમમાં પ્રસ્તુત સંવાદની એકોક્તિએ પણ ભારે દાદ મેળવી છે. શું હતો એ સંવાદ?
‘શાંત થઈ જા, સોના શાંત થઈ જા. માણસ ધારે છે કંઈક અને કુદરત કરે છે કંઈક! કુદરતનો આ જ દસ્તુર છે. ને સોના, હૃદય એક એવી મોટી નિર્દય કબર છે કે રોજ કોઈ ને કોઈ એકાદ સપનું તો દફન કરવું જ પડે છે.’
‘લૂછી નાખ, આ આંસુ લૂછી નાખ, ગાંડી. આ આંસુ જ આપણા અસ્તિત્વની ઓળખાણ છે, એ આંસુ જ નહીં રહે તો આપણને ઓળખશે કોણ? દુઃખની ચરમસીમા પામીને પણ આપણે જીવી રહ્યા છીએ. જીવતા છીએ એટલું જ નહીં, એકબીજાના છીએ એ જ આપણો વિજય છે.’
‘અરે ઓ કઠોર જગનિયંતા, તું માટલામાં તિરાડ પાડી શકીશ, જળમાં નહીં, તું આઇના ફોડી શકીશ, પ્રતિબિંબ નહીં, તું શ્વાસ તોડી શકીશ, સ્નેહના તાંતણા નહીં.’
‘નહીં નમાવી શકે, માણસને તું ક્યારેય નહીં નમાવી શકે, કેમ કે માણસ છે તો તારું અસ્તિત્વ છે. માણસની તાકાત એ છે કે એ જડ પથ્થરને પણ ભગવાન બનાવી શકે છે. જ્યારે તારી નબળાઈ એ છે કે તું માણસ જેવા માણસને પણ માણસ નથી બનાવી શકતો, એ તો અમારે જ બનવું પડે છે અને એ જ તારો પરાજય છે એટલે હવે એક માણસ બીજા માણસને મળશે ત્યારે નહીં પૂછે કે તમે ઈશ્વરમાં માનો છો? પણ એક ઈશ્વર બીજા ઈશ્વરને મળશે ત્યારે જરૂર પૂછશે કે તમે માણસમાં માનો છો? આવ સોના, આપણે હાથમાં હાથ રાખીને ઈશ્વરને કહી દઈએ કે...
‘હું જો હાથ ફેલાવું તો તારી ખુદાઈ કંઈ દૂર નથી,
પણ હું માગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી.’
અને છેલ્લે :
અરવિંદ જોષીએ ‘બાણશૈયા’માં શિલ્પકારનું માત્ર પાત્ર ભજવ્યું હતું, પરંતુ વાસ્તવમાં ગુજરાતી રંગભૂમિના શિલ્પને આકાર આપવામાં તેમનો ફાળો અનન્ય હતો.
અતિશયોક્તિનો દોષ વહોરીને પણ કહેવાનું મન થાય છે કે ગુજરાતીમાં ગોવર્ધનરામ ત્રિપાઠી ગદ્યના સ્વામી ગણાય છે, પદ્યના સ્વામી ન્હાનાલાલ ગણાય છે, પંડિત ઓમકારનાથ ઠાકુર સ્વરના સ્વામી ગણાય છે એમ અરવિંદ જોષી અભિનયના સ્વામી ગણાશે. વળી નર્મદ જેમ કલમજીવી હતા એમ અરવિંદ જોષી અભિનયજીવી હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK