વાગડ ગુરૂકુળનો ભૂતપૂર્વ સ્ટુડન્ટ બયાન કરે છે એ કાળરાત્રિની ઘટનાઓ

Published: Dec 14, 2014, 05:10 IST

હિરેન ચૌધરી કહે છે કે અમે ૬ વિદ્યાર્થીઓ પ્રાહુલ, કુશલ અને મીત સાથે નહોતા ભાગ્યા; તેમને પાછા બોલાવવા ભાગ્યા હતા : પ્રાહુલ પટેલનો કઝિન છે હિરેન : ત્રણ સાથીઓનાં મોત પછી તેણે વાગડ ગુરૂકુળ છોડી દીધી છેઅલ્પા નર્મિલ

‘બધાં ન્યુઝપેપર, બધી ન્યુઝ-ચૅનલ, પોલીસ-સુપરિન્ટેન્ડન્ટ કહે છે કે ૨૫ ઑગસ્ટની રાત્રે ૯ વિદ્યાર્થીઓ વાગડ ગુરુકુળમાંથી ભાગ્યા; પણ અમે ૬ સ્ટુડન્ટ્સ તો પ્રાહુલ પટેલ, કુશલ ડાઘા અને મીત છાડવાને પાછા બોલાવવા તેમની પાછળ ગયા હતા.’ વિરાર પાસે સકવાર ગામે આવેલી વાગડ ગુરુકુળના ૩ વિદ્યાર્થીઓનાં રહસ્યમય મોત પછી વાગડ ગુરુકુળ છોડીને હાલ જોગેશ્વરીમાં શ્રીમતી આર. એન. શેઠ વિદ્યામંદિરના નવમા ધોરણમાં ભણતો અને અન્ય ૬ સ્ટુડન્ટ્સ સાથે મરનાર વિદ્યાર્થીઓની પાછળ ભાગેલો હિરેન ચૌધરી એ કાળરાત્રિ વિશે આગળ કહે છે, ‘હૉસ્ટેલ રૂમમાં મીત, પ્રાહુલ અને કુશલે એકબીજા સાથે થોડી વાત કરી અને પછી પોતાની સ્કૂલબૅગ લઈ અમારી ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી રૂમની બારીની તૂટેલી ગ્રિલમાંથી કૂદીને ભાગ્યા અને એ જોઈ અમે ૬ ક્લાસમેટ જલદી-જલદી ટૉર્ચ લઈ તેમની પાછળ ભાગ્યા. ઍક્ચ્યુઅલી, અમે તેમને પાછા બોલાવવા ગયા હતા. પાછળની સાઇડ કમ્પાઉન્ડની બહાર થોડેક દૂર ગયા પછી ટૉર્ચના પ્રકાશમાં પણ તેઓ અમને ન દેખાયા એટલે અમે પાછા આવ્યા. અમે એ દરમ્યાન આજુબાજુ ટૉર્ચનો પ્રકાશ નાખ્યો પણ તેઓ ક્યાંય નજરે પડતા નહોતા.’


જોગેશ્વરી-ઈસ્ટમાં નટવરનગરમાં તેના પેરન્ટ્સ સાથે રહેતો હિરેન ચૌધરી પછી કહે છે, ‘તે ત્રણ અમને ન મળ્યા એટલે અમે પાછા બારીની તૂટેલી ગ્રિલમાંથી અમારી રૂમમાં અંદર આવ્યા. એ દરમ્યાન જ આશિષ સર સ્ટુડન્ટ્સના કાઉન્ટિંગ માટે આવ્યા અને અમે તેમને ત્રણ સ્ટુડન્ટ્સના ભાગવાની વાત કરી અને અમે તેની પાછળ જોવા ગયા હતા એ પણ કહ્યું એટલે પહેલાં તો તેમણે અમને છને માર્યા, પછી કહે જાકે સો જાઓ. અને તે અને બીજા એક સર બેઉ મળી હૉસ્ટેલની પાછળની સાઇડ જ્યાંથી અમે ભાગ્યા હતા એ તરફ દોડ્યા.’૨૫ ઑગસ્ટે સવારથી શું થયું હતું એ જણાવતાં પ્રાહુલ પટેલનો પિતરાઈ ભાઈ હિરેન ચૌધરી કહે છે, ‘એ દિવસે અમને સંસ્કૃતના પેપર બતાવ્યામાં આવ્યાં હતાં. ૨૦ માર્કની એ ટેસ્ટમાં બધાને ઓછા માક્ર્સ આવ્યા હતા એટલે સંસ્કૃતના ટીચર રિપુસુદન ગર્ગે અમને કહ્યું કે દરેકને ૨૦માંથી જેટલા માર્ક મળ્યા છે એટલા બાદ કરીને બાકીની સોટી ખાવી પડશે એટલે જો ફક્ત બે માર્ક મળ્યા હોય તેને અઢાર સોટી, ૪ માર્ક મળ્યા હોય તેને ૧૬ સોટી મારશે; એમાંથી ૧૦ સોટી આજે અને બાકીની સોટી કાલે મારશે. અમે નવમા ધોરણમાં કુલ ૨૩ વિદ્યાર્થીઓ હતા અને દરેકને બે, ચાર, છ જેવા માર્ક મળ્યા હતા. અને એ દરેકને એ દિવસે દસ સોટીઓ તો પડી જ હતી. મને પણ ઓછા માર્ક હતા, પણ એ દિવસે મારી તબિયત સારી નહોતી એટલે આજે નહીં કાલે મારીશ એમ કહ્યું. સ્કૂલ પત્યા પછી અમે હૉસ્ટેલમાં આવ્યા ત્યારે બધાને જ બહુ દુખતું હતું. કોઈને હાથમાં, કોઈને પગમાં બધે માર વાગ્યો હતો અને એમાં અમારી દસ-બાર જણની હાલત બહુ ખરાબ હતી એટલે અમે લોકો પયુર્ષણ હોવાથી જમીને પ્રતિક્રમણ કરવા જવાનું હતું ત્યાં ન ગયા અને હૉસ્ટેલ રૂમમાં જ રહ્યા. આમ તો અમે ૨૩ વિદ્યાર્થીઓ બે રૂમમાં રહેતા હતા જેમાંનો એક ગ્રાઉન્ડ ફલોર અને એક પહેલા માળે છે, પણ એ દિવસે અમે બધા ગ્રાઉન્ડ ફલોરની રૂમમાં જ હતા. જેને વાગ્યું હતું ત્યાં તેઓ બામ, તેલ જેવું લગાવતા હતા. અચાનક મીત, પ્રાહુલ અને કુશલે કંઈ વાતો કરી અને બૅગ લઈને ભાગ્યા.’


પહેલાં ૩ અને તેની પાછળ ૬ વિદ્યાર્થીઓ ભાગ્યા ત્યારે હજી બે વિદ્યાર્થીઓ તો હૉસ્ટેલ રૂમમાં હતા. હિરેન કહે છે, ‘અમે ગયા પછી પંદર મિનિટમાં પાછા આવ્યા ત્યાં સુધી હજી બીજા વિદ્યાર્થીઓ પ્રતિક્રમણ કરીને પાછા આવ્યા નહોતા એટલે અમારા અગિયાર સિવાય બીજા કોઈને કશી ખબર નહોતી. અમે પાછા આવ્યા અને સરે અમને નાહીને સૂઈ જવાનું કહ્યું અને અમે નહાતા હતા ત્યાં જ બીજા સ્ટુડન્ટસ પણ આવી ગયા અને અમે બધાને વાત કરી.’ દુખાવો, દહેશત અને થાકના કારણે ત્યારે તો બધા સૂઈ ગયા, પણ પછી રાત્રે દોઢ વાગ્યાની આસપાસ રિપુસુદન ગર્ગ ફરીથી હૉસ્ટેલ રૂમમાં આવ્યા અને બાળકોને જગાડ્યા. હિરેન કહે છે, ‘સરે અમને પૂછયું તુમમેં સે કૌન-કૌન કલ મેરે ખિલાફ બોલનેવાલા હૈ બતાઓ. ૯-૧૦ વિદ્યાર્થીઓએ હિંમત કરી તો તેમને ડરાવ્યા, અચ્છા તમે કહેશો? અમને બધાને જ બીક લાગી રહી હતી અને મને તો બહુ રડવું આવતું હતું. મીત મારો ખાસ ફ્રેન્ડ હતો અને પ્રાહુલ મારો ભાઈ. પણ જો હું કંઈ કહીશ તો સર મને મારશે એ પણ ડર હતો. પછી રાત્રે જ બે વાગ્યે પ્રાહુલના પપ્પા આવ્યા અને સવારે મીત અને કુશલના પેરન્ટસ પણ આવ્યા. મેં બધાને આખો બનાવ કહ્યો. ત્યારે બહુ રડવું પણ આવતું હતુ અને સરનો ડર પણ લાગી રહ્યો હતો. ત્યાર પછી બપોરે અમને છને પોલીસ- સ્ટેશને લઈ ગયા અને મને એકલાને બોલાવીને પોલીસે બધું પૂછયું અને મેં તેમને આ બધું જ કહ્યું.’પ્રાહુલ પટેલના પપ્પા નારાયણ પટેલ કહે છે, ‘અમને પહેલેથી જ હિરેન આમ કહી રહ્યો છે, પણ પોલીસ અને સ્કૂલના સત્તાવાળાઓ ૯ સ્ટુડન્ટ્સ ભાગ્યા એમાંથી ૬ પાછા આવ્યા એવી જ થિયરી પર કામ કરે છે જેમાં પહેલા બયાનમાં છોકરાઓએ કહ્યું હતું કે મીત, પ્રાહુલ, કુશલ નદી તરફ ગયા અને અમે પાછા આવ્યા. અને બીજા દોઢ મહિના પહેલાં અપાયેલા બયાનમાં કહ્યું છે કે અમે તેમને ડૂબતા જોયા હતા, પણ હિરેને અમને ના કહી કે આપણે તેઓ ડૂબી ગયા એમ સરને કહીશું તો વધુ મારશે એટલે ડૂબવાની વાત નહીં કરીએ.’

અઠવાડિયાનો પોર્શન એક દિવસમાં

સંસ્કૃત વિષય લેતાં રિપુસુદન ગર્ગ મારપીટમાં અવ્વલ હતા એવો આક્ષેપ કરતાં હિરેન કહે છે, ‘કેવી રીતે બરાબર ભણીએ? સોમથી શનિ દરરોજ પહેલો પિરિયડ તેમનો હોય એમાં તે ફક્ત એક જ દિવસ આવે, બાકીના પાંચ પિરિયડ આવે જ નહીં. અને એક જ દિવસમાં બધું ફટાફટ અમને કહી દે. અમને ખબર ન પડે અને પ્રૉબ્લેમ હોય એ કહીએ તો પણ મારે અને ન કહીએ અને પરીક્ષામાં ખોટું લખીને ઓછા માર્ક આવે તો પણ મારે. એકસાથે તે દસ-પંદર લાફા કે સોટી તો મારે જ. એનાથી ઓછું નહીં. આપણે તેનાથી બચવા પાછળ હટીએ અને પાછળ દીવાલ હોય તો માથું પકડી દીવાલ સાથે અફળાવે પણ ખરા.’વાગડ ગુરુકુળની સ્કૂલમાં દરરોજ નવ પિરિયડ લેવાય એમાંથી દરરોજ બેથી ત્રણ પિરિયડ ફ્રી જ હોય. હિરેન કહે છે, ‘ક્યારેક ટીચર ન હોય તો ક્યારેક તેઓ બીજું ઍડ્મિનનું કામ કરતા હોય. એટલે એક-બે વિષય છોડી બધા જ સબ્જેક્ટનો પોર્શન ભગાવે. અને જ્યારે પોર્શન પૂરો ન થાય તો અમારા પ્લે-ટાઇમ કે ફ્રી ટાઇમમાં અમને ભણાવે.’

એક મહિના સુધી સૂનમૂન

પ્રાહુલ, કુશલ, મીતની ભાગવાની ઘટના; ત્યાર બાદ સરની ડરામણી; પોલીસ સાથે વાતચીત અને પછી ત્રણેનાં મૃત્યુના સમાચારથી હિરેન એવો ડઘાઈ ગયો હતો કે અઠવાડિયા સુધી તો રડ્યા જ કરતો અને કોઈની સાથે બોલતો-ચાલતો નહીં. ત્યાર બાદ થોડો સેટલ થયો, પણ એક આખો મહિનો તે સૂનમૂન રહ્યો. હિરેનનાં મમ્મી કહે છે, ‘હવે તે આ ઘટનાના સમાચાર વાંચતો જ નથી. અમે તેને કહીએ કે જો પેપરમાં આમ આવ્યું છે તેમ છપાયું છે તો એ જાણી તે ફરી રડવા લાગે છે.’

ટીચર્સને મારવાનો શોખ

આ વર્ષે જુલાઈમાં જ રિપુ સરનો ખોફનો ભોગ બનેલો હિરેન કહે છે, ‘અહીં જે નવા સ્ટુડન્ટ આવે તેને ૩-૪ મહિના ન મારે, પછી તો બધી જ વાતમાં ધોલધપાટ. અમારા સાયન્સનાં મિસ અમે સરખી રીતે ગુડ મૉર્નિંગ ન બોલીએ તો પણ ડસ્ટરથી મારે. પહેલાં એક સર હતા તે બધાને પગથી મારતા.’ પોતાની કથની કહેતાં હિરેન વધુમાં જણાવે છે, ‘મને પહેલી યુનિટ ટેસ્ટમાં સંસ્કૃતમાં ઓછા માક્ર્સ આવ્યા એટલે રિપુ સરે ગાલ પર મારવાનું શરૂ કર્યું. એમાં તેમની વીંટી મારી આંખમાં વાગી ગઈ અને આંખ લાલ થઈ ગઈ અને આંખની આજુબાજુ લોહીનું ચકામું થઈ આવ્યું. પછી પણ મને ડૉક્ટર પાસે ન લઈ ગયા કે ન મમ્મી-પપ્પાને ફોન કરવા દીધો. મને આંખ બહુ દુખતી હતી, ખૂલતી પણ નહોતી. પછી ચાર-પાંચ દિવસ પછી મારા એક ક્લાસમેટનો બર્થ-ડે હતો અને તેના પેરન્ટ્સ તેને મળવા આવ્યા હતા ત્યારે તેમના ફોન પરથી મેં છુપાઈને મારા પપ્પાને ફોન કર્યો અને બધી વાત કરી.’ હિરેનનાં મમ્મી જમનાબહેન કહે છે, ‘અમે તો છોકરો સારું ભણે અને સારા સંસ્કાર મળે એ હેતુથી જ ત્યાં મૂક્યો હતો. દરેક વર્ષે પૂરી ફી પણ ભરતા હતા. છોકરાઓને મારતા હતા એનો ખ્યાલ હતો, પણ વિચાર્યું કે તેનું ભવિષ્ય સુધરી જશે. એટલે તેને સમજાવી-સમજાવીને ત્યાં રાખ્યો. આ વર્ષે આર્થિક અગવડ હોવાથી અમે હિરેન અને પ્રાહુલને ત્યાં મોકલવાના જ નહોતા, પણ પછી હૉસ્ટેલવાળાઓએ ફીમાં થોડી રાહત આપી એટલે કન્ટિન્યુ કર્યું.’

હૉસ્ટેલની પછીતે મોટા ભાગે અંધારું

નૅશનલ હાઇવે-નંબર ૮થી એક કિલોમીટર અંદર આવેલી વાગડ ગુરુકુળની હૉસ્ટેલની આજુબાજુ બે કિલોમીટરના પરિઘમાં કંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. આથી આખાય વિસ્તારમાં સાંજ પડતાં બહુ અંધારું થઈ જાય છે. છતાં હૉસ્ટેલના સત્તાવાળાઓ પાછળના ભાગની લાઇટો ચાલુ કરતા નહોતા. હિરેન કહે છે, ‘ઇલેક્ટ્રિસિટી જાય તો પણ જનરેટર ચાલુ કરે નહીં. અમે વિદ્યાર્થીઓ બહુ કહીએ તો જ કરે અને પાછળની બાજુ લાઇટ છે તો પણ એ બંધ જ પડી હોય. અમારી કમ્પાઉન્ડ-વૉલ પણ બહુ વર્ષથી તૂટેલી છે અને હૉસ્ટેલ- રૂમની ગ્રિલ પણ કેટલા બધા સમયથી તૂટેલી છે. એના વિશે કહીએ તો કહે, તમારી પાસેથી જ પૈસા લઈને રિપેર કરાવીશું.’

પહેલાં પણ વિદ્યાર્થીઓ ભાગ્યા છે

છઠ્ઠા, સાતમા, આઠમા અને નવમા ધોરણની શરૂઆતથી વાગડ ગુરુકુળમાં ભણતો હિરેન કહે છે, ‘બે વર્ષ પહેલાં પણ એક સ્ટુડન્ટ કમ્પાઉન્ડની પાછળથી ભાગી ગયો હતો જે બરાબર તેના ઘરે પહોંચી ગયો હતો. એક-દોઢ વર્ષ પહેલાં બે ભાઈઓ બ્રેકફાસ્ટના ટાઇમે મેઇન ગેટથી ભાગ્યા હતા અને પકડાઈ ગયા હતા.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK