૯૭ વર્ષના હસબન્ડે કરી ૮૧ વર્ષની વાઇફની હત્યા

Published: 14th November, 2011 05:36 IST

અમેરિકાના વેસ્ટ લૉસ ઍન્જલસમાં ૮૧ વર્ષની પત્નીની હત્યા કરવા બદલ ૯૭ વર્ષના એક વૃદ્ધની ગઈ કાલે ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે કહ્યું હતું કે ‘લૉસ ઍન્જલસના સેપલવેડા બુલેવાર નામના વિસ્તારમાં આવેલા બે બેડરૂમના એક અપાર્ટમેન્ટમાંથી શનિવારે સવારે ૮૧ વર્ષનાં વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઍન વેઇસ નામની મહિલાની હત્યા માથામાં પ્રહાર કરીને કરવામાં આવી હતી.’

પાડોશીઓએ કહ્યું હતું કે ‘ઍન વેઇસ નામની આ મહિલાના હસબન્ડ મિલ્ટન વેઇસ સ્મૃતિભ્રંશથી પીડાઈ રહ્યા છે અને તેઓ અનેક વખત હતાશ અને આક્રમક બની જાય છે. જોકે આવું પરિણામ આવશે એવો અમને ક્યારેય અંદાજ નહોતો. ઍન તેમનું ધ્યાન પણ રાખતી હતી. તેઓ એકબીજાની ખૂબ જ નજીક હતાં.’ 

પોલીસે કહ્યું હતું કે ‘હત્યાના સાચા કારણ વિશે હજી તપાસ કરવામાં આવી રહી છે. પત્નીની હત્યા કરનારા મિલ્ટન વેઇસની માનસિક સ્થિતિની તપાસ કરવામાં આવશે.’

અન્ય એક પડોશીએ એવું કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી બન્ને બીમાર હતાં એટલે તેઓ અઠવાડિયામાં પાંચ દિવસ ચાર કલાક માટે કૅરટેકરની સર્વિસ લઈ રહ્યાં હતાં.

પરિવારના સભ્યોએ કહ્યું હતું કે આ કપલ છેલ્લાં વીસ વર્ષથી સુખદ લગ્નજીવન વિતાવી રહ્યું હતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી મિલ્ટનને લાગી રહ્યું હતું કે ઍન તેના રૂપિયાની ચોરી કરી રહી છે.

શેરોન ક્વીન ફૉર્ડ નામની એક પાડોશણે કહ્યું હતું કે ‘ઍન છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ નિરાશ રહેતી હતી. બન્ને વચ્ચે અનેક વખત તકરાર થતી હતી. તેને મિલ્ટન સાથે રહેવામાં ભારે તકલીફ થઈ રહી હોવાનું તેણે મને કહ્યું હતું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK