Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



મૅન્ગો ન માંગો...

10 January, 2021 08:06 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

મૅન્ગો ન માંગો...

આ વખતે માવઠાને લીધે ૮૦ ટકા મોર મરી ગયા છે

આ વખતે માવઠાને લીધે ૮૦ ટકા મોર મરી ગયા છે


કોવિડને કારણે રત્નાગિરિના ખેડૂતોને ગઈ કેરીની સીઝનમાં ભયંકર આર્થિક ફટકો પડ્યો હતો એમાંથી હજી કળ વળી નથી ત્યાં માવઠાને કારણે કેરીના પાકને જબરદસ્ત નુકસાન થયું છે. કમોસમી વરસાદને કારણે ૮૦ ટકા પાક અત્યારથી જ ખલાસ થઈ ગયો છે. ખેડૂતો કહે છે કે અમને ખૂબ જ ખરાબ દિવસો આવશે એવો ભય સતાવી રહ્યો છે.

આ માહિતી આપતાં રત્નાગિરિમાં વર્ષોથી કેરીની ખેતી કરી રહેલા દિનેશ દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે પહેલાં અમને કોવિડને લીધે આર્થિક ફટકો પડ્યો હતો. જોકે એમાં અમને સરકારનો સાથ-સહકાર મળવાથી અમે ડૂબી જતાં બચ્યા હતા, પરંતુ અત્યારે બદલાયેલા હવામાનને કારણે અમને આ સીઝનમાં પણ બહુ મોટો આર્થિક ફટકો પડશે એવો ભય લાગી રહ્યો છે. અમારા ૮૦ ટકા કેરીના મોર અત્યારે મરી ગયા છે. એમાં કીડા પડી ગયા છે અને એના પર કાળાં ડૉટ્સ આવી ગયાં છે. 



વર્ષે ૬૦થી ૭૦ હજાર કેરીનું ઉત્પાદન કરી રહેલા રત્નાગિરિના દીપક સાવંતે મુશળધાર વરસાદને કારણે કેરીના મોરને થયેલા નુકસાનની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ સીઝનમાં વરસાદને કારણે હવે મારે ત્યાં છથી સાત હજાર કેરીનું જ ઉત્પાદન થશે એવું અત્યારે લાગી રહ્યું છે. કોવિડને કારણે સરકારે અમારો માલ ખરીદી લેવાથી અમે બહુ મોટા આર્થિક ફટકામાંથી બચી ગયા હતા, પરંતુ કમોસમી વરસાદને કારણે અમારી હાલત અત્યારથી જ કફોડી થઈ ગઈ છે.


અત્યારે બદલાયેલા હવામાનને કારણે અમને આ સીઝનમાં પણ બહુ મોટો આર્થિક ફટકો પડશે એવો ભય લાગી રહ્યો છે. અમારા ૮૦ ટકા કેરીના મોર અત્યારે મરી ગયા છે. એમાં કીડા પડી ગયા છે અને કાળાં ડૉટ્સ આવી ગયાં છે.

- દિનેશ દેસાઈ, રત્નાગિરિ


આ વખતે લાગશે દ્રાક્ષ અને સ્ટ્રૉબેરીઝ ખાટી

આ વખતે મહારાષ્ટ્રમાં કોવિડને કારણે દ્રાક્ષ અને સ્ટ્રૉબેરીઝના પાકની ઓછી વાવણી કરવામાં આવી હતી, એમાં બાકી હતું એ દુકાળમાં અધિક માસની જેમ શુક્રવારે પડેલા કમોસમી વરસાદને કારણે આ બન્ને પાકને સારું એવું નુકસાન પહોંચ્યું છે, જેને પરિણામે નવી મુંબઈની હોલસેલ ફ્રૂટ માર્કેટમાં આ બન્ને ફળોના ભાવમાં ૨૫થી ૩૦ ટકાનો વધારો થઈ ગયો છે.

આપણા દેશની ૮૦ ટકા સ્ટ્રૉબેરીઝનું ઉત્પાદન હિલ સ્ટેશન મહાબળેશ્વરમાં થાય છે, પરંતુ કોવિડને કારણે આવેલા લૉકડાઉન અને કમોસમી વરસાદને કારણે સ્ટ્રૉબેરીઝના ઉત્પાદન પર ખૂબ જ અસર પડી છે, જેને કારણે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે મહાબળેશ્વરમાં સ્ટ્રૉબેરીઝના ભાવ ઑલમોસ્ટ ડબલ ચાલી રહ્યા છે.

સ્ટ્રૉબેરીઝ ગ્રોઅર્સ અસોસિએશન ઑફ મહારાષ્ટ્રના પ્રેસિડન્ટ બાળાસાહેબ ભીલાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સતત છેલ્લાં ત્રણ વર્ષથી સ્ટ્રૉબેરીઝના પાકને નુકસાન થાય છે. કમોસમી વરસાદને કારણે પાક બગડી જાય છે. એની ગુણવત્તા અને એના ટેસ્ટ પર અસર થાય છે. આની સીધી અસર ખેડૂતોના નાણાકીય વ્યવહાર પર પણ થાય છે. આ વર્ષે કોવિડને કારણે ફક્ત ૬૦ ટકા સ્ટ્રૉબેરીઝના પાકની વાવણી કરવામાં આવી હતી. ૪૦૦૦ એકર ખેતીની જમીનમાંથી ફક્ત ૨૫૦૦ એકર જમીનમાં જ સ્ટ્રૉબેરીઝની વાવણી કરવામાં આવી હતી. સાતારા, મહાબળેશ્વર અને પંચગિનીમાં ૪૦૦૦ ખેડૂતો સ્ટ્રૉબેરીની ખેતી કરે છે.’ 

મહાબળેશ્વરના ગ્રીન વૅલી સ્ટ્રૉબેરીઝ ફાર્મના માલિક અને અસોસિએશના કમિટી મેમ્બર પ્રવીણ જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સારી ગુણવત્તાની સ્ટ્રૉબેરી અમે ડિસેમ્બરની શરૂઆતમાં ૩૫૦ રૂપિયા કિલો વેચતા હતા, જેનો ભાવ અત્યારે ૪૫૦થી ૫૦૦ રૂપિયા કિલોની આસપાસ પહોંચી ગયો છે. જ્યારે સેકન્ડ ક્વૉલિટીના ભાવ ૧૦૦ રૂપિયાથી ૧૫૦ રૂપિયા ઓછા હોય છે.’

નાશિકના ખેડૂત શૈલેશ માનેએ દ્રાક્ષના ઉત્પાદન બાબતની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ સીઝનમાં ૪૦ ટકા પાક ઓછો થયો છે. કમોસમી વરસાદની અસર દ્રાક્ષના ઉત્પાદન પર પણ થઈ છે. વરસાદને કારણે બહુ મોટા પ્રમાણમાં દ્રાક્ષનો પાક ખરાબ થઈ ગયો છે, જેને કારણે ભાવમાં જબરો ઉછાળો આવ્યો છે. પાક ખરાબ થવાથી દ્રાક્ષના એક્સપોર્ટ પર પણ માઠી અસર પડશે. નાશિકની દ્રાક્ષ સૌથી વધારે યુરોપિયન કન્ટ્રીમાં નિકાસ થાય છે.’

નવી મુંબઈની હોલસેલ ફ્રૂટ માર્કેટના ડિરેક્ટર સંજય પાનસરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કમોસમી વરસાદને કારણે દ્રાક્ષ અને સ્ટ્રૉબેરી બન્નેના પાકને નુકસાન થયું છે, જેને પરિણામે આ બન્ને ફ્રૂટ્સના ભાવમાં હોલસેલ માર્કેટમાં ૨૫થી ૩૦ ટકા ભાવવધારાની સંભાવના છે.’

Whatsapp-channel Whatsapp-channel

10 January, 2021 08:06 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK