(સૌરભ વક્તાણિયા)
મુંબઈ, તા. ૨૪
સાયનની શ્રી વલ્લભ આશ્રમ ઇંગ્લિશ સ્કૂલમાં ભણતા નવ વર્ષના વિરાજ દેવેન્દ્ર પરમાર માટે સ્કૂલબસમાંથી બારીની બહારની બાજુ નમીને ખાસ મિત્રને ગુડબાય કહેવાનું જીવલેણ સાબિત થયું હતું, કારણ કે આમ કરવાને કારણે તેનું માથું હોર્ડિંગ સાથે ભટકાઈ જતાં તેને મરણતોલ ઈજા થઈ હતી અને તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને કારણે આખા વિસ્તારમાં ટેન્શનનું વાતાવરણ ઊભું થઈ ગયું હતું. આ બનાવ પછી ડ્રાઇવર તો ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો, પણ ટોળાએ ક્લીનરને ઝડપી લીધો હતો જેને પાછળથી લોકલ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.
ઘટના કેવી રીતે બની?
આ ઘટનાના સાક્ષીએ આપેલી માહિતી પ્રમાણે આ ઘટના ગઈ કાલે બપોરે સાડાબાર વાગ્યે બની હતી. સ્કૂલના સમય બાદ વિરાજે ઘરે જવા માટે સ્કૂલબસમાં છેલ્લી સીટ બેસવા માટે પકડી હતી. બસમાં બેઠા પછી વિરાજને એકાએક યાદ આવ્યું કે તે બસની બહાર નીચે રાહ જોઈ રહેલા તેના એક મિત્રને ગુડબાય કહેવાનું ભૂલી ગયો છે. આના કારણે એકાએક તે સ્કૂલબસની બહારની બાજુ નમીને ગુડબાય કહેવા ગયો અને એ જ સેકન્ડે તેનું માથું સ્ટ્રીટલાઇટના થાંભલા પર મૂકેલા હોર્ડિંગ સાથે અથડાઈ ગયું હતું.
વિરાજના ૩૪ વર્ષના પિતા દેવેન્દ્ર એક પ્રાઇવેટ કંપનીમાં સેલ્સમૅન તરીકે કામ કરે છે. પોતાનું દુ:ખ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘મારા દીકરાને બિલકુલ અંદાજ નહોતો કે આ તેના જીવનનું છેલ્લું ગુડબાય હશે. તેનું માથું હોર્ડિંગ સાથે અથડાતાં માથામાંથી જોરદાર લોહી નીકળવા લાગ્યું હતું. તેનું માથું ફૂટી જતાં તેના કાનમાંથી પણ લોહી નીકળવા લાગ્યું હતું. આસપાસના લોકો તેને હૉસ્પિટલમાં લઈ ગયા, પણ બહુ મોડું થઈ ગયું હતું.’
પોલીસે માહિતી આપી હતી કે અકસ્માત પછી આસપાસના લોકો તથા શિક્ષકોએ વિરાજને હૉસ્પિટલમાં પહોંચાડ્યો હતો, પણ તેમના પ્રયાસો નકામા સાબિત થયા હતા. આ ઘટનાક્રમથી અને ટોળાથી ગભરાઈને ડ્રાઇવર તો ભાગી ગયો હતો. જોકે બાળકોને લેવા માટે ભેગા થયેલા અન્ય વિદ્યાર્થીઓના પેરન્ટ્સે ક્લીનરને પકડીને સ્કૂલના સત્તાધીશોને સોંપી દીધો હતો જેના પગલે તેમણે વિરાજનાં માતા-પિતાને આ દુર્ઘટનાની જાણ કરી હતી.
સ્કૂલનું વર્તન શંકાસ્પદ?
આ દુર્ઘટના વિશે વાત કરતાં વિરાજના ત્રીસ વર્ષના કાકા રિતેશ પરમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાક્રમમાં સ્કૂલનું વર્તન અત્યંત શંકાસ્પદ હતું. શરૂઆતમાં સ્કૂલના ટ્રસ્ટીએ અમને જણાવ્યું કે તેમણે ડ્રાઇવર અને ક્લીનર બન્નેને પકડી લીધા છે. જોકે અમે જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે અમારા આશ્ચર્ય વચ્ચે માત્ર ક્લીનરને જ પકડવામાં આવ્યો હતો, જેને પછી પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો.’
આ મુદ્દે વાત કરતાં વિરાજના કાકા રિતેશ પરમારે વધુમાં કહ્યું હતું કે ‘સ્કૂલબસની હાલત બિલકુલ સારી નહોતી. સ્કૂલબસમાં સળિયા ન હોવાથી આ ઘટના બની છે. સ્કૂલે બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખે એવી યોગ્ય બસ ન રાખી હોવાને કારણે પરિવાર સ્કૂલના મૅનેજમેન્ટ પર કેસ કરવાનો છે. આ સ્કૂલબસમાં કોઈ અટેન્ડન્ટ પણ નહોતો.’
દેવેન્દ્ર પરમારના આંખમાં સતત આંસુ વહી રહ્યાં હતાં અને આંસુભરી આંખે તેમણે કહ્યું હતું કે ‘વિરાજ અમારું એકમાત્ર સંતાન હતું. હું ઇચ્છું છું કે આ ઘટના માટે જવાબદાર વ્યક્તિને સજા મળે.’
પોલીસ શું કહે છે?
આ મુદ્દે વાત કરવા માટે જ્યારે અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ આર. રૂપવતેનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે ‘અમે આ કેસની દરેક ઍન્ગલથી તપાસ કરી રહ્યા છીએ. સ્કૂલના સત્તાધીશોની પણ પૂછપરછ કરવામાં આવી છે. સ્કૂલબસના ડ્રાઇવર, કૉન્ટ્રૅક્ટર અને ક્લીનર પર બેદરકારીનો ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ બેદરકારીને કારણે થયું હોય તો તેને ભારતીય દંડસંહિતા પ્રમાણે ગુનાહિત મનુષ્યવધ નથી ગણવામાં આવતો. અમે એ પણ તપાસ કરી રહ્યા છીએ કે વિરાજનું માથું જે હોર્ડિંગ સાથે અથડાયું હતું એ કાયદેસર છે કે કેમ. આ ઉપરાંત જેણે આ હોર્ડિંગ મૂક્યું તેણે પ્રૉપર હાઇટ પર એ મૂક્યું ન હોવાથી તેની વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે.’
સ્કૂલનું શું કહેવું છે?
સમગ્ર ઘટનાક્રમ વિશે વાત કરતાં શ્રીવલ્લભ આશ્રમ હાઈ સ્કૂલનાં પ્રિન્સિપાલ રોઝી સિંહે કહ્યું હતું કે ‘અમારા વિદ્યાર્થીનું દુ:ખદ અવસાન થયું હોવાથી અમે હજી ભારે આઘાતમાં છીએ. હું આખો દિવસ વિદ્યાર્થી સાથે સાયન હૉસ્પિટલમાં હતી. અમારી સ્કૂલબસમાં િગ્રલ નથી, પણ આ મુદ્દે હું વધારે કંઈ પણ કહી શકું એમ નથી.’
આ મુદ્દે વિરાજની સ્કૂલના ગણિત વિષયના મુખ્ય શિક્ષક અવિન થરાણીએ જણાવ્યું હતું કે અમે બધાં હોર્ડિંગ્સ ઍડ્વર્ટાઇઝિંગ એજન્સી મારફત મૂક્યાં છે અને એ માટે મહાનગરપાલિકા પાસેથી જરૂરી પરવાનગી લેવામાં આવી છે.
દેશની ઇકૉનૉમિક રિકવરી ધારણાથી ઝડપી રહેતાં સોનું 9 મહિનાના તળિયે
5th March, 2021 09:42 ISTતમિલનાડુમાં 9 થી 11 ધોરણના સ્ટુડ્ટન્સ પરીક્ષા વગર જ પાસ
26th February, 2021 11:01 ISTમહારાષ્ટ્ર સહિત 9 રાજ્યોમાં વધ્યા છે કેસ, કેન્દ્ર મોકલશે નિષ્ણાતોની ટીમ
25th February, 2021 10:44 ISTMP Bus Accident: કેનાલમાં પડી ગઈ 54 યાત્રીઓની બસ, 30નું મોત; 7 ઘાયલ
16th February, 2021 14:10 IST