મોદી સરકાર સામે ગુજરાતના ૭ લાખ કર્મચારીઓનો મોરચો

Published: 8th October, 2012 06:02 IST

પ્રજાને જુઠ્ઠાણાંઓની સામે વાસ્તવિકતા ને સત્યનો પરિચય કરાવવાનો ઠરાવ થયોગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૧ બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે મહાવિજય અભિયાન છેડનાર ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સામે તેમણે જ કર્મયોગી બનાવ્યા એવા કર્મચારીઓએ મોરચો માંડવાની જાહેરાત ગઈ કાલે કરી છે.

ગરીબમેળા અને મુખ્ય પ્રધાનની સભાઓ માટે લોકો સુધી પહોંચતા ગુજરાત સરકારના કર્મચારીઓ હવે ગુજરાતની પ્રજાને ગોબેલ્સ-જુઠ્ઠાણાંઓની સામે વાસ્તવિકતા અને સત્યનો પરિચય કરાવવા ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિની ગઈ કાલે ગાંધીનગરમાં મળેલી બેઠકમાં ઠરાવ થયો છે. આ સંગઠન ગુજરાત સરકારમાં કામ કરતા લગભગ સાત લાખ કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે.

સંકલન સમિતિના સંગઠનમંત્રી નિખિલ દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારી જાહેરાતો અને ફંક્શન માટે સરકારને પૈસા મળે છે, પણ કર્મચારીઓ માટે મળતા નથી. ગઈ કાલે મળેલી સંકલન સમિતિની બેઠકમાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાતના સાત લાખથી વધુ કર્મચારીઓની લાગણીનો પડઘો પાડ્યો હતો કે ગુજરાત સરકાર કર્મચારીવિરોધી છે અને કર્મચારીઓ સાથે છેતરપિંડી કરી રહી છે. સાત વર્ષ સુધી છઠ્ઠા પગારપંચનો અમલ કર્યો નથી અને ફિક્સ પગારમાં ૨૫૦૦ રૂપિયા અને ૪૫૦૦ રૂપિયા આપી ગુજરાતના શિક્ષિત યુવાનોનું શોષણ કરવામાં આવી રહ્યું છે માટે ગુજરાતમાં પરિવર્તન એક જ ઉપાય હવે બચ્યો છે.’

તેમણે કહ્યું હતું કે સમિતિના હોદ્દેદારો ગુજરાતના જિલ્લાઓ અને તાલુકાઓમાં લોકસંપર્ક કરશે, ગ્રુપ-મીટિંગો કરશે અને પોતાનાં સગાંસંબંધીઓ તથા પરિચિતોને જુઠ્ઠાણાંઓથી વાકેફ કરશે.

શું કર્મચારી સંકલન સમિતિ કોઈ પક્ષ સાથે સામેલ છે કે સંકળાશે? આ પ્રશ્નના ઉત્તરમાં નિખિલ દેસાઈએ કહ્યું હતું કે કોઈ પક્ષ સાથે સમિતિને લેવાદેવા નથી તથા કર્મચારીઓ દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાએ કર્મચારી સેના તૈયાર કરવામાં આવશે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK