ગેરહાજર ગુજરાતના છ સંસદસભ્યો વિરુદ્ધ કડક પગલાં?

Published: 29th December, 2011 05:18 IST

મંગળવારે લોકસભામાં લોકપાલ બિલ પસાર થઈ ગયું હતું, પણ એને બંધારણીય દરજ્જો ન મળી શક્યો હોવાથી કૉન્ગ્રેસની ભારે નાલેશી થઈ હતી. આ સમયે યુપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ)ના વીસ જેટલા સંસદસભ્યો મતદાન વખતે હાજર રહેવાનો વ્હિપ હોવા છતાં ગેરહાજર રહ્યા હતા.

 

આ સંજોગોમાં કૉન્ગ્રેસ દ્વારા ગેરહાજર રહેનારા સંસદસભ્યો વિરુદ્ધ કડક પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવે એવી શક્યતા છે. આ સંસદસભ્યોમાં ગુજરાતના છ સંસદસભ્યો દિનશા પટેલ, વિઠ્ઠલ રાદડિયા, જગદીશ ઠાકોર, વિક્રમ માડમ, કિશન પટેલ અને કુંવરજી બાવળિયાનો સમાવેશ છે. આ મુદ્દે વાત કરતાં લોકસભામાં લોકપાલ બિલ રજૂ કરનારા નારાયણ સામીએ કહ્યું હતું કે ‘આ સંસદસભ્યોને એસએમએસ અને ફોન દ્વારા પ્રક્રિયાની માહિતી આપવામાં આવી હોવા છતાં તેમણે મતદાન નથી કર્યું એની કૉન્ગ્રેસની નેતાગીરીએ ગંભીર નોંધ લીધી છે. તેમને ત્રણ લીટીનો વ્હિપ આપ્યો હોવા છતાં તેઓ હાજર નથી રહ્યા એ જ દર્શાવે છે કે તેમણે વ્હિપને પણ ગંભીરતાથી નથી લીધો.

પોતાની ગેરહાજરીનાં કારણો વિશે સ્પષ્ટતા કરતાં ખાણઉદ્યોગ ખાતાના પ્રધાન દિનશા પટેલે કહ્યું હતું કે ‘હું ૨૬ અને ૨૭ ડિસેમ્બરે લગ્નમાં વ્યસ્ત હતો અને આ વાતની જાણ કરતો કાગળ મેં પી. કે. બંસલને મોકલી દીધો હતો. મારા એક અન્ય સહયોગી પ્રધાનના ૩૨ વર્ષના જુવાન જમાઈનું રોડ-અકસ્માતમાં મૃત્યુ થતાં તેઓ મતદાન વખતે પહોંચી નહોતા શક્યા. બિલને બંધારણીય દરજ્જો મળવાના મુદ્દે કોઈ મોટો ફેરફાર ન થાત, કારણ કે આ નિર્ણયની તરફેણમાં માત્ર ૨૫૩ લોકો જ હતા, જે જરૂરી આંકડા કરતાં ઘણા ઓછા હતા.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK