ખીચોખીચ ટ્રેનમાંથી પડીને ૯ મહિનામાં ૫૬૯ જણના જાન ગયા

Published: 12th October, 2012 05:11 IST

કાલે પણ સાયન અને માટુંગા વચ્ચે ગિરદીને લીધે ૪ જણ ચાલતી લોકલમાંથી પડી ગયા, જેમાંના બે મૃત્યુ પામ્યાભારે ગિરદીને લીધે દોડતી લોકલ ટ્રેનમાંથી પડી જતાં મૃત્યુ પામનારા પૅસેન્જરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને ૨૦૧૨ના પહેલા ૯ મહિનામાં સપ્ટેમ્બર સુધી આ રીતે મૃત્યુ પામેલા પૅસેન્જરોની સંખ્યા ૫૬૯ થઈ છે તથા ૧૪૫૬ પૅસેન્જરો ઘાયલ થયા છે ત્યારે સેન્ટ્રલ રેલવેમાં સાયન અને માટુંગા વચ્ચે ગઈ કાલે સવારે ચાર યુવકો ટ્રેનમાંથી પડી જતાં બે યુવકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે અન્ય બે યુવકોને માથામાં ગંભીર ઈજા પહોંચતાં તેમને સાયન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે કહ્યું હતું કે ‘આ અકસ્માતમાં ૧૫ વર્ષના સતીશ મેરાવાલા અને ૩૩ વર્ષના કેદાર યાદવનું મૃત્યુ થયું હતું, જ્યારે ૨૬ વર્ષના ઝિયા રસૂલ અને ૩૧ વર્ષના ઉદય પ્રકાશ શર્માને ગંભીર ઈજા પહોંચી છે. બન્નેને સાયન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.’

રેલવેના પોલીસ-ઇન્સ્પેક્ટર નીતિન બોબળેએ કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે કલ્યાણથી સીએસટી તરફ જઈ રહેલી સ્લો ટ્રેનમાં સવારે ધસારાનો સમય હોવાથી ભીડ વધુ હતી. સતીશ, કેદાર, ઝિયા રસૂલ અને ઉદય પ્રકાશ ટ્રેનના દરવાજા પર હતા. એ વખતે સવારે ૮.૫૦ વાગ્યે સાયન-માટુંગા વચ્ચે ચારમાંથી એક યુવકનું બૅલેન્સ છૂટતાં તે નીચે પડવાનો હતો ત્યારે તેણે દરવાજા પર ઊભેલા અન્ય ત્રણ યુવકોનો સહારો લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અન્ય ૩ યુવકો તેને બચાવવા જાય એ પહેલાં તેઓ પણ તેની સાથે ટ્રેનમાંથી નીચે પડી ગયા હતા. તેમને તરત નજીકની સાયન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હૉસ્પિટલના ડૉક્ટરોએ તેમને તપાસ્યા બાદ સતીશ અને કેદારને મૃત જાહેર કર્યા હતા, જ્યારે ગંભીર ઈજા પમેલા ઝિયા રસૂલ અને ઉદય પ્રકાશને હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. માથામાં ગંભીર ઈજા પહોંચવાને કારણે ઝિયા રસૂલની તબિયત હાલમાં ગંભીર છે અને તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. ઉદય પ્રકાશની તબિયતમાં થોડો સુધારો જણાયો છે.’

સતીશ સાયનથી ટ્રેનમાં ચડ્યો હતો અને ચિંચપોકલીમાં દસમા ધોરણની પરીક્ષા આપવા જઈ રહ્યો હતો તથા મૂળ ઝારખંડનો કેદાર યાદવ ગ્રાન્ટ રોડમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતો હતો. તેના પરિવારજનો ડેડબૉડી લેવા મુંબઈ આવી રહ્યા છે. ઝિયા રસૂલ દાદરમાં ઇલેક્ટ્રિશ્યન છે.

સીએસટી = છત્રપતિ શિવાજી ટર્મિનસ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK