સુધરાઈએ ૫૩૪ ગેરકાયદે ધાર્મિક સ્થળો જાહેર કર્યા

Published: 30th December, 2012 05:11 IST

૨૦૮ ધાર્મિક સ્થળોને રેગ્યુલરાઇઝ કરવામાં આવશે : ૨૮ જાન્યુઆરી સુધીમાં મગાવ્યાં વાંધા-વિરોધ અને સૂચનોસુધરાઈએ શુક્રવારે મુંબઈમાં જેને રેગ્યુલરાઇઝ કરી શકાય એવાં ૨૦૮ ધાર્મિક સ્થળો અને જેને તોડી પાડવામાં આવી શકે એવાં ૫૩૪ ગેરકાયદે ધાર્મિક સ્થળોની યાદી જાહેર કરી છે. એમાં મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા અને ક્રૉસનો સમાવેશ છે. સરકારી જમીન પર બાંધવામાં આવેલાં અને જેમની પાસે આ ધાર્મિક સ્થળ વિશેના પ્રૉપર દસ્તાવેજ નથી એવાં સ્થળોને સુધરાઈ તોડી પાડશે. આ ધાર્મિક સ્થળોના કૅરટેકરો ૨૮ જાન્યુઆરી સુધીમાં તેમની પાસે રહેલા સાચા દસ્તાવેજો આપશે તો એના વિશે સુધરાઈએ બનાવેલી સમિતિ વિચાર કરીને નિર્ણય લેશે. આ પછી સુધરાઈ એના અહેવાલને રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરશે. આ ધાર્મિક સ્થળો વિશે કૅરટેકરોએ ૧૯૬૪ પહેલાંથી આ ધાર્મિક સ્થળ અસ્તિત્વમાં હતું એવા દસ્તાવેજો ભાયખલામાં આવેલી સુધરાઈની ઑફિસમાં આપવા પડશે.

સુધરાઈએ બે વર્ષ સુધી એના તમામ ૨૪ વૉર્ડમાં આવેલાં તમામ ધાર્મિક સ્થળોનો સર્વે કર્યો હતો. સુધરાઈના અતિક્રમણ વિભાગે સરકારી જમીન પર ઊભાં થયેલાં ધાર્મિક સ્થળોને ‘અ’ અને ‘બ’ એમ બે કૅટેગરીમાં મૂક્યાં છે. ‘અ’ કૅટેગરીમાં ૨૦૮ ધાર્મિક સ્થળો છે અને એને રેગ્યુલરાઇઝ કરી શકાય એમ છે, જ્યારે ૫૩૪ ધાર્મિક સ્થળો રસ્તાની વચ્ચે છે અથવા વિકાસના પ્રોજેક્ટમાં આડે આવે છે અથવા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઊભી કરે છે. આવાં ધાર્મિક સ્થળોને હટાવી દેવામાં આવશે.

શું થયું હતું ૨૦૧૧માં?

ગયા વર્ષે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં સુધરાઈએ ૭૦૦ જેટલાં ધાર્મિક સ્થળોને નોટિસો આપી હતી અને ૬૩ ધાર્મિક સ્થળોને તોડી પણ પાડ્યાં હતાં. જોકે આ કાર્યવાહીનો વિરોધ થતાં રાજ્ય સરકારે એને અટકાવી દીધી હતી. એ પછી આ ધાર્મિક સ્થળો વિશે વિધાનસભા અને સુધરાઈમાં ચર્ચા કરવામાં આવી હતી. ૨૦૧૧ના મે મહિનામાં રાજ્ય સરકારે સુધરાઈને તમામ ગેરકાયદે ધાર્મિક સ્થળોની યાદી બનાવવા કહ્યું હતું. ૨૦૦૯ની ૨૯ સપ્ટેમ્બર પહેલાં અસ્તિત્વમાં હોય એવાં તમામ ધાર્મિક સ્થળોની યાદી બનાવીને એને તોડી પાડવાં, સ્થળાંતરિત કરવાં કે પછી રેગ્યુલરાઇઝ કરવાં એ છ મહિનામાં જણાવવા માટે સુધરાઈને આદેશ આપવામાં આવ્યો હતો. આ ધાર્મિક સ્થળો વિશે લોકોના વિચાર પણ જાણવા સુધરાઈને જણાવવામાં આવ્યું હતું. આના પગલે સુધરાઈએ આવાં ધાર્મિક સ્થળોની યાદી જાહેર કરીને હવે એના કૅરટેકરોને દસ્તાવેજો આપવા જણાવ્યું છે.

ખ્રિસ્તી ગ્રુપોની બેઠક થઈ

શુક્રવારે આ યાદી જાહેર થયા બાદ ખ્રિસ્તી ગ્રુપોની એક બેઠક વિલે પાર્લેના ઇર્લા વિસ્તારના ચર્ચમાં મળી હતી અને આ યાદીમાં આવેલાં એમના ધર્મનાં સ્થળો કે કોઈ પણ ક્રૉસ હટાવાય નહીં એ વિશે ચર્ચા કરવામાં આવી હતી. જે ધાર્મિક સ્થળોનાં નામ આ યાદીમાં છે એ વિશેના દસ્તાવેજો સુધરાઈને આપવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK