નવ વર્ષમાં ૧૦૦થી વધુ નૅશનલ-ઇન્ટરનૅશનલ મૅરથૉન રનર કચ્છી જૈન ‘રન ટુ ધ મૂન’ ઇવેન્ટમાં દરરોજ પંદર કિલોમીટર દોડ લગાવતા હતા ત્યારે જ તેમનું અચાનક મૃત્યુ થવાથી વાગડ સમાજ તથા રનર્સ વર્લ્ડમાં ગમગીની છવાઈ ગઈ છે. ૫૩ વર્ષના દાદરમાં રહેતા રનર ગુરુવારે સવારે ૧૦ કિલોમીટર અને અને સાંજે પાંચ કિલોમીટર દોડ્યા હતા. બહેનો દૂર રહેતી હોવાથી ઘરે બોલાવીને રક્ષાબંધનની ઉજવણી કરીને સૂતા બાદ તેઓ કાયમ માટે પોઢી ગયા હતા.
દાદરમાં રાનડે રોડ પરની સોસાયટીમાં ૫૩ વર્ષના મૅરથૉન રનર ધીરજ દેઢિયા તેમના પરિવાર સાથે રહીને શૅરબજારમાં બ્રોકિંગની સાથે ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા. મૂળ કચ્છના ભચાઉ તાલુકાના મનફરા ગામના કચ્છી વાગડ જૈન સમાજના ધીરજ દેઢિયાએ ૨૦૧૧થી અત્યાર સુધી ૧૦૦થી વધુ નૅશનલ-ઇન્ટરનૅશનલ મૅરથોનમાં દોડ લગાવી હતી.
ધીરજ દેઢિયાના ઘાટકોપરમાં રહેતા અંગત મિત્ર ડૉ. ફાલ્ગુન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૪૪ વર્ષની ઉંમરે ધીરજે પહેલી હાફ મૅરથૉનમાં ભાગ લીધો હતો. હું પણ તેની સાથે જોડાયો હતો. બાદમાં તો તેણે હાફ-ફુલ સહિતની ૧૦૦ કરતાં વધારે મૅરથૉન રન કરી હતી. કચ્છી વાગડ સમાજમાં સ્પોર્ટ્સ પ્રોત્સાહન આપવા માટે વાગડ રનર અપ ગ્રુપની સ્થાપના કરી હતી. અત્યારે આ ગ્રુપમાં ૧૦૦૦ કરતાં વધારે મેમ્બર છે. મેં ધીરજને બે દિવસ પહેલાં દોડતા જોયો હતો. તે રન ટુ ધ મૂન નામની રનર ઇવેન્ટમાં દરરોજ પંદર કિલોમીટર દોડતો હતો. ગુરુવારે સવારે ૧૦ કિલોમીટર દોડ્યા બાદ સાંજે ૫ કિલોમીટર રન કર્યું હતું. ધીરજ ખૂબ જ હેલ્પફુલ સ્વભાવનો હોવાથી તેણે ભારતભરમાં પોતાનું રનર્સનું નેટવર્ક ઊભું કર્યું હતું. રનર હોવા છતાં ધીરજ જૈન ધર્મનું સંપૂર્ણ પાલન કરતો હતો. તે જૈન ફૂડ જ લેતો હતો.’
ધીરજ દેઢિયાના મલાડમાં રહેતા રનર ગ્રુપના અંગત ફ્રેન્ડ શીતલ કારિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેઓ મારા મેન્ટર, વેલવિશર હતા. દરરોજ સવારે તેઓ મૅસેજ કરતા, પણ આજે સવારે તેઓ ઑનલાઈન ન દેખાતા આશ્ચર્ય થયું હતું. બાદમાં ખબર પડી હતી કે તેમનું રાત્રે ઊંઘમાં જ અવસાન થયું હતું. આ ખૂબ જ ચોંકાવનારું છે. તેઓ કેટલાક દિવસથી આખો દિવસ કામકાજ કરીને રાત્રે પથારીવશ મમ્મીની સેવા કરીને મમ્મીના ઘરમાં જ સૂઈ રહેતા હતા. મારા જેવા અનેક લોકોને તેમણે રનિંગની દુનિયામાં પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.’
ધીરજ દેઢિયાનાં પત્ની બીનાબહેને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેમણે બહેનોના હાથે રાત્રે રાખડી બંધાવી હતી. અમે બધા સાથે જમ્યાં હતાં. રાત્રે અગિયારેક વાગ્યે તેઓ સૂઈ ગયા હતા. સવારે તેઓ જલદી જાગી જાય છે, પરંતુ આજે તેઓ પથારીમાં જ હતા. અમે જોયું તો તેમના શ્વાસ બંધ થઈ ગયા હતા. સિવિયર હાર્ટ અટૅકથી તેઓ અમારી વચ્ચેથી ખૂબ દૂર જતા રહ્યા છે. પુત્રી ડૉ. અનુષ્કાનું કોવિડ અવેરનેસ માટેનું પહેલી ઑગસ્ટે (આજે) વેબિનાર હતો એના માટે તેઓ ખૂબ જ ઉત્સાહી હતા. રનિંગની સાથે ટ્રૅકિંગનો જબરો શોધ ધરાવતા અને ખૂબ જ સારી ફિટનેસમાં હોવા છતાં તેમને હાર્ટની તકલીફ આવશે એવું સપનામાંય નહોતું વિચાર્યું.’
ધીરજ દેઢિયાના અવસાનના સમાચાર વાગડ સમાજમાં વાયુવેગે ફેલાઈ જતાં શોકની લાગણી ફરી વળી છે. કચ્છ વાગડ આંતરરાષ્ટ્રીય મુંબઈ મૅરથોન (વ્હીલચેર ગર્લ) રિદ્ધિ ગડાએ લખેલો પત્ર સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. પત્રમાં રિદ્ધિએ લખ્યું છે કે અમે ધીરજ દેઢિયાને નહીં, પણ આંતરરાષ્ટ્રીય વાગડ સમાજના મૅરથોન રનર્સને ગુમાવ્યા છે. હું જ્યારે પણ મૅરથોનમાં ભાગ લેતી ત્યારે ધીરજ અંકલ ફોટા-કવરેજની વિશેષ નોંધ લેતા. ઈશ્વર તેમના આત્માને પરમશાંતિ આપે.
મેં ધીરજને બે દિવસ પહેલાં દોડતા જોયો હતો. તે રન ટુ ધ મૂન નામની રનર ઇવેન્ટમાં દરરોજ પંદર કિલોમીટર દોડતો હતો. ગુરુવારે સવારે ૧૦ કિલોમીટર દોડ્યા બાદ સાંજે ૫ કિલોમીટર રન કર્યું હતું.
- ડૉ. ફાલ્ગુન શાહ, ધીરજ દેઢિયાના ફ્રેન્ડ
તેમણે બહેનોના હાથે રાત્રે રાખડી બંધાવી હતી. અમે બધાં સાથે જમ્યાં હતાં. રાત્રે અગિયારેક વાગ્યે તેઓ સૂઈ ગયા હતા. સવારે તેઓ જલદી જાગી જાય છે, પરંતુ આજે તેઓ પથારીમાં જ હતા. અમે જોયું તો તેમના શ્વાસ બંધ થઈ ગયા હતા.
- બીનાબહેન, ધીરજ દેઢિયાનાં પત્ની
મુંબઈ : પશ્ચિમ રેલવે દાદર-અમદાવાદ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે
19th December, 2020 07:33 ISTમુંબઈ : 49 વર્ષથી ઓછી એજનાં કોરોના-ડેથ માત્ર 0.4 ટકા
13th December, 2020 07:23 ISTસિદ્ધિવિનાયકનાં દર્શન સોમવારે થશે, પણ...
15th November, 2020 07:30 ISTજૈનોને ઝટકો : દિવાળીમાં માત્ર બે જ દેરાસર ખોલી શકાશે
11th November, 2020 07:56 IST