ફીવધારા સામે ગોરેગામની ૪ સ્કૂલો સામે પેરન્ટ્સ વીફર્યા

Published: 25th November, 2014 05:09 IST

દિંડોશી પોલીસ-સ્ટેશન પર મોરચો કાઢીને વિરોધ-પ્રદર્શન કર્યું : શિક્ષણપ્રધાન વિનોદ તાવડે વાલીઓની ફરિયાદનો અભ્યાસ કર્યા પછી આજે જવાબ આપશે
અંકિતા સરીપડિયા


ગોરેગામ (ઈસ્ટ)ના ગોકુલધામ વિસ્તારમાં આવેલી યશોધામ હાઈ સ્કૂલ અને સેન્ટ ઝેવિયર્સ હાઈ સ્કૂલ તેમ જ ગોરેગામ (વેસ્ટ)માં આવેલી GES ઇંગ્લિશ મિડિયમ હાઈ સ્કૂલ અને MN ઇંગ્લિશ હાઈ સ્કૂલના મૅનેજમેન્ટ દ્વારા પ્રી-પ્રાઇમરી, પ્રાઇમરી અને સેકન્ડરીની ઍકૅડેમિક વર્ષની ફીમાં અચાનક બેફામ વધારો કરવામાં આવતાં ચારે સ્કૂલના પેરન્ટ્સે ગઈ કાલે બપોરે સાડાબારથી સાડાચાર વાગ્યા સુધી દિંડોશી પોલીસ-સ્ટેશનની બહાર મોરચો કાઢીને નારા લગાવી વિરોધ-પ્રદર્શન દર્શાવ્યું હતું. ફીવધારા પર સ્ટે મૂકવા માટેનો લેટર સ્કૂલોને મોકલવા માટે દિંડોશી પોલીસ પાસે માગણી કરી હતી, પરંતુ દિંડોશી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુર્વેએ પેરન્ટ્સને કોઈ દાદ નહોતી આપી અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની પરવાનગી બાદ જ સ્કૂલને લેટર મોકલવામાં આવશે એમ જણાવ્યું હતું. આ વિરોધ-પ્રદર્શન બાદ એજ્યુકેશન મિનિસ્ટર વિનોદ તાવડેએ ગઈ કાલે સાંજે પેરન્ટ્સ સાથે મીટિંગનું આયોજન કર્યું હતું અને તપાસ કરી આજે જવાબ આપવા કહ્યું હતું.

સ્કૂલ-મૅનેજમેન્ટ દ્વારા વધારવામાં આવેલી ફીના વિરોધમાં પોલીસ-ફરિયાદ કરનારા યશોધામ હાઈ સ્કૂલના પેરન્ટ કેતન કુંભારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘યશોધામ સ્કૂલમાં પ્રાઇમરીમાં અને સેકન્ડરી સેક્શનમાં મારી બે દીકરીઓ ભણે છે. યશોધામ સ્કૂલના મૅનેજમેન્ટ દ્વારા સિક્સ્થ કમિશન તેમ જ અન્ય કારણો આપી ૨૦૦૫થી સતત ફીમાં વધારો કરવામાં આવી રહ્યો છે. વર્ષ ૨૦૦૬થી ૨૦૧૨ સુધી સતત ૧૦ ટકા ફી વધારવામાં આવી હતી. શિક્ષણના ૧૯૮૭ના કાયદા પ્રમાણે ત્રણ વર્ષમાં ફક્ત એક જ વાર ફી વધારી શકાય, પરંતુ સ્કૂલ-મૅનેજમેન્ટ દ્વારા દર વર્ષે ફીમાં બેફામ વધારો કરવામાં આવી રહ્યો છે. હાલમાં વધારેલી ફી બાબતે શિક્ષણ સમિતિના ચૅરમૅન વિનોદ શેલારે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને સ્કૂલમાં ફીવધારા માટેનો લેટર રજૂ કરવા જણાવ્યું હોવાનું એજ્યુકેશન અધિકારીએ અમને કહ્યું હતું. આ બાબતે પ્રૉપર ઇન્વેસ્ટિગેશન કર્યા વગર કે પેરન્ટ્સ સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા વગર મૅનેજમેન્ટે એકતરફી નર્ણિય લીધો છે જે અમને આવકાર્ય નથી. એથી ફીવધારો રદ થવો જોઈએ. આ પહેલાં જુલાઈ મહિનામાં પણ ફીમાં વધારો કરવામાં આવ્યો હતો ત્યારે અમે પેરન્ટ્સે વિરોધ દર્શાવતાં એજ્યુકેશન અધિકારીએ પ્રાઇમરી અને સેકન્ડરી સેક્શનના ફીવધારા સામે સ્ટે મૂક્યો હતો.’

GES ઇંગ્લિશ મિડિયમ હાઈ સ્કૂલના પેરન્ટ મુકેશ દરજીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્કૂલમાં પહેલાં PTA ઇલેક્ટ થયું નહોતું ત્યારે કોઈ પણ પ્રકારના ઇલેક્શન વગર ફોન પર PTA મેમ્બર બનવાનું પૂછીને PTA ઇલેક્ટ થયું હતું. ત્યાર બાદ સ્કૂલ-મૅનેજમેન્ટે પેરન્ટ્સની મીટિંગ બોલાવીને હાજરીના નામે દરેક પેરન્ટ પાસે સિગ્નેચર કરાવી હતી અને થોડા સમયમાં ફીવધારાના અપ્રૂવલ માટે પેરન્ટ્સે સિગ્નેચર આપી હોવાનું કહીને ફીવધારાનો લેટર રજૂ કરી દીધો હતો એટલું જ નહીં, ખોટી રીતે ફીવધારાનો લેટર રજૂ કર્યા બાદ અમારાં બાળકોની બૅગમાં ફી ભરવા માટેની નોટિસ મૂકતા હતા. એ સિવાય મર્યાદિત સમય આપી એ તારીખ સુધી ફી ભરવા માટે જણાવ્યું હતું, નહીં તો ઍડ્મિશન કૅન્સલ થઈ જશે એવી ધમકી આપી હતી. આમ સ્કૂલ-મૅનેજમેન્ટ બાળકોને માનસિક રીતે હેરાન કરે છે.

પ્રી-પ્રાઇમરી સેક્શનનાં જે બાળકોએ ફી નહોતી ભરી તેમને સાઇડમાં ઊભાં રાખી અન્ય બાળકો પાસે તેમને લાચાર કરવા તાળીઓ પડાવવામાં આવતી. છેલ્લાં બે વર્ષથી સ્કૂલમાં કોઈ પ્રકારના ઍન્યુઅલ ડે, પિકનિક કે અન્ય કોઈ ઍક્ટિવિટી પણ થઈ નથી. બે વર્ષ પહેલાં આવી ઍક્ટિવિટીઝ માટે ફી લેવામાં આવતી હતી એમ છતાં કોઈ ઍક્ટિવિટી કરાવવામાં નહોતી આવતી. આવી અનેક સમસ્યાઓ છતાં ત્રણ વર્ષમાં ૧૦૦ ટકા જેટલી ફી વધારવામાં આવી છે. એથી કોઈ પણ પેરન્ટ્સે આ વર્ષે ફી નથી ભરી. છેલ્લા વર્ષે અમુક પેરન્ટ્સે ફી નહોતી ભરી અને જેમણે ફી ભરી હતી તેમને રીફન્ડ નહોતું આપવામાં આવ્યું. એથી અમે પેરન્ટ્સ વિરોધ દર્શાવી રહ્યા છીએ અને ફીવધારો રદ થવો જ જોઈએ.’

પોલીસની નિષ્ક્રિયતા

દિંડોશી પોલીસ-સ્ટેશનમાં વિરોધ-પ્રદર્શન દરમ્યાન થયેલી સમસ્યા ચાર સ્કૂલના પેરન્ટ્સે મળીને દિંડોશી પોલીસ-સ્ટેશનની બહાર ગઈ કાલે બપોરે મોરચો કાઢીને નારા લગાવી વિરોધ-પ્રદર્શન કરતાં ભારે ટ્રાફિક જૅમની સમસ્યા નિર્માણ થઈ હતી. બપોરે સાડાબાર વાગ્યે આવેલા પેરન્ટ્સને પોલીસ-અધિકારીઓએ લેટર આપી રહ્યા છે એમ કહી ચાર કલાક સુધી રાહ જોવડાવી હતી અને થોડા સમય બાદ સ્કૂલને લેટર આપવા માટે પેરન્ટ્સે નિવેદનપત્ર આપવાનું રહેશે એમ જણાવ્યું હતું. પેરન્ટ્સે નિવેદનપત્ર આપતાં છેલ્લે ACPની પરવાનગી છતાં સિનિયર ઇન્સ્પેક્ટર સુર્વેએ સ્કૂલને લેટર આપવાનો પેરન્ટ્સને સાફ ઇનકાર કરી દીધો હતો.

વિનોદ તાવડેએ શું કહ્યું?

વિનોદ તાવડેએ પેરન્ટ્સ અને આ લડતમાં પેરન્ટ્સને સર્પોટ કરી રહેલાં ઍડ્વોકેટ ડૉ. અવિતા કુલકર્ણીને જણાવ્યું હતું કે ‘મેં ટૂંક સમય પહેલાં જ આ જવાબદારી લીધી છે. આ બાબતે મને વધુ જાણ ન હોવાથી હું પેપર્સ જોઈને આવતી કાલ સુધીમાં તમને જવાબ આપીશ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK