મુંબઈમાં દરરોજ ૫૦૦ કિલો ડ્રગ્સનું સેવન થાય છે : પોલીસ

Published: Sep 17, 2020, 12:36 IST | Mumbai correspondent | Mumbai

મુંબઈ નાર્કોટિક્સ સેલના એક નિવૃત્ત અધિકારીએ એહમદનગર અને આંધ્ર પ્રદેશથી મુંબઈમાં ગાંજો બસોમાં સપ્લાય કરાતો હોવાનું કહ્યું : મુંબઈમાં સાડાપાંચ લાખ ડ્રગ્સ એડિક્ટ હોવાની શક્યતા

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ઍક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના મામલામાં ઍન્ટિ નાર્કોટિક્સ સેલ (એનસીબી) દ્વારા ડ્રગ્સના એન્ગલથી તપાસ કરાઈ રહી છે ત્યારે મુંબઈ પોલીસના ઍન્ટિ નાર્કોટિક્સ સેલના એક નિવૃત્ત પોલીસ અધિકારીએ ચોંકાવનારી માહિતી આપી છે. મુંબઈમાં દરરોજ કરોડો રૂપિયાની કિંમતનું ૫૦૦ કિલો ડ્રગ્સનું સેવન થતું હોવાનું તેમણે એક મરાઠી ચૅનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું છે. ગાંજો એહમદનગર જિલ્લો અને આંધ્ર પ્રદેશથી પ્રાઇવેટ બસોમાં નાની નાની ક્વૉન્ટિટીમાં મુંબઈ લવાતો હોવાનું તેમણે કહ્યું હતું. શહેરમાં સાડાપાંચ લાખ ડ્રગ્સ એડિક્ટ હોવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી.
મુંબઈ પોલીસના ઍન્ટિ નાર્કોટિક્સ સેલમાં લાંબા સમય સુધી ફરજ બજાવીને નિવૃત્ત થયેલા પોલીસ અધિકારી સુહાસ ગોખલેએ ગઈ કાલે એક મરાઠી ન્યુઝ ચૅનલને મુલાકાત આપી હતી. જેમાં તેમણે મુંબઈ અને ડ્રગ્સ વિશે ચોંકાવનારી માહિતી આપી હતી.
સુહાસ ગોખલેએ કહ્યું હતું કે ભારતમાં પહેલાં ગાંજાનું સેવન ઓછી આવક ધરાવતા ખાસ કરીને મજૂરો કરતા. જોકે છેલ્લાં કેટલાંક વર્ષમાં આ ટ્રૅન્ડ બદલાયો છે. શહેરમાં રહેતા યુવાનો ગાંજો પીવા માંડ્યા છે. ગાંજો મુંબઈમાં ગ્રાસ, વીડ, મારીજુઆના વગેરે નામથી વેચાય છે. ચરસ કે બીજા ડ્રગ્સની સરખામણીએ આ નશીલો પદાર્થ ઓછો માદક હોય છે. એની સપ્લાય ચેઈન અને ડ્રગ્સ લેનારાઓની સંખ્યામાં ખૂબ વધારો થયો હોવાથી ગાંજાનું ખૂબ મોટા પ્રમાણમાં મુંબઈમાં વેચાણ થાય છે.
નિવૃત્ત પોલીસ અધિકારી સુહાસ ગોખલેએ ઇન્ટરવ્યુમાં વધુમાં જણાવ્યું હતું કે મુંબઈમાં એક અંદાજ મુજબ આજે સાડાપાંચ લાખ ડ્રગ્સ એડિક્ટ્‌સ છે. જેઓ દરરોજ ૫૦૦ કિલો નશીલા પદાર્થનું સેવન કરે છે. સામાન્ય ઘરના યુવાનોથી માંડીને સૅલિબ્રિટી પણ કુદરતી કે લેબોરેટરીમાં તૈયાર કરાતા નશીલા પદાર્થનું મોટા પાયે સેવન કરે છે.

ભાઈંદરમાંથી ૨ કિલો ચરસ સાથે બેની ધરપકડ

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની મુંબઈની ટીમને ટીપ મળી હતી કે બે શખસ ચરસનું વેચાણ કરી રહ્યા છે. આથી ટીમે ભાઈંદર (પૂર્વ)માં સ્પોર્ટ્‌સ કૉમ્પ્લેક્સ પાસેના બસ સ્ટૉપ પાસેથી નાલાસોપારામાં રહેતા ૨૪ વર્ષના અરુણ પ્રતાપ સિંહને તાબામાં લીધો હતો. નાલાસોપારામાં જ રહેતા ૩૮ વર્ષના શ્રવણ ગુપ્તા નામના આરોપી સાથે ફોન પર થયેલી વાતચીતને આધારે પોલીસે અરુણને તાબામાં લીધો હતો. તેની તપાસ કરતાં તેણે જૅકેટની અંદર ૨.૦૪૦ ગ્રામ ચરસ છુપાવ્યું હોવાનું જણાતાં બન્નેની નાર્કોટિક્સની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરી હોવાનું એનસીબીએ આપેલી માહિતીમાં જણાવાયું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK