ઘાટકોપરની સોસાયટીમાં ૫ ફૂટ લાંબો સાપ ઘૂસી જતાં રહેવાસીઓમાં ફફડાટ

Published: 21st October, 2011 19:23 IST

ઘાટકોપર (વેસ્ટ)માં સાંઈનાથનગરમાં આવેલી આનંદમંગલ સોસાયટીમાં ગઈ કાલે પાંચ ફૂટનો સાપ ઘૂસી જતાં સોસાયટીના રહેવાસીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

 

 

(રોહિત પરીખ)

ઘાટકોપર, તા. ૨૧

હજી ગયા મહિને જ ઘાટકોપર (વેસ્ટ)માં કામા લેનમાં આવેલા વણિક નિવાસમાંથી એક અઠવાડિયામાં ત્રણ સાપ નીકળ્યા હોવાની ઘટના લોકો ભૂલ્યા નથી ત્યાં ગઈ કાલે ઘાટકોપર (વેસ્ટ)માં સાંઈનાથનગરમાં આવેલી આનંદમંગલ સોસાયટીમાં સાપ ઘૂસ્યો હતો. સોસાયટીની સામે આવેલા ગાર્ડન માટેના રિઝર્વ પ્લૉટમાં ગાર્ડન બનવાને બદલે એ જગ્યા જંગલ બની ગઈ છે. એ પ્લૉટમાંથી નીકળીને બપોરે ૧૨.૩૦ વાગ્યે એક લાંબો સાપ સોસાયટીમાં ઘૂસી જતો જોઈને સોસાયટીના વૉચમૅન નિખિલે તરત જ સોસાયટીના સેક્રેટરી મનીષ શાહને જાણ કરી હતી. મનીષ શાહે આ બાબતની જાણ ફાયરબ્રિગેડને કરી હતી.

સોસાયટીમાં જ ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા રાજુ ગાલાએ ‘મિડ-ડે’ને આ માહિતી આપતાં કહ્યું હતું કે ‘મનીષે ફાયરબ્રિગેડને જાણ કરતાં ફાયરબ્રિગેડે મનીષને સર્પમિત્રનો ફોનનંબર આપી તેની મદદ લેવા જણાવ્યું હતું. મનીષે તરત જ ગોવંડીમાં રહેતા સર્પમિત્ર અસલમ શેખનો સંપર્ક કર્યો હતો. અસલમ અને તેના જોડીદારે ૨.૩૦ વાગ્યાથી સાપની શોધ શરૂ કરી હતી, પરંતુ સાપ સોસાયટીના બિલ્ડિંગના એક નાળા પાસે આવેલી દીવાલમાં છુપાઈ ગયો હતો. આખરે ચાર કલાકની જહેમત બાદ પાંચ ફૂટનો સાપ સર્પમિત્રોને હાથ લાગ્યો હતો. આમ છતાં સોસાયટીના રહેવાસીઓની રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે.’

સાપ ક્યાંથી આવ્યો?

આ સોસાયટીના રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે સોસાયટીની સામે ૪૦ વર્ષથી વધુ સમયથી ગાર્ડન માટેનો એક રિઝવ્ર્ડ પ્લૉટ ખાલી પડ્યો છે. આ પ્લૉટ પર અહીંના અને બાજુના સ્લમ વિસ્તારના રહેવાસીઓનાં બાળકો વર્ષો સુધી ક્રિકેટ અને રમતગમત રમતાં હતાં. ચાર વર્ષ પહેલાં અહીં ડેવલપ થઈ રહેલા ઘાટકોપર-અંધેરી લિન્ક રોડનું બાંધકામ શરૂ થતાં એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી)એ આ પ્લૉટને ડમ્પિંગ ગ્રાઉન્ડ બનાવી દીધા બાદ અહીં સમય જતાં ઝાડવાં ઊગવા લાગ્યાં અને જોતજોતામાં આ રિઝર્વ્ડ પ્લૉટ કહેવાતું જંગલ બની ગયું છે, એમાં સૌથી વધુ ઉંદરો છે. બે મહિના પહેલાં આ ગ્રાઉન્ડમાંથી નાનકડો સાપ નીકળ્યો હતો.

‘મિડ-ડે’એ હજી ગયા અઠવાડિયે જ ઘાટકોપર સુધરાઈના જે વૉર્ડમાં આવેલું છે એ ‘ઍન’ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર પ્રમોદ ખેડકરને આ ગ્રાઉન્ડમાંથી કહેવાતા જંગલને હટાવી ફરીથી એને પ્લેગ્રાઉન્ડ બનાવવાની અપીલ કરી હતી, પરંતુ તેમણે હોતા હૈ ચલતા હૈની નીતિ અપનાવી હતી. એમાં ગઈ કાલે સાપ નીકળતાં સોસાયટીના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK