4 મિનિટમાં ચાર લાખના ઘરેણા તફડાવનાર ગુજરાતી મહિલા-સાથીદાર હજી પકડાયા નથી

Published: 1st August, 2012 07:09 IST

ઘાટકોપર-ઈસ્ટના મહાત્મા ગાંધી રોડ પર પારસદર્શન બિલ્ડિંગમાં આવેલા ઑર્કિડ ડાયમન્ડ સ્ટુડિયો પ્રાઇવેટ લિમિટેડના શોરૂમમાંથી ૨૪ જુલાઈના મંગળવારે બપોરે ૧.૩૫ વાગ્યે ફક્ત ચાર મિનિટમાં ચાર લાખ રૂપિયાનો બે કૅરેટના હીરા અને ૧૮.૧૨૮ ગ્રામ સોનાથી બનેલો ડાયમન્ડ નેકલેસ અને ૨.૬૬ કૅરેટના હીરા અને ૧૧.૫૨ ગ્રામ સોનાથી બનેલી એક જોડી કાનની બુટ્ટી ઘરેણાં જોવાને બહાને આવેલી એક ૪૦થી ૪૫ વર્ષની ગુજરાતી મહિલા તેની સાડીના પાલવમાં છુપાવીને લઈ ગઈ હતી.

તેની સાથે તેની જ ઉંમરનો એક ગુજરાતી પુરુષ પણ હતો. આખી ઘટનાનાં સીસીટીવી કૅમેરાનું ફુટેજ તિલકનગર પોલીસ-સ્ટેશનમાં આપવા છતાં પોલીસને આ મહિલા અને પુરુષને શોધવામાં સફળતા મળી નથી.

 

તિલકનગર પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘જે સિફતથી આ મહિલાએ હીરાજડિત નેકલેસ અને કાનની બુટ્ટીને ચાર જ મિનિટમાં બૉક્સ સાથે સરકાવી દીધાં હતાં એ જોતાં આ મહિલા અને તેનો સાથીદાર અગાઉ પણ આવા કિસ્સાઓમાં ફસાયાં હોવાની શક્યતાને નકારી શકાય નહીં. સામાન્ય સંજોગોમાં સોનાનાં અને હીરાનાં ઘરેણાં દુકાનમાં જઈને ચોરનારા સારા ઘરના હોય છે, જેઓ એક વાર હાથ માર્યા પછી બે-ત્રણ મહિના સુધી શાંત બેસે છે. તેથી તેમને શોધવા પોલીસ માટે મુશ્કેલ બનતું હોય છે. આમ છતાં સીસીટીવીનાં ફુટેજને સહારે આ બન્ને ગુનેગારોને શોધવામાં આવશે.’

બનાવના દિવસની માહિતી આપતાં ઑર્કિડ ડાયમન્ડ સ્ટુડિયો પ્રાઇવેટ લિમિટેડના મંથન મોદીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મંગળવાર ૨૪ જુલાઈની રાતે ૮.૩૦ વાગ્યે અમે રોજની જેમ અમારો સ્ટૉક લેતા હતા ત્યારે અમને એક હીરાજડિત નેકલેસ અને હીરાની બુટ્ટી ઓછાં થયાંની જાણ થઈ હતી. અમે તરત જ એની તપાસ કરતાં અને શોરૂમમાં લગાડવામાં આવેલા સીસીટીવીમાં જોતાં ખબર પડી હતી કે બપોરના ૧.૩૫ વાગ્યે અમારા શોરૂમમાં આવેલી એક ગુજરાતી મહિલા તેના સાડીના પાલવમાં છુપાવી  આ નેકલેસ અને બુટ્ટીનો સેટ ચોરી ગઈ છે. અમારા શોરૂમમાં આ મહિલા અને તેનો સાથીદાર આવ્યાં એ સમયે કોઈ જ ઘરાકી નહોતી. સીસીટીવીનાં ફુટેજ જોતાં અમને જોવા મળ્યું કે આ મહિલાએ હીરાજડિત સેટ જોતાં-જોતાં બે સેટનાં બૉક્સ તેના ખોળામાં લીધાં હતાં. એમાંથી તેણે એક બૉક્સ કાઉન્ટર પર પાછું મૂકી દીધું હતું અને કોઈનું ધ્યાન ન જાય એ રીતે એક સેટના બૉક્સને તેના પાલવ નીચે છુપાવી દીધું હતું. તેણે સેટ લીધો ત્યાં સુધી તે સેલ્સગર્લની સાથે વાત કરતી હતી. જેવું તેનું કામ પત્યું કે તેની સાથે આવેલા પુરુષે સેલ્સગર્લ સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. તે અને તેની સાથેનો પુરુષ તમે જૂનું સોનું લો છો કે નહીં એમ પૂછીને જતાં રહ્યાં હતાં. નેકલેસ જોવાનું શરૂ કરી નેકલેસ અને બુટ્ટીના સેટને લઈ જવાની આખી પ્રક્રિયા ફક્ત ચાર મિનિટમાં જ થઈ હતી.’

સીસીટીવી = ક્લૉઝ સર્કિટ ટેલિવિઝન

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK