Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > ઈશ્વરોલૉજી - પ્રકરણ - 30

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 30

10 November, 2019 11:34 AM IST | Mumbai
Dr. Hardik Nikunj Yagnik

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 30

ઈશ્વરોલૉજી

ઈશ્વરોલૉજી


ઈશ્વરની આજ્ઞાથી વૈકુંઠ સુધી પહોંચેલા સંજયને ટેમ્પરરી ઈશ્વરના પાવર સોંપવામાં આવ્યા છે. એક વિશાળ બગીચાની અંદર રહેલા બે મોટા ભાગને સ્વર્ગ અને નર્ક તરીકે દર્શાવવામાં આવે છે. સંજય ખૂબ મૂંઝાય છે. ત્યાં તે અનેક ચિત્રગુપ્તને જુએ છે. ચિત્રગુપ્ત જણાવે છે કે પોતાના એ દરેક સ્વરૂપ પૃથ્વી પર રહેલા જીવોનાં કર્મોનો હિસાબ રાખે છે અને કર્મો પ્રમાણે જ સ્વર્ગ અને નર્કની ચિઠ્ઠીઓ મોકલે છે. જ્યારે સ્વર્ગની ચિઠ્ઠી મોકલી હોય ત્યારે પોતે સરકીને જમણી બાજુએ જાય છે અને નર્કની મોકલી હોય ત્યારે ડાબી બાજુ. વધારે મૂંઝાયેલો સંજય સહેજ ગુસ્સો કરીને કહે છે કે મને અત્યારે ને અત્યારે આ નર્ક ક્યાં છે અને કેવી રીતે કામ કરે છે એ બતાવો...
હવે આગળ.
સંજય મનોમન ભગવાનને પ્રાર્થના કરે છે કે આ ક્યાં ફસાવ્યો છે મને?
આગળ તે વિચારે એ પહેલાં તો ફરી પાછો નારદજીએ તેનો હાથ પકડ્યો અને તેઓ પૃથ્વીલોકમાં સૂક્ષ્મ સ્વરૂપે પાછા આવ્યા. તેમની નજર સામે એક વિશાળ બંગલો હતો જેમાંથી એક માણસ બહાર આવીને ખૂબ જ મોંઘી ગાડીમાં બેઠો. તેની સામે આંગળી કરતાં નારદમુનિ બોલ્યા, આ જોઈ લો. આ જીવ અત્યારે પરિતાપ નામના નરકમાં છે.
સંજયને મનોમન થયું કે આ નારદમુનિ શું ગપ્પાં મારે છે? આટલા વિશાળ બંગલોમાં રહેતો અને આટલી મોંઘી ગાડીમાં ફરતો માણસ નરકમાં ગણાય કે સ્વર્ગમાં?
અને હજી તો વધુ વિચારે એ સાથે જ નારદમુનિએ તેની સામે કશું જ બોલ્યા વગર પહેલાંના જેવું સ્મિત આપ્યું. સંજયને થયું કે કશું વિચાર્યા વગર ખાલી જોયા કરવું.
સૂક્ષ્મ સ્વરૂપે બન્ને જણે એ માણસને જોયા કર્યો. કરોડોના સામ્રાજ્યનો તે માલિક હતો. ઑફિસમાં જતાંની સાથે જ તેના સેક્રેટરીએ ગઈ કાલનો પ્રૉફિટ બતાવ્યો જે સંજય જેવા સામાન્ય માણસની આખી જિંદગીની
કમાણી જેટલો હતો. આ જોતાં જ સંજયને થયું કે એક દિવસમાં આટલું કમાતો માણસ જો નરકમાં ગણાતો હોય તો આવા નરકમાં તો આવવું જ જોઈએ.
નારદમુનિએ તરત જ ચેતવ્યો, ‘ટેમ્પરરી પ્રભુ, હજી આગળ જુઓ તો ખરા.’
સંજયે જોયું તો એ માણસ આખો દિવસ કામમાં મગ્ન હતો. તેની અધધધ સંપત્તિ હતી. આખા દિવસ દરમ્યાન તેણે હિસાબ જોયા અને કંપનીનું મૅનેજમેન્ટ કર્યું. સાંજ સુધીમાં સંજયને ખાતરી થઈ ગઈ કે આ ઈશ્વરની બધી સિસ્ટમ જોરદાર છે, પણ સ્વર્ગ અને નર્કની બાબતે થોડી ઢીલ રહી ગઈ. અમે મનુષ્યો શું સમજતા હતા અને આ તો નીકળ્યું કંઈક બીજું જ. એક માણસ કે જે કરોડોના હિસાબો એક  દિવસમાં કરે, ખૂબ સંપત્તિનો તે માલિક હોય અને કંઈ કેટલાય લોકો તેના હાથ નીચે કામ કરતા હોય, તેના એક હાથમાં સત્તા હોય અને બીજામાં સંપત્તિ તેને આ લોકો નર્ક ગણે છે. તો આવું નર્ક તો સૌને ગમે...
નારદમુનિથી તેને આમ વિચારતો જાણીને ન રહેવાયું એટલે તેમણે કહેવાનું ચાલુ કર્યું, ‘તો તમને લાગે છે કે આ માણસ સુખી
છે બરાબર?’
‘૧૦૦ ટકા. આજના યુગમાં સત્તા અને સંપત્તિ ધરાવનાર સદ્ભાગ્યવાળો કહેવાય બૉસ...’ સંજયે મક્કમતાથી કહ્યું.
નારદમુનિએ વધારે કંઈ બોલવાની
જગ્યાએ એટલું જ કહ્યું, ‘ચાલો હવે તેની સાથે ઘરે જઈએ.’
ઘરે પાછા જતાં એ માણસ ગાડીમાં ગમગીન જણાયો. ખૂબબધો પ્રૉફિટ થયો હોવા છતાંય તેના મોં પર ક્યાંય ખુશી નહોતી. આલિશાન ઘરમાં પ્રવેશતાંની સાથે જ તેણે એક નિસાસો નાખ્યો. ઘરમાં આવકારવા નોકર સિવાય કોઈ નહોતું અને નોકરો પણ એ માણસના સ્વભાવને જાણતા એટલે ખપ પૂરતું જ બોલતા.
ફ્રેશ થઈને એક આલિશાન ટેબલ પર તે જમવા ગોઠવાયો. સામે એક પછી એક કંઈ કેટલીય વાનગીઓ પીરસવામાં આવી પણ એ માણસ બેચેન જણાયો. ખાલી ખુરશીઓથી ઘેરાયેલા ડાઇનિંગ ટેબલ ઉપર એકલો બેઠેલો એ ચારે તરફ જોવા લાગ્યો, જાણે એની આંખો કોઇક ને શોધી રહી હતી. માંડ બે કોળિયા ખાધા હશે અને એ માણસ ઊભો થઈ ગયો. નારદજીએ જણાવ્યું કે આ તેનું રોજનું હતું.
રૂમમાં જઈને તે સામે ટેબલ પર મૂકેલા એક ફોટોને જોઈને જોર-જોરથી રડવા લાગ્યો. ફોટોમાં એક સ્ત્રી અને નાનકડો છોકરો અને છોકરી હતાં. ફોટોમાં સૌ ખુશ જણાતાં હતાં.
જાણે સઘળું સમજી ગયો હોય એમ સંજયે પૂછ્યું, ‘એનો મતલબ કે તેની પત્ની અને બાળકો મરી ગયાં એટલે તે દુઃખી છે બરાબર?’ નારદજીએ ડોકું હલાવ્યું.
‘ફોટોમાં દેખાતી તેની પત્ની અને બાળકો જીવતાં જ છે. એ તો ઠીક, પણ આ છોકરો તો મોટો થઈ પરણી પણ ગયો છે. તેને ત્યાં પણ બે દીકરા છે અને આ નાનકડી છોકરી દેખાય છે તે પરણાવવા જેવી થઈ ગઈ છે. સૌ ખુશખુશાલ રહે છે. અહીંથી થોડે દૂર જ રહે છે.’ નારદમુનિએ ફોટોની સામે આંગળી ચીંધતાં કહ્યું.
સંજયે પૂછ્યું એનો મતલબ કે એ લોકોએ આ માણસને છોડી દીધો?
નારદમુનિએ કહ્યું, ‘ના, પૈસા અને પાવર કમાવાની દોટમાં આ માણસે પરિવાર પર ધ્યાન જ ન આપ્યું. તેના દીકરા કે દીકરીની સાથે રમવાનું તો ઠીક પણ તેમને કેમ છો કહેવાનો પણ તેની પાસે સમય નહોતો. તેને એમ હતું કે પત્નીને રૂપિયા આપી દો એટલે સઘળું પતી જાય. બસ, એક દિવસ દરેક જણ તેને છોડીને જતું રહ્યું. પોતાની જીદ અને ગુમાનને કારણે તેણે પણ ભૂલ સ્વીકારવાની જગ્યાએ ગુસ્સો કરીને એ સૌને તરછોડ્યાં. હવે તેની પાસે બધ્ધું જ છે જે તેને જોઈતું હતું, પણ તે કશું જ માણી નથી શકતો. જે દિવસે તેણે સૌને તરછોડ્યાં તેનાં રહ્યાં સહ્યાં પુણ્ય જેટલું તેણે માણ્યું અને ત્યાં તો આપણા ચિત્રગુપ્તે તેની ચિઠ્ઠી પરિતાપ નરકની ફાડી. ત્યારનો આ એ નરકમાં છે.’
‘ઓહ યાદ આવ્યું. કોઈ કહેતું હતું કે ઉપર કોઈ એવું નરક છે જેમાં તમને ખૂબ ભૂખ લાગી હોય, તમારી સામે જાતજાતનાં ભોજન મૂકે; પણ મોં પર લોંખડનો પટ્ટો મારેલો હોય. તમે મોં ખોલી જ ન શકો. હસવું હોય તો હસી ન શકો. રડવું હોય તો રડી ન શકો.’
નારદમુનિએ કહ્યું, ‘બસ, એ આ જ. ખાલી ફરક એટલો કે એવું ઉપર કંઈ નથી. બસ, જીવતે જીવત તમારા સ્વજન તમારી સાથે તમારા ખરાબ સ્વભાવને કારણે ન રહી શકે. સૌ સાથે મળીને જીવનને માણી ન શકો પછી તમારી જોડે ગમે તેટલી સમૃદ્ધિ હોય, શું કરવાનું? બસ, એકલતા તમને કોરી ખાય અને તમે કોઈ જગ્યાએ આનંદ ન પામી શકો એટલે તમે નરકમાં છો. શું સમજ્યા ટેમ્પરરી પ્રભુ?’
સંજયની આંખ સામે એવા કેટલાય લોકો આવી ગયા જે ખરેખર આવું જીવન જીવતા હતા. પણ એ નર્ક ભોગવી રહ્યા હતા એની સમજ તેને આજે આવી.
આ પછી નારદમુનિ તેને કેટલાક લોકોને બતાવવા લઈ ગયા. કોઈ માણસે ભૂતકાળમાં એક ખરેખર જરૂરિયાતવાળા માણસને પોતે આસાનીથી કરી શકતો હોવા છતાંય મદદ નહોતી કરી. આજે એ એક મોટી મીઠાઈની દુકાનનો માલિક હતો, પણ ખૂબ જ ડાયાબિટીઝને કારણે પોતાની મીઠાઈ ચાખી પણ ન હતો શકતો. તે જીવતો નર્કમાં હતો.
એક માણસે ભૂતકાળમાં કોઈ માણસને પૈસાને કારણે મારી નાખ્યો હતો અને તેની લાશને કૂવામાં નાખી દીધી હતી. આજે તે છેલ્લાં ૧૦ વર્ષથી સૂઈ નહોતો શકતો. જેવો તે આંખ મીંચે અને તરત જ તેને પેલો મરેલો માણસ અને કૂવો દેખાતો. તે ચીસ પાડીને ઊભો થઈ જતો. તેની આંખો લાલઘૂમ રહેતી. તેની ઇચ્છા હોવા છતાંય પણ નિંરાતે તે ઊંઘી નહોતો શકતો. એ માણસ જીવતો નર્કમાં હતો.
પોતાને ખૂબ જ્ઞાની અને ધાર્મિક સમજતા એક માણસે આજીવન લોકોને ધર્મના નામે કંઈક ભળતું જ સમજાવ્યું હતું. અંદર-અંદર ધર્મના નામે લોકોને લડાવ્યા હતા. આજે તેના આખા શરીરમાં કીડા પડ્યા હતા. દુર્ગંધથી ખદબદતા તેના શરીરને અડવા કોઈ તૈયાર નહોતું. તેના ઘરના લોકોએ પણ તેને ત્રાસીને કાઢી મૂક્યો હતો. જો તેનું મોં પણ કોઈ જોઈ જાય તો એ અપશુકન ગણાતું. એ માણસ જીવતો નર્કમાં હતો.
આવા અનેકાનેક લોકો નારદમુનિએ બતાવ્યા કે જે જીવતાજીવત એવી યાતના ભોગવતા હતા જે નર્કના વર્ણનમાં હતી. સંજયે સ્વભાવ મુજબ જ કાઉન્ટર આર્ગ્યુમેન્ટ કરી, ‘બૉસ, પણ હું એવા કેટલાય લોકોને જાણું છું જેમણે પણ આવાં પાપ કર્યાં છે પણ તેમને તો આવું કશું થતું નથી.’
અને આ સાંભળતાં જ નારદમુનિએ હવામાં ખાલી હાથ હલાવ્યો અને બીજી જ ક્ષણે તેમના હાથમાં એક ડબ્બો હતો. એ ડબ્બો અડધો ખાંડથી ભરેલો હતો. એમાં તેણે સંજયના દેખતાં જ કચરો ઉપરથી ભરવાની શરૂઆત કરી. સંજય મૂંઝાયો.
નારદમુનિએ એ ડબ્બાની નીચે કાણું પાડ્યું અને એ સાથે જ નીચે રહેલી ખાંડ વેરાવા લાગી. સંજયે જોયું તો જેટલી ખાંડ ભરેલી હતી એ બધી પહેલાં નીકળી જે ચોખ્ખી હતી. પછી એક સમય એવો આવ્યો કે જેમાં ખાંડ અને કચરો મિક્સ હતો અને પછી તો ખાંડ પતી ગઈ અને ફક્ત કચરો જ નીકળતો હતો.
નારદમુનિએ સંજયની સામે જોઈ પૂછ્યું, ‘શું સમજ્યા કાર્યકારી પ્રભુ?’
સંજયે સાવ નિર્દોષતા સાથે ડોકું હલાવ્યું.
નારદમુનિએ કર્મના સિદ્ધાંતની સૌથી ગહન વાત સાવ સરળ રીતે સમજાવાનું શરૂ કર્યું.
‘જો આ ડબ્બામાં પહેલેથી જ ઘણીબધી ખાંડ હતી, બરોબર? તો માની લે કે આ ખાંડ છે એ આપણાં પુણ્ય. દરેક માણસના જીવનના ડબ્બામાં પાછલા જન્મના પુણ્ય જેટલી ખાંડ રહેલી હોય છે. આ કાણું જ્યારે ખોલ્યું. એટલે કે જીવન નામે ડબ્બામાં જેટલાં પુણ્યો હશે એટલી મીઠાશ તો તેને જીવનમાં મળે જ છે. હવે આની સાથે-સાથે એક સમય એવો આવે છે જ્યારે જીવનમાં પાપરૂપી કચરો ભળે. એટલે એક સમય એવો આવે કે જેમાં સારું અને નરસું બન્ને જીવનમાં સાથે અનુભવાય એટલે ખાંડ તો હોય, પણ કચરાવાળી અને પછી છેલ્લે સાહેબ કચરો જ નીકળે એટલે નર્ક જ નર્ક, શું સમજ્યા?


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2019 11:34 AM IST | Mumbai | Dr. Hardik Nikunj Yagnik

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK