ઇન્ડોનેશિયામાં મેલી વિદ્યા કરવા માટે ત્રણ વર્ષની છોકરીના શરીરમાં ૨૮ ખીલા જડ્યા

Published: 17th November, 2011 05:45 IST

ઇન્ડોનેશિયામાં અંધશ્રદ્ધાનો એક અત્યંત ઘૃણાસ્પદ કિસ્સો બહાર આવ્યો છે. તાજેતરમાં ત્રણ વર્ષની એક બાળકીના શરીરમાં ૨૮ ખીલા જડવામાં આવ્યા હતા. ગઈ કાલે ડૉક્ટરોએ બાળકીના શરીરમાંથી ખૂબ જ ચીવટપૂર્વક આ તમામ ખીલાઓ બહાર કાઢ્યા હતા.


કમકમાટી ઊપજાવે એવો આ બનાવ ઇન્ડોનેશિયાના સુલાવેસી આઇલૅન્ડના મકાસ્સરમાં બન્યો છે. ત્યાંના રહેવાસીઓ તથા કેટલાક અધિકારીઓએ આ બાળકી મેલી વિદ્યાનો ભોગ બની હોવાનું જણાવ્યું હતું. બાળકીના શરીરમાં ૧૦ સેન્ટિમીટર (ચાર ઇંચ)ના ૨૮ ખીલા જડવામાં આવ્યા હતા. મોટા ભાગના ખીલા પગમાં જડવામાં આવ્યા હતા તથા એક ખીલો બાળકીની કરોડરજ્જુ પાસે જડવામાં આવ્યો હતો.


માત્ર ત્રણ વર્ષની તથા ફૂલ જેવી કુમળી બાળકીનું ઑપરેશન કરનારા કમરુદ્દીન નામના સજ્ર્યને ગઈ કાલે જણાવ્યું હતું કે બાળકી હવે ખતરાની બહાર છે તથા ખૂબ જ ઝડપથી રિકવર થઈ રહી છે. સપ્ટેમ્બર મહિનામાં ડૉક્ટરોએ બાળકીનો એક્સ-રે પાડતાં તેના શરીરમાં ખીલા જડવામાં આવ્યા હોવાનું માલૂમ પડ્યું હતું. આ ખીલાઓ મેલી વિદ્યા વડે જડવામાં આવ્યા હોવા વિશે ત્યાંના સ્થાનિક લોકો શંકા સેવી રહ્યા હતા.


સાઉથ સુલાવેસી પ્રાન્તના ગર્વનર સ્યાહરુલ યાસિન લિમ્પોએ ગઈ કાલે આ બાળકીની મુલાકાત લીધી હતી અને તેમણે પણ મેલી વિદ્યાને જ દોષ દીધો હતો. સ્યાહરુલે ઓકેઝોન.કૉમ નામની ન્યુઝ વેબસાઇટ પર જણાવ્યું હતું કે ‘લોકોનું માથું અચાનક પોચું પડી જાય છે અને ડૉક્ટરોને પણ ખ્યાલ નથી આવતો કે આવું કયા કારણથી થયું છે. આ એક જાદુ છે જેનું વર્ણન કુરાનમાં કરવામાં આવ્યું છે.’


ડૉક્ટરોએ કહ્યું હતું કે બાળકીના પગમાં કોઈ વ્યક્તિએ છ મહિના સુધી ખીલા જડ્યા છે. બાળકીનાં માતાપિતાએ કહ્યું હતું કે ‘અમારી પુત્રીના શરીરમાં કોણે ખીલા જડ્યા એ વિશે અમને કંઈ જ ખબર નથી. તે તેના પગમાંથી ખીલા કાઢવા માટે પ્રયાસ કરી રહી હતી ત્યારે તેના પગમાં નિશાન થઈ ગયાં હતાં.’

બ્લૅક મૅજિકની વ્યાપક માન્યતા

ઇન્ડોનેશિયા એક મુસ્લિમ રાષ્ટ્ર છે અને તેઓ કાળા જાદુમાં વ્યાપક વિશ્વાસ ધરાવે છે. ૨૦૦૯માં રાષ્ટ્રપતિપદની ચૂંટણી પહેલાં ઇન્ડોનેશિયાના પ્રમુખ સુસીલો બાન્ગબૅન્ગ યુદ્ધોયોનોએ આક્ષેપ કર્યો હતો કે તેમના પર બ્લૅક મૅજિક કરવામાં આવ્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK