સબાઉદ્દીન તથા ફહીમ થયા પુરાવાના અભાવે દોષમુક્ત

Published: 30th August, 2012 05:16 IST

ટેરર અટૅકના કેસમાં ખોટી રીતે ફસાવવા બદલ રાજ્ય સરકાર વિરુદ્ધ નુકસાનીનો દાવો કરશે

મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાના આરોપી ફહીમ અન્સારી તથા સબાઉદ્દીન અહમદને સુપ્રીમ કોર્ટે દોષમુક્ત કર્યા છે. સમગ્ર કેસમાં તેમને ખોટી રીતે ફસાવવા બદલ સબાઉદ્દીન અહમદ તથા ફહીમ અન્સારી રાજ્ય સરકાર વિરુદ્ધ બે સપ્તાહની અંદર વળતર તથા નુકસાનીનો દાવો માંડશે એમ ‘મિડ-ડે’ સાથે વાતચીત કરતાં ગઈ કાલે તેમના વકીલ ઇજાઝ નકવીએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ કેસમાં મારા અસીલને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો તેમ જ સુપ્રીમ કોર્ટે તેમને દોષમુક્ત કર્યા હતા. આતંકવાદીઓએ જે સ્થળો પર હુમલાઓ કર્યા હતા એનો નકશો ફહીમ અન્સારીએ બનાવ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેને સબાહુદ્દીન અહમદે આતંકવાદીઓને આપ્યો હોવાનો આરોપ હતો. ફરિયાદી પક્ષે કરેલા દાવા પ્રમાણે આ મૅપ અબુ ઇસ્માઇલ નામના આતંકવાદીના પાકીટમાંથી મળ્યો હતો.

ઇજાઝ નકવીએ કહ્યું હતું કે ‘સેશન્સ કોર્ટ, બૉમ્બે હાઈ કોર્ટ તથા સુપ્રીમ કોર્ટે પણ અમારી દલીલને માન્ય રાખી છે. નૂરુદ્દીનના સ્ટેટમેન્ટના આધારે સબાઉદ્દીન તથા ફહીમની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેઓ ક્યારે મળ્યાં એની કોઈ ચોક્કસ તારીખ નથી. વળી જે નકશો મળ્યો એના પર લોહીના કોઈ ડાઘ પણ નહોતા.’

મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાના મામલે ચુકાદો આપનારા જજ એમ. એલ. તાહિલિયાનીએ પણ સબાઉદ્દીન તથા ફહીમ વિરુદ્ધના તમામ પુરાવાઓનો અભ્યાસ કર્યો હતો તેમ જ એ બાબતે શંકાઓ ઊભી કરી હતી. વળી લશ્કર-એ-તય્યબાના હુમલાખોરો માટે ટાર્ગેટ નક્કી કરવાની કામગીરી અમેરિકામાં સજા ભોગવી રહેલા ડેવિડ હેડલીએ કરી હોવાની વાતનો સ્વીકાર કરતાં સબાઉદ્દીન તથા ફહીમ વિરુદ્ધનો કેસ પણ નબળો પડી ગયો હતો. તેમના છુટકારા વિશે સરકારી પક્ષના વકીલ ઉજ્જવલ નિકમે કહ્યું હતું કે ‘પુરાવાના અભાવે તેમને દોષમુક્ત કરવામાં આવ્યા છે. પૂરતા પુરાવાઓનો અભાવ તેમ જ પુરાવા ન હોવાની વચ્ચે ઘણો તફાવત છે. કેટલાક પુરાવાઓ શોધી શકાય એમ નથી હોતા એટલે પુરાવાઓ શોધવામાં નિષ્ફળ જવું એનો અર્થ એવો તો નથી જ થતો કે તપાસમાં ખામી છે.’

જોકે સુપ્રીમ કોર્ટે બન્ને આરોપીને દોષમુક્ત કરતાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની તપાસ-કામગીરી બાબતે પ્રશ્નાર્થ પણ ઊભા થયા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK