અજમલ આમિર કસબ જીવતો છે?

Published: Dec 11, 2015, 03:06 IST

પાકિસ્તાનની એક કોર્ટમાં ચાલી રહેલા મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાના કેસમાં એક હેડમાસ્ટરે કહ્યું કે મેં કસબને ભણાવ્યો છે અને તેને કોર્ટમાં હાજર કરી શકું છું


kasab


લાહોરની એક કોર્ટમાં મુંબઈ હુમલાના કેસમાં સરકારી પક્ષને એક મોટો ઝટકો લાગ્યોે હતો જ્યારે એક મહત્વના સાક્ષી પોતાની જુબાનીથી ફરી ગયા હતા અને જણાવ્યું હતું કે હુમલામાં જીવતો પકડાયેલો એકમાત્ર આતંકવાદી અજમલ કસબ જીવતો છે. હકીકતમાં અજમલ કસબને નવેમ્બર-૨૦૧૨માં ભારતની પુણેની જેલમાં ફાંસી આપવામાં આવી હતી. પાકિસ્તાનના ફરીદકોટની પ્રાથમિક શાળાના હેડમાસ્ટર મુદ્દસીર લખવીની સ્કૂલમાં અજમલ કસબ ત્રણ વર્ષ સુધી ભણ્યો હતો. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે તેમણે કસબને ભણાવ્યો છે અને અજમલ કસબ જીવતો છે.

આ કેસની સુનાવણી બુધવારે રાવલપિંડીની અડિઆલા જેલમાં ઍન્ટિ-ટેરરિઝમ કોર્ટે  કરી હતી. બુધવારે જ પાકિસ્તાને ભારતને બાંંયધરી આપી હતી કે મુંબઈ હુમલાના કેસની સુનાવણીને પ્રાથમિકતા આપીશું. આ બાંયધરી ભારતનાં વિદેશપ્રધાન સુષમા સ્વરાજ અને અને પાકિસ્તાનના વડા પ્રધાનના વિદેશ બાબતોના સલાહકાર સરતાજ અઝીઝ વચ્ચેની મુલાકાતમાં આપવામાં આવી હતી. એક પાકિસ્તાની અધિકારીએ જણાવ્યું હતું કે  ‘હેડમાસ્ટરે સરકારી પક્ષને ભોંઠો પાડ્યો છે. તેમણે કસબ જ્યારે સ્કૂલમાં ભણતો હતો અને  એ વખતની સંબંધિત જાણકારી આપવાની હતી એને બદલે હેડમાસ્ટરે જુદી જુબાની આપી હતી અને સરકારી પક્ષ હેડમાસ્ટરની યોગ્ય ઊલટતપાસ લેવામાં નિષ્ફળ નીવડ્યો હતો. આ હેડમાસ્ટર મુંબઈ હુમલાના આરોપી ઝકી-ઉર-રહેમાનના ગામનો રહેવાસી છે અને શક્ય છે કે તેણે ઝકી-ઉર-રહેમાનના દબાણમાં જુબાની આપી છે. મે-૨૦૧૪માં હેડમાસ્ટરે કોર્ટને કહ્યું હતું કે કસબ હજી જીવતો છે. એથી સરકારી પક્ષે હેડમાસ્ટરની ફરી ઊલટતપાસ લેવા અરજી કરી હતી, પરંતુ હેડમાસ્ટર પોતાની વાતને વળગી રહ્યો હતો અને જુબાની ફેરવી તોળી હતી. હેડમાસ્ટરે ભારતમાં ફાંસી આપવામાં આવેલા કસબનો કોઈ ઉલ્લેખ નહોતો કર્યો અને કસબ તેમની સ્કૂલમાં ભણ્યો હતો એ વિશે કોઈ ઉલ્લેખ નહોતો કર્યો. હેડમાસ્ટરે કોર્ટને અગાઉ જણાવ્યું હતું કે જો જરૂર પડે તો તેઓ કસબને કોર્ટમાં હાજર કરશે. આ કેસની આગલી સુનાવણી ૧૬ ડિસેમ્બરે થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK