ગે પાર્ટનરે સંભોગ કરવા દેવાની ના પાડતા હત્યા

Published: 26th December, 2012 05:10 IST

દહિસરમાં ભાડે રહેતા મૅનેજમેન્ટના સ્ટુડન્ટની પોલીસે આ સંબંધે ધરપકડ કરી છેબોરીવલી(વેસ્ટ)ના એમએચબી પોલીસ-સ્ટેશનના અધિકારીઓએ ૨૧ વર્ષના મૅનેજમેન્ટના સ્ટુડન્ટની તેના મિત્રની સોમવારે વહેલી સવારે હત્યા કરવાના આરોપસર ધરપકડ કરી છે. તેમની વચ્ચે ક્ષુલ્લક કારણસર મારામારી થઈ અને એમાં આ હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ કહી રહી છે. એમ છતાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ હત્યાનું મૂળ કારણ તેમની વચ્ચેના સમલિંગી સંબંધો હતા, જેમાં એક પાર્ટનરે સેક્સ કરવાની ના પાડતાં બીજા પાર્ટનરે તેની હત્યા કરી હતી.

પોલીસે હત્યાના આરોપસર ૨૧ વર્ષના ઍલેક્ઝાન્ડર ડિસોઝાની તેના મિત્ર રાયન ગોમ્સની હત્યા કરવા બદલ ધરપકડ કરી છે. રાયન અને ઍલેક્ઝાન્ડર મિત્રો હતા અને છેલ્લા છ મહિનાથી સમલિંગી સંબંધો ધરાવતા હતા. તેમણે દહિસર (વેસ્ટ)ના નવાગામમાં એક રૂમ પણ ભાડે લીધી હતી. તેઓ તેમના વિસ્તારમાં ક્રિસમસ ડેકોરેશનનું કામ કરતા હતા અને ક્યારેક દારૂ પણ વેચતા હતા. પોલીસને તેમની રૂમમાંથી દારૂની ખાલી બૉટલો અને ફૂડ-પૅકેટ્સ પણ મળી આવ્યાં હતાં.

શું બન્યું હતું?

ક્રિસમસ નિમિત્તે તેમણે તેમની રૂમ પણ સજાવી હતી અને દારૂ પણ પીધો હતો. જમ્યા પછી તેમણે સંભોગ પણ કર્યો હતો. પોલીસનું કહેવું છે કે ઍલેક્ઝાન્ડર એ પછી થાકી ગયો હતો અને તેને સૂઈ જવું હતું, પણ રાયન વધુ સંભોગ કરવા માગતો હતો એટલે બન્ને વચ્ચે પહેલાં બોલાચાલી થઈ હતી અને પછી મારામારી થઈ હતી. રાયને ગુસ્સામાં આવીને ઍલેક્ઝાન્ડરના માથા પર દારૂની બૉટલ મારી હતી અને તેના પર હાવી થઈ ગયો હતો. ત્યારે ઍલેક્ઝાન્ડરે બાજુમાં પડેલું ચાકુ હાથમાં આવી જતાં એ રાયનના પેટમાં હુલાવી દીધું હતું અને તેને દીવાલ તરફ ધકેલી દીધો હતો. થોડી વારમાં રાયન મૃત્યુ પામ્યો હતો. એ પછી ઍલેક્ઝાન્ડરે વહેલી સવારે રાયનના પિતાને ફોન કરી કહ્યું હતું કે રાયન મૃત્યુ પામ્યો છે.

આરોપીએ ઊપજાવેલી વાત

રાયનના પિતાએ આ બાબતે ફરિયાદ નોંધાવી હતી અને ફોન કરીને આ માહિતી આપનાર ઍલેક્ઝાન્ડર જ રાયન સાથે છેલ્લે હતો એટલે તેના પર શંકા વ્યક્ત કરી હતી. ઍલેક્ઝાન્ડરે પોલીસને કહ્યું હતું કે ‘રાયન તેને કશુંક કહેવા માગતો હતો અને ડિપ્રેસ લાગતો હતો એટલે તેને રૂમ પર બોલાવ્યો હતો. એ પછી તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને તેને માર્યો હતો. પછી તે ઢળી પડ્યો હતો.’ 

આ બાબતે એમએચબી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર એસ. બી. કિળજેએ કહ્યું હતું કે અમને શંકા છે કે ઍલેક્ઝાન્ડરે જ રાયનની હત્યા કરી હોઈ શકે એટલે અમે તેની ધરપકડ કરી છે અને કેસની વધુ તપાસ કરી રહ્યા છીએ.  

એમએચબી = મહારાષ્ટ્ર હાઉસિંગ બોર્ડ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK