જસ્ટ લેટ ઇટ ઑલ ગો

Published: Jul 03, 2017, 06:29 IST

નકામી થઈ ગઈ હોવા છતાં ક્યારેક કામ આવશે એમ વિચારીને આપણે કેટલીયે વસ્તુઓ જમા કરતા જ રહીએ છીએ. ઘણા લોકો આવી સંગ્રહવૃત્તિને પોતાની આવડત તરીકે જોતા હોય છે, પરંતુ વાસ્તવમાં એ પણ એક નકામી આદત જ છે. એ જ રીતે આપણે કેટલાંક નકામા વિચારો, કડવા અનુભવો, કડવી લાગણીઓ મનમાં ભેગાં કરતા જઈએ છીએ અને પોતાની અંદર તથા આસપાસ નકારાત્મક્તા ફેલાવતા રહીએ છીએ. ખરેખર તો ગુલઝારની છોડ આએ હમ વો ગલિયાં પંક્તિની માફક જ આપણે પણ એ બધું છોડીને આગળ વધવાનું શીખવું જોઈએસોશ્યલ સાયન્સ - ફાલ્ગુની જડિયા-ભટ્ટ


આજે મારે એક કબૂલાત કરવી છે. મારાથી એક ભૂલ થઈ ગઈ છે. મારા એક પાડોશી છે. તેમની પત્નીને એક માનસિક બીમારી છે, જેનું નામ છે કમ્પલ્સિવ ર્હોડર સિન્ડ્રૉમ. આ બીમારીથી પીડાતા લોકો જૂની અને નકામી વસ્તુઓ સાચવી રાખવાના જબરા શોખીન હોય છે. વાસ્તવમાં તેમને શોખ નહીં, આદત હોય છે. વસ્તુઓ સંગ્રહી રાખવાની ખરાબ આદત. તેમનાથી કશુંય છૂટતું નથી. જૂની કિતાબો, ખાલી ખોખાંઓ, તૂટેલાં વાસણો... અરે, ભંગારવાળા કે રદ્દીવાળા પણ જેને ઉપાડવાની ના પાડી દે એવી-એવી વસ્તુઓ જીવની જેમ સાચવી રાખનારા આ રોગથી પીડાતા સંગ્રહખોરો દુનિયામાં થઈ ગયા છે.

મારા પાડોશીની એ પત્નીનું પણ કંઈક એવું જ છે. તેમણે પહેરેલાં કપડાં જૂનાં થઈને ઘસાઈ ગયાં છે કે આઉટ ઑફ ફૅશન થઈ ગયાં છે એ જ્યાં સુધી કોઈ તેમને ન કહે ત્યાં સુધી તેમને સમજાતું નથી. પગમાં પહેરેલાં શૂઝનું સોલ જ્યાં સુધી ઘસાઈને હાથમાં ન આવી જાય કે પછી ચંપલની પટ્ટીઓના રામ ન રમી જાય ત્યાં સુધી કાઢી નાખવાનું તેમને સૂઝતું નથી. જૂની ક્રૉકરીના એકેક પીસ તૂટી ન જાય ત્યાં સુધી તેઓ એને મિક્સ ઍન્ડ મૅચ કરીને વાપર્યા કરે છું. બંધ પડી ગયેલી કેટલીય ઘડિયાળો એક દિવસ રિપેર કરાવીને વાપરવાના ઇરાદાથી તેમણે સાચવી રાખી છે. આ અને આવું બીજું ઘણું તમને તેમના જૂના ડલ્લામાંથી મળી આવે તો નવાઈ નહીં.

પરિણામે પહેલી વાર જ્યારે મેં તેમને આ ડિસઑર્ડર વિશે જણાવ્યું ત્યારે તેમને પાકો વિશ્વાસ થઈ ગયો કે તેમને પણ આ બીમારી છે જ. બસ, એનું પ્રમાણ ઉપર જણાવ્યું તેવા ગાંડાઓની સરખામણી થોડું સહ્ય કહી શકાય એટલું છે. વર્ષો સુધી વસ્તુઓને સાચવી રાખવાની પોતાની આ આદતને આવડત સમજી તેઓ પોરસાતાં હતાં, પરંતુ મનોવિજ્ઞાન તેમની આ આવડતને બીમારી તરીકે જુએ છે એ અતિજ્ઞાને હવે તેમને સહદેવની જેમ પીડવાનું શરૂ કરી દીધું છે. બીજી બાજુ આ ડિસઑર્ડર વિશે જણાવી તેમને આ પીડા આપવામાં ક્યાંક હું નિમિત્ત બની એ વિચારે હવે મને પીડવાનું શરૂ કરી દીધું છે.

અલબત્ત, મારી આસપાસ નજર કરું છું તો એવું લાગે છે કે વધતેઓછે અંશે આપણે બધા જ આ બીમારીથી પીડાઈ રહ્યા છીએ. કોઈએ એટલાં પુસ્તકો ભેગાં કર્યાં છે કે ઘરમાં ઈંટ અને રેતીના સ્થાને પુસ્તકોની દીવાલો ઊભી કરવી પડી છે. તો કોઈના કબાટમાં એટલાં કપડાં છે કે વેચવા કાઢે તો આખી ને આખી દુકાન ભરાઈ જાય. કેટલીક ગૃહિણીઓને સ્ટીલનાં વાસણો ભેગાં કરવાનો એટલોબધો શોખ હોય છે કે તેમની દીકરીની દીકરીની દીકરીનું પણ આખેઆખું કિચન સેટ થઈ જાય. તો કેટલાક પુરુષોએ એટલાબધા જૂના હિસાબના ચોપડા સાચવી રાખ્યા છે કે નજીકના ભવિષ્યમાં વિદ્યાર્થીઓને પ્રાગૈતિહાસિક નામું લખવાની પદ્ધતિ સમજાવવા નમુનારૂપે દેખાડી શકાય તો પણ નવાઈ નહીં. જોકે ક્રૉકરી વાપરવાની બાબતમાં મોટા ભાગની મહિલાઓનો અપ્રોચ મારી એ પાડોશણ જેવો જ છે એ જાણીને મને બહુ સારું લાગે છે. બલકે ૯૦ ટકા તો એવી છે, જે તૂટી જવાના ડરથી ઘરમાં ઢગલો કાચનાં વાસણ પડ્યાં હોવા છતાં વાપરવા કાઢતી જ નથી. માત્ર શોકેસમાં સજાવીને મૂકી રાખે છે. પરંતુ સૌથી વધુ આર્યની વાત તો પ્લાસ્ટિકના ડબ્બાઓ પ્રત્યેનું સ્ત્રીઓનું વળગણ છે. કોઈને કશું આપવામાં કામ લાગશે, કશુંક ભરીને મૂકવામાં કામ લાગશે એવું વિચારી-વિચારીને તેઓ ખાનાં ને ખાનાંઓ ભરીને પ્લાસ્ટિકના ડબ્બાઓ ભેગા કર્યે જ જાય છે અને છતાં તેમને જાણે ધરવ જ થતો નથી.

તેમ છતાં આવા લોકોને જોઈને દુ:ખ થતું નથી. અરે ભાઈ, દરેકના જીવનમાં કોઈ એકાદ પૅશન તો હોવું જ જોઈએને. હવે તેમને વસ્તુઓ ભેગી કરવાનું પૅશન છે તો એમાં ખોટું શું છે? જૂની ચલણી નોટો ભેગી કરવી, ઐતિહાસિક સ્ટૅમ્પ્સ ભેગી કરવી, દુનિયાભરની માચીસનાં ખોખાં ભેગાં કરવાં કે પાનાંની કેટ ભેગી કરવાના શોખ જેવો જ આ પણ એક શોખ જ થયો કે નહીં?

દુ:ખ તો એવા લોકોને જોઈને થાય છે, જેઓ ભૂતકાળની કડવી યાદોની કિતાબો લઈને ફર્યા કરે છે. આવા લોકોને કેમ છો પૂછવા જતાં તેમની આખી કહાણી સુણવા જેવો ઘાટ થાય છે. કોઈ પોતાના તૂટેલા દિલના ટુકડા લઈને ફરી રહ્યું છે તો કોઈ મનમાં કડવાહટનો ખજાનો. અમુક પાસે પોતાનાં વેરવિખેર થઈ ગયેલાં સપનાંઓની કચ્ચરો સિવાય બીજું કશું જ નથી તો અમુક પાસે પોતાની બુઝાઈ ગયેલી ઉમ્મીદોનાં ખાલી કોડિયાં માત્ર બચ્યાં છે. કોઈ પોતાનાં બાળકોને માત્ર પોતાની નફરત અને ઈષ્ર્યાનો વારસો આપી રહ્યું છે તો કોઈ પોતાની અધૂરી મહત્વાકાંક્ષાઓની પૂંજી.  

આવા લોકોના જીવનનું એકમાત્ર પૅશન પોતાનાં દુ:ખડાં રડ્યાં કરવાનું અને પોતાના જીવનની દર્દભરી દાસ્તાન બધાને સંભળાવ્યા કરવાનું હોય છે. તેઓ પોતે તો સ્વભાવે નકારાત્મક હોય છે, પરંતુ આવું કરી-કરીને તેઓ પોતાની આસપાસ પણ નકારાત્મકતા ફેલાવ્યા કરે છે. તેમની સરખામણીમાં નકામી વસ્તુઓ ભેગી કરનારા કે પછી પોતાનું અલાયદું કલેક્શન ઊભું કરવાનો પ્રયત્ન કરનારા સારા છે. ઍટ લીસ્ટ તેમના જીવનમાં કોઈ પૅશન તો છે. ભલે એકદમ સકારાત્મક ન હોય, પરંતુ તદ્દન નકારાત્મક તો નથી જને?

લૌકિક વસ્તુઓ ભેગી કરનારાઓને, પૈસા કે વસ્તુઓની પાછળ દોડનારાઓને હંમેશાં લોકો સલાહ આપે છે કે અંત મેં કુછ સાથ નહીં આતા. ઇન્સાન ખાલી હાથ આયા હૈ, ખાલી હાથ હી જાએગા. સાચું. અક્ષરશ: સાચું. પરંતુ શું તમે તમારી આ નકારાત્મક લાગણીઓ સાથે લઈ જઈ શકવાના છો? અને જો લઈ જઈ શકાતી હોય તો પણ શું તમે આ નકારાત્મક્તાને સાથે લઈ જવા માગો છો? જો નહીં તો પછી આ જન્મમાં પણ કેમ એને ગળે બાંધીને ફરી રહ્યા છો?

અહીં મને પેલી પ્રચલિત વાર્તા યાદ આવી રહી છે. બે સાધુઓ ક્યાંક જઈ રહ્યા હતા. ત્યાં રસ્તામાં તેમને એક સ્ત્રી મળી. તેણે તેમને પોતાને નદી પાર કરાવી દેવાની વિનંતી કરી. આ વિનંતી પર પહેલા સાધુએ સ્ત્રીને પોતાની પીઠ પર ઊંચકી લીધી અને નદી પાર કરાવી દીધી. આ જોઈ બીજો સાધુ થોડો અકળાયો. નદી પાર કરીને પેલી સ્ત્રી તો જતી રહી, પરંતુ આ સાધુની ચીડ ગઈ નહીં. તેથી થોડું આગળ ગયા બાદ તેણે પહેલા સાધુ પર ગુસ્સો કર્યો. તેના ગુસ્સાના જવાબમાં પહેલા સાધુએ માત્ર એટલું જ કહ્યું કે તું હજી એ સ્ત્રીને લઈને ફરી રહ્યો છે? મેં તો ક્યારની તેને ઉતારી દીધી.

ટૂંકમાં તમે દુન્યવી દ્રષ્ટિએ શું લઈને ફરી રહ્યા છો એના કરતાં પણ વધુ મહત્વનું તમે પોતાના મનમાં શું લઈને ફરી રહ્યા છો એનું છે. તો હવે તમે જ નક્કી કરો કે તમે મનમાં શું લઈને ફરવા માગો છો? સારા વિચારો અને મીઠી યાદો કે પછી નકારાત્મક વિચારો અને પીડાદાયક યાદો? વળી હકીકત તો એ છે કે જેમ જૂની નકામી વસ્તુઓ કાઢી આપણે આપણા ઘરમાં નવી સારી વસ્તુઓ માટે જગ્યા ઊભી કરીએ છીએ એવી જ રીતે જૂના નકામા વિચારો અને લાગણીઓ ટા-ટા, બાય-બાય કહીને આપણે નવા વધુ સારા વિચારો અને લાગણીઓ માટે જગ્યા બનાવીએ છીએ. એ રિક્ત સ્થાનમાં જ કાલે ઊઠીને કંઈક વધુ ફળદ્રુપ અને ફળદાયી આવીને રોપાવાની સંભાવના રહે છે, પરંતુ એ માટે પહેલી શરત જૂની નકારાત્મકતાને છોડવાની છે. તો યાર, મસ્ત રહો. એન્જૉય કરો ઍન્ડ જસ્ટ લેટ ઇટ ઑલ ગો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK