કાયદો દરેક વ્યક્તિને એકસરખી રીતે જુએ છે

Published: 29th December, 2014 05:51 IST

ઘણાને એવું લાગે છે કે સેલિબ્રિટીને બહુ સરળતાથી કાયદામાંથી છુટકારો મળી જાય છે અને તેમને જ્યારે જોઈએ ત્યારે આઝાદી પણ મળી જાય છે, પણ એવું નથી હોતું.



સ્પેશ્યલ કમેન્ટ - ઉજ્જ્વલ નિકમ, ખ્યાતનામ ઍડ્વોકેટ


ઘણાને એવું લાગે છે કે સેલિબ્રિટીને બહુ સરળતાથી કાયદામાંથી છુટકારો મળી જાય છે અને તેમને જ્યારે જોઈએ ત્યારે આઝાદી પણ મળી જાય છે, પણ એવું નથી હોતું. કાયદો બધા માટે એકસમાન જ હોય છે અને કાયદો બધાને એકસરખી રીતે જ ટ્રીટ કરે છે. સંજય દત્તને મળી રહેલા પરોલ પર બધાનું ધ્યાન એટલે છે કે તે સેલિબ્રિટી છે. ર્કોટ ક્યારેય એ વાત ધ્યાન પર નથી લેતી. ર્કોટ માટે બધા એકસમાન જ છે. સામે સ્ટાર છે એટલે ર્કોટ રહેમદિલી રાખે એ વિચારવું પણ ખોટું છે. સંજય દત્તને જેટલી પરોલ મળે છે એટલી જ પરોલ બીજા આરોપીને પણ મળી રહી છે, પણ એના પર મીડિયા કે બીજા લોકોનું ધ્યાન નથી જતું, કારણ કે તે એક સામાન્ય માણસ હોય છે.

આજના સમયમાં કાંઈ પણ ખોટું કરવું એ અઘરું કામ થઈ ગયું છે, કારણ કે મીડિયા સજાગ રીતે નજર રાખે છે અને એની નજરથી કોઈ દૂર રહેતું નથી એની પણ જવાબદાર લોકોને ખબર પડી ગઈ છે. આ જ કારણે કોઈ પોતાની રેપ્યુટેશનને ધ્યાનમાં રાખીને જોખમ લેવા તૈયાર નથી. હું માત્ર મુંબઈની કે મહારાષ્ટ્રની જ વાત નથી કરતો. બિહાર, ઉત્તર પ્રદેશ અને દિલ્હી, કલકત્તા જેવાં રાજ્યો અને શહેરોમાં પણ આ જ પરિસ્થિતિ હોય છે. કાયદો પોતાનું કામ મજબૂત રીતે કરી રહ્યો છે. સંજય દત્તની જેમ અનેક સેલિબ્રિટી એવી છે જેણે કાંઈ ખોટું કર્યું હોય તો તેને એની સજા પણ મળી રહી છે અને તેઓ આજે જેલમાં સજા પણ કાપી રહ્યા છે. હું જેમની વાત કરું છું એમાં તો મિનિસ્ટ્રી સ્તરે પહોંચેલા નેતાઓ પણ આવી ગયા. સત્તા પર હોય એવા સમયે તેમના પર કેસ ચાલ્યો હોય અને તેમને સજા આપવામાં આવી હોય. ગુજરાતમાં ચાલતા એક એન્કાઉન્ટરના કેસમાં તો આઇપીએસ ઑફિસરની પણ અટકાયત થઈ છે. મારું કહેવું એ છે કે હવે કાનૂન પર શંકા કરવી ન જોઈએ. હા, જો કેસની રજૂઆત યોગ્ય રીતે ન થઈ હોય અને જો કેસને બરાબર રીતે મૂકવામાં ન આવ્યો હોય તો કોઈ વખત એવું બને ખરું કે મનમાં શંકા જન્મે, નહીં તો આ કામ યોગ્ય રીતે જ થતું રહ્યું છે અને ભવિષ્યમાં પણ એ થતું જ રહેશે.

કાયદાઓની છટકબારી હવે બધા માટે બંધ થઈ ગઈ છે એવું કહીએ તો એમાં મને અતિશયોક્તિ નથી લાગતી. છેલ્લાં પાંચ-સાત વર્ષના કિસ્સાઓ જોશો તો તમને પણ આ વાત સમજાશે. જેમણે ખોટું કર્યું નથી તેમની વાત નથી, પણ જે ખોટું કરતા રહે છે અને કરે છે તેમને પણ હવે સમજાઈ ગયું છે કે ઇન્ડિયન લૉની છટકબારીઓ બંધ થઈ ગઈ છે અને એને કારણે હવે ક્રાઇમ-રેટમાં આંશિક સ્તરે ઘટાડો પણ દેખાયો છે, જે ભવિષ્યમાં વધુ સ્પષ્ટ રીતે દેખાશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK