બદલાપુરમાં રહેતા એક વર્ષના બાળકને ઇલાજ માટે મદદની અપીલ

Published: 29th December, 2014 05:41 IST

જન્મથી બોલી અને સાંભળી ન શકતા એક વર્ષ અને ત્રણ મહિનાની ઉંમરના બદલાપુરમાં રહેતા આદિત કુલદીપ ભોઈર નામના બાળકને સારવાર માટે મદદની જરૂર છે.
આદિત જન્મથી જ બોલી-સાંભળી શકતો ન હોવાથી તેને ડૉક્ટરોએ કોચલેર ઇમ્પ્લાન્ટની સર્જરી કરવા કહ્યું છે. એમાં કાનમાં એક મશીન મૂકવામાં આવે છે. આદિતની સારવાર સુધરાઈ સંચાલિત નાયર હૉસ્પિટલમાં ચાલી રહી છે અને ડૉક્ટરોએ ઑપરેશન માટેની તારીખ ૧૨ જાન્યુઆરી આપી છે. જોકે કોચલેર ઇમ્પ્લાન્ટ સર્જરીમાં એક કાનમાં મશીન બેસાડવાનો ખર્ચ ઘણો છે. એક મશીન ઓછામાં ઓછું ૫,૩૮,૦૦૦ રૂપિયાનું છે. આદિતને બન્ને કાનમાં મશીન બેસાડવું પડશે. જોકે પૈસાની વ્યવસ્થા થઈ ન હોવાથી શરૂઆતમાં તેને  એક જ કાનમાં મશીન બેસાડવામાં આવશે. હજી સુધી ઑપરેશનના પૂરેપૂરા પૈસાની વ્યવસ્થા થઈ શકી ન હોવાથી ૧૨ જાન્યુઆરીએ તેનું ઑપરેશન થાય કે નહીં એ માટે શંકા છે. આદિતના પપ્પા એક પ્રાઇવેટ કંપનીમાં નાના પગારની નોકરી કરે છે એટલે આટલાબધા પૈસા ભેગા કરવા તેમને માટે અશક્ય છે. અત્યાર સુધી તેમને મહારાષ્ટ્ર ચીફ મિનિસ્ટર ફન્ડ તેમ જ શિર્ડીમાં આવેલા સાંઈબાબા મંદિરના ટ્રસ્ટમાંથી થોડી રકમ મળી છે. વડા પ્રધાન ફન્ડમાંથી મદદ મેળવવા માટે પણ તેમણે અપીલ કરી છે, પરંતુ હજી સુધી એ માટે કોઈ જવાબ આવ્યો નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK