લાંબું જીવવું હોય તો તમતમારે રાખો ઉંમર પચપન કી દિલ બચપન કા

Published: 26th December, 2014 05:03 IST

યંગ ફીલ કરવાથી ઉંમર લૉન્ગ થાય છે એવો એક અભ્યાસ હમણાં લંડનમાં કરવામાં આવ્યો છે. આની પાછળનું સાયન્સ અને યંગ ફીલ કરવું એટલે શું એના પાયાના નિયમો જાણી લોસ્પેશ્યલ સ્ટોરી - રુચિતા શાહ

જે લોકો પોતાની ઉંમર કરતાં નાના હોવાનો અહેસાસ ધરાવતા હોય એ લોકો માટે એક ગુડ ન્યુઝ છે. લંડનના રિસર્ચરોએ એક સર્વે કર્યો છે, જેમાં સ્પષ્ટ કર્યું છે કે જે લોકો પોતાની ઉંમર કરતાં ત્રણ વર્ષ નાના હોવાનો અનુભવ કરે છે એ લોકોની ખરેખર આઠ વર્ષ જેટલી આયુ વધી જાય છે. એટલે કે ધારો કે તમારી ઉંમર ૪૫ વર્ષની છે, પરંતુ ૪૦ વર્ષની વ્યક્તિની જેમ યંગ ફીલ કરતા હો તો આગલાં આઠ વર્ષ રાજીખુશીથી જીવવાના તમારા ચાન્સ વધી જાય છે. યંગ ફીલ કરવાથી લાંબું જિવાય છે એવું આ રિસર્ચરો ટૂંકમાં કહેવા માગે છે. ઉંમરના આંકડાઓમાં કદાચ ઊંડા ન ઊતરીએ તો પણ યુવાનીનો અનુભવ કરવાથી લાંબું જિવાય અને સારું જિવાય એ વાત સાવ કાઢી નાખવા જેવી તો નથી જ. માત્ર આપણો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવાથી કદાચ આઠ વર્ષને બદલે બે-ત્રણ કે ચાર વર્ષ વધારે જિવાતું હોય તો વાંધો શું છે? શા માટે આપણે એમાં પાછા પડવું જોઈએ? જોકે આ દિશામાં લાંબી ચર્ચા કરવાને બદલે પહેલાં યંગ ફીલ કરવાથી લાંબું કઈ રીતે જિવાય એ પાછળનો ફન્ડા જાણીએ.

સર્વેમાં હતું શું?

લંડનના રિસર્ચરોએ લગભગ બાવન વર્ષની ઉંમર ધરાવતા ૬૦૦૦ લોકો પર આ સર્વે કર્યો હતો. ૨૦૦૪ અને ૨૦૦૫માં રિસર્ચરોએ સર્વેમાં સામેલ લોકોને તેઓ કેટલું યંગ મહેસૂસ કરે છે એવું પૂછ્યું ત્યારે પોણા ભાગના લોકોએ પોતાની ઉંમરથી તેઓ સરેરાશ ત્રણ વર્ષ નાના હોય એવું તેમને લાગે છે એવું કહ્યું. પા ભાગના લોકો પોતે જેટલા વર્ષના છે એટલી જ ઉંમર અનુભવતા હતા અને પાંચ ટકા લોકો એવા હતા જેઓ પોતાની ઉંમર કરતાં પણ વધુ મોટા હોય એવું અનુભવતા હતા. ૨૦૧૪માં ફરી જ્યારે એ જ લોકોની મુલાકાત લીધી તો ખબર પડી કે જે લોકો પોતાની ઉંમર કરતાં યંગ ફીલ કરતા હતા એ લોકોમાંથી ૧૪ ટકા લોકો ગુજરી ગયા હતા. પોતાની રિયલ ઉંમરને જ મહેસૂસ કરનારા લોકોમાંથી ૧૯ ટકા લોકો મૃત્યુ પામ્યા હતા અને પોતાની ઉંમર કરતાં પોતે વધુ ઉંમરના હોવાનો અનુભવ કરનારા લોકોમાંથી પોણાભાગના લોકો ગુજરી ગયા હતા. આ સર્વેના તારણ વિશે રિસર્ચરોનું માનવું હતું કે જે લોકો પોતાને ઘરડા માને છે એ લોકોની માનસિકતા નકારાત્મક છે અને તેઓ થોડા બીમાર પણ છે એટલે જ તેમના મૃત્યુના ચાન્સ વધી જાય છે. મોટે ભાગે ઉંમરના બીજા તબક્કામાં લોકો પોતાની ઉંમર કરતાં વધુ યંગ હોવાનું ફીલ કરે છે. બીજું, જે લોકો પોતાને ઘરડા માને છે એ લોકો થોડા એકલવાયા, બહાર જવાનું ઓછુ પસંદ કરનારા અને ફિઝિકલી ઓછા ઍક્ટિવ હોય છે. એજિંગ માટેના વ્યક્તિના પૉઝિટિવ દૃષ્ટિકોણની બહુ ગહેરી અસર છે એ વાત લોકોને સમજાવવા માટે આ રિસર્ચ બહુ મહત્વનું છે એવું રિસર્ચરોનું માનવું હતું. લોકોએ પોતાની ઉંમર વધુ હોય તો પણ ઘરડા થઈ ગયાની લાગણી ન અનુભવવી એ તેમની જ હેલ્થ માટે પૉઝિટિવ છે એવું પણ તેમનું કહેવું હતું.

બહુ જ સિમ્પલ લૉજિક

ઉંમર પચપનકી હોય, દિલ બચપનનું હોય તો એનાથી આપણે કેવી રીતે લાંબું જીવી શકીએ એ પ્રશ્ન તમને થયો હશે. જે લોકો હાફ સેન્ચુરી જીવી ચૂક્યા હોય તેમને તેમના જીવનનાં જે મહત્વનાં વર્ષો યાદ હશે એ તેમની યુવાનીનાં વર્ષો હશે. હું કૉલેજમાં હતો ત્યારે તો મેં આમ કરેલું, મારી જૉબ નવી-નવી હતી ત્યારે તો આમ થયેલું. લવ લાઇફ, પ્રોફેશનલ લાઇફ, પર્સનલ લાઇફ એમ જીવનના દરેક તબક્કાનો આરંભ યંગ જીવનથી થાય છે. જે કંઈ મોટી-મોટી એક્સાઇટમેન્ટવાળી વાતો આપણા જીવન સાથે જોડાયેલી હોય એ મોટે ભાગે યુવાનીના દિવસોની હોય છે. આ પ્રકારની બેસિક સમજ આપી સાઇકોલૉજિસ્ટ કિંજલ પંડ્યા કહે છે, ‘યુવા અવસ્થા એક એવી અવસ્થા હોય છે જેમાં વ્યક્તિ રિસ્ક લેતી હોય છે, સાહસ ખેડતી હોય છે, એક્સાઇટમેન્ટ સાથે નવી દિશામાં આગળ વધતી હોય છે. યુવાની એ ફિઝિકલી, મેન્ટલી, સોશ્યલી, ફાઇનૅન્શિયલી સૌથી પાવરફુલ સ્ટેટ હોય છે. એ પિરિયડને આંખ સામે રાખવાથી એ ઝિંદાદિલી પાછી વ્યક્તિમાં આવે છે, તેના અંદરની પૉઝિટિવિટી વધે છે એટલે તમે વધુ હેલ્ધી ફીલ કરો છો જેની અસર તમારી ઉંમર પર થઈ શકે એ બાબતમાં તથ્ય છે.’

સ્ટ્રેસ પણ કારણ હોઈ શકે?

ઉંમર સાથે સ્ટ્રેસનો પણ ખૂબ ઊંડો નાતો છે. ઉંમર મોટી થાય એમ સ્ટ્રેસનું લેવલ વધતું હોય છે. એ વખતે ઉત્સાહની કમી હોય છે, જેને કારણે પણ ઘણી વાર નાની-નાની બાબતો વધુ ચિંતા કરાવે છે. પરિણામે વ્યક્તિની બીમાર પડવાની શરૂઆત થાય છે. કૉલેજમાં પ્રોફેસર તરીકે કામ કરી ચૂકેલા અને સાઇકિયાટ્રસ્ટ તરીકે વષોર્થી પ્રૅક્ટિસ કરતા ડૉ. કે. ડી. વોરા કહે છે, ‘માણસ જેવું વિચારે છે એવો તે થાય છે. જોકે માણસના વિચારોમાં સ્ટ્રેસનું પ્રભુત્વ વધારે હોય તો એની નેગેટિવ અસર તેના શરીર પર પણ પડે છે. એક એક્ઝામ્પલ આપું એ માટે તમને. જાણીતા યોગાચાર્ય ડૉ. બી. કે. આયંગર વિશે તમે સાંભળ્યું હશે. ગયા વર્ષે તેમનો દેહાંત થયો. જોકે તેઓ બાળપણમાં ખૂબ માંદા રહેતા હતા. તેમનો બાંધો અતિશય પાતળો હતો. ધીમે-ધીમે તેઓ યોગ તરફ વળ્યા. એક્સરસાઇઝ, યોગ અને મેડિટેશનને કારણે ધીમે-ધીમે તેમની પૉઝિટિવિટી વધતી ગઈ અને તેઓ સ્વસ્થ થવા માંડ્યા. પછી તો તેમણે લોકોને નિરોગી બનાવવાનું બીડું ઝડપ્યું. મૂળ વાત એ કે વ્યક્તિની ઉંમર કોઈ પણ હોય, તે સ્ટ્રેસ-ફ્રી હોવી જોઈએ. અત્યારની દોડધામભરી અને ચારેય બાજુના પ્રેશરવાળી લાઇફ-સ્ટાઇલમાં ૨૫ વર્ષની ઉંમરે પણ માણસ નિરાશ, ઉદાસ અને હતાશ થઈને જાતને અંદરથી પાયમાલ કરી રહ્યો છે. યુવાન રહેવા માટે ઉંમર નહીં પણ તમારા મનની મસ્તી, અંતરમાં શાંતિ અને સાવ જ સ્ટ્રેસ-ફ્રી માનસિકતાની વધુ જરૂર હોય છે. તમે સ્ટ્રેસ-ફ્રી છો, અંદરથી એકદમ શાંત છો, દરેક કામને પૉઝિટિવલી અને શાંતિપૂર્વક કરો છો તો માનજો કે તમે હેલ્ધી છો. તમારી ઉંમર એ કારણસર ચોક્કસ બે-ચાર વર્ષ વધી શકે છે.’

તમારે કરવાનું શું હવે?

યુવાન દેખાવા અને યુવાનો જેવું ફીલ કરવા શું કરવું એનો જવાબ આપતાં ભારતના અગ્રેસર હોલિસ્ટિક હેલ્થ ગુરુ મિકી મહેતા કહે છે, ‘યુથફુલનેસ માણસમાં એનર્જીનો સંચાર કરે છે. તમે એનર્જેટિક રહેવા માટે એક્સરસાઇઝ કરો. એ પણ પ્રોગ્રેસિવ એક્સરસાઇઝ. એટલે કે રોજેરોજ તમારી એક્સરસાઇઝની ઢબ અને સમયમાં પણ ઉમેરો થતો જાય. પૌષ્ટિક ખોરાક લો અને તમને ગમતી પ્રવૃત્તિ માટે પણ સમય ફાળવો. એ રીતે માણસ જ્યારે યંગ ફીલ કરે છે ત્યારે તેનામાં ગજબનાક ઉત્સાહ અને કૉન્ફિડન્સ હોય છે. એ ઉંમર સાથે નહીં પણ તમે તમારાં બૉડી અને માઇન્ડને કઈ રીતે ટ્રેઇન કરો છો એના પરથી આવે છે.

સેલ્ફ-કૉન્ફિડન્સ ઑટોમૅટિકલી તમારા મનની શક્તિ વધારે છે અને એ તમારી ઉંમર અને ક્વૉલિટી ઑફ લાઇફ પણ વધારે છે. એટલે કે એક્સરસાઇઝ, સારો ખોરાક, ગમતી પ્રવૃત્તિઓ અને થોડો આરામ આ બધું માપસર કરો અને મજામાં રહો તો ડેફિનેટલી ૬૦ વર્ષની ઉંમરે પણ ૧૬ વર્ષ જેવો ઉત્સાહ તમારામાં હશે, હશે ને હશે જ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK