બાળક ખોટું બોલે તો તેને પનિશ કરો છો?

Published: 22nd December, 2014 05:28 IST

તમારો જવાબ હા છે તો આજથી જ અટકી જાઓ. પનિશમેન્ટ આપવાથી તે સુધરી જશે એવું માની લેવાની જરાય જરૂર નથી, ઊલટું મામલો વધુ બગડી જશેસ્પેશ્યલ સ્ટોરી - પલ્લવી આચાર્ય

શીકા પરથી ચોરીને માખણ ખાતાં પકડાઈ જાય ત્યારે ભગવાન કૃષ્ણ પણ કહેતા હતા, ‘મૈયા મોરી મૈં નહીં માખન ખાયો..!’ આમ બાળકોનું જૂઠું બોલવું એ બહુ સામાન્ય બાબત છે. તેથી જ મા જશોદા તેમનો કાન આમળી હસીને જવા દેતાં હતાં. સામાન્ય રીતે પેરન્ટ એવું માને છે કે બાળક જૂઠું બોલે ત્યારે તેને જો પનિશ નહીં કરવામાં આવે તો તેની આ ટેવ આગળ વધશે અને આ બીકે તેઓ બાળકને ધબાધબ મારવા લાગે છે. તેમને એમ હોય છે કે એક વાર જોરનો માર પડશે તો તે ખોટું બોલતાં અટકી જશે.

તમે જો આમ માનતા હો તો એ ખોટું છે. વાસ્તવમાં બાળક જૂઠું બોલે તો તેને પનિશમેન્ટ ન આપવી જોઈએ. જૂઠું બોલતાં બાળકને પનિશ કરી તમે તેનામાં સાચું બોલવાના ગુણ કેળવી રહ્યા છો એવું માનતા હો તો એ ભૂલભરેલું છે એવું મૅકગિલ યુનિવર્સિટીના એજ્યુકેશનલ અને કાઉન્સેલિંગ સાઇકોલૉજી ડિપાર્ટમેન્ટના રિસર્ચરોનું કહેવું છે. તાજેતરમાં ચાર વર્ષથી આઠ વર્ષનાં ૩૭૨ બાળકો પર થયેલા રિસર્ચમાં તેઓ એ તારણ પર આવ્યાં છે કે બાળક ખોટું ત્યારે બોલે છે જ્યારે તેને પનિશમેન્ટ અથવા તો એની ધમકીનો ડર હોય છે.

બાળક સાચું બોલે એવું જો તમે ઇચ્છતા હો તો ઍટ્લીસ્ટ તે ખોટું બોલે ત્યારે પનિશ ન કરો. છોકરું ખોટું બોલે તો તેને મારવું, વઢવું કે ગુસ્સો ન કરવો જોઈએ. આ ટાઇપની પનિશમેન્ટ સાથે અમે જરા પણ સહમત નથી એમ જણાવતાં ૨૫ વર્ષથી દાદરમાં સાઇકોલૉજિસ્ટ તરીકે પ્રૅક્ટિસ કરી રહેલાં નીરુ છેડા કહે છે, ‘બાળકને પનિશ કરવાથી તેનામાં અગ્રેશન અને બદલાની ભાવના ડેવલપ થાય, જે આગળ જતાં બહુ ખરાબ પરિણામ પણ આપી શકે છે. તેથી જ અમે બાળકના જૂઠ બોલવા તથા પનિશમેન્ટ વિશે ટીચર્સ અને પેરન્ટ્સને સમજ આપવા માટેની વર્કશૉપ્સ લઈએ છીએ.’

અંધેરી (વેસ્ટ)માં ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ તરીકે પ્રૅક્ટિસ કરતાં અને બાળકોના ઇશ્યુઝ પર વધુ કામ કરતાં ડૉ. મિથિલા દેસાઈ ખોટું બોલતા બાળકને પનિશમેન્ટ ન આપવાની વાતને સમર્થન આપતાં કહે છે, ‘બાળક જૂઠું બોલે તો તેને મારવું કે વઢવું તો બિલકુલ ન જોઈએ, કારણ કે એમ કરવું એ ટેમ્પરરી સૉલ્યુશન છે. એને બદલે તેનામાં લૉન્ગ ટર્મ ચેન્જ આપણે લાવવાનો છે. બાળક સાથે પહેલેથી એવું રિલેશન રાખો કે તેણે ખોટું બોલવું જ ન પડે. તેનામાં એવો વિશ્વાસ કેળવો કે તેનાથી ભૂલ થઈ ગઈ હશે તો પણ પેરન્ટ્સ માફ કરી દેશે.’

બાળક ખોટું બોલતાં પકડાય તો અમારી સ્કૂલમાં તેને મારતાં નથી, પણ કેટલાક ટીચર્સ તેને સો વાર લખવા આપે કે હું ખોટું નહીં બોલું. કેટલાક ટીચર્સ પેરન્ટ્સને સ્કૂલમાં બોલાવે છે, પણ આ બધું જરાય વર્ક ન કરે એમ જણાવી ઘાટકોપરની રામજી આસર વિદ્યાલય સ્કૂલનાં પ્રિન્સિપાલ કલ્પના મહેતા કહે છે, ‘મારવાથી કે પનિશમેન્ટનો ડર આપવાથી બાળક સુધરવાનું તો દૂર રહ્યું, વધુ બગડે છે.’

બાળકો કયા કારણસર ખોટું બોલે છે? પનિશમેન્ટનો ડર, ઍન્ગ્ઝાયટી, નેગેટિવ કમ્પૅરિઝન અને પેરન્ટ્સના એક્સપેક્ટેશન્સ વગેરે જેવાં કારણોથી તે ખોટું બોલવા પ્રેરાય છે. કલ્પના મહેતાનું કહેવું છે કે સામાન્ય રીતે હોમવર્ક ન થયું હોય ત્યારે બાળકો જૂઠું બોલે છે કે પૂજા હતી, લગ્નમાં ગયો હતો, બહાર ગયો હતો, બીમાર હતો વગેરે... મારામારી કરે એમાં કોઈને વધુ વાગી જાય ત્યારે પણ તેઓ પકડાઈ જવાના ડરે ખોટું બોલે, કોઈએ કોઈની ચીજ ચોરી કરી લીધી હોય ત્યારે પણ ખોટું બોલે. સેકન્ડરીના એક છોકરાને પિકનિક જવું હતું અને પેરન્ટ્સ નહોતા જવા દેતા તો ફાધરના ખિસ્સામાંથી પૈસા ચોરી તેણે ભરી દીધા અને ઘરે ખોટું બોલ્યો કે ફ્રેન્ડે ભર્યા છે. કલ્પનાબહેન કહે છે, ‘માબાપ અથવા તો ટીચરનું કોઈ રિસ્ટ્રિક્શન આવે ત્યારે પણ બાળક ખોટું બોલવા પ્રેરાય છે.’

પનિશમેન્ટથી બચવા માટે બચ્ચું ખોટું બોલે એ જ રીતે ઍન્ગ્ઝાયટી પણ તેનું ખોટું બોલવાનું કારણ બને છે એવું દાદરમાં આવેલા મયૂરપંખ કાઉન્સેલિંગ સેન્ટરનાં ડિરેક્ટર નીરુ છેડાનું કહેવું છે.

કૉમ્પિટિશનના આજના જમાનામાં પેરન્ટ્સનું એક્સપેક્ટેશન બહુ વધી ગયું છે તેથી તેઓ પોતાના બાળકનું જાણે-અજાણે બીજા સાથે કમ્પૅરિઝન કરતા રહે છે એમ જણાવતાં ડૉ. મિથિલા દેસાઈ કહે છે, ‘જો પેલાને આટલા માર્ક મળ્યા અને તને? પેલો કેટલુંબધું શીખે છે અને તું? જેવી ટાઇપના નેગેટિવ કમ્પૅરિઝનથી અને માબાપના એક્સપેક્ટેશન્સને પહોંચી વળવા માટે પોતાની ખોટી ઇમેજ ઊભી કરવા માટે બાળક ખોટું બોલે છે.’

આ ઇમેજ આગળ જતાં એટલી જોખમી પુરવાર થાય છે કે તેની પર્સનાલિટીને ડિસ્ટર્બ કરી દે છે તે બીજાની પર્સનાલિટીમાં જીવવા લાગે છે જે બાબત તેના જીવન માટે બહુ ઘાતક  પુરવાર થઈ શકે છે. ડૉ. મિથિલા કહે છે, ‘માબાપે બાળકને જેવું છે એવું જ ઍક્સેપ્ટ કરવું જોઈએ. તે ખોટું કરે છે ત્યારે કરેક્ટ કરો, પણ કમ્પૅર ન કરો. કેટલાક લોકો ડિસિપ્લિન બતાવવા માટે પણ બાળકને પનિશ કરતા હોય છે.’  

બાળક જૂઠું બોલે ત્યારે શું કરશો? કેટલાક લોકો તેને ધોલધપાટ કરે, વઢે, ગુસ્સો કરે, કેટલીક વાર ટીચર, ક્લાસના સ્ટુડન્ટ્સ કે ફ્રેન્ડ્સની સામે જ મારવા લાગે. કલ્પનાબહેન કહે છે, ‘અમારી સ્કૂલમાં ગવર્નમેન્ટના નિયમ પ્રમાણે અમે તેને પનિશ કરવાના બદલે પ્યારથી વાત કરીએ, તેને જુદી-જુદી વાર્તાઓ કહીએ. એવા પ્રસંગ કહીએ કે તેને પોતાને રિયલાઇઝ થાય કે ખોટું ન બોલવું જોઈએ.’

બાળકે ખોટું કેમ બોલવું પડ્યું એ જાણવાની ટ્રાય કરો. બાળકને એવો વિશ્વાસ આપો કે તે ખોટું બોલવાનું કારણ આપશે તો તેને કોઈ નહીં વઢે. પેરન્ટે તેનામાં એવો વિશ્વાસ પેદા કરવો જોઈએ કે પોતે તેની કોઈ પણ ગલતીને સમજી શકશે, જેથી તે ખૂલીને તમારી સાથે વાત કરી શકે એવો રૅપો કેળવો. તેની સાથે સમય ગાળો. તેનો પ્રૉબ્લેમ સૉલ્વ કરો. નીરુ છેડા કહે છે કે આજકાલ પેરન્ટ્સને બાળકો માટે ટાઇમ જ નથી હોતો કે તેને ઑબ્ઝર્વ કરી શકે. ઍક્ટિવિટીઝ અને ઍકૅડેમીમાં જ તે બાળકને વ્યસ્ત રાખવા માગે છે.

બાળકને ખોટું બોલતું રોકવા શું કરશો? તેણે જે કર્યું છે એ ખોટું છે એ પ્રસંગો, વાર્તાઓ કહીને તેને રિયલાઇઝ કરાવો. શીખ ન લાગે એમ સમજાવો. ઘણી સમજાવટ પછી પણ ન માને તો નેગેટિવ રિવૉર્ડ આપો એમ જણાવતાં નીરુ કહે છે, ‘નેગેટિવ રિવૉર્ડ એટલે એવી પનિશમેન્ટ કે જેમાં તેને બહુ ગમતી હોય એવી ચીજ ન કરવા દેવાની કે ન ખાવા દેવાની પનિશમેન્ટ. સાથે તેને એ પણ કહેવાનું કે જો તે સાચું બોલવા લાગશે તો પૉઝિટિવ રિવૉર્ડ મળશે. આ રિવૉર્ડ ચૉકલેટ વગેરે જેવો મટીરિયલિસ્ટિક તો જરા પણ ન હોય. એમાં તેને ગમે તે કરવા દેવાય, તેને ભાવતી ચીજ બનાવીને ખવડાવાય વગેરે પણ હોય છે. બાળક બધું ઘરમાંથી જોઈને જ શીખે છે.’

આ સંદર્ભનો એક કેસ તેમણે કહ્યો. એક છોકરો રોજ કોઈ ને કોઈ ચીજ સ્કૂલમાંથી ચોરીને આવતો હતો. મમ્મી પૂછે તો મારા કમ્પાસમાં રહી ગઈ, ભૂલથી આવી ગઈ, કોઈએ મૂકી દીધી જેવું જૂઠ ચલાવ્યું. પછી મમ્મીએ પિટાઈ ચાલુ કરી. છતાં તે ન સુધર્યો. સાઇકોલૉજિસ્ટે બાળકને વિવિધ થેરપી આપી શોધી કાઢ્યું કે ચોરી કરતાં તે ઘરમાંથી જ શીખ્યો છે. તેણે આ ઘરમાં જોયું છે અને તેમની જેમ જ વાત છુપાવવા તે ખોટું બોલે છે.

સાઇકોલૉજિસ્ટનું કહેવું છે કે પેરન્ટ્સ અને ટીચરે બાળકોની ઇમોશનલ જરૂરિયાતોને સમજવી બહુ જ જરૂરી છે. જો એ નહીં થાય તો ખોટું બોલવાની બાળકની સામાન્ય બાબત આગળ જતાં બહુ ભયાનક બની શકે છે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK