કડવું અને સાચું કહેનાર તટસ્થ વ્યક્તિ જ ફૅમિલી તથા સમાજનો વિકાસ કરી શકે

Published: 22nd December, 2014 05:26 IST

કેટલીક ફૅમિલીમાં મુખ્ય વ્યક્તિ જ એટલી પ્રભાવશાળી હોય છે કે સૌ શિસ્તમાં રહે, જ્યારે કેટલીક ફૅમિલીમાં વહીવટ કરનાર વ્યક્તિ એવી ભોટ હોય છે કે કોઈ તેને ગણકારે જ નહીં
સોશ્યલ સાયન્સ - રોહિત શાહ

જો તમારે સમૂહમાં રહેવું હોય, જો તમારે વ્યવસ્થાપૂર્ણ જીવન જીવવું હોય, જો તમારે તટસ્થ (ન્યાયપૂર્ણ) અને સંપ-સમૃદ્ધ જીવન જીવવું હોય તો ક્યારેક કડવી વાત કહેવાનું સાહસ બતાવવું જ પડે, પ્રિયમાં પ્રિય વ્યક્તિને પણ સંજોગો અનુસાર અપ્રિય આદેશો આપવા જ પડે. જો તમે સૌની સાથે મીઠા-મધુરા સંબંધો રાખવાનો આદર્શ વિચારો તો એ ક્યારેય પ્રૉસિબલ બનવાનું નથી.

હા, તમે જો કોઈ નર્જિન ટાપુ પર એકલા-એકલા રહેતા હો તો તમારે કોઈને કડવી વાત કહેવાની પરિસ્થિતિ નહીં આવે. મીઠી વાત કરવાનો સંજોગો પણ નહીં આવે, કારણ કે ત્યાં તમે એકલા છો. ત્યાં કોઈ તમારું આશ્રિત નથી કે તમે કોઈના આશ્રિત નથી. ત્યાં કોઈને વધારે દુ:ખ હોતું નથી, કોઈને આરામ જ આરામ નથી અને કોઈને માત્ર અને માત્ર ઢસરડા પણ નથી. લેકિન-કિન્તુ-પરંતુ જો તમારે સમૂહમાં રહેવું હશે તો આ તમામ પ્રૉબ્લેમ્સ ફેસ કરવાના આવશે જ!

જૉઇન્ટ ફૅમિલીમાં રહેનાર વ્યક્તિને ઘણા લાભ થાય છે અને એ માટે તેણે ડગલે ને પગલે ઘણુંબધું જતું કરવું પડતું હોય છે. વિભક્ત કુટંબમાં રહેનારને પૂરી સ્વતંત્રતા અને આઝાદી હોય છે. તેણે કશુંય જતું કરવું પડતું નથી. પરંતુ એની સામે તેણે અંગત રીતે વધારે અને ગહન જવાબદારીઓ સાંભળવી પડે છે. જ્યાં સુખ એકલાને ભોગવવા મળતું હશે ત્યાં દુ:ખ પણ એકલાએ જ વેઠવું પડતું હશે.

કોઈ ગમે તેટલી આર્ગ્યુમેન્ટ્સ કરે પણ એક વાત નિશ્ચિત જ છે કે માણસ સામાજિક પ્રાણી છે એટલે તેને સમાજ વગર ચાલવાનું નથી જ. સંસારનો ત્યાગ કરનારા વૈરાગીઓને પણ તેમનો ઉપદેશ સાંભળવા માટે લોકોનાં ટોળાં આવે એવી ગરજ હોય છે. ઉપદેશ આપવાનું તો માત્ર બહાનું હોય છે, હકીકતમાં એ દ્વારા માણસ-માણસ વચ્ચેનો સંપર્ક જાળવી રાખવાની જરૂરત હોય છે. એકાંતમાં હરિગુણ પણ કેટલા ગાવા? અને સમાધિમાંય એકસામટા કેટલા કલાક બેસી રહેવાનું? થોડાક શિષ્યો જોઈએ અને ઘણાબધા ભક્તો જોઈએ. આપણી સાથે વાત કરનારું કોઈક તો જોઈએ જ. પ્રેમ કરનાર હોય તો સારું છે, એવું કોઈ ન હોય તો આપણી સાથે કંકાસ કરનારુંય કોઈક જોઈએ. આપણે કાંઈ પૂતળું તો નથી... આપણે કાંઈ પથ્થર તો નથી કે આપણી પાસે કોઈ સંવેદના જ ન હોય! નર્યું એકાંત ગમે તેટલું રળિયામણું હોય તોય અલ્ટિમેટ્લી આપણને ગૂંગળાવી જ મારે છે!

હવે પાયાની વાત ફરીથી પકડીએ. આપણે એકલા-એકલા રહી શકતા નથી અને કોઈકની સાથે રહેવું જ છે તો પછી જેની સાથે રહેવાનું થશે એની સાથે મતભેદ થશે, ગેરસમજ થશે, પોતપોતાના સ્વાર્થ ટકરાશે, એકબીજાના સ્વભાવનું પર્ફેક્ટ ટ્યુનિંગ નહીં મળવાને કારણે નિરાશા-હતાશાય અનુભવાશે. પરંતુ એ બધુંય પેલા એકાંતના અભિશાપ કરતાં સારું જ હશે. એકલતામાં માણસ ભીતરથી ગૂંગળાયા કરે છે.

ઓકે, હવે જો તમારે કોઈકની સાથે રહેવું જ છે તો ક્યારેક તેને લડવું-ટોકવુંય પડશે. તટસ્થ રહીને સૌને ન્યાય મળે એવી જીવનશૈલી અપનાવવી પડશે. દરેક વખતે લેટ-ગો કરવાથી નહીં ચાલે. દરેક વાતે ચૂપ રહેવાથી પ્રશ્ન ઉકેલવાને બદલે વધુ ગૂંચવાશે. દરેક વખતે તમે એકલા જ સહન કર્યા કરો એવું લાંબો સમય નહીં ચાલે. આપણી સાથે રહેનારા, આપણી આસપાસ રહેનારા લોકો સાથે સંઘર્ષમાં ઊતરવું પડે તો ભલે, છતાં સાચી વાત કહેવાનું સાહસ બતાવવું જ પડશે.

માણસે પરિવાર બનાવ્યો છે અને એ માટેનાં કેટલાંક નીતિનિયમો બનાવ્યાં છે. માણસે સમાજ બનાવ્યો છે અને એ માટેય કેટલીક ખાસ વ્યવસ્થાઓનું નિર્માણ કર્યું છે. જો તમારે ફૅમિલીમાં અને સોસાયટીમાં રહેવું હોય તો એનાં નીતિ-નિયમો તથા એની વ્યવસ્થાઓ સ્વીકારવાં જ પડે. સપોઝ, તમે દરેક વાતે તટસ્થ અને વ્યવહારનિષ્ઠ રહેતા હો, પણ કોઈ વ્યક્તિ આડાઈ-અંચઈ કરતી હોય, કોઈ વ્યક્તિ અંગત સ્વાર્થ માટે બીજાઓને નુકસાન પહોંચાડતી હોય તો એકાદ વખત તેને વૉર્ન કરી શકાય અને એમ ન કરવા સમજાવી શકાય. છતાં તે પોતાની નફટાઈ ન છોડે તો તેને પાઠ ભણાવવો જ પડે.

કેટલીક ફૅમિલીમાં મુખ્ય વ્યક્તિ કે વડીલનો એવો મજબૂત પ્રભાવ હોય છે કે કોઈ ખોટું બિહેવિયર કરી જ ન શકે, તો કેટલીક ફૅમિલીના વડીલ એવા નબળા અને ભોટ હોય છે કે તેમને કોઈ ગાંઠતું જ નથી. ફૅમિલીમાં સૌ ફાળે તેમ વર્તે અને પોતપોતાનું હિત જુએ. વ્યવસ્થાતંત્રના નામે તો મોટું મીંડું જ હોય. ઠેર ઠેર અવ્યવસ્થા અને અરાજકતા હોય. કોઈને પોતાનાં કર્તવ્યો કે પોતાની જવાબદારીઓની પરવા હોય જ નહીં. કોઈ મરતું હોય તો ભલે મરે, કોઈ રિબાતું હોય તો ભલે રિબાય, તેની સામેય કોઈ જોવા તૈયાર ન હોય. જો આવું હોય તો એ પશુજીવન છે. એમાં ફૅમિલી કે સમાજ જેવી વ્યવ્ાસ્થાનો દુષ્કાળ જ હોય છે.

ઘણાં આર્થિક રીતે સમૃદ્ધ કુટુંબોમાં વ્યવસ્થાના અભાવે ભારોભાર અરાજકતા જોવા મળે છે તો ક્યારેક આર્થિક રીતે કેટલાક ગરીબ પરિવારોમાં સ્નેહ-સમર્પણની સુવાસ એટલીબધી હોય છે કે સ્વર્ગ પણ એની સામે મોળું-ફિક્કું લાગે. બાળકો શિસ્તસમૃદ્ધ હોય, મહિલાઓ મોકળાશ અનુભવતી હોય, નવી જનરેશન પ્રત્યે કોઈ ગેરસમજ ન હોય, વડીલોનો આદર જળવાતો હોય, સૌને પોતાના હકો કરતાં કર્તવ્યોની પરવા અધિક રહેતી હોય.

કુનેહ અને કડકાઈ

તમે જોજો, જે ફૅમિલીનો મુખ્ય માણસ તટસ્થ અને સ્પષ્ટવક્તા હશે એ ફૅમિલી સુખી હશે. જે સોસાયટીમાં વહીવટદાર નિષ્ઠાવાન અને કડવું સત્ય કહેનારો હશે એ સોસાયટીમાં કોઈ પ્રૉબ્લેમ ઊભો જ નહીં થતો હોય અને થતો હશે તો તરત એનો ઉકેલ આવી જતો હશે. જે જ્ઞાતિ-સમાજના સૂત્રધારો વ્યવહારકુશળ અને સાચી વાત કહેવાનું સાહસ ધરાવનારા હશે એ જ્ઞાતિ-સમાજ ભરપૂર વિકાસ કરતો હશે. રાષ્ટ્રની ધુરા સંભાળનાર વ્યક્તિ સમર્થ પ્રતિભાશાળી હશે તો એ દેશની પ્રજા સુખ-ચેનથી જીવતી હશે. ગરબા ગાવાથી કોઈ સફળતા નથી મળતી, ગળ્યું-ગળ્યું અને મીઠું-મીઠું બોલવાથી કોઈ સમસ્યા હલ નથી થતી. મીંઢું મૌન પાળવાથી નડતરો ટળી જતાં નથી. એ માટે તો તટસ્થ સૂઝબૂઝ સહિત, સાચી વાત સાચી રીતે કહેવાનું સામથ્ર્ય ધરાવનાર વ્યક્તિ અનિવાર્ય છે. પ્રૉબ્લેમને પંપાળ્યા કરવો કે ઢાંક્યા કરવો એ ઉપાય નથી. એને કુનેહપૂર્વક અને કડકાઈથી ઉકેલવો પડે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK