આખી રાત સૌનિલ ઘરની બહાર બેસી રહ્યો તો પણ રિસાઈ ગયેલી પલ્લવીએ દરવાજો ન જ ખોલ્યો

Published: 18th December, 2014 05:57 IST

ગુજરાતી નાટક પપ્પા આવા જ હોય છેના ઍક્ટર સૌનિલ દરુએ મરાઠી ને ગુજરાતી થિયેટરની અને ટીવીની ઍક્ટ્રેસ પલ્લવી પ્રધાન સાથે લગ્ન કર્યા છે. ખૂબબધાં લડાઈ-ઝઘડાથી આ કપલનો પ્યાર પાકટ બન્યો છે
સ્પેશ્યલ સ્ટોરી - પ્યાર કી યે કહાની સુનો - પલ્લવી આચાર્ય

‘સાથે ત્રણ નાટક કર્યા ત્યાં સુધી તો મને કદી નહોતું લાગ્યું કે તે મારી તરફ ઢળેલો છે.’ પ્યારની કુંજગલીમાં આમ લટાર મારતાં ગુજરાતી-મરાઠી થિયેટરની અને ટીવીની ઍક્ટ્રેસ પલ્લવી પ્રધાન કહે છે, ‘લવ ઍટ ફસ્ર્ટ સાઇટ કે એવું કંઈ નથી; પણ રોજ સાથે હળતાં, મળતાં, જમતાં અમે સારા ફ્રેન્ડ બની ગયાં એટલું જ નહીં; પાંચેક જણનું અમારું એક એવું સરસ ગ્રુપ બન્યું હતું કે અમે ઘણી પર્સનલ વાતો શૅર કરી શકતાં હતાં. વેરી કૅરિંગ ગ્રુપ હતું.’

સેઇલિંગ ઇન ધ સેમ બોટ


પલ્લવી ૧૯૯૩થી નાટકો કરી રહી છે, પણ વાત ૨૦૦૭ની છે. ‘જંતરમંતર’ નાટકમાં તેઓ સાથે હતાં. એ સમયે સૌનિલનાં પહેલાં લગ્નના ડિવૉર્સ થવાથી તે બહુ ડાઉન હતો, પણ પલ્લવી સહિતના તેના ગ્રુપે તેને એ સમયે બહુ સપોર્ટ કર્યો. પલ્લવી કહે છે, ‘એ ગ્રુપ એટલું કૅરિંગ હતું કે કોઈને કંઈ પણ થાય તો બધા તેની સાથે ઊભા રહી જતા. આ પ્લે સમયે સૌનિલના ડિવૉર્સ થઈ ગયા હતા અને મારા ડિવૉર્સ પણ એ અણી પર જ હતા. આ નાટક એક વર્ષ ચાલ્યું ત્યાં સુધીમાં મારા ડિવૉર્સ પણ થઈ ગયા.’

પલ્લવી ઉમેરે છે, ‘સૌનિલ કૅરિંગ બહુ, પણ થોડો તોછડોય ખરો. બધા સાથે તેને ન બને. જેની સાથે ફાવે તેની સાથે જ ફાવે.’

એક ગ્રુપના આ બે મિત્રોની સમસ્યા પણ સરખી હતી, જે તેમના નજીક આવવાનું એક કારણ બની શક્યું હોય!

મેડ ફૉર ઈચ અધર

સાથે હતાં ત્યાં સુધી ન સમજાયું, પણ ‘જંતરમંતર’ નાટક પૂરું થયા પછી બીજા નાટક માટે સૌનિલ અમેરિકા ગયો એટલું જ નહીં; બેય જણ જુદાં-જુદાં નાટકો કરતાં હતાં. અમેરિકાથી જ સૌનિલે તેના પિતાને એક મેઇલ કરી કે તેને એક છોકરી માટે ફીલિંગ છે. જોકે આ સમયમાં પલ્લવીને પણ સૌનિલની ગેરહાજરી કઠવા લાગી હતી. બે મહિને તે અમેરિકાથી પાછો આવ્યો ત્યારે પલ્લવીના શોમાં રિપ્લેસમેન્ટ જોઈતું હતું એ સૌનિલે કર્યું એટલું જ નહીં, આ શો દરમ્યાન એક વાર પલ્લવી ખૂબ માંદી પડી ત્યારે સૌનિલે તેની ખૂબ કાળજી લીધી. જોકે ત્યાં સુધી પલ્લવી કે સૌનિલ વચ્ચે પ્રપોઝ થયું નહોતું. આ પછી ત્રીજું ગુજરાતી નાટક ‘હરખપદૂડી હંસા’ પણ તેમણે સાથે કયુંર્. આમ તેઓ પરસ્પર શ્યૉર થતાં ગયાં કે ધે લવ ઈચ અધર.

પ્યાર કી કશ્મકશ

પ્યાર હોય ત્યાં પઝેસિવનેસ હોવાની અને પઝેસિવનેસ હોય એટલે ઝઘડા પણ એટલા જ જોરદાર થાય એ નક્કી છે. પલ્લવી અને સૌનિલને એક વાત સમજાઈ ગઈ કે તેમને પરસ્પર ફીલિંગ્સ છે પછી તેમની વચ્ચે ઝઘડા પણ એટલા જ જોરદાર થતા હતા. એક વાર કોઈ ઝઘડામાં તેમણે મળવાનું બંધ કરી દીધેલું. વળી નાટક પણ સાથે નહોતાં કરતાં. તેથી સૌનિલ કહે છે, ‘તેને મળવું કેવી રીતે? પલ્લવી જે જિમમાં જતી હતી ત્યાં મેં જવાનું શરૂ કયુંર્. હું એટલો પઝેસિવ હતો કે જિમમાં ટ્રેઇનર તેની સાથે વધુ વાત કરવાની ટ્રાય કરે કે ફ્રેન્ડશિપ રાખે તો મને ન ગમે. હું તેને ફોન કરું ત્યારે તેનો ફોન બિઝી આવે તો પણ મારો ઝઘડો થતો. આ બધું ધીમે-ધીમે ઓછું થયું.’

ઝઘડામાં અલ્ટિમેટ એવો એક પ્રસંગ સૌનિલે કહ્યો, ‘એક વાર અમારો ઝઘડો થયો અને તે લંડન ટૂરમાં જતી રહી. તેણે મારી સાથે વાત કરવાનું પણ કટ-ઑફ કરી દીધું હતું. પલ્લવી સાથે વાત કરવી કેવી રીતે? તેના હાલ જાણવા બહુ પ્રયત્નો કર્યા. કોઈ જ લેવા-દેવા વિના પણ નાટકના ડિરેક્ટર સંજય ગોરડિયાને ફોન કર્યો, એ ઇરાદે કે પલ્લવીના કોઈ ન્યુઝ મળે છે?’

સૌનિલ વધુમાં ઉમેરે છે, ‘મને ગુસ્સો આવતો ત્યારે હું બહુ રીઍક્ટ કરી લેતો અને ત્યારે દરેક વખતે થતું કે આ કંઈક વધારે થઈ ગયું.’ 

અગ્નિપરીક્ષા

પ્યાર-મોહબ્બત જેનું નામ, અગ્નિપરીક્ષા ન થાય એવું ન બને. આ કપલ વચ્ચે કોઈ વાતે બહુ મોટો ઝઘડો થઈ ગયો હતો. પલ્લવી ટસની મસ થવા તૈયાર નહોતી. એ સમયનો કિસ્સો આ કપલે કહ્યો. સૌનિલ અમેરિકાની ટૂર પરથી આવીને સીધો જ પલ્લવીના ઘરે ગયો, પણ તેણે દરવાજો ન જ ખોલ્યો. સૌનિલ કહે છે, ‘એક કલાક દરવાજે ઊભો રહ્યો, થઈ શકે એટલી બધી રિક્વેસ્ટ કરી, મારે તમાશો નહોતો કરવો એથી ત્યાંથી નીકળી હું તેના બેડરૂમની બારીની બરાબર સામે આવેલી બૅન્કનાં પગથિયાં પર જઈને બેઠો. પલ્લવીએ બારીનો પડદો હટાવીને ન જોયું, પણ મને ખબર હતી કે તે પડદાની આડશે ચોકક્સ જોઈ રહી હશે. આખી રાત હું ત્યાં બેઠો રહ્યો, પણ તેણે ઘરનો દરવાજો ન ખોલ્યો. પછી હું ઘરે જતો રહ્યો. મને ખબર હતી કે મારી મહેનત એળે નહીં જાય, તે જરૂર માનશે; પણ સમય લાગશે!’

પ્યાર પીગળાવે

સૌનિલના પ્યારે પલ્લવીને પીગળાવી. મનમાં ફીલિંગ હતી અને દોસ્તોએ સમજાવી કે તેના પ્યારની હરકતોને પકડીને બેસવામાં કોઈ ફાયદો નથી. એક દિવસ તેને મનમાં શું થયું કે દોઢ મહિના સુધી સાવ કટ-ઑફ રહ્યા પછી તે સૌનિલને સરપ્રાઇઝ આપવા સીધી પહોંચી ગઈ થિયેટર પર. પલ્લવી કહે છે, ‘મને પણ રિયલાઇઝ થયું કે હું જે કરી રહી છું એ યોગ્ય નથી.’

આ મામલામાં સૌનિલના હઠીલા સ્વભાવ વિશે જણાવતાં પલ્લવી કહે છે, ‘તે મને મનાવવાની ટ્રાય કરે, ફ્લાવર્સ આપે, ચૉકલેટ આપે, ગરમ-ગરમ ચા આપે, હગ કરે; પણ સૉરી કદી ન કહે.’

પ્યાર બ્લૉસમ્સ

સૌનિલનું કહેવું છે કે પલ્લવી આવ્યા પછી તેની પ્લેટમાં રોજ ગરમ રોટલી હોય છે. સૌનિલ કહે છે, ‘હું રાત્રે બે વાગ્યે આવું તો બે વાગ્યે પણ તે ગરમ રોટલી સર્વ કરે છે. એ પહેલાં તો મારાં ખાવાનાં કોઈ જ ઠેકાણાં નહોતાં. તે બહુ કૅરિંગ છે.’

ઘરવાળાંને બેય જણે વાત કરી તો તેઓ ખુશ થયાં, કારણ કે તેઓ ઇચ્છતાં હતાં કે તેમના જીવનમાં જે બની ગયું છે એ હવે સુખમાં પલટે. ૨૦૧૨ની ૨૪ ઑક્ટોબરે તેમણે સગાઈ કરી અને ક્લોઝ ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સની હાજરીમાં ૨૦૧૩ની ૧૮ મેએ લગ્ન કર્યા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK