શું સૂચવે છે સિડનીની ઘટના અને મેહદી બિસ્વાસનું ટ્વિટર કનેક્શન?

Published: Dec 17, 2014, 06:18 IST

આતંકવાદીઓનાં કૃત્યો વિશે સર્વત્ર અસત્ય તથા અતિશયોક્તિનો જયજયકાર થઈ રહ્યો છે અને ઉત્તેજનાવશ એને અનુસરનારા લોકો આડી લાઇને ચડી જાય છે
મંતવ્ય-સ્થાન - રમેશ ઓઝા

મુંબઈમાં થયેલી ૨૬/૧૧ની ઘટના (૨૬, નવેમ્બર ૨૦૦૮ના રોજ ૧૦ પાકિસ્તાની ત્રાસવાદીઓ સમુદ્ર માર્ગે મુંબઈ શહેરમાં ઘૂસ્યા હતા અને શહેરમાં પાંચ સ્થળે હુમલા કર્યા હતા) અને ઑસ્ટ્રેલિયાના સિડની શહેરમાં બનેલી ઘટનાની તુલના ન થઈ શકે. મુંબઈની ઘટના આયોજનપૂવર્‍કનો ત્રાસવાદી હુમલો હતો. ત્રાસવાદીઓ પૂરી તૈયારી સાથે આવ્યા હતા અને તેમને પાકિસ્તાનમાંથી કઈ રીતે ઑપરેશન હાથ ધરવું એનું માર્ગદર્શન મળતું હતું. તેમણે ત્રણ દિવસ સુધી પોલીસનો મુકાબલો કર્યો હતો અને તેમને જેર કરવા છેવટે કમાન્ડોઝને બોલાવવા પડ્યા હતા. સિડનીના એક કૅફેમાં લોકોને બાન પકડનારો ત્રાસવાદી રૂઢ અર્થમાં ત્રાસવાદી હોય એમ લાગતું નથી. આ આતંકવાદી હારુન મોનિસ માનસિક રીતે વિક્ષિપ્ત માણસ લાગે છે. તે ઈરાની છે એટલે મૂળમાં તે શિયા મુસ્લિમ હોવો જોઈએ. આ પાગલ ઈરાની માણસે ઈરાન સરકાર સામે પણ બાથ ભીડી હતી અને ઈરાની સરકારના કાનૂનથી બચવા તેણે ઑસ્ટ્રેલિયન સરકાર પાસે આશરો માગ્યો હતો, જે તેને આપવામાં આપ્યો હતો. તેણે થોડાં વર્ષ પહેલાં તેની ભૂતપૂર્વ પત્ની પર હુમલો કર્યો હતો અને અફઘાનિસ્તાનમાં ત્રાસવાદીઓ સામે લડનારા ઑસ્ટ્રેલિયન સૈનિકોના પરિવારને હેટ મેઇલ્સ મોકલતો હતો. આ માણસે પોતાને શેખ જાહેર કર્યો હતો. એવું બને કે હારુન મોનિસે શિયા સંપ્રદાય છોડીને સુન્ની સંપ્રદાય અપનાવ્યો હશે અને એટલે ઈરાનમાંથી નાસવું પડ્યું હશે. સત્ય શું છે એ હવે પછી તપાસમાંથી બહાર આવશે.

આ કૉલમમાં મેં આગળ લખ્યું હતું એમ સુન્ની સલફી ત્રાસવાદીઓએ હવે બીજા દેશો પર હુમલા કરવાની જગ્યાએ મુસ્લિમ રાજ્યોનો કબજો કરવાની રણનીતિ અપનાવી છે. અત્યારે તેઓ ઇરાક અને સિરિયા પર હુમલા કરી રહ્યા છે અને આગળ જતાં બીજા મુસ્લિમ દેશોનો કબજો કરવાની તેમની યોજના છે. પાકિસ્તાની ત્રાસવાદીઓ ભારત પર, ખાસ કરીને કાશ્મીરમાં ઘૂસણખોરી કરીને હુમલા કરી રહ્યા છે એ અપવાદ છોડીને જગતમાં અન્યત્ર કોઈ જગ્યાએ ત્રાસવાદીઓ ગેરઇસ્લામિક દેશો પર હુમલા કરતા નથી. આપણી વાત કરીએ તો ત્રાસવાદીઓ ભારત પર જેટલા હુમલા કરી રહ્યા છે એના કરતાં દસ ગણા વધુ હુમલા પાકિસ્તાનમાં કરી રહ્યા છે. તેમનો ઇરાદો પાકિસ્તાન સરકારને નિર્બળ કરીને પાકિસ્તાનનો કબજો કરવાનો છે. આમ સિડનીમાંનો હુમલો ત્રાસવાદી ઘટના હોય એમ લાગતું નથી.

આ પ્રકારની ઘટનાઓ ઉત્તેજનાઓના કારણે બની રહી છે. આરબ દેશોમાં, ખાસ કરીને સિરિયા અને ઇરાકમાં વાસ્તવમાં શું બની રહ્યું છે એની સત્તાવાર માહિતી આપવામાં આવતી નથી. ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ વાસ્તવ કરતાં અતિશયોક્તિપૂર્ણ દાવાઓ કરી રહ્યા છે અને એને ઇસ્લામિક સ્ટેટ માટે એટલે કે ખલીફાના ઇસ્લામિક રાજ્ય માટે સહાનુભૂતિ ધરાવનારાઓ સોશ્યલ મીડિયા પર સાચા માનીને હજી વધુ મરચું-મીઠું ઉમેરીને પ્રસારિત કરી રહ્યા છે. જેહાદીઓના શૌર્યથી લઈને જેહાદીઓ સાથે થઈ રહેલા અત્યાચારો સુધીના બન્ને દિશાના દાવાઓ સોશ્યલ મીડિયા પર પ્રસારિત થઈ રહ્યા છે. આમાં સત્ય ઓછું છે, કલ્પના અને પ્રચારનું તત્વ વધારે છે. બીજી બાજુ ઇઝરાયલ ગાઝા પટ્ટીમાં ચાલી રહેલી લડાઈ વિશે સત્તાવારપણે અતિશયોક્તિપૂર્ણ દાવાઓ કરી રહ્યું છે, જેણે સમસ્યામાં વધારો કર્યો છે. ટૂંકમાં ઇરાક અને સિરિયા ચુપકીદી સેવે છે, ત્યાંના સત્તાવાળાઓ પત્રકારોને અહેવાલ આપતા નથી, તેમને પ્રવેશ સુધ્ધાં આપતા નથી અને આ બાજુ ઇઝરાયલ બોલકું છે. એક બાજુ સત્તાવાર ચુપકીદી અને બીજી બાજુ સત્તાવાર બોલકાપણાએ સોશ્યલ મીડિયાને મોકળું મેદાન આપ્યું છે જે જગતભરના સામાન્ય મુસલમાનોને ભ્રમિત કરે છે.

ગયા અઠવાડિયે બૅન્ગલોરમાં ધરપકડ કરવામાં આવેલો મેહદી બિસ્વાસ નામનો એન્જિનિયર આનું ઉદાહરણ છે. મેહદી બિસ્વાસ ઇસ્લામિક સ્ટેટ માટે ટ્વિટર અકાઉન્ટ ચલાવતો હતો અને તેના ટ્વિટરના એક લાખ ત્રીસ હજાર ફૉલોઅર્સ હતા જે નિયમિત રીતે ટ્વીટને ફૉલો કરતા હતા. બૅન્ગલોર પોલીસના પ્રાથમિક અહેવાલ મુજબ મેહદી બિસ્વાસ ત્લ્માં કોઈ સંપર્ક ધરાવતો નથી કે ત્રાસવાદીઓની ભરતી કરતો નહોતો, માત્ર સહાનુભૂતિના કારણે તે ટ્વિટર અકાઉન્ટ ચલાવતો હતો જેને આટલી મોટી સંખ્યામાં લોકો ફૉલો કરતા હતા. સત્તાવાર અને સાચી માહિતીના શૂન્યાવકાશનું આ પરિણામ છે. ઉત્તેજનાનું પ્રમાણ જુઓ : મેહદી બિસ્વાસની ધરપકડનો તેના ટ્વિટર અકાઉન્ટને ફૉલો કરનારાઓ વિરોધ કરી રહ્યા છે. આ એવા લોકો છે જે એકબીજાને જાણતા નથી, સ્થળ પર શું બની રહ્યું છે એની સાચી જાણકારી ધરાવતા નથી; પણ શાબ્દિક રીતે સક્રિય છે અને અસત્યનો અજાણતાં પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે.

વૈશ્વિક અસ્વસ્થતા અને પ્રચંડ ઘોંઘાટ સોશ્યલ મીડિયાનું પરિણામ છે. આમાં વિવેક નહીં જાળવી શકનારાઓ ગેરમાર્ગે દોરવાય છે. સિડનીમાં હુમલો કરનારો માણસ આ પ્રકારનો સોશ્યલ મીડિયાના પ્રચારનો શિકાર બનેલો વિક્ષિપ્ત માણસ લાગે છે. જગતે આનો ઉપાય શોધવો પડશે. તાત્કાલિક તો ઇરાક અને સિરિયામાં શું બની રહ્યું છે એની સાચી જાણકારી જગતને મળી શકે એ માટે વિદેશી પત્રકારોને પ્રવેશ આપવો જોઈએ. ઇરાક અને સિરિયા ત્રાસવાદીઓ સામે રાજ્યની કમજોરી છતી ન થાય એ માટે પત્રકારોને પ્રવેશ આપતાં નથી, પરંતુ એમાં ફાયદા કરતાં નુકસાન વધુ થઈ રહ્યું છે. જેહાદીઓના અત્યાચારોની સાચી જાણકારી વિશ્વના મુસલમાનોને મળશે તો જે ખોટો પ્રચાર થઈ રહ્યો છે અને સહાનુભૂતિનો જે જુવાળ પેદા થઈ રહ્યો છે એ અટકશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK