ભારતીય રાજકારણનું વિભાજક કૅરૅક્ટર બદલવું પડશે

Published: 3rd December, 2014 05:44 IST

ચોક્કસ આંકડો તો ખબર નથી, પરંતુ દેશમાં ગ્રામ પંચાયતોને છોડીને અંદાજે પચાસેક હજાર ઇલેક્ટેડ બૉડીઝ હશે જેમાં આખું વરસ ચૂંટણી યોજાતી રહે છે. તો આનો અર્થ એ થયો કે ભારતીય રાજકારણ રાષ્ટ્રીય ઓછું છે, પક્ષીય વધુ છે જે અવારનવાર પ્રાદેશિક કે કોમી થતું રહે છે. શિવસેના જેવા પ્રાદેશિક પક્ષો તો ૧૦૦ ટકા રાષ્ટ્રીય હિતની વિરુદ્ધ જનારા સંકુચિત પક્ષો છે. આનો બીજો અર્થ એ થયો કે ભારતીય રાજકારણ મૂળમાં રાજકીય જરૂરિયાતને કારણે, પણ હવે સ્વભાવત : દેશમાં એકતાની જગ્યાએ વિભાજન પેદા કરનારું (ડિવિઝિવ) થઈ ગયું છેમંતવ્ય-સ્થાન - રમેશ ઓઝા

ભારતમાં જે પ્રકારનું પક્ષીય રાજકારણ જોવા મળે છે એવું સંસદીય લોકશાહી ધરાવતા પશ્ચિમના દેશોમાં નથી જોવા મળતું. અનેક પ્રશ્ને રાજકીય જરૂરિયાતોના આધારે ભૂમિકા લેવાની, અભિપ્રાયો આપવાના, નિંદા કરવાની, ચૂંટણી હોય તો માપ બહાર નિંદા કરવાની, સંસદને ચાલવા નહીં દેવાની, શાસક પક્ષને લોકહિતમાં કોઈ કાયદો ઘડવાનું શ્રેય ન મળે એ માટે સંસદમાં કાયદો ઘડવા આડે વિઘ્નો પેદા કરવાનાં, સંસદીય નિયમો અને જોગવાઈઓનો દુરુપયોગ કરવાનો, વિદેશનીતિની બાબતમાં પ્રાદેશિક પક્ષોની દરમ્યાનગીરી જેવી બીમારી ટિપિકલ છે. ઓછામાં પૂરું, હવે દર વર્ષે ત્રણ કે ચાર રાજ્યોમાં વિધાનસભાઓની ચૂંટણી યોજાય છે જેનો બે મહિના સુધી પ્રચાર ચાલે છે અને એમાં વડા પ્રધાન પણ શાસક મટીને પક્ષપ્રચારક બની જાય છે. આવી જ રીતે રાજ્યોમાં પંચાયતોની ચૂંટણી યોજાય ત્યારે મુખ્ય પ્રધાનો મુખ્ય પ્રધાન મટીને પક્ષપ્રચારક બની જાય છે. ભારતના શાસકો કેન્દ્રમાં કે રાજ્યોમાં તેમનો ખાસ્સો સમય અને શક્તિ પક્ષીય રાજકારણમાં અને પક્ષીય હિતો પાછળ બગાડે છે. આનાથી પણ વધારે ચિંતાની વાત એ છે કે તેમના પક્ષીય હિતનો સવાલ હોય ત્યારે રાષ્ટ્રીય હિત હાંસિયામાં ધકેલાઈ જાય છે.

પરસ્પરવિરોધી રાજકીય પક્ષ વિના લોકશાહીની કલ્પના જ ન થઈ શકે અને એમાં પણ સંસદીય લોકશાહીમાં પક્ષીય રાજકારણ વધારે અનિવાર્ય છે. ભારતમાં ૨૯ રાજ્યો, ૭ કેન્દ્રશાસિત પ્રદેશો અને એક દિલ્હી રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ એમ કુલ ૩૭ રાજ્યો છે. આ ૩૭ રાજ્યોમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સુધરાઈઓ, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ છે. કૉલેજો અને યુનિવર્સિટીઓને પણ રાજકારણીઓએ નથી છોડી. વિદ્યાર્થી સંગઠનો જે-તે રાજકીય પક્ષ સાથે સંલગ્ન હોય છે અને એમણે વિદ્યામંદિરોને રાજકારણનો અખાડો બનાવી દીધાં છે. આ બધી જ લોકતાંત્રિક સંસ્થાઓ છે એટલે ચૂંટણી થવી અનિવાર્ય છે. ચોક્કસ આંકડો તો ખબર નથી, પરંતુ દેશમાં ગ્રામ પંચાયતોને છોડીને અંદાજે પચાસેક હજાર ઇલેક્ટેડ બૉડીઝ હશે જેમાં આખું વરસ ચૂંટણી યોજાતી રહે છે. તો આનો અર્થ એ થયો કે ભારતીય રાજકારણ રાષ્ટ્રીય ઓછું છે, પક્ષીય વધુ છે, જે અવારનવાર પ્રાદેશિક કે કોમી થતું રહે છે. શિવસેના જેવા પ્રાદેશિક પક્ષો તો ૧૦૦ ટકા રાષ્ટ્રીય હિતની વિરુદ્ધ જનારા સંકુચિત પક્ષો છે. આનો બીજો અર્થ એ થયો કે ભારતીય રાજકારણ મૂળમાં રાજકીય જરૂરિયાતને કારણે, પણ હવે સ્વભાવત: દેશમાં એકતાની જગ્યાએ વિભાજન પેદા કરનારું (ડિવિઝિવ) થઈ ગયું છે.

અમેરિકામાં ભારત કરતાં વધુ રાજ્યો છે. અમેરિકામાં કુલ ૫૦ રાજ્યો છે અને ચાર કેન્દ્રશાસિત ડિસ્ટ્રિક્ટ છે. ત્યાં પણ હજારોની સંખ્યામાં ઇલેક્ટેડ બૉડીઝ છે જ્યાં ચૂંટણી યોજાતી રહે છે. આવું જ બ્રિટનમાં અને બીજા લોકશાહી દેશોમાં છે. જગતમાં ક્યાંય ભારત જેવું દેશમાં અને પ્રજામાં વિભાજન પેદા કરનારું પક્ષીય રાજકારણ નથી. આનાં સામાજિક-રાજકીય કારણો સમજી શકાય એમ છે. દેશમાં સશક્તીકરણ (એમ્પાવરમેન્ટ)ની સાઇકલ ચાલી રહી છે જેમાં જે-તે સમાજો અને પ્રદેશો પોતાનાં હિતોને વાચા આપવાનો દાવો કરનારા રાજકીય પક્ષોને ટેકો આપે છે. જ્યાં સુધી સશક્તીકરણની પ્રક્રિયા પૂરી નહીં થાય ત્યાં સુધી સેંકડોની સંખ્યામાં ફૂટી નીકળેલા અને સંકુચિત એજન્ડા ધરાવનારા પક્ષોથી છુટકારો મળવાનો નથી. પશ્ચિમના પરિપક્વ લોકશાહી દેશોમાં પણ સશક્તીકરણની પ્રક્રિયા ચાલી હતી જે હવે પૂરી થઈ ગઈ છે અને ત્યાંનું રાજકારણ બે મુખ્ય પક્ષો વચ્ચેનું દ્વિપક્ષીય બની ગયું છે. તો શું સશક્તીકરણની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી આપણે આ રીતે દાયકાઓ વેડફવાના? ૬ દાયકાઓ વેડફ્યા છે અને હજી ૪ વેડફાશે તો શું એક આખી સદી વેડફવાની? જો કૉન્ગ્રેસ અને BJP પોતાનું રાજકીય કલ્ચર નહીં બદલે તો સદી વેડફાવાની છે. દેશના બે મુખ્ય રાજકીય પક્ષોની જવાબદારી છે કે એ દેશના રાજકારણનું જે ડિવિઝિવ કૅરૅક્ટર છે એને બદલવું જોઈએ. ઓછી આક્રમક ભાષા બોલવાથી કે ઓછી સંકુચિત ભૂમિકા લેવાથી કે બીજા શબ્દોમાં વધારે ઉદાર બનવાથી રાજકીય નુકસાન થાય છે એ સમજ ખોટી છે. બન્ને પક્ષો એવું વલણ છોડી દેશે તો એવા વલણની અનિવાર્યતા આપોઆપ ખતમ થઈ જશે. બન્ને પક્ષો રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને ભૂમિકા લેશે અને વ્યક્ત કરશે તો આપોઆપ પક્ષીય નુકસાનનો ડર ખતમ થઈ જશે. જય-પરાજય માટે અનેક કારણો હોય છે અને સૌથી મોટું કારણ તો લોકોનો શાસક પક્ષ વિશેનો દૃષ્ટિકોણ હોય છે. કમરપટ્ટા હેઠળ ઘા મારવાથી, બેફામ આક્ષેપો કરવાથી, શાસક પક્ષને કામ નહીં કરવા દેવાથી શાસક પક્ષ વિશેનો લોકોનો દૃષ્ટિકોણ બદલાઈ જશે એ અનિવાર્ય સત્ય નથી. લોકોનું પોતાનું આકલન હોય છે અને ભારતમાં મતદાતાઓએ અનેક વાર રાજકીય પક્ષોનો વિરોધીઓની બદનામી કરવાનો ખેલ ઊંધો વાળ્યો છે. બીજું, માની લો કે આનાથી થોડો લાભ પણ થતો હોય તો દેશહિતમાં એ મોહ જતો કરવો જોઈએ.

બન્ને પક્ષે ભારતીય રાજકારણના ડિવિઝિવ કૅરૅક્ટરને બદલવું જોઈએ એમ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે સવાલ એ છે કે એની પહેલ કરે કોણ? નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન તરીકે આની પહેલ કરવી જોઈએ, કારણ કે તેઓ ભારતીય રાજકારણનું કૅરૅક્ટર બદલવાનું કહી ચૂક્યા છે અને આજે તેઓ એટલી તાકાત પણ ધરાવે છે. આ વાક્ય ફરી વાર વાંચો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલ કરવી જોઈએ, BJPના નેતા નરેન્દ્ર મોદીએ નહીં. BJP ભારતીય રાજકીય પક્ષોમાં સૌથી વધુ ડિવિઝિવ કૅરૅક્ટર ધરાવનારી પાર્ટીમાંની એક છે એટલે વડા પ્રધાન મોદીએ પહેલી શરૂઆત ઘરેથી કરવી જોઈએ. તેઓ આ કરશે? જો ભારતના મહાન વડા પ્રધાનોમાંના એક તરીકે અમર થવું હશે તો આમ કરવું પડશે. રાહુલ ગાંધી આ કરી શકે, કારણ કે તેઓ સત્તાલોલુપ નથી, પરંતુ તેમની આવડત અને પ્રતિબદ્ધતા વિશે હજી ભરોસો બેસતો નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK