શરીર લકવાગ્રસ્ત બન્યું હતું, મગજ નહીં

Published: 3rd December, 2014 05:31 IST

એ સ્પિરિટ સાથે ભાયખલાનાં આ લેડીને ટીચર થતાં કોઈ રોકી ન શક્યું. નાનાં હતાં ત્યારે મુંબઈમાં ફસ્ર્ટમાં ઍડ્મિશન લેવું હતું, પણ ૧૫ વર્ષનાં થઈ ગયાં હોવાથી સ્કૂલોએ ફસ્ર્ટમાં ઍડ્મિશન આપવાની ના પાડી દીધી હતી. આજના ઇન્ટરનૅશનલ ડે ઑફ પીપલ વિથ ડિસેબિલિટી નિમિત્તે જાણીએ કે એ પછી શું થયું હતું(સ્પેશ્યલ સ્ટોરી - I Can - પલ્લવી આચાર્ય)

મૂળ પોરબંદરનાં અને ભાયખલામાં રહેતાં પંચાવન વર્ષનાં હર્ષા પંડ્યા ૩ મહિનાનાં હતાં ત્યારે આવેલો જીવલેણ તાવ તેમનાં અંગોને નિષ્ક્રિય કરી ગયો. ૩ મહિનાનાં હતાં ત્યારથી લઈને આજે પણ વૉશરૂમ જવું હોય તો તેમને મમ્મીની મદદ જોઈએ છે છતાંય સ્ટ્રૉન્ગ વિલપાવરને લઈને આ ટ્યુશન-ટીચર ખુશહાલ જિંદગી જીવી રહ્યાં છે. અનેક વાર ફિઝિકલી જ નહીં, ઇમોશનલી પણ ભાંગી પડાયું હોવા છતાં આ લેડી પોતાના પગ પર ઊભાં છે અને પોતાની બનાવેલી દુનિયામાં ખુશ છે.

ગ્રેટ ટીચર

ભણાવવાનું જેમને બહુ ગમે છે એવા આ ટીચરના સ્ટુડન્ટ્સ આજે ભણીગણીને મોટી કંપનીઓમાં ઊંચી પોસ્ટ પર છે એટલું જ નહીં, વિદેશમાં પણ છે. કોઈ કૅનેડા, કોઈ અમેરિકા તો કોઈ ઇંગ્લૅન્ડમાં છે. સવારે સાતથી લઈને સાંજે સાત વાગ્યા સુધી પણ ભણાવવું પડે તો તેઓ હોંશે-હોંશે ભણાવે એટલું ગમે છે તેમને આ કામ. સવારે ૧૦થી લઈને સાંજે સાડાછ વાગ્યા સુધી ત્રણ બૅચમાં વીસ સ્ટુડન્ટ્સ તેમની પાસે આવે છે. આ ટીચરની લગન એવી છે કે ભણવામાં વીક હોય તેને તેઓ દિવસમાં બેથી ત્રણ વાર બોલાવીને ભણાવે. તે કહે છે, ‘કોઈ ચોવીસ કલાક ભણાવવાનું કહે તો પણ મને મજા આવે.’

સ્ટુડન્ટ્સ માટે તે જે મહેનત કરે છે એનું પરિણામ તેમને ચોક્કસ મળે છે. તેમના સ્ટુડન્ટ્સ સારા માક્ર્સ સ્કોર કરે છે. હર્ષાબહેનની જિંદગી વિદ્યાર્થીઓની આજુબાજુ જ વણાઈ ગઈ છે. તેથી જ તેઓ કહે છે, ‘હવે મારા સ્ટુડન્ટ્સ જ મારી જિંદગી છે.’

હર્ષાબહેન તેમના સ્ટુડન્ટ્સને પિકનિક લઈ જાય છે. મૉલમાં અને બીજે ફરવા લઈ જાય છે. મૂવી જોવા તથા ગાર્ડનમાં પણ લઈ જાય છે.

શરીરની ભારે હાલાકી

શરીરની ક્ષીણતાએ એમ તો આ લેડીને બહુ પજવ્યાં છે. ત્રણ મહિનાનાં હતાં ત્યારે ભારે તાવમાં શરીર લકવાગ્રસ્ત બની ગયું. તેમને પોરબંદરથી મુંબઈ લાવવામાં આવ્યાં. બૉમ્બે હૉસ્પિટલમાં છ મહિના આખું શરીર પ્લાસ્ટરમાં રાખ્યું હતું ત્યારે તેઓ ૧૦ મહિનાનાં હતાં. હાથ-પગ-ડોક બધું જ વાંકું થઈ ગયું હતું. કરોડરજ્જુ સહિત કુલ આઠ ઑપરેશનો થયાં. દરિયાની રેતીમાં કલાકો ઊભાં રહેવું, ગરમ પાણીમાં ઊભાં રહેવું, એક જાતનું ઘાસ વાટીને પીવું જેવા અનેક ઘરગથ્થુ ઇલાજો કર્યા; અનેક બાધા-આખડીઓ કરી; પણ કોઈ ફરક ન પડ્યો.

શરીરની પળોજણમાં ૧૦ વર્ષનાં થયાં ત્યાં સુધી ભણવાનું કંઈ ઠેકાણું ન પડ્યું, કારણ કે ભાયખલામાં જ્યાં તે રહેતાં હતાં ત્યાં નજીક કોઈ સ્કૂલ નહોતી, પણ તેમનાં દાદી નજીકમાં આવેલા ટ્યુશન-ક્લાસમાં તેમને ઊંચકીને મૂકી આવતાં હતાં. ૧૪મા વર્ષે તેમના બૅકબોનનું મોટું ઓપરેશન થયું. બૅકમાં લોખંડનો સળિયો નાખવામાં આવ્યો છે. ગરદનથી લઈને આખા શરીરે પ્લાસ્ટર કયુંર્ હતું જે એક વર્ષ સુધી રાખવું પડ્યું. જોકે ડાબો હાથ અને જમણો પગ થોડા અંશે કામ કરે છે એથી તેઓ ભગવાનનો પાડ માને છે.

મારે ટીચર બનવું હતું

ટ્યુશનમાં જવાથી હર્ષાને ભણવામાં રસ પડવા લાગ્યો. તેને ભણવું હતું, પણ ૧૫ વર્ષ થઈ ગયાં હોવાથી મુંબઈની કોઈ સ્કૂલ ફસ્ર્ટમાં ઍડ્મિશન આપવા તૈયાર નહોતી. છેવટે ભાયખલાની રેજિના પૅસિસ કૉન્વેન્ટ ગર્લ્સ હાઈ સ્કૂલે ઇન્ટરવ્યુ પછી ફસ્ર્ટમાં ઍડ્મિશન આપ્યું. ભણવાની લગનને લઈને હર્ષાબહેન એક જ વર્ષમાં થર્ડ સુધી પહોંચી ગયાં. જોકે આ બધું પણ ઈઝી નહોતું. તે કહે છે, ‘મને રનિંગ રાઇટિંગ ન ફાવતું એથી ટીચર મારી બુક ફાડીને ફેંકી દેતાં, પણ મારો વિલપાવર મજબૂત હતો. સ્કૂલની ટીચરો, સહાધ્યાયીઓ અને આજુબાજુના બધા લોકો મને સ્કૂલ જવામાં મદદ કરતાં. મારી બૅગ ઊંચકી લેતાં.’

ટેન્થ પછી કૉલેજ જવું હતું, પણ મૅનેજ ન થઈ શકવાથી કરસપૉન્ડન્સથી એક્ઝામ્સ આપી. તેમને ફ્રેન્ચ શીખવું હતું, ડ્રૉઇંગ કરવું હતું, કમ્પ્યુટર શીખવું હતું. બધું તો ન થઈ શક્યું, પણ કમ્પ્યુટરનું બેસિક નૉલેજ આપવા સ્કૂલના ટીચરે વ્યવસ્થા કરી. સાથે તેમને ભણાવવાનો શોખ હોવાથી બોર્ડિંગની છોકરીઓને તે મરાઠી અને ઇંગ્લિશ શીખવવા લાગ્યાં. ટીચર બનવામાં સૌથી વધુ સાથ તેમને તેમના સ્ટુડન્ટ્સે આપ્યો કે જે રીતે બેસી શકો એ રીતે બેસો, તમને અમે હેલ્પ કરીશું; પણ ભણાવો તો તમે જ.

મારી દુનિયા

ટ્યુશન્સમાં વ્યસ્ત થઈ જવાના કારણે હર્ષાબહેન ગ્રૅજ્યુએશન ન કરી શક્યાં, લાસ્ટ યરની એક્ઝામ બાકી રહી ગઈ. ઇલેવન્થમાં હતાં ત્યારથી તે ટ્યુશન્સ કરે છે અને પોતાની દુનિયામાં ખુશ રહે છે.

ખુશી-ખુશી જિંદગીનાં ૫૪ વર્ષ પૂરાં કરનારાં હર્ષાબહેનને કદી દુ:ખી નથી થવું પડ્યું એવું નથી, જિંદગીનાં બે-ત્રણ વર્ષ બહુ ખરાબ ગયાં. લાઇફમાં કેટલીયે વાર એવું બન્યું કે ઇમોશનલી પડી ભાંગ્યાં. પોતાની આ વ્યથાને રજૂ કરતાં તે કહે છે, ‘ક્યાંય જઈ ન શકાય તેથી ઘણી વાર ઇમોશનલી ભાંગી પડાયું. કોઈ વાર મારી દુનિયા વસાવવાનું મન પણ થયું હતું, પણ એ શક્ય નહોતું. ઘણી વાર એવું બનતું કે કોઈ કંઈ કહે તો ખરાબ લાગી જતું. આ બધા છતાં મેં પૉઝિટીવલી લીધું કે બીજા કરતાં મારી સ્થિતિ સારી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK